જ્યારે નાગા સાધુઓ કાશી વિશ્વનાથને બચાવવા ઔરંગઝેબની સેના સામે લડ્યા

અઘોરી નાગા બાવા શિવરાત્રી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં ભવનાથનો મેળો ભરાય છે, જેમાં આસપાસના વિસ્તારો ઉપરાંત રાજ્યભરમાંથી શિવભક્તો ઊમટી પડે છે. આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુ હોય છે.

શરીર પર ભભૂત, ચહેરા પર લેપ અને લાંબી ખુલ્લી જટાઓ, દિગબંર સ્વરૂપ આ નાગા સાધુઓને આગવી ઓળખ આપે છે. તેઓ તલવાર, ચક્ર, તીર-કમાન, ત્રિશૂળ અને ભાલા સહિતના અસ્ત્ર-શસ્ત્ર દ્વારા કરતબ અને અંગકસરતના દાવ દેખાડે છે.

મુગલકાળમાં શાસ્ત્રોની સાધના કરતા સાધુઓનાં શસ્ત્ર ધારદાર હોતાં અને એક તબક્કે તત્કાલીન મુગલ શહેનશાહ સામે જ તેમનો ઉપયોગ કરવો પડ્યો હતો.

એવું પણ ઇતિહાસમાં નોંધાયેલું છે કે દશનામીઓએ કાશી વિશ્વનાથના મંદિરની રક્ષા કાજે ઔરંગઝેબની સેના સામે લડાઈ લડી હતી અને બલિદાન આપ્યાં હતાં.

line

આદિશંકરાચાર્ય અને અખાડાનો આરંભ

અઘોરી નાગા બાવા શિવરાત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઈસુની આઠમીથી નવમી સદી દરમિયાન બૌદ્ધ મઠ અને વિહારનો પ્રભાવ ઘટી રહ્યો હતો, ત્યારે આદિ શંકરાચાર્યના સમયમાં જ અખાડાવ્યવસ્થાની શરૂઆત થઈ હતી.

આદિ શંકરાચાર્યે બદરીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમ ખાતે મઠોની સ્થાપના કરી. તેની આજુબાજુ જ અરણ્ય, આશ્રમ, ભારતી, ગિરિ પર્વત, પુરી, ભારતી, સરસ્વતી, સાગર, તીર્થ અને વન એમ 10 સંપ્રદાયોમાં સંન્યાસીઓ સંગઠનાત્મકસ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. આમ તેમનાં 10 નામ હોવાથી તેઓ 'દશનામી' તરીકે ઓળખાયા. સાધુ જે પંથના હોય છે એજ તેમના નામ સાથે અટકની જેમ જોડાય જાય છે.

પ્રારંભિક અખાડા મુખ્યત્વે શૈવ (શિવમાં માનનારા) અને વૈષ્ણવ (વિષ્ણુમાં માનનારા વૈરાગી કે બૈરાગી) હતા. હવે તેમાં ઉદાસીનોનો પણ સમાવેશ થાય છે, જે શીખ અખાડા છે. હાલ 13 અખાડા અસ્તિત્વ ધરાવે છે, જેમાં કુલ સાધુઓની સભ્યસંખ્યા પાંચ લાખ આસપાસ હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.

દરેક અખાડાનું સંચાલન મહામંડલેશ્વરના હસ્તક હોય છે, જેઓ અખાડાના સર્વોચ્ચ વડા હોય છે. અગાઉ મહામંડલેશ્વર 'પરમહંસ' તરીકે ઓળખાતા હોવાનું જદુનાથ સરકાર દશનામીઓના ઇતિહાસ અંગેના પુસ્તકમાં (પેજનંબર 92) લખે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

એક અખાડામાં આઠ ખંડ અને 52 કેન્દ્રો હોય છે. તેમના હાથ નીચે મંડલેશ્વર હોય છે. અખાડાના કદના આધારે સભ્યસંખ્યા વધુ ઓછી હોય શકે છે. મહંતના નેતૃત્વમાં દરેક કેન્દ્રમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે.

પ્રારંભિક સદીઓ દરમિયાન આ મહંતોના વિસ્તાર હિંદુ રાજાઓને આધીન હતા અને કોઈપણ રાજા આ સંન્યાસીઓને સન્માન આપતા અને તેમની જરૂરિયાતો પૂરી કરતા.

અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે, "અખાડાની પરંપરાની શરૂઆત સિકંદરના આક્રમણના સમયથી થઈ હોવાનું માનવામાં આવે છે. સર જદુનાથ સરકારે તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ દશનામી નાગા સંન્યાસીઝ'માં આ સંબંધી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે."

અખાડામાં સાધુઓ આસાનીથી પ્રવેશ મેળવી શકતા નથી. એ માટે તેમણે આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. સાધુઓને પ્રવેશ આપવા માટે અખાડામાં અલગ-અલગ વ્યવસ્થા છે, પરંતુ લગભગ તમામ અખાડામાં પ્રવેશ પહેલાં સાધુઓએ ચાર-પાંચ વર્ષ સુધી સેવા કરવી પડે છે. એ પછી કોઈ કુંભ મેળામાં જ તેમને દીક્ષા આપવામાં આવે છે.

આ નાગા સાધુઓ કુંભ, મહાકુંભ કે શિવરાત્રિના મેળા જેવા ઉત્સવોમાં મોટાપાયે જોવા મળે છે, એ સિવાય તેમની હરફર મહદંશે તેમના અખાડા અને આસપાસના વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે.

line

અકબર, અસ્ત્ર-શસ્ત્ર અને સંન્યાસી

અઘોરી નાગા બાવા શિવરાત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્ઞાનવ્યાપી મસ્જિદ અને પાસે કાશી વિશ્વનાથ મંદિર

ભારતમાં ખ્રિસ્તી પાદરી અને માંચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક જોન નિકોલ ફારક્યૂહરે 'ધ ફાઇટિંગ અસેટિક્સ ઑફ ઇંડિયા'ના નામથી શોધપત્ર રજૂ કર્યું હતું. જે બુલેટિન ઑફ જોન રાયલન્ડસ લાઇબ્રરી દ્વારા વર્ષ 1925માં પ્રકાશિત થયું હતું.

સરસ્વતી સંપ્રદાયના સાધુએ 'શ્રુતિ અને સ્મૃતિ પરંપરા' મુજબ કહેલી વાતને ટાંકતા પ્રો. ફારક્યૂહર (પેજનંબર 442-443) લખે છે કે અકબરના સમયકાળ દરમિયાન માત્ર બ્રાહ્મણ સંન્યાસી બનતા. તેઓ સવાર-સવારમાં ગંગા નદીમાં સ્નાન કરવા માટે જતા ત્યારે અચાનક જ ફકીરો આવી ચઢતા અને તેઓ આ સંન્યાસીઓની હત્યા કરતા. આ તેમના માટે રમત જેવું હતું. મૂર્તીપૂજક કાફિરોની હત્યા ફકીરોને યોગ્ય જણાતી અને સ્થાનિક મુસ્લિમ અધિકારીઓ પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.

આવા સમયે વારાણસીના મધુસુદન સરસ્વતી નામના સંસ્કૃતના વિદ્વાન રહેતા અને તેમણે અનેક પુસ્તક પણ લખ્યાં હતાં. ફકીરો દ્વારા સાધુઓની હત્યા મુદ્દે અકબરને રજૂઆત કરી કે તેઓ નિઃશસ્ત્ર હોય છે, જ્યારે ફકીરોને રાજ દ્વારા કોઈ સજા થઈ શકતી નથી.

આવા સમયે રાજા બિરબલે સલાહ આપી કે મધુસુદન સરસ્વતીએ બ્રાહ્મણ ન હોય તેવા પરંતુ તેમનું રક્ષણ કરી શકે તેવા લોકોની સંન્યાસીઓ તરીકે ભરતી કરવી અને ફકીરોની જેમ જ તેમને પણ કાયદાકીય રક્ષણ આપવું.

એ પછી મધુસુદન સરસ્વતીના આહ્વાન પર હજારોની સંખ્યામાં રક્ષક તરીકે જોડાયા. જોકે, 12મી અને 13મી સદી દરમિયાન માત્ર બ્રહ્મણોને જ પ્રવેશ મળતો, એટલે નવી ભરતીઓ તો થઈ, પરતુ તેમનો સમાવેશ પેટાસંપ્રદાયમાં કરવામાં આવ્યો હતો.

પ્રો. ફરક્યૂહાર આ ઘટના ઈ.સ. 1565 આસપાસ હોવાનું અનુમાન મૂકે છે. સાથે જ નોંધે છે કે આ સાધુઓ ભાંગ તથા કડક પીણાંનું વ્યાપક રીતે સેવન કરે છે.

જોકે, 13મી કે 14મી સદી દરમિયાન થઈ ગયેલા રામાનંદ તેમની પરંપરાના સ્થાપના સમયથી જ તમામ વર્ણ, જ્ઞાતિ-જાતિના લોકોને પોતાના પંથમાં સ્થાન આપતા હોવાના ઉલ્લેખ જોવા મળે છે.

line

ઔરંગઝેબ, ફરમાન અને કાશી

અઘોરી નાગા બાવા શિવરાત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુંભ દરમિયાન દીક્ષા લઈ રહેલા નવા સાધુ

આગામી લગભગ એક સદી સુધી આ પ્રકારની વ્યવસ્થા ચાલતી રહી, પરંતુ ઔરંગઝેબના આગમન પછી તેમાં પરિવર્તન આવવાનું હતું અને શાહી સેના સાથે સાધુઓનો સંઘર્ષ થવાનો હતો.

1659માં ઔરંગઝેબે વારાણસીના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે વારાણસીના બ્રાહ્મણો અને હિંદુઓની બિનજરૂરી રીતે કનડગત કરવામાં ન આવે.

જદુનાથ સરકાર 'અ હિસ્ટ્રી ઑફ દશનામી નાગા સન્યાસી'માં વારાણસી ખાતે સુલતાનની ફોજ અને દશનામીઓ વચ્ચે થયેલી લડાઈનો ઉલ્લેખ કરે છે. દશનામીઓની હસ્તપ્રતોના આધારે 'જ્ઞાનવાપીની લડાઈ' શિર્ષક હેઠળ આ વિવરણ આપવામાં આવ્યું છે. જે મુજબ :

સંવત 1721 (ઈ.સ. 1664)માં તેમણે સુલતાન સાથે લડાઈ કરી અને વિજયયશ પ્રાપ્ત કર્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લડાઈ ચાલી અને દશનામીઓ નાયક તરીકે પ્રસ્થાપિત થયા. તેમણે વિશ્વનાથગાદીની પ્રતિષ્ઠાની રક્ષા કરી અને મિર્ઝા અલી, તુરંગ ખાન અને અબ્દુલ અલીને પરાજય આપ્યો.

કાળક્રમના આધારે આ સુલતાન ઔરંગઝેબ હોવાનું ઇતિહાસકાર જદુનાથ સરકાર માને છે. પોતાના અન્ય એક પુસ્તક 'અ શૉર્ટ હિસ્ટ્રી ઑફ ઔરંગઝેબ'માં (પેજનંબર 155-156) પર લખે છે કે, "તા. નવમી એપ્રિલ 1669ના રોજ એક સામાન્ય આદેશ બહાર પાડ્યો હતો, જેમાં કાફરોનાં તમામ મંદિર અને શિક્ષણસંસ્થાઓને તોડી પાડવાનો અને તેમના ધાર્મિકશિક્ષણ અને આચરણની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે સોમનાથના બીજા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને મથુરાના કેશવરાય મંદિરનું પતન થયું."

line

શિવાજીને કારણે કાશી પર કોપ?

અઘોરી નાગા બાવા શિવરાત્રી

કાશી વિશ્વનાથ મંદિરના પતન માટે એક પ્રચલિત માન્યતા એવી છે કે વારાણસીના જાગીરદારોએ 1666માં શિવાજીને આગ્રાથી રાયગઢ નાસી છૂટવા માટે રસ્તામાં મદદ કરી હતી.

રાજા માનસિંહના સમયમાં અહીં શિવમંદિરનું નિર્માણ થયું હતું, તેમના પ્રપૌત્ર જયસિંહે આગરામાં શિવાજીને મદદ કરી હતી. મંદિરના ખંડન દ્વારા શહેર ઉપર પ્રભુત્વ ધરાવનારાઓને કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. અહીંના કેટલાક બ્રાહ્મણો દ્વારા ઇસ્લામિક શિક્ષણમાં દખલ દેવામાં આવતી હતી.

મિનાક્ષી જૈન તેમના પુસ્તક 'ફ્લાઇટ ઑફ ડેટ્ટીઝ ઍન્ડ રિબર્થ ઑફ ટૅમ્પલ્સ'માં (પેજનંબર 96) ધ્વસ્ત મંદિરના હિસ્સાનો મસ્જિદની પાછળની દિવાલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેના સ્થળના આધારે ગ્યાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે.

એ પુસ્તકમાં આગળ (પેજનંબર 112-113) ઉપર લખે છે કે એ સમયે બનારસ કોઈ રાજવી શહેર કે વિસ્તાર ન હતા. શિવાજીને મદદ કરવા બદલ બનારસના મુખ્ય મંદિરને તોડી પાડવામાં આવ્યું હોવાનું કેટલાક વિદ્વાનો નોંધે છે, પરંતુ અન્ય મંદિરોને શા માટે ધ્વસ્ત કરવામાં આવ્યા, તેના અંગે કોઈ સ્પષ્ટતા નથી. બનારસમાં દૂર-દૂરથી ભણવા આવતા વિદ્યાર્થીઓને ખોટાં પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવતું હોવાની બાદશાહને માહિતી મળી હોવાથી, તેને અટકાવવા માટે તથા ઇસ્લામને પ્રસ્થાપિત કરવા માટેના આદેશ કરવામાં આવ્યો હોનું જૈન નોંધે છે.

આ અંગે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેની સુનાવણી વારાણસીની કોર્ટમાં ચાલી રહી છે. 1947 પહેલાંનાં ધાર્મિકસ્થાનો વિશે કોર્ટમાં દાવા ન કરવા સંદર્ભના કાયદાનો પેચ પણ તેમાં છે.

line

રાણીના દુષ્કર્મની દલીલ

અઘોરી નાગા બાવા શિવરાત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબ 'જીવતા પીર' અને 'આલમગીર' તરીકે ઓળખાતા

અન્ય એક પ્રચલિત કહાણી પ્રમાણે કચ્છના રાણી સાથે પંડા દ્વારા દુર્વ્યવહાર થયો હોવાથી કોપાયમાન ઔરંગઝેબે મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેના વિશે આધારભૂત માહિતી નથી મળતી.

વિખ્યાત ઇતિહાસકાર ડૉક્ટર વિશ્વંભરનાથ પાંડેય પોતાના પુસ્તક "ભારતીય સંસ્કૃતિ, મુઘલ વારસોઃ ઔરંગઝેબ કે ફરમાન"માં (પેજનંબર 119-120) પર કથિત ઘટના વિશે લખ્યું છે.

આ માટે તેઓ કોંગ્રેસી નેતા પટ્ટાભી સિતારમૈયાના પુસ્તક 'ફિધર્સ ઍન્ડ સ્ટૉન્સ'ને ટાંકે છે. ડૉ. પાંડેય લખે છે, "એક વખત ઔરંગઝેબ બનારસની નજીકના પ્રદેશમાંથી પસાર થતા હતા. તમામ હિંદુ દરબારી પોતાના પરિવાર સાથે ગંગાસ્નાન અને વિશ્વનાથ દર્શન માટે કાશી આવ્યા."

"વિશ્વનાથના દર્શન પછી લોકો બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે કચ્છના રાજાના એક રાણી ગુમ છે. શોધખોળ કરવામાં આવી તો મંદિરના ગર્ભગૃહની નીચેના ભાગમાં રાણી વસ્ત્રાભૂષણ વગર, ભયભીત સ્થિતિમાં મળી આવ્યાં."

પુસ્તકમાં આ ઘટના વિશે આગળ થયેલી નોંધ પ્રમાણે, "ઔરંગઝેબને જ્યારે પંડાઓના આ દુષ્કૃત્ય અંગે ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને કહ્યું કે જે મંદિરના ગર્ભગૃહની નીચે આ પ્રકારની લૂંટફાટ અને બળાત્કાર થતા હોય તે નિશ્ચિતપણે ઈશ્વરનું ઘર ન હોઈ શકે. તેમણે મંદિરને તરત ધ્વંશ કરવાનો આદેશ આપ્યો."

વિશ્વંભર પાંડેય આગળ લખે છે કે ઔરંગઝેબના આદેશનું તત્કાળ પાલન કરવામાં આવ્યું. પરંતુ કચ્છનાં રાણીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે ઔરંગઝેબને સંદેશ મોકલાવ્યો કે આમાં મંદિરનો શું વાંક છે. દોષી તો ત્યાંના પંડાઓ છે.

તેઓ લખે છે, "રાણીએ ઇચ્છા વ્યક્ત કરી કે મંદિરનું ફરી બાંધકામ કરવામાં આવે. પોતાની ધાર્મિક માન્યતાઓના કારણે ઔરંગઝેબ માટે નવું મંદિર બનાવવું શક્ય ન હતું. તેથી તેમણે મંદિરની જગ્યાએ મસ્જિદ ઊભી કરીને રાણીની ઇચ્છા પૂરી કરી."

પ્રોફેસર રાજીવ દ્વિવેદી સહિત બીજા ઘણા ઇતિહાસકારો પણ આ ઘટનાની પુષ્ટિ કરે છે. જોકે, પટ્ટાભી સિતારમૈયાએ તેમના પુસ્તકમાં (પૃષ્ઠક્રમાંક 177-178) ઉપર લખે છે કે, "આ ઘટના એક દુર્લભ હસ્તપ્રત ઉપર લખાયેલી હતી, જેના વિશે લખનૌના પ્રસિદ્ધ મુલ્લાએ તેમના મિત્રને જણાવ્યું હતું, મુલ્લાએ એ હસ્તપ્રત વાચી હતી અને પોતાના મિત્રને (જેમને કહાણી કહી હતી) આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ વચન પૂર્ણ કર્યા વગર જ એમનું મૃત્યુ થયું."

વર્તમાન મંદિરનું નિર્માણ 1735માં મરાઠાકાળ દરમિયાન ઇંદૌરના મહારાણી અહિલ્યાબાઈ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ જગ્યાની આસપાસથી દબાણોને દૂર કરાવ્યા બાદ ખુલ્લી કરાવાયેલી જગ્યામાં અહિલ્યાબાઈની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન