ખોપરીની આંખમાં મુકાયેલી એ ચિઠ્ઠી, જેણે 160 વર્ષ જૂનો ભેદ ઉકેલ્યો

- લેેખક, સૌતિક વિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
2014માં લંડનની માઇલ ઍન્ડની ઑફિસમાં બેઠેલા ઇતિહાસકાર કિમ વેગનરને એક દંપતીનો ઇ-મેઇલ મળ્યો કે તેમની પાસે એક ખોપરી છે.
લંડનની ક્વિન મેરી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ડૉ. વેગનર જણાવે છે તે દંપતી પોતાના ઘરમાં આવી 'વસ્તુ' હોવાથી મૂંઝાતું હતું અને તેનું શું કરવું તેની સમજ પડતી નહોતી.
ખોપરીનું નીચેનું જડબું ગાયબ હતું. થોડા દાંત વધ્યા હતા તે ઢીલા પડી ગયા હતા અને ખોપરીનો રંગ 'જૂના જમાનાના સેપિયા જેવો' થઈ ગયો હતો.
સૌથી રસપ્રદ વાત હતી કે ખોપરીની આંખમાં હાથે લખેલી એક નોંધ ભરાવેલી હતી. નોંધમાં આ ખોપરીની ટૂંકી કથાનું વર્ણન હતુંઃ
હવાલદાર 'આલમ બેગ', 46મી રેજિમેન્ટ, બેંગાલ એન. ઇન્ફન્ટ્રીની ખોપરી.
તેની રેજિમેન્ટના ઘણાની સાથે તેની ખોપરી તોપથી ઉડાવી દેવાઈ હતી. 1857ના બળવામાં તે મુખ્ય આગેવાન અને બહુ માથાભારે હતો.
તેણે કિલ્લા તરફ જતા એક માર્ગ પર પોતાની ટુકડી સાથે સ્થાન જમાવ્યું હતું. બધા યુરોપિયનો સુરક્ષા માટે આ કિલ્લા તરફ જઈ રહ્યા હતા.
આલમ બેગની ટુકડીએ આક્રમણ કરીને ડૉ. ગ્રેહામ બેગની હત્યા કરી હતી. તેઓ પોતાની દીકરીની બાજુમાં બગીમાં બેઠા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો બીજો શિકાર હતા કિલ્લા તરફ જઈ રહેલા મિશનરી રેવરન્ડ મિ. હન્ટર, તેમનાં પત્ની અને પુત્રીઓ.
તેમને ત્રાસ આપ્યા બાદ રસ્તાના કાંઠે જ તેમની હત્યા કરી નખાઈ હતી. આલમ બેગ લગભગ 32 વર્ષનો હતો, પાંચ ફૂટ સાડા સાત ઈંચની ઊંચાઈ હતી અને દેખાવે અત્યંત ક્રૂર નેટિવ હતો.
આ ખોપરી કૅપ્ટન એ. આર. કોસ્ટેલો પોતાની સાથે વતનમાં લઈ આવ્યા હતા. તેઓ 7મી ડ્રેગ ગાર્ડ્સના કેપ્ટન હતા અને આલમ બેગને તોપથી ઉડાવી દેવાયો ત્યારે ફરજ પર હતા.
આ નોંધથી એ સ્પષ્ટ થઈ જતું હતું કે આલમ બેગ નામના ભારતીય સૈનિકની તે ખોપરી હતી.
બેંગાલ રેજિમેન્ટમાં તે કામ કરતો હતો અને 1858માં (હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા) સિયાલકોટમાં તેને તોપના મોઢે બાંધીને ઉડાવી દેવાયો હતો.
ત્યાં હાજર અંગ્રેજ અફસર તેની ખોપરી પોતાની સાથે ઇંગ્લૅન્ડ લઈ આવ્યા હતા. આલમ બેગે શા માટે હત્યાઓ કરી હતી તેનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો.
સિપાહી તરીકે જાણીતા નેટિવ હિન્દુ અને મુસ્લિમો સૈનિકોએ 1857માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે 1857માં બળવો કર્યો હતો.
તેમને અપાયેલી બંદૂકોના કારતૂસોની ઉપર તેમના ધર્મમાં પ્રતિબંધિત પ્રાણીઓની ચરબી લગાવેલી છે તેવી આશંકાને કારણે તેમણે બળવો કર્યો હતો.
ભારતને 1947માં આઝાદી મળી તે પહેલાં 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન રહ્યું હતું.
એસેક્સના જે દંપતીના ઘરમાં આ ખોપરી પડી હતી, તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને બેગ વિશે જાણવાની કોશિશ કરી હતી.
તેમાં નિષ્ફળતા મળી તે પછી તેમણે ડૉ. વેગનરનો સંપર્ક સાધ્યો હતો, કેમ કે તેમને જાણવા મળ્યું કે ડૉ. વેગનરે ભારતીય બળવો, જેને ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે પણ ઓળખાવાય છે, તેના વિશે પુસ્તક લખ્યું છે.

'બિહામણું સંભારણું'

આખરે નવેમ્બરમાં પોતાના જન્મદિને ડૉ. વેગનર તે દંપતીને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને વારસામાં આ ખોપરી મળી છે.
તેમના એક સગાએ 1963માં કેન્ટમાં ધ લૉર્ડ ક્લાઇડ નામનું એક પબ ખરીદ્યું હતું, ત્યાંથી ખોપરી મળી હતી.
પબની પાછળ એક નાના રૂમમાં રાખેલાં કેટલાંક ખોખાંમાંથી ખોપરી મળી આવી હતી.
જોકે, આ પબમાં ખોપરી કઈ રીતે પહોંચી તેનો કોઈને અંદાજ નથી. 1963માં ખોપરી મળી આવી ત્યારે સ્થાનિક અખબારોમાં 'હચમચાવી દેનારી ખોજ' એવી રીતે સમાચારો પ્રગટ થયા હતા.
બાદમાં તેને પબમાં ગોઠવવામાં આવી હતી. પબના માલિકનું અવસાન થયું ત્યારે તેમના વારસદારોના હાથમાં તે આવી ત્યારે તેમણે તેને સંતાડીને મૂકી દીધી હતી.
ડૉ. વેગનર કહે છે, "આ રીતે એસેક્સના નાના ટ્રેન સ્ટેશન પર હું પહોંચ્યો અને મારી બેગમાં હતી એ ખોપરી. કોઈ જેવીતેવી ખોપરી નહીં પણ મેં લખ્યો હતો અને દર વર્ષે મારા વિદ્યાર્થીઓને ભણાવતો હતો તે ઇતિહાસ સાથે સીધી રીતે જોડાયેલી ખોપરી."
જોકે, સૌપ્રથમ ડૉ. વેગનરે એ ખાતરી કરવાની હતી કે નોંધમાં જણાવ્યા પ્રમાણે ખોપરી ખરેખર ઇતિહાસ સાથે જોડાયેલી છે કે કેમ.
લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમના એક નિષ્ણાતને ખોપરી તપાસવા અપાઈ. તેમણે જણાવ્યું કે તે 19મી સદીના મધ્યભાગની છે, એશિયન કુળની છે અને મોટા ભાગે 30 વર્ષની ઉંમરના માણસની છે.
ખોપરી પર કોઈ ઘાના નિશાન નહોતા. તેનાથી નવાઈ ના લાગવી જોઈએ, કેમ કે તોપના મોઢે બાંધીને માણસને ઉડાવી મૂકવામાં આવે ત્યારે ધડને વધારે અસર થતી હોય છે.
ખોપરી પર કશાકથી કટ માર્યાના નિશાન હતા. તેને ઉકાળીને માંસ દૂર કરાયું હશે કે ખુલ્લામાં છોડી દેવાઈ હશે તેમ લાગતું હતું.
બેગ વિશે કોઈ માહિતી મળશે તેવી આશા શરૂઆતમાં પોતાને નહોતી એમ ડૉ. વેગનર કહે છે.

સિગાર બૉક્સ

કોઈ વ્યક્તિ કે સૈનિક વિશે સામ્રાજ્યના ઇતિહાસમાં કોઈ નોંધ હોય તેવી શક્યતા નહોતી.
સિવાય કે મંગળ પાંડે જેવા સૈનિકની, જેણે કોલકાતાના સીમાડે 20 માર્ચ, 1857ના રોજ બ્રિટિશ અફસર પર પહેલી ગોળી છોડી હતી. તે સાથે જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે વિરોધ ફાટી નીકળ્યો હતો.
કોઈ પણ દસ્તાવેજ, અહેવાલ, પત્રો, સ્મરણોમાં બેગનું નામ મળતું નહોતું. ભારત અને યુકેમાં સચવાયેલા અદાલતી કાર્યવાહીના રેકર્ડ્ઝમાં પણ નામ મળતું નહોતું. ખોપરી પાછી મેળવવા માટે કોઈ વારસદારે દાવો પણ કરેલો નહોતો.
જોકે કેટલાંક સંશોધનને કારણે આશા જાગી હતી.
બેગે જેમની હત્યા કરી હતી તેમાંથી કેટલાકે પોતાના કુટુંબને પત્રો લખ્યા હતા તે ડૉ. વેગનરે મળી આવ્યા.
સૌથી અગત્યની કડી અમેરિકન મિશનરી એન્ડ્રૂ ગોર્ડનનાં સ્મરણો અને પત્રોમાંથી મળી હતી.
તે વખતે તેઓ સિયાલકોટમાં રહેતા હતા અને બેગ જેમની હત્યા કરી હતી તે ડૉ. ગ્રેહામ અને હન્ટર્સ બંનેને અંગત રીતે ઓળખતા હતા. સૈનિકોને તોપને નાળચે દેવાયા ત્યારે પણ તેઓ હાજર હતા.
ધ સ્ફિયર નામના એક અખબારમાં 1911માં એક અહેવાલમાંથી પણ માહિતી મળી. તેમાં વ્હાઇટહોલના મ્યુઝિયમમાં મુકાયેલી બિહામણી ચીજનો ઉલ્લેખ હતોઃ
ભારતના બળવાનો એક બિહામણો નમૂનો હાલમાં જ રૉયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટના મ્યુઝિયમમાં મૂકાયો હોવાનું અમારી જાણમાં આવ્યું છે. 1858માં 18 લોકો સાથે તોપથી ઉડાવી દેવાયેલા બંગાલ ઇન્ફ્રન્ટીની 49મી બંગાલ રેજિમેન્ટના એક સિપાહીની તે ખોપરી છે. અમે જોયું કે ખોપરીને સિગાર બોક્સમાં ફેરવી નખાયું છે.
અખબારમાં આગળ લખાયું હતું કે "એમ તે વખતના ત્રાસદાયક સમયની વાતોને - નેટિવ લોકોની ક્રૂરતા અને વળતા તેમના પર કરાયેલા અત્યાચારની વાતોને - સમજી શકીએ છીએ, પરંતુ આપણે લીધેલા બદલાનો એક મેમેન્ટો આવી રીતે સંસ્થામાં પ્રદર્શનમાં મૂકવો જોઈએ ખરો?"
આ સિવાઇ કોઈ પુરાવા મળતા નહોતા, પણ ડૉ. વેગનરે બેગ વિશે વધુ તપાસ કરવાનું ચાલુ રાખ્યું.
તેમણે લંડન અને દિલ્હીની આર્કવાઇવ્ઝ તપાસ્યાં. જુલાઈ 1857માં ત્રીમુ ઘાટમાં ચાર દિવસ ચાલેલી લડાઈના સ્થળની જાતતપાસ માટે સિયાલકોટનો પ્રવાસ પણ કર્યો.
આ લડાઈમાં બાદમાં બેગ સહિતના સિયાલકોટના બળવાખોરો પકડાઈ ગયા હતા.
જનરલ જ્હોન નિકોલસને તેમને પકડ્યા હતા. બે મહિના પછી દિલ્હીને બળવાખોરોના કબજામાંથી છોડાવવા માટેના હુમલામાં તેઓ સામેલ હતા, જેમાં ઘાયલ થઈને તેઓ મૃત્યુ પામ્યા હતા.
બળવા પછી નોંધાયેલાં નિવેદનો, પત્રો, અરજીઓ વગેરે તેમણે તપાસ્યાં. 19મી સદીમાં પ્રગટ થતા અખબારોના અહેવાલો પણ જોઈ ગયા અને પુસ્તકોમાં પણ નજર દોડાવી.
તેઓ જણાવે છે કે "યુકે અને ભારતમાં મેં આ રીતે લાંબો સમય તપાસ કરી તે પછી મને લાગ્યું કે આની પાછળ તો એક વધારે મોટી કહાણી છે."

'ડિટેક્ટિવ નવલકથા'

તેમની આ લાંબી શોધખોળના અંતે તૈયાર થયું છે તેમનું નવું પુસ્તકઃ ધ સ્કલ ઑફ આલમ બેગ.
19મી સદીમાં ભારતમાં બ્રિટિશ શાસન વખતે થયેલા સામ્રાજ્ય વિરોધનો બહુ રસિક ઇતિહાસ તેમાં વર્ણવાયો છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના ઍસોસિએટ પ્રોફેસર યાસ્મીન ખાન કહે છે, "પુસ્તક વાંચતા એવું લાગે જાણે કોઈ ડિટેક્ટિવ નવલકથા છે. સાથોસાથ બ્રિટિશ શાસન અને સામ્રાજ્ય વખતે થયેલી હિંસાને સમજવા માટે પણ તે બહુ ઉપયોગી છે".
ડૉ. વેગનરે પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે "અસલમ બેગના અવશેષોની અવદશા કરીને તેમનું સન્માન જળવાયું નહોતું અને માનવતા પણ જળવાઈ નહોતી, તે સ્થિતિને કંઈક અંશે પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ થયો છે".
"મને આશા છે કે લગભગ 160 વર્ષો પછી આખરે આલમ બેગને શાંતિ પ્રાપ્ત થાય તેની ભૂમિકા હું તૈયાર કરી શક્યો છું."
ડૉ. વેગનરે તેમની કથા લખી છે, તેમાં મૂળ અંગ્રેજી સ્પેલિંગની જગ્યાએ યોગ્ય એવું આલમ બેગ નામ તેને મળ્યું. કથા પ્રમાણે ઉત્તર ભારતના સુન્ની મુસ્લિમિ હતા.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બેંગાલ રેજિમેન્ટ તૈયાર કરાઈ હતી. તેથી બેગ તે વિસ્તારના હોવાની શક્યતા છે. હિન્દુ બહુલ આ રેજિમેન્ટમાં લગભગ 20 ટકા મુસ્લિમો હતા.
બેગની ટુકડીમાં થોડા સૈનિકો હતા અને છાવણીના ચોકીપહેરાની આકરી ફરજ બજાવતા હતા.
રેજિમેન્ટના ઉપરીઓ માટે ટપાલો લાવવા જઈ જવાનું પટ્ટાવાળાનું પણ કામ કરતા હતા.
જુલાઈ 1857માં વિરોધની આગ ફેલાઈ તે પછી તેઓ બ્રિટિશ દળોના હાથમાં આવ્યા નહોતા. છેક એક વર્ષ પછી પકડાયા અને તેમને તોપને મોઢે દેવાયા.

આખરી સ્થાન

નોંધમાં જેમનો ઉલ્લેખ છે તે કૅપ્ટન કોસ્ટેલો એટલે રૉબર્ટ જ્યોર્જ કોસ્ટેલો એવી ઓળખ થઈ શકી હતી.
તેઓ જ ખોપરીને ઇંગ્લૅન્ડ લઈ આવ્યા હતા તેમ ડૉ. વેગનર માને છે. તેઓ આયરલૅન્ડમાં જન્મ્યા હતા અને 1857માં ભારત મોકલવામાં આવ્યા હતા.
દસ મહિના બાદ તેઓ રિટાયર થયા હતા અને ઑક્ટોબર 1858માં ભારતથી સ્ટિમરમાં વતન પરત આવવા નીકળ્યા હતા. એક મહિના પછી સાઉથમ્પટન પહોંચ્યા હતા.
"મારા સંશોધનનો હેતુ એ છે કે બેગના અવશેષને શક્ય હોય તો ભારત પરત મોકલવામાં આવે," એમ ડૉ. વેગનર કહે છે.
કોઈએ ખોપરી માટે દાવો કર્યો નથી, પણ કેટલીક ભારતીય સંસ્થાઓ સાથે તથા ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશન સાથે તેઓ સંપર્કમાં છે એમ તેઓ જણાવે છે.
"હું નથી ઇચ્છતો કે બેગના અવશેષોના મામલે કોઈ રાજકારણ થાય. તે કોઈ મ્યુઝિયમમાં મૂકી દેવાય કે પછી કોઈ બોક્સમાં મૂકીને ભૂલી જવાય તેમ પણ ઇચ્છતો નથી," એમ તેઓ કહે છે.
"હું આશા રાખું કે બેગના અવશેષો પરત મોકલવામાં આવે અને સન્માન સાથે દફનવિધિ કરવામાં આવે."
તેમના મતે રવિ નદીના કિનારે તેને દફનાવવા જોઈએ, કેમ કે બેગ અને તેમના સાથી સિપાહીઓએ છેલ્લે ત્યાં આશરો લીધો હતો. આ જગ્યા અત્યારે ભારત અને પાકિસ્તાનની સરહદ વચ્ચે આવેલી છે.
"જોકે ખરેખર ક્યાં દફનવિધિ થવી જોઈએ તે મારે નક્કી કરવાનું નથી, પણ જે કંઈ થાય, એટલું નક્કી છે કે આલમ બેગની કહાનીનું આખરી પ્રકરણ લખવાનું હજી બાકી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















