ગૌતમ અદાણીને 'જીવતદાન' આપનાર અબુધાબીની કંપનીની કહાણી તમે જાણો છો?

ઇમેજ સ્રોત, IHC

- અબુ-ધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી જૂથમાં રૂ. 3260 કરોડના રોકાણની જાહેરાત કરી છે
- આ કંપની અદાણી જૂથ દ્વારા લાવવામાં આવેલી રૂ. 20 હજાર કરોડની ફૉલો-ઑન જાહેર ઑફરમાં રોકાણ કરવા જઈ રહી છે
- આ કંપની અબુ-ધાબીના રાજવી પરિવાર સાથે સંકળાયેલી છે
- આ પહેલાં પણ ગયા વર્ષે જ આ સમૂહે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી જૂથની અન્ય કંપનીઓમાં બે અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું

અબુધાબીના રાજવી પરિવાર સાથે સંકળાયેલી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ગયા સોમવારે અદાણી જૂથમાં રૂ. 3260 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
આ કંપની અદાણી જૂથ દ્વારા લાવવામાં આવેલી રૂ. 20 હજાર કરોડની ફૉલો-ઑન જાહેર ઑફરમાં રોકાણ કરવા જઈ રહી છે.
સોમવારે બજાર બંધ થતાં સુધીમાં આ એફપીઓના માત્ર 3% શૅર સબસ્ક્રાઇબ થયા હતા.
ત્યારબાદ અબુ ધાબીના શાહી પરિવાર સાથે સંકળાયેલી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી જૂથમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.
આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સૈયદ બસર શુએબે કહ્યું છે કે, 'અદાણી જૂથમાં અમારી રુચિનું કારણ અદાણી એન્ટરપ્રાઈઝિસની આર્થિક મજબુતાઈમાં અમારો વિશ્વાસ છે. અમારું માનવું છે કે લાંબા ગાળે આ કંપનીમાં વૃદ્ધિની સારી સંભાવના છે.’
આ કંપનીએ એવા સમયે અદાણી જૂથમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે તે ચારે બાજુથી આર્થિક પડકારોનો સામનો કરી રહી છે.

હિંડનબર્ગ રિપોર્ટે નુકસાન પહોંચાડ્યું?

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE
ગયા અઠવાડિયે, અમેરિકન ફોરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિંડનબર્ગે અદાણી જૂથ પર નાણાકીય અનિયમિતતા સંબંધિત ગંભીર આક્ષેપો કર્યા હતા.
ત્યાર બાદ અદાણી જૂથ સાથે સંકળાયેલી કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ કામકાજના દિવસોમાં એટલે કે 25, 27 અને 30 જાન્યુઆરીએ અદાણી જૂથની બજાર મૂડીમાં 29 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 5.6 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બાબતે રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા કંપની દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અદાણી જૂથે રવિવારે સાંજે આ દિશામાં 413 પાનાનો જવાબ આપ્યો હતો, જેમાં તેણે હિંડનબર્ગ રિપોર્ટને ભારત વિરુદ્ધ હુમલો ગણાવ્યો હતો.
જોકે, આ પછી પણ સોમવારે અદાણી જૂથોના શૅરમાં ઘટાડો થયો હતો અને તેની બજાર મૂડીમાં રૂ. 1.4 લાખ કરોડનું નુકસાન નોંધાયું હતું.
હિન્દુ બિઝનેસ લાઈને તેમના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે મંગળવારે દુબઈ અને ભારતમાં સ્થિત કેટલીક ફૅમિલી ઑફિસમાંથી અદાણી જૂથના એફપીઓમાં 9000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ શકે છે.
ફૅમિલી ઑફિસનો અર્થ એવી કંપનીઓ જે અત્યંત શ્રીમંત લોકોને તેમની સંપત્તિને સંભાળવામાં મદદ કરે છે.

પહેલાં પણ રોકાણ કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
અબુ ધાબીના શાહી પરિવાર સાથે જોડાયેલી આ કંપની પહેલીવાર અદાણી જૂથમાં રોકાણ નથી કરી રહી.
ગયા વર્ષે જ આ સમૂહે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી જૂથની અન્ય કંપનીઓમાં બે અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
આ કંપનીનું નેતૃત્વ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિના ભાઈ શેખ તાહનુન બિન ઝાયેદ અલ નાહયાન કરે છે, જેઓ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે.
આ કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અબુ ધાબીના શૅરબજારમાં ઝડપથી સફળતાની સીડીઓ ચઢી છે. અને આ કંપની અબુ ધાબીના શૅરબજારમાં પ્રભુત્વ જમાવવાની સ્થિતિમાં આવી ગઈ છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ કંપની આ વર્ષે વિદેશમાં પોતાનું રોકાણ 70 ટકા સુધી વધારવાનો પ્રયાસ કરી રહી છે.
વિદેશી રોકાણ કરતી વખતે આ કંપની ક્લીન એનર્જી અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર પર વિશેષ ધ્યાન આપવા માંગે છે.
પરંતુ જ્યારથી અદાણી જૂથમાં રોકાણની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આ કંપની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

40 કર્મચારીઓવાળી કંપની

ઇમેજ સ્રોત, Getty Images
આ કંપની સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ વર્ષ પહેલાં સુધી આ કંપનીમાં માત્ર ચાલીસ લોકો જ કામ કરતા હતા.
ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ત્રણ વર્ષ પહેલા સુધી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીનું નામ બહુ લોકોએ સાંભળ્યું ન હતું. આ કંપની ફિશ ફાર્મિંગથી લઈને ફૂડ અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં કામ કરતી હતી.
પરંતુ હવે અબુ ધાબીમાં લિસ્ટેડ આ જૂથની બજાર મૂડી 240 અબજ ડૉલરથી વધુ છે.
બજાર મૂડીના સંદર્ભમાં, આ કંપનીએ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સિમૅન્સ અને જનરલ ઇલેક્ટ્રિકને પાછળ છોડી દીધી છે.
વર્ષ 2019થી આ કંપનીના શૅરના ભાવમાં 42 હજાર ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
મધ્ય પૂર્વમાં, આ કંપની હવે એકમાત્ર સાઉદી અરેબિયાની શાહી તેલ કંપની આર્માન્કોથી જ પાછળ છે.

અપાર સફળતાનું રહસ્ય?

ઇમેજ સ્રોત, IHC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીની અપાર સફળતાનું કારણ એક ન ઉકેલી શકાય તેવા કોયડા જેવું છે. વિશ્વના અન્ય દેશોમાં આ કંપનીની આર્થિક સફળતા વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.
અબુ ધાબીના આર્થિક જગત સાથે જોડાયેલા લોકોને પણ આ કંપનીની પ્રગતિ વિશે વધુ માહિતી નથી.
ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ગલ્ફ દેશોમાં કામ કરતા એક ઈન્ટરનેશનલ બૅંકરે કહ્યું છે કે કોઈને ખબર નથી કે આ કંપની આટલી ઝડપથી કેવી રીતે આગળ વધી.
વર્ષ 2019માં આ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સૈયદ બસર શુએબ પણ આ કંપનીની પ્રગતિને શાનદાર ગણાવે છે.
તેઓ કહે છે, "અમે કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ આપતા નથી. વર્ષ 2020 અને 2021માં જે નફો થયો છે તે પાછું રોકાણ કરવામાં આવ્યું છે. અમે અહીં એક વિશાળ કંપની... વૈશ્વિક જાયન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
જોકે, કેટલાક લોકો આ કંપનીને યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં કંપનીને બિઝનેસ અને પાવર વચ્ચેની અસ્પષ્ટ થઈ રહેલી રેખા તરીકે જુએ છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે દુબઈના સત્તાવાળાઓએ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઝડપી વૃદ્ધિની ચિંતાને કારણે એડીએક્સ સાથે તેમના શૅરબજારને જોડવાની શક્યતાઓથી દૂર રહેવાનું શરૂ કર્યું છે.
સ્ટોરી- અનંત પ્રકાશ














