આસારામ દુષ્કર્મ કેસનાં સાક્ષીઓ સુરક્ષાનો ભાર પોતાના ખભે લેનાર મહિલા પોલીસ અધિકારીઓની કહાણી

આસારામ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, ગાંધીનગર

તાજેતરમાં 16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવની આજીવન કેદની સજા ફટકારી હતી.

વર્ષ 2013માં આસારામ અને તેમના પુત્ર નારાયણ સામે તેમના આશ્રમમાં સેવિકા તરીકે રહેતાં સુરતનાં બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી.

મહિલા અધિકારીઓ સહિતની સાત પોલીસકર્મીઓની ટીમે આ કેસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એવું મનાય છે કે આ ટીમના પ્રયાસોને કારણે આ કેસમાં ન્યાય થઈ શક્યો છે.

આ ટીમના મહિલા અધિકારીઓએ બળાત્કાર સર્વાઇવરને સુરક્ષા આપવાથી માંડીને, આસારામના મહિલા આશ્રમમાં તપાસ કરવા સુધીની જવાબદારી વર્ષો સુધી તેમના ખભા પર ઉઠાવી ગુનાનો સામનો કરનાર મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરાવ્યો હતો.

આ ટીમમાં મહિલા પોલીસ અધિકારીઓ પન્ના મોમાયા, ડૉ. કાનન દેસાઈ, દિવ્યા રવીયા જાડેજા અને તોરલ પટેલે કેસની તપાસ અને ન્યાય સુલભ બનાવવા માટે વર્ષો સુધી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પોલીસનું કહેવું છે કે ટીમમાં ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારીઓ જે. કે. ભટ્ટ, મનોજ નીનામા, પોલીસ ઇન્સ્પેક્ટર એ. જી. ગોહીલ અને કે. બી. જાડેજા જેવા અધિકારીઓએ ચાર્જશીટ દાખલ થયા પછી પણ તપાસના કામ અને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સતત પ્રયાસો કર્યા છે.

આ સમગ્ર ટીમના સામૂહિક પ્રયાસના ફળરૂપે આસારામ જેવા વગદાર ‘બાબા’ સામે કાયદો તેનો ખરો હેતુ પાર પાડી શક્યો તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

બીબીસી ગુજરાતી
  • તાજેતરમાં દુષ્કર્મ કેસમાં એક સમયના ‘વગદાર’ મનાતા ‘બાબા’ આસારાને જનમટીપની સજા કરાઈ હતી
  • ગાંધીનગરની સેશન્સ કોર્ટે પુરાવા અને સાક્ષીઓના આધારે આસારામને સજા ફટકારી હતી
  • આ કેસમાં ન્યાયતંત્ર પોતાનું કામ સરળતાથી કરી શકે તે માટે પોલીસ અધિકારીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
  • મહિલા અધિકારીઓ સહિતની પોલીસ અધિકારીઓની ટીમે સાક્ષીઓને તમામ પ્રકારના દબાણથી મુક્ત રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા
  • સાક્ષીઓની સુરક્ષાથી માંડીને તેમની નીર્ભિક જુબાની સુનિશ્ચિત કરવા માટે કેટલાંક મહિલા અધિકારીએ સ્માર્ટ વ્યૂહરચના સાથે આ કામ પાર પાડ્યું હતું
બીબીસી ગુજરાતી

પોલીસના પ્રયત્નોથી સાક્ષીઓમાં નીડરતાનો સંચાર

આસારામ

ઇમેજ સ્રોત, Getty Images

સુરત શહેરમાં રહેતાં બે બહેનોએ વર્ષ 2013માં પોલીસ ફરિયાદ કરી હતી.

મોટી બહેનની ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી, જેની તપાસ ઘણાં વર્ષો સુધી એ સમયના પોલીસ ઇન્સ્પેક્ટર અને હાલ આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ દિવ્યા રવીયા જાડેજાએ કરી હતી.

આ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે આસુમલ ઉર્ફે આસારામનું નામ હતું અને બીજા છ આરોપીઓમાં તેમનાં પત્ની, દીકરી વગેરે લોકોનો સમાવેશ થતો હતો.

આ કેસનો ચુકાદો તાજેતરમાં જ આવ્યો હતો, જેમાં આસારામને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.

મહિલાઓ પર કોઈ પણ જાતનું દબાણ ન કરાય તેમજ તેઓ કોઈ પણ જાતની બીક વગર ન્યાયના હિતમાં કોર્ટના કામમાં હાજર રહે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે સતત સતર્ક રહીને કામ કરવું પડ્યું.

નોંધનીય છે કે આસારામ સામે થયેલા દુષ્કર્મના કેસમાં સાક્ષીઓ પર હુમલા અને કેટલાક કિસ્સામાં હત્યાના બનાવો પણ બન્યા છે. આવી પરિસ્થિતિમાં સાક્ષીઓ પર કોઈ પણ જાતનું દબાણ ન આવે તે સુનિશ્ચિત કરવાની પોલીસ પર મસમોટી જવાબદારી હતી.

ગ્રે લાઇન

આવી પરિસ્થિતિમાં મહિલા સાક્ષીઓને કોર્ટ સુધી કેવી રીતે લવાતાં?

આસારામ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક તરફ આ પ્રકારે ઘણા સાક્ષીઓ પર હુમલો થઈ રહ્યા હતા તો બીજી બાજુ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં મહિલા સાક્ષીઓ, ગુનાનો સામનો કરનાર સહિત અનેક સાક્ષીઓને લાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

આ કેસમાં પોલીસના પ્રયત્નો અંગે વાત કરતાં સરકારી વકીલ આર. સી. કોડેકર કહે છે કે, “ગુજરાત પોલીસ, અને તેમાંય ખાસ તો મહિલા અધિકારીઓની ટીમે વિવિધ વ્યૂહરચના બનાવીને આ સાક્ષીઓને કોર્ટ સુધી લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેના કારણે આ કેસમાં આ પ્રકારનો ચુકાદો આવી શક્યો.”

આસારામ કેસમાં કોડેકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “સાક્ષીઓના જીવ પર એક કે બીજી રીતે જોખમ હતું, અને તેમને કોર્ટ સમક્ષ લાવવામાં પોલીસની મહત્ત્વપૂર્ણ કામગીરી રહી છે, તેવું હું માનું છું.”

આ કેસમાં સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપનાવાયેલ વ્યૂહરચના અંગે વાત કરતાં કેસનાં તપાસ અધિકારી નાયબ પોલીસ અધીક્ષક દિવ્યા રવીયા જાડેજા જણાવે છે કે, “અમે પીડિતાની જ કદ-કાઠીની એક મહિલા પોલીસ કર્મચારીને કોર્ટમાં હાજર થતી વખતે તે જ દરવાજેથી પ્રવેશ આપ્યો હતો. જેથી જો કોઈ હુમલાખોર કોર્ટમાં હાજર હોય તો સાચાં સાક્ષી કોણ છે, તેનો તેમને ખ્યાલ ન આવે. આવું જ બીજાં સાક્ષીઓને હાજર રાખવા માટે પણ કર્યું.”

જાડેજા એ સમયે પોલીસ સામેના પડકારો અંગે વાત કરતાં કહ્યું કે, “સૌથી મુશ્કેલ હતું પીડિતા તેમજ સાક્ષીઓની હિંમત અકબંધ રાખવાનું કામ. એક તરફ એક પછી એક સાક્ષીઓની હત્યાની ઘટના બની રહી હતી અને બીજી બાજુ આ મહિલાઓને સાક્ષી આપવા માટે કોર્ટમાં આવવાનું હતું, તેવા સમયે કોઈ પણ વ્યક્તિ ગભરાય તે સ્વાભાવિક છે. જોકે અમે તમામ પ્રયત્નો કર્યા કે જેથી સાક્ષીઓ ડરે નહીં.”

“જેમકે એક પતિ-પત્ની બંને આ કેસનાં સાક્ષી હતાં, પતિની હત્યા થઈ ચૂકી હતી, પરંતુ તેમ છતાંય તેમનાં પત્નીએ કોર્ટમાં આવીને સાક્ષી આપી. આ મહિલાને કોર્ટ સુધી પહોંચવા માટે અને તેમના ઘરે પણ સુરક્ષા આપવી તે અમારી જવાબદારી હતી.”

સાક્ષીઓને કોર્ટમાં હેમખેમ લાવવાં અને પાછાં તેમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી જાડેજા અને તેમની ટીમની હતી.

તેઓ કહે છે કે, “બીજાં મહિલા સાક્ષીઓને પણ આવી જ રીતે અમે કોર્ટમાં લાવતાં હતાં. જે સમયે આ સાક્ષીઓ આવવાનાં હોય તેમની આસપાસ તેમનાં જેવાં જ દેખાતાં મહિલા પોલીસને બુરખો પહેરાવીને, કોર્ટના પાછળના રસ્તેથી કોર્ટમાં લાવવામાં આવતી હતી. આ પ્રક્રિયા લગભગ દરેક મહિલા સાક્ષી માટે કરવામાં આવી હતી.”

બીબીસી ગુજરાતી

આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર મહિલા અધિકારી

આસારામ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આરોપી તરીકે આસારામની હાજરી જરૂરી હતી, તે માટે તેમના પોલીસ રિમાન્ડ લઈને તેમને ગુજરાત એટીએસમાં રાખવામાં આવ્યા હતા.

આસારામને જોધપુરથી અમદાવાદ લાવવાના કામની જવાબદારી ઉઠાવનાર અધિકારીઓમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તોરલ પટેલ પણ હતાં.

તેમની સાથે સિનિયર આઇપીએસ અધિકારી મનોજ નીનામા, પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. જાડેજા, ઉપરાંત બીજા પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.

તેમણે આ દરમિયાનના પોતાના અનુભવ અંગે વાત કરતાં કહ્યું હતું કે, “જે ફ્લાઇટમાં આસારામને લાવવાના હતા, તે ફ્લાઇટમાં અમારી બુકિંગ બાદ ઘણી ટિકિટ આસારામના સાધકોએ ખરીદી લીધી હતી. આ લોકો પોલીસને પોતાનું કામ કરતા તો અટકાવી જ રહ્યા હતા, પરંતુ વારંવાર આસારામને જોવા માટે પોતાની સીટ પરથી ઊભા થઈ રહ્યા હતા. જોકે તે સમયે હિંમત દાખવીને અમે અને અમારી ટીમે સતત આ ટોળા પર કાબૂ કર્યો હતો અને આસારામને અમદાવાદ સુધી પહોંચાડ્યા હતા.”

બીબીસી ગુજરાતી

કોણ હતાં સાક્ષીઓ?

આસારામ

ઇમેજ સ્રોત, Getty Images

આમ તો આસારામ પર ચાંદખેડામાં થયેલા કેસમાં કુલ 55 સાક્ષીઓ સરકારતરફી હતાં અને વધારાનાં 16 સાક્ષીઓ આસારામ તરફના વકીલ તરફથી હતી.

જોકે આ 55 સાક્ષીઓમાંથી સાત મુખ્ય સાક્ષીઓ હતાં, જેમની સાક્ષીના દમ પર કોર્ટે આસારામને આ સજા આપી છે.

આ સાત સાક્ષીઓમાં ચાર મહિલા સાક્ષી હતાં, જે એક સમયે આસારામનાં અનુયાયી હતાં.

એક થી વધુ વખત આ મહિલાઓને કોર્ટમાં લાવવામાં આવી છે. જો કે તેમના જીવ પર હજી પણ જોખમ હોવાને કારણે તેમનું નામ લખી શકાય તેમ નથી.

આ મહિલાઓને એક કરતાં વધુ વખત કોર્ટમાં સાક્ષી તરીકે લાવવામાં આવ્યાં હતાં.

(સુરક્ષાનાં કારણોસર તેમનાં નામ અહીં લખ્યાં નથી.)

બીબીસી ગુજરાતી

આસારામ કેસના સાક્ષીઓ પર હુમલા અને હત્યા

આસારામ

આગળ જણાવ્યું તેમ આસારામને એક ખૂબ ‘પાવરફુલ’ અને ‘પ્રભાવવાળા’ ‘બાબા’ મનાતા હતા.

તેમના પર દાખલ કરાયેલા ગુના બાદ કેટલીક વખત સાક્ષીઓ પર દબાણ સર્જવાના પ્રયાસો કરાયા હોવાની, તેમના પર હુમલા અને કેટલાક કિસ્સામાં મૃત્યુ નિપજાવાયાં હોવાના આરોપો થયા છે.

આસારામના એક સમયના આયુર્વેદિક ડૉક્ટર અને તેમની સામેના બળાત્કારના કેસના મુખ્ય સાક્ષી અમૃત પ્રજાપતિને આસારામના કહેવાતા સાધકે 2014માં રાજકોટમાં તેમના જ દવાખાનામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાંય ગોળી મારીને તેમની હત્યા કરી હોવાની ઘટના પણ સામે આવી હતી.

આવી જ રીતે આસારામના એક સમયના રસોઇયા અને બળાત્કાર કેસના સાક્ષી અખિલ ગુપ્તાની પણ મુઝફફરપુરમાં ગોળી મારીને હત્યા કરી દેવાનો કે નોંધાયો હતો.

રાહુલ સચાન નામના એક આયુર્વેદિક ડૉક્ટર પર જોધપુરની કોર્ટમાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે તે હુમલામાં તેઓ બચી ગયા હતા, પરંતુ ત્યાર બાદથી તેમનો આજ સુધી કોઈ જ પત્તો નથી.

આ બે લોકો ઉપરાંત સાક્ષી મહેન્દ્ર ચાવલા નામની એક વ્યક્તિ પર પણ હુમલો થયો હતો.

આવી જ રીતે જોધપુર કેસના સાક્ષી કિરપાલ સિંગ પર પણ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગોળીબાર થયો હતો અને તેમનું મૃત્યુ થઈ ગયું હતુ.

રેડ લાઇન
રેડ લાઇન