'બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં ખરેખર શું થાય છે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
તાજેતરમાં પોતાનાં વિવાદિત નિવેદનો અને દાવાઓને કારણે બાગેશ્વર ધામ ‘સરકાર’ તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના યુવા ‘બાબા’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ચર્ચામાં આવ્યા હતા.
ઘણા લોકો તેમના પર અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો અને કોમી સદ્ભાવને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવાનો આરોપ મૂકે છે.
જોકે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને તેમના અનુયાયીઓ આ આરોપો નકારે છે.
આ સતત ચર્ચાના કારણે દેશના ઘણા ભાગોમાં હવે બાગેશ્વર ધામ શું છે, એ પ્રશ્નને લઈને પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે.
આ અહેવાલમાં આપણે બાગેશ્વર ધામ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું.

બાગેશ્વર ધામ શું છે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
બાગેશ્વરધામ ડોટ કો ડોટ ઇન પર બાગેશ્વર ધામનો પરિચય આપતાં લખાયું છે કે, “મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લા ગઢા ગામમાં સ્થિત બાગેશ્વર ધામ સ્વયંભૂ હનુમાનજીની દિવ્યતા માટે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે.”
“આ ધામ ઘણા તપસ્વીઓની દિવ્ય ભૂમિ છે, જ્યાં લોકોએ બાલાજી મહારાજની કૃપા અને આશીર્વાદ દર્શનમાત્રથી પ્રાપ્ત થાય છે.”
આ વેબસાઇટ પર ધામનો પરિચય આપતાં એવો પણ દાવો કરાયો છે કે આ ધામમાં બાલાજી મહારાજ ‘અરજી મારફતે તમારી સમસ્યા સાંભળે છે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘જેનું સમાધાન ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ, જેમને વિશ્વ બાગેશ્વર ધામ સરકારના નામે સંબોધિત કરે છે, ના માધ્યમથી કરાવે છે.’
આ સિવાય આ ધામની સભાઓમાં ભૂતપ્રેતના ઇલાજ કરવાના દાવા પણ કરાય છે.
જોકે, વેબસાઇટ પર સમસ્યાના સમાધાન અંગે કરાયેલા દાવાને કેટલાક ‘બનાવટી અને અંધવિશ્વાસને પ્રેરવાનો’ પ્રયાસ ગણાવે છે.
બાગેશ્વર ધામના ‘બાબા’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના અનુયાયીઓની ભીડમાંથી યાદૃચ્છિક રીતે કોઈને પસંદ કરીને તેમની સમસ્યા ‘સામેથી કહેવાનો દાવો કરે છે.’
ધીરેન્દ્ર શાસ્ત્રી આ અંગે કહે છે કે, “અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કહેતા નથી, બાલાજી કહે છે.”
આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રી પર બાગેશ્વાર ધામની આસપાસની સરકારી જમીન પર કબજો કરી લેવાયાનો આરોપ કરાય છે.
જોકે, ધીરેન્દ્રની ટીમના મહત્ત્વના સભ્ય આ આરોપ નકારે છે.

બાગેશ્વર ધામના દરબારમાં કેવી રીતે પ્રવેશ મળે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ટરનેટ સિવાયની વાત કરીએ તો ધીરેન્દ્રના ચાહકોમાં જમીન પર પણ ઘણા લોકો જોવા મળે છે.
ધીરેન્દ્રના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગે બીબીસીને કહ્યું હતું કે, “રોજ લગભગ 10-15,000 લોકો બાગેશ્વર ધામ આવે છે. ગુરુજી મહારાજ (ધીરેન્દ્ર) હાજર હોય ત્યારે – મંગળ અને શનિવારે, અહીં દોઢ-બે લાખથી લોકો આવે છે.”
છત્તીસગઢના દરબારમાં જાન્યુઆરીમાં ગયેલા એક પત્રકારે જણાવ્યું હતું કે એ કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરબારમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય? તેની પ્રક્રિયા શું છે? આ વિશેની જાણકારી બાબા બાગેશ્વર ધામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
તેમાં જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામ દ્વારા સમયાંતરે ટોકન આપવામાં આવે છે. મહારાજના નિર્ણય પછી સમિતિ શ્રદ્ધાળુઓને ટોકનની તારીખ જણાવે છે.
આ માહિતી દરબાર તથા સોશિયલ મીડિયા મારફત આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ પોતાનું તથા પિતાનું નામ, ગામ, જિલ્લો, રાજ્ય, પિનકોડ નંબર અને ફોન નંબર ટોકનમાં લખવાના હોય છે. જેમના ટોકનનો નંબર લાગે તેનો સંપર્ક સમિતિ કરે છે. જે દિવસનું ટોકન હોય એ દિવસે વ્યક્તિએ બાગેશ્વર ધામ જવાનું હોય છે. આ પ્રક્રિયા નિઃશુલ્ક છે.
વેબસાઇટ પર લખ્યું છે કે, “કેટલી વખત હાજર રહેવાનું છે તે ગુરુદેવ પોતે જણાવી દે છે, પરંતુ કમસે કમ પાંચ મંગળવારે દરબારમાં હાજરી આપવાનો આદેશ દરેક ભક્તને મળે છે.”

પ્રાચીન શિવમંદિર અને બાલાજી મંદિર

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
ગઢામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પાસે પ્રાચીન શિવમંદિર આવેલું છે. એ મંદિરમાં એક સંન્યાસી રહેતા હતા. ધીરેન્દ્ર તેમનો વારસો તથા આશીર્વાદ આગળ વધારવાની વાતો કરતા રહે છે.
આ શિવમંદિરમાં બાલાજીનું એક મંદિર પણ છે. તેને જોતાં લાગે છે કે તેનું નિર્માણ થોડાંક વર્ષો પહેલાં જ કરવામાં આવ્યું છે.
થોડાં વર્ષો પહેલાં અહીં માત્ર શિવમંદિર હતું, પરંતુ બાલાજીનું મંદિર બન્યું ન હતું, એવું દર્શાવતા કેટલાક વીડિયો પણ ઉપલબ્ધ છે. ધીરેન્દ્ર તે સ્થળેથી થોડા દૂર બિરાજે છે.
ચંદલા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિના પિતા આર. ડી. પ્રજાપતિએ બીબીસીએ વાત કરી હતી. આર. ડી. પ્રજાપતિ પહેલેથી ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી રહ્યા છે.
આર. ડી. પ્રજાપતિએ કહ્યું હતું કે, “આ જગ્યાએ અગાઉ શંકર ભગવાનનું મંદિર હતું. તેની બાજુમાં હનુમાનજીની મૂર્તિ હતી. ધીરેન્દ્રના પિતા અહીં પૂજા કરતા હતા. એ લોકો પાસે પોતાનું ઘર ન હતું. બાજુમાં જ એક સામુદાયિક ભવન હતું. તેમાં આ લોકો રહેતા હતા. પૂજા-પાઠ કરતા હતા. ગામના લોકો તેમને મદદ કરતા હતા. ધીમે-ધીમે તેમણે દરબાર ભરવાનું શરૂ કર્યું હતું.”
ગઢામાં રહેતા ઉમાશંકર પટેલે બીબીસીને કહ્યું હતું કે, “ધીરેન્દ્ર પર બાબાની કૃપા થઈ અને ત્યારથી બધું બદલાઈ ગયું.”
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઘણી વાર રામભદ્રાચાર્ય મહારાજને પોતાના ગુરુ ગણાવ્યા છે. રામભદ્રાચાર્ય બાળપણથી જ નેત્રહીન છે અને તેમના અનુયાયીઓમાં ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જેવા લોકોનો સમાવેશ થાય છે.

કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
ખજુરાહો મંદિરથી લગભગ 35 કિલોમીટર દૂર ગઢા નામનું ગામ આવેલું છે. તે ગામના રામકૃપાલ તથા સરોજને ત્યાં 1996માં ધીરેન્દ્રનો જન્મ થયો હતો. ધીરેન્દ્ર ઘરેથી શાળાએ જવા રવાના થતા, પરંતુ મંદિરે પહોંચી જતા હતા. નાની વયથી જ તેઓ ધોતિયું- જભ્ભો પહેરવા માંડ્યા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ધીરેન્દ્રનો પરિવાર બહુ ગરીબ હતો. પરિવાર માગીને ભોજન કરતો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઇટ પરની માહિતી મુજબ, “ધીરેન્દ્રનું બાળપણ અભાવમાં પસાર થયું હતું. કર્મકાંડી પરિવાર હતો. પૂજા-પાઠમાં જે દક્ષિણા મળતી હતી તેમાંથી જ પાંચ લોકોના પરિવારનું ગુજરાન ચાલતું હતું.”
ધીરેન્દ્રનાં કુલ ત્રણ ભાઈ-બહેન છે. તેમાં ધીરેન્દ્ર સૌથી મોટા છે. રીતા ગર્ગ તથા શાલીગ્રામ ગર્ગ ધીરેન્દ્રનાં બહેન-ભાઈ છે. બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને ભાઈ આશ્રમનું કામકાજ સંભાળે છે.
ગઢામાં ધીરેન્દ્રની વયના કેટલાક યુવાનોએ બીબીસીને કહ્યું હતું કે, “તેઓ મોટા ભાગે તો ધાર્મિક ક્રિયાકર્મ જ કરતા હતા. ક્યારેક ક્રિકેટ રમતા હતા. તેમણે ગઢાની સરકારી શાળામાં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.”
ધીરેન્દ્રના દાદા સૈતુલાલ ગર્ગ પણ પૂજા-પાઠ તથા ધાર્મિક કામ કરતા હતા. ધીરેન્દ્રને તેમની પાસેથી જ ધાર્મિક ક્રિયાકર્મના ગુણ મળ્યા હતા અને તેઓ પણ નાની વયથી એ કામ કરવા લાગ્યા હતા.
એક વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવે છે કે, “મારા દાદાજી સતત ત્રણ વખત મને સપનામાં આવ્યા હતા. તેમણે મને અજ્ઞાતવાસમાં જવા કહ્યું હતું. અજ્ઞાતવાસ શું છે તે હું ત્યારે જાણતો ન હતો. પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો, એવી ખબર પડી ત્યારે સમજાયું હતું કે ભગવાનના આશીર્વાદ અજ્ઞાતવાસથી પણ મળે છે. હું અજ્ઞાતવાસમાંથી પાછો આવ્યો ત્યારથી દરબાર યોજવાનું શરૂ કર્યું હતું. લોકોનો સહકાર મળતો રહ્યો.”
ધીરેન્દ્ર સાથે શાળામાં અભ્યાસ કરી ચૂકેલી એક વ્યક્તિએ બીબીસીને કહ્યું હતું કે, “સ્કૂલમાં ધીરેન્દ્ર મારાથી એક ક્લાસ પાછળ હતા. તેમણે દસમું પાસ કર્યું છે કે નહીં તેની મને ખબર નથી. અગાઉ તો એ રખડ્યા કરતા હતા. ભણવામાં પણ ખાસ ન હતા. કહેતો કે મોટા થઈને ધંધો કરવો છે. પછી ખબર નહીં, એક વર્ષ ક્યાં ગાયબ થઈ ગયા. પાછા ફર્યા ત્યારે અલગ જ હતા. ધીમે-ધીમે ધારાસભ્યો, માથાભારે લોકો આવવાનું શરૂ થયું હતું. એમ સમજી લો કે તે બન્યો છે કૉંગ્રેસી નેતાઓને કારણે, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા છે. પાંચ વર્ષ પહેલાં સુધી તો તે સાઇકલ, મોટર સાઇકલ પર રખડ્યા કરતા હતા.”
ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઇટ જણાવે છે કે, “ગુરુદેવે (ધીરેન્દ્ર) બાળપણમાં જ અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટા ગુરુદેવનું બાળપણ પરિવારની આજીવિકાની જવાબદારી સંભાળવામાં પસાર થતું હતું. પછી એક દિવસ દાદાગુરુના આશીર્વાદથી તેઓ બાલાજી મહારાજની સેવામાં જોડાઈ ગયા હતા.”
એ સેવાનું તેમને કેટલું મીઠું ફળ મળ્યું તેનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રીનું વર્તમાન જીવન આપે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે પ્લેન અને ઘણીવાર પ્રાઇવેટ જેટમાં પ્રવાસ કરે છે. ભારતથી માંડીને લંડન સુધી તેમનો આદર કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બહાર જવા નીકળે છે ત્યારે ડઝનબંધ મોટરકારનો કાફલો તેમની સાથે હોય છે, પરંતુ આ બધું કેવી રીતે થયું?

ધીરેન્દ્રની રીત, વ્યવહાર, નિવેદનો અને વિવાદ

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
ધીરેન્દ્રની એક ખાસ શૈલી છે, જે મંચ પર હંમેશાં જોવા મળે છે. તેઓ રસપ્રદ વાત કહ્યા પછી તરત જ તાળી વગાડે છે અને જય શ્રીરામ કહે છે.
ધીરેન્દ્ર તેમની સભાઓમાં ભૂતપ્રેતના ઇલાજના દાવા પણ કરે છે. તેઓ મંચ પરથી ફૂંક મારે છે. એકઠી થયેલી ભીડમાંથી ચીસો સંભળાય છે. ભીડમાંથી ઊભાં થતાં પુરુષો, સ્ત્રીઓ ચીસો પાડે છે. ધીરેન્દ્ર કહે છે કે તેમને વધુ ફટકારો, સાંકળોમાં જકડી લો.
સંશોધકો અને ડૉક્ટરોનું માનવું છે કે, “લોકો ભૂતની હાજરી અનુભવતા હોય છે ત્યારે તેમનું દિમાગ ભટકતું હોય છે. તે શરીરની અયોગ્ય સ્થિતિનું અનુમાન કરે છે અને એવું માને છે કે શરીર કોઈ બીજાનું છે.”
ધીરેન્દ્ર વારંવાર ભારપૂર્વક કહે છે કે, “અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કહેતા નથી, બાલાજી કહે છે.”
ધીરેન્દ્ર શ્રદ્ધાળુઓની સમસ્યા વિશે જ નહીં, પણ કાશ્મીર ફાઇલ્સ, પઠાન જેવી ફિલ્મોથી માંડીને હિન્દુ રાષ્ટ્ર તથા સનાતન ધર્મની વાતો પણ કરે છે.
આ શ્રેણીમાં ધીરેન્દ્રે 23 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો હતો કે તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. અમે આજે ભારતના ઇતિહાસમાં નવો નારો બનાવ્યો છે : તુમ મેરા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. ભારતના લોકો બંગડી પહેરીને ઘરમાં બેઠા ન રહો. માત્ર બાગેશ્વર ધામ પર જ નહીં, પ્રત્યેક સનાતની સામે આંગળી ઉઠાવવામાં આવી છે.”
મે, 2022માં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં એક વ્યક્તિ ધીરેન્દ્રને ચરણસ્પર્શ કરતી જોવા મળે છે. ધીરેન્દ્ર તેને રોકીને કહે છે કે “મને ચરણસ્પર્શ કરશો નહીં. અછૂત માણસ છે...જય હો.”
આ વીડિયોને પગલે ધીરેન્દ્ર અસ્પૃશ્યતામાં માને છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, એ બાબતે ધીરેન્દ્રે એવું કહ્યું હતું કે, “અમે બાબાજીની ગદા માટે છીએ. તેથી અમે સ્પર્શથી દૂર રહીએ છીએ. ઘણા લોકો મદ્યપાન કરીને, કાંદા-લસણ ખાઈને આવતા હોય છે. અમને બધામાં રામ દેખાય છે ત્યારે રામજી પાસે પ્રણામ કેવી રીતે કરાવીએ? અમે એ દરબારમાંથી આવ્યા છીએ, જ્યાં કોઈ ઊંચનીચ નથી.”
ધીરેન્દ્ર ઘણીવાર મુસલમાનો વિશે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. તેઓ ‘ઘરવાપસી’ની વાત પણ કરે છે.
એક વીડિયોમાં જોવા મળે છે કે સુલતાના નામનાં એક મહિલા પોતાને છત્તીસગઢની રહેવાસી ગણાવે છે અને કહે છે કે હું મુસલમાન છું, પરંતુ મૂર્તિ તથા દેવીદેવતાનાં ચિત્રોની પૂજા કરું છું ત્યારે મારા પરિવારજનો ગુસ્સે થાય છે.
મંચ પરથી ધીરેન્દ્ર પૂછે છે કે, “તમે હિન્દુ ધર્મ અપનાવવા ઇચ્છો છો?” મહિલા જવાબ આપ છે કે હિન્દુ ધર્મથી વધારે સારું કશું જ નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીનાં કેટલાંક વિવાદાસ્પદ નિવેદન
- 33 કરોડ દેવી-દેવતા છે ત્યારે ચંદ્રને પૂજવાની શું જરૂર?
- કાયર હિન્દુઓ જાગૃત થાઓ, હથિયાર ઉઠાવો, કહી દો કે અમે બધા એક છીએ.
- સરકાર બુલડોઝરથી ક્યાં સુધી તોડતી રહેશે... હિન્દુઓએ તોડવું પડશે.
- બધા હિન્દુ એક થઈ જાઓ અને પથ્થરમારો કરનારના ઘર પર બુલડોઝર ચલાવો.














