નંદાદેવી - જોશીમઠ : માણસનાં હાડકાંથી ભરેલું તળાવ અને પહાડોની પુત્રીના કોપની કહાણી

તમામ પ્રકારની શોધ કર્યા છતાંય એ સ્પષ્ટ નથી થયું કે તળાવમાં રહેલાં સેંકડો હાડકાં આવ્યાં ક્યાંથી?

ઇમેજ સ્રોત, Empics

ઇમેજ કૅપ્શન, તમામ પ્રકારની શોધ કર્યા છતાંય એ સ્પષ્ટ નથી થયું કે તળાવમાં રહેલાં સેંકડો હાડકાં આવ્યાં ક્યાંથી?
    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

ઉત્તરાખંડમાં નંદાદેવી સાથે સંકળાયેલી જે 'રાજ જાત યાત્રા'નો પથ છે, એ જ માર્ગ પર છે સેંકડો માનવ-અસ્થિઓથી છવાયેલું બર્ફીલું તળાવ ¬- રૂપ કુંડ.

કાર્બન ડેટિંગ અનુસાર, આ હાડકાં ઓછામાં ઓછાં 1200 વર્ષ જૂનાં છે. એ વાતને લઈને આ વિસ્તારમાં ઘણી બધી લોકકથાઓ છે. પરંતુ આ હાડકાંનું રહસ્ય શું છે તે પાક્કા પાયે કોઈ નથી જાણતું.

રૂપ કુંડની અસ્થિઓ વિશેની મોટા ભાગની કથાઓ 'પહાડની પુત્રી' નંદાદેવીની પવિત્રતા સાથે સંકળાયેલી છે. લોકો માને છે કે જ્યારે જ્યારે એને દૂષિત કરવાનો પ્રયાસ થયો ત્યારે ત્યારે દેવી પોતાના રૌદ્ર રૂપમાં પ્રકટ થયાં છે.

ભલે ને તે ભેંસના રૂપમાં કામવાસનાથી બળી રહેલા વિશાળ રાક્ષસ મોખાસુરના અંતની કથા હોય કે પછી કનૌજના રાજાની વાર્તા, જેમાં તીર્થાટને ગયેલા શક્તિશાળી મહારાજાએ ભોગવિલાસની વસ્તુઓ, નર્તકીઓને સાથે લઈ જવાની ભૂલ કરી હતી.

ઇતિહાસકાર, લેખક અને પર્યાવરણવિદ શેખર પાઠકનું કહેવું છે, "આ લોકકથાઓમાં એક પ્રતીકાત્મકતા છે."

ઈ.સ. 1808 સુધી તો એને દુનિયાનું સૌથી ઊંચું શિખર માનવામાં આવતું હતું. માઉન્ટ ઍવરેસ્ટ કરતાં પણ ઊંચું. પરંતુ પછીનાં વર્ષોમાં એના કરતાંયે વધારે ઊંચાં શિખરોની ખબર પડી. પરંતુ નંદાદેવી માટેનું સન્માન લોકોના મનમાં એવું ને એવું જ જળવાઈ રહ્યું.

રેડ લાઇન

'પહાડનાં પુત્રી' નંદાદેવી અને તેની સાથે સંકળાયેલી લોકકથાઓ

રેડ લાઇન
  • વર્ષ 1808માં નંદાદેવીને વિશ્વનું સૌથી ઊંચું શિખર માનવામાં આવતું
  • સ્થાનિકોના મનમાં નંદાદેવીને લઈને સન્માનની લાગણી છે
  • લોકો માને છે કે જ્યારે જ્યારે તેને દૂષિત કરવાની કોશિશ કરાઈ છે ત્યારે ત્યારે વિનાશને આમંત્રણ મળ્યું છે
  • લોકકથામાંઓ નંદાદેવીને લઈને ઘણી રસપ્રદ વાતો સંભળાવવામાં આવે છે
  • માનવઅસ્થિથી ભરેલા રૂપ કુંડને લઈને મોટા ભાગની કથાઓ 'પહાડનાં પુત્રી' નંદાદેવની પવિત્રતા સાથે સંકળાયેલી છે
  • આ હાડકાં 1200 વર્ષ જૂનાં હોવાનું મનાય છે, તેનું રહસ્ય અકબંધ છે
  • વાંચો, નંદાદેવીના કુદરતી સૌંદર્ય અને તેની સાથે સંકળાયેલી કથાઓની સંપૂર્ણ વાત, બીબીસી ગુજરાતીના ખાસ અહેવાલમાં
રેડ લાઇન

એક પછી એક આપત્તિ

હિમશિલા ઓગળવાના કારણે સુરંગમાં પૂર આવ્યું જેમાં ઘણાના મૃતદેહો પણ ન કાઢી શકાયા

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ગ્લેશિયર ફાટવાના લીધે સુરંગમાં ઘોડાપુર આવ્યું, જેમાં માર્યા ગયેલા ઘણાના મૃતદેહ સુધ્ધાં ન કાઢી શકાયા

નંદાદેવીથી લગભગ 38 કિલોમીટર દૂર આવેલા રૂપ કુંડ જેવી જ કહાણી બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2021માં ફરી એક વાર પુનરાવર્તિત થઈ હતી, જેમાં ઋષિગંગા વિદ્યુત પરિયોજનાની સાઇટ પર અચાનક પુરનાં પાણી ઘૂસી જવાના કારણે પનવીજળી પ્લાંટની સુરંગ 200 કરતાંયે વધારે લોકોની કબરમાં તબદીલ થઈ ગઈ હતી.

કેટલાક મૃતદેહોને બાદ કરતાં મોટા ભાગના ક્યારેય ના મળ્યા, અને કદાચ હાલ પણ સુરંગના કોઈ હિસ્સામાં માનવકંકાલરૂપે એ મૃતદેહો તરી રહ્યા હોય અથવા જામી ગયા હોય.

જ્યારથી જોશીમઠ ચર્ચામાં છે, ત્યારથી નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (એનટીપીસી)ના તપોવન-વિષ્ણુગઢ પ્રૉજેક્ટની પણ વાતો થઈ રહી છે. પર્યાવરણવિદ અને સ્થાનિક લોકો એને જોશીમઠની જમીનમાં ધસી જવાનું કારણ ગણાવે છે.

જોકે, એનટીપીસીએ કહ્યું છે કે, "આ સુરંગ શહેરથી દૂર છે અને મકાનો તથા અન્ય જગ્યાઓમાં ફાટ પડવા અને શહેરના ધસી પડવાને એની સાથે કશી લેવાદેવા નથી."

line

નંદાદેવીનું પ્રવેશદ્વાર છે જોશીમઠ

નંદા દેવી

ઇમેજ સ્રોત, Getty Images

હિમાલય પર લખાયેલાં ઉત્તમ પુસ્તકોમાંના એક 'બીકમિંગ એ માઉન્ટેન'માં પર્વતારોહી સ્ટેફેન ઑલ્ટરે લખ્યું છે, "ઘણા બધા હિન્દુ એમ માને છે કે હિમાલયનો ઉપલો ભાગ માનવોની પહોંચથી પર છે. ત્યાં દેવતાઓનું નિવાસસ્થાન છે અને ત્યાં જવું એ પવિત્ર શક્તિઓનો અનાદર છે."

કદાચ તેથી હિમાલયના ખોળામાં વસેલાં ભારતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને કેટલાક લોકો 'દેવભૂમિ' પણ કહે છે.

હિમાલય પર લખેલા પુસ્તકમાં સ્ટેફેન ઑલ્ટરે 'રાજ જાત યાત્રા' વિશે વિસ્તારથી લખ્યું છે.

પુસ્તકમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે, "સમુદ્રની સપાટીથી 5029 મીટરની ઊંચાઈએ સ્થિત રૂપ કુંડ વર્ષના મોટા ભાગના મહિનામાં જામેલું રહે છે. માત્ર જુલાઈ અને સપ્ટેમ્બરના મહિનામાં અહીં જામેલો બરફ પીગળે છે. આ થોડાંક અઠવાડિયાં દરમિયાન જ્યારે બરફ પીગળે છે ત્યારે તળાવનાં છીછરાં અને વાદળી રંગનાં પાણીમાં સેંકડો હાડકાં દેખાવા લાગે છે. ત્યાં માનવકંકાલોની હાજરી રહસ્યમય છે. કોઈનેય ખાતરી સાથે ખબર નથી કે એની પાછળની વાસ્તવિકતા શી છે."

રાજ જાત યાત્રા દુનિયાની સૌથી લાંબી પહાડી યાત્રાઓમાંની એક છે. એમાં લોકો ઘણાં સ્થળે રોકાતાં રોકાતાં 290 કિલોમીટરની યાત્રા કરે છે. આ યાત્રામાં નંદાદેવીને પાલખીમાં બેસાડીને એમના પિયરથી એમના સાસરે લઈ જવાય છે.

રાજ જાત યાત્રા દર બાર વર્ષે એક વાર યોજાય છે. આ યાત્રા નૌટી ગાંવ (ચમોલી)થી નંદાકિની નદી સુધીની હોય છે. નંદાકિની એ ગંગાની ધારાઓમાંની એક છે.

પૌરાણિક કથાઓ અનુસાર, નંદા પહાડોની પુત્રી હતાં, જેમનાં લગ્ન શિવની સાથે થયાં હતાં.

line

કનોજના રાજાની કહાણી

રાજ જાત યાત્રામાં નંદીને પાલખીમાં બેસીને પિયરથી સાસરિયે લઈ જવાય છે, મોટી યાત્રા બાર વર્ષમાં એક વખત યોજાય છે

ઇમેજ સ્રોત, KESHAV BHATT

ઇમેજ કૅપ્શન, રાજ જાત યાત્રામાં નંદાદેવીને પાલખીમાં બેસાડીને પિયરથી સાસરે લઈ જવાય છે. મોટી યાત્રા બાર વર્ષમાં એક વાર થાય છે

ઘણી પ્રચલિત લોકકથાઓમાંની એક છે કનોજના રાજાની કથા.

કનોજના રાજા પોતાની ગર્ભવતી પત્નીની સાથે નંદાદેવીનાં દર્શન કરવા ગયા હતા. પરંતુ જ્યારે તેઓ તળાવ પાર કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જ તોફાન આવી ગયું. દરમિયાનમાં, રાણીએ ભયના લીધે સમય કરતાં વહેલાં બાળકને જન્મ આપી દીધો. એ કારણે તળાવનું પાણી દૂષિત થઈ ગયું. એથી ક્રોધિત થયેલાં દેવીએ ભયંકર કરા વર્ષાવ્યા, જેમાં રાજા-રાણી અને સાથે આવેલા લોકોનાં મૃત્યુ થયાં.

સ્ટેફેન ઑલ્ટરે લખ્યું છે, "જેમ જેમ તમે ઉપરની તરફ આગળ વધતા જાઓ છો, ત્યાં ઝાડ-છોડમાં ફેરફાર દેખાવા લાગે છે. એ જ રીતે નંદા પહાડ સાથે સંકળાયેલી વાર્તાઓમાં પણ ફેરફાર થવા લાગે છે."

અહીંના લોકો કનોજના રાજા સાથે સંકળાયેલા કેટલાક અન્ય કિસ્સા પણ સંભળાવે છે. તેઓ જણાવે છે કે, રાજા તીર્થાટને આવેલા અને પોતાની સાથે ભોગવિલાસની બધી વસ્તુઓ પણ લાવેલા. બરફથી છવાયેલા પહાડોની સુંદરતા જોઈને રાજાએ નર્તકીઓને નાચવાનો આદેશ આપ્યો, જેનાથી દેવી નારાજ થઈ ગયાં. દેવીએ એને પોતાનો નિરાદર માન્યો અને એમના કોપથી ત્યાં હાજર બધા લોકોનાં મૃત્યુ થયાં.

પ્રકૃતિ, ભૂગોળ અને પર્યાવરણની જાણીતી પત્રિકા નૅશનલ જ્યોગ્રાફિકે નૅચર કમ્યૂનિકેશનના એક અભ્યાસના આધારે કહ્યું છે કે અસ્થિઓવાળા તળાવની બાબતના પ્રશ્ન ઊકલવાને બદલે વધારે ગૂંચવાઈ ગયા છે.

line

તળાવમાં કોનાં હાડકાં છે?

જ્યારે અમુક અઠવાડિયાં માટે તળાની બરફ ઓગળે છે ત્યારે માનવ અસ્થિઓ દેખાય છે

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, જ્યારે થોડાંક અઠવાડિયાં માટે તળાવનો બરફ પીગળે છે ત્યારે આ માનવઅસ્થિઓ દેખાય છે

અગાઉનાં અધ્યયનો દરમિયાન ડીએનએ તપાસમાં જાણવા મળ્યું કે બધાં અસ્થિ દક્ષિણ એશિયાઈ મૂળના લોકોનાં હતાં. રેડિયો કાર્બન ડેટિંગ અનુસાર, આ ઘટના સન 800 આસપાસ થઈ હશે. એના આધારે માનવામાં આવ્યું કે બધા લોકો એક જ સમયે માર્યા ગયા હતા.

પરંતુ થોડાં વર્ષો પહેલાં ત્રણ ડઝન કરતાંયે વધારે હાડપિંજર પર થયેલા જીનોમ વિશ્લેષણમાં જોવા મળ્યું કે આમાંના કેટલાકનો સંબંધ યુનાન (ગ્રીસ) સાથે હતો.

એ સમયગાળામાં યુનાનના લોકો આટલા દુર્ગમ સ્થાને શા માટે હતા? અને જો હતા, તો શું તેઓ હિમાલયના એક પહાડની તીર્થયાત્રામાં સામેલ હતા? આ પ્રશ્નોએ સમગ્ર મામલા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.

આમ જુઓ તો, યુનાન (ગ્રીસ) સાથે ભારતનો સંબંધ ઈ.સ.પૂ. 300 પહેલાંથી રહ્યો છે. એ સમયથી યુનાની (ગ્રીક) ભારત આવતા-જતા થયા હતા. આ એ જ સમય છે જ્યારે સિકંદરના સેનાપતિ સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્તે મૌર્ય રાજવંશની સ્થાપના કરી હતી.

હાઈડેલબર્ગ યુનિવર્સિટીના માનવશાસ્ત્ર વિભાગના વિલિયમ સાક્સ આ વિસ્તારની દીર્ઘ શોધ-તપાસ કર્યા બાદ રાજ જાત યાત્રા અંગે એક દળદાર પુસ્તક લખી ચૂક્યા છે.

તેઓ નૅશનલ જ્યોગ્રાફિકના ટીવી શોના ઉપક્રમે ઉત્તરાખંડના પ્રવાસે આવેલા. તેમણે કહ્યું છે, "આખો મામલો સમજથી પર છે."

line

પ્રકૃતિના કોપનો મર્મ

નંદાને પહાડની દીકરી મનાય છે, જેમનાં લગ્ન હિંદુ દેવતા મહાદેવ સાથે થયાં હતાં

ઇમેજ સ્રોત, KESHAV BHATT

ઇમેજ કૅપ્શન, નંદાને પહાડોનાં પુત્રી માનવામાં આવે છે, જેમનાં લગ્ન હિન્દુ દેવતા મહાદેવ સાથે થયાં

ઈ.સ. 1808 સુધી નંદાદેવીને દુનિયાનો સૌથી ઊંચો પહાડ માનવામાં આવતો હતો, 'ગ્રેટ ટ્રાઇગોનોમેટ્રિકલ સર્વે ઑફ ઇન્ડિયા' પછી તે દુનિયાના ઊંચા પહાડોમાં 23મા ક્રમે આવી ગયો. પરંતુ સ્ટેફેન ઑલ્ટર અનુસાર, એની પવિત્રતા બાબતે જનમાનસના મનમાં જે ભાવના છે એમાં કોઈ જાતની ઓછપ આવી નહીં.

સૌ પહેલાં 1936માં પર્વતારોહી નંદાદેવીના શિખરે પહોંચી શક્યા હતા. કહેવાય છે કે ત્યાર બાદ ગઢવાલ અને કુમાઉમાં ભયંકર પૂર આવ્યું હતું. કેટલાક સ્થાનિક લોકો માને છે કે એવું દેવીના પ્રકોપના લીધે થયું.

જાણીતા પર્યાવરણવિદ ચંદીપ્રસાદ ભટ્ટ આ વાતો અંગે જણાવે છે કે, "આ આંગળી વડે ચંદ્ર દેખાડવા જેવું છે. ઘણા બધા લોકોને એમાં આંગળી દેખાય છે, ચંદ્ર નહીં. અર્થાત્, આ વાર્તાઓના ગંભીર મર્મને સમજવો જોઈએ."

તેઓ માને છે કે માનવીય પ્રવૃત્તિઓના કારણે પ્રકૃતિનો કોપ નવી વાત નથી. જોશીમઠનું ફાટવું પણ એવી અંતિમ ઘટના નથી.

એપ્રિલ 1976માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીને ચંદીપ્રસાદ ભટ્ટે કેટલાક પત્ર લખ્યા હતા. ત્યાર બાદ મહેશચંદ્ર મિશ્ર કમિટીની રચના થઈ હતી, જેણે ભૌગોલિક દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાં મોટી પરિયોજનાઓ પર મનાઈની ભલામણ કરી હતી. કમિટીએ જંગલ ઊભાં કરવાં જેવા બીજાં ઘણાં સૂચન પણ કર્યાં હતાં.

ચંદીપ્રસાદ ભટ્ટ 1970ના દાયકામાં થયેલા ચિપકો આંદોલનના મહત્ત્વના નેતાઓમાંના એક હતા. જુલાઈ 1970માં આવેલા ભયંકર પુર પછી આંદોલન વધારે તીવ્ર બનતું ગયું હતું.

લાખો વર્ષ પહેલાં ભારત અને યુરેશિયાના ભૂગર્ભીય પડ અથડાવાના કારણે 2900 કિલોમીટર લાંબો એક પટ્ટો બન્યો હતો, જેમાં હિમાલયનો નીચલો હિસ્સો આવે છે. એમાં ભારત, તિબેટ અને નેપાળના ભૂભાગ આવે છે. અહીં હંમેશા ભૂકંપની આશંકા રહે છે.

આ જ કારણ છે કે 'જ્યોગ્રાફિકલ સર્વે ઑફ ઇન્ડિયા'થી માંડીને અન્ય સંસ્થાઓ તરફથી અહીં નિર્માણ અટકાવવાની સલાહ અપાતી રહી છે. પરંતુ તાજેતરનાં વર્ષોમાં પનવીજળી પરિયોજનાઓથી માંડીને ઉત્તરાખંડમાં દરેક ઋતુમાં ચાલુ રહી શકે તેવા માર્ગોનું કામ ઝપાટાબંધ વધ્યું છે.

line

સતત પ્રૉજેક્ટ પર કામ ચાલુ છે

જોશીમઠ

આ નિરંતર ચાલનારો વાદવિવાદ છે, જેમાં વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ, બંને પક્ષો તરફથી ખૂબ બધી દલીલો કરાય છે. ન તો વિકાસની જરૂરિયાતનો ઇનકાર કરી શકાય છે અને ન તો પર્યાવરણ બચાવવાની જરૂરિયાતનો. બધા મતભેદો એ બાબતે થાય છે કે યોગ્ય સંતુલન કયું છે.

ઉત્તરાખંડ સરકારની વેબસાઇટ અનુસાર, ચારધામ સડક પરિયોજના હેઠળ બાર હજાર કિલોમીટર માર્ગની જાળ પથરાશે, જેનાથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ જવાનું અતિ સુગમ થશે. વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ તે ખૂબ મહત્ત્વપૂર્ણ હશે કેમ કે તિબેટનો એક વિસ્તાર ઉત્તરાખંડની સીમાને અડે છે.

વડા પ્રધાને આ પ્રૉજેક્ટ વિશે કહેલું, "આ 2013ના કેદારનાથ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ છે."

2013ના પુરને એ વખતનાં અખબારો અને મીડિયાએ હિમાલયની સુનામી નામ આપ્યું હતું. સુનામી જેવું એ હતું પણ ખરું. કેમ કે, એમાં મંદિરથી લઈને ઘર, ઇમારતો, ગાડીઓ અને માણસો તણખલાની જેમ વહી ગયાં હતાં.

ઉત્તરાખંડના લોકો માટે આ સિલસિલો 1880, 1936, 1978નાં પુર; 1991, 1999 જેવા ભૂકંપના રૂપે વારંવાર ચાલુ રહ્યો છે. સ્થાનિક લોકો એમ જ માને છે કે આ બધી આપદાઓ નંદાદેવીનો અનાદર કરવાથી આવે છે.

2021ની તપોવન દુર્ઘટનાની બાબતમાં પણ કહેવાયું કે આ પેલા 'રેડિયોઍક્ટિવ સેંસર'ના કારણે થયેલી, જેને નંદાદેવી પર ઊભું કરવાની જરૂર હતી જેથી ચીન પર નજર રાખી શકાય.

પરંતુ અચાનક આવેલા તોફાનના લીધે અધવચ્ચે જ પરિયોજનાને અટકાવવી પડી. પાછળથી એક ટીમ ત્યાં ગઈ તો એ સેંસર પણ ના મળી શક્યું. કદાચ તે બરફમાં દફન થઈ ગયું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન