ગુજરાત : હીરબાઈ લોબી, એ ગુજરાતી મહિલા જેમણે હજારો મહિલાઓને પગભર કરી

એક ગરીબ તથા અભણ સ્ત્રી માત્ર આપસૂઝ વડે પોતાનું અને પોતાની આસપાસની સંખ્યાબંધ સ્ત્રીઓનું જીવન કઈ રીતે નંદનવન બનાવી શકે તેની આ કહાણી છે.

એશિયન સિંહો અને સોમનાથના મંદિર માટે મશહૂર ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરી માટે વિખ્યાત છે, પણ તાલાલા જિલ્લાનું જાંબુર ગામ તેમાં રહેતા હીરબાઈ ઈબ્રાહિમ લોબી માટે વધારે ખ્યાતિ પામ્યું છે.

હીરબાઈ લોબી ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. ગણતંત્ર દિવસ પહેલાં 25 જાન્યુઆરી 2023ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.

હીરબાઈ લોદી
ઇમેજ કૅપ્શન, હીરબાઈ લોદી

તેમણે અહીં રહેતી હજારો મહિલાઓને આર્થિક રીતે પગભર કરી છે. અહીં મહિલાઓ માટે હીરબાઈ એક પ્રેરણા છે.

line

હીરબાઈ લોદી કોણ છે?

હીરબાઈ લોદી
ઇમેજ કૅપ્શન, આવી મહિલાઓને શિક્ષણ, રોજગારી અને અન્ય મામલે જાગૃત કરવામાં સિંહફાળો આપનારાં મહિલા એટલે હીરબાઈ લોદી.

હીરબાઈ સીદી કોમનાં છે અને અહીંની સીદી કોમની સંખ્યાબંધ અભણ મહિલાઓનાં પ્રેરણાસ્રોત છે. હીરબાઈએ અહીંની આદિવાસી મહિલાઓને પગભર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આ સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે. હાલ જાંબુરમાં વસતા સીદીઓના વડવાઓને પોર્ટુગીઝ વેપારીઓ દાયકાઓ પહેલાં ગુલામ તરીકે ભારત લાવ્યા હતા.

સમય જતાં પોર્ટુગીઝ વેપારીઓ તો ગયા, પણ સીદી સમાજના લોકો ગીરમાં જ રહી ગયા અને દૂધમાં સાકર ભળે તેમ સોરાષ્ટ્રની સંસ્કૃતિમાં ભળી ગયા.

સીદી સમાજનાં મહિલાઓ વર્ષો પહેલાં આજુબાજુના જંગલમાંથી લાકડાં કાપી લાવતાં અને તે લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવતાં હતાં.

એ કામ જોખમી હતું, પણ તેમની પાસે બીજો વિકલ્પ ન હતો.

આવી મહિલાઓને શિક્ષણ, રોજગારી અને અન્ય મામલે જાગૃત કરવામાં સિંહફાળો આપનારાં મહિલા એટલે હીરબાઈ લોદી.

"લાકડાં વેંચાય તો છોકરાંને ખાવા મળે, નહીં તો ભૂખ્યાં રહે"

વીડિયો કૅપ્શન, 'જ્યારે દીકરાએ કહ્યું કે તે ટ્રાન્સજેન્ડર છે, તો મને થયું આપઘાત કરી લઉં'

એ દિવસોની વાત કરતાં હીરબાઈ કહે છે, "20-25 વર્ષ પહેલાં અમારી કોમના લોકો લાકડાં જ કાપતા હતા."

"કાપેલાં લાકડાં વેચાય તો એમનાં છોકરાંને ચટણીને રોટલો ખાવા મળે. ગામમાં ના વેચાય તો બીજા દિવસે બીજે ગામ વેચવા જવું પડે અને છોકરાંને ભૂખ્યાં રાખવાં પડે."

હીરબાઈને બાળપણથી ખેતીનો શોખ અને આગાખાન ફાઉન્ડેશને તેમને વ્યવસ્થિત ખેતીની ટ્રેનિંગ અપાવી.

તેમને સેન્દ્રીય ખાતર બનાવતાં શિખવ્યું. એ વખતે સીદી સમાજના પુરુષો ખેતીનું કામ કરતા ન હતા. ખેતીનું કામ કરતાં-કરતાં હીરબાઈએ પોતાનું ખેતર બનાવ્યું.

હીરબાઈના કહેવા મુજબ, "એક-એક કરીને બધું કર્યું. નબળો સમય હતો. મહિલાઓ અમારી વાડીએ આવતી હતી."

પોતાના સમાજની મહિલાઓની હાલત સુધારવાનો વિચાર હીરબાઈના મનમાં લાંબા સમયથી હતો પણ નેવુંના દાયકામાં તેમણે તેમના સમાજની મહિલાઓના ઉત્કર્ષનું કામ જોશભેર શરૂ કર્યું હતું. હીરબાઈએ આ મહિલાઓને ખેતી અને બીજાં છૂટક કામ કરવાનું માર્ગદર્શન આપ્યું.

line

દાયકાઓ પહેલાં શરૂ થયેલાં કામે મહિલાઓને આત્મનિર્ભર બનાવી

જંબુસર ગામ
ઇમેજ કૅપ્શન, સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે.

સીદી સમુદાયની મહિલાઓ આત્મનિર્ભર બનાવવામાં હીરબાઈનો મહત્વનો ફાળો છે.

હીરબાઈએ આ મહિલાઓનાં બચતખાતાં ખોલાવ્યાં અને તેમને બચત કરતાં પણ શિખવ્યું.

એ ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકે એવા મંડળોની એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની સ્થાપના પણ કરી હતી.

હીરબાઈ કહે છે, "અમારી વાડીએ કામ કરવા આવતી મહિલાઓના મંડળ બનાવીને 10-10 રૂપિયાથી બચતનું કામ શરૂ કર્યું."

"25-30 વર્ષ પહેલાં કોઈનું ખાતું બૅન્કમાં ન હતું. એ વખતે અમારા લોકો ડરતા હતા. બૅન્કના દરવાજે ચોકીદાર બેઠો હોય તો બૅન્કમાં જતાં પણ ડરે."

"મેં એ બહેનોને કહ્યું કે મનમાંથી ડર કાઢી નાખો. જેમ આપણે માણસ છીએ તેમ એ લોકો પણ માણસ છે."

"બહેનો તેમનાં બાળકોને ભણવા મોકલતી ન હતી. આંગણવાડી શરૂ કરાવી અને બાળકોને તેમાં ભણવા મોકલવા માટે બહેનોને સમજાવી."

line

જ્યારે હીરબાઈએ લૂંટને અટકાવી

બાળકો
ઇમેજ કૅપ્શન, હીરબાઈને રેડિયો સાંભળવાનો બહુ શોખ અને સરકારી કામકાજની ઘણી માહિતી તેમણે રેડિયો મારફત જ મેળવી હતી.

એ પછી હીરબાઈ સાસણની બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં. તેમણે પાંચ વર્ષ સુધી ગ્રામસભામાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી.

એ વખતે સીદી મહિલાએ જાતિનો દાખલો કઢાવવો હોય તો તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. એ લૂંટ હીરબાઈએ અટકાવી.

કોઈ સ્ત્રી સરકારી કામ માટે આવે તો તેને હીરબાઈ કામમાં મદદ કરતાં અને સંબંધિત અધિકારી પાસે લઈ જતાં. અધિકારી કામ કરી આપતા. આ રીતે એ મહિલાઓ જાતિના દાખલા કઢાવતા શીખી ગઈ.

હીરબાઈને રેડિયો સાંભળવાનો બહુ શોખ અને સરકારી કામકાજની ઘણી માહિતી તેમણે રેડિયો મારફત જ મેળવી હતી.

હીરબાઈએ સીદી સમુદાયની મહિલાઓને શિક્ષણ તથા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત કરી.

આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હીરબાઈને રિલાયન્સ તરફથી ધ રિયલ હીરો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

એ ઉપરાંત જાનકી દેવી પુરસ્કાર, ગોડફ્રે ફિલિપ્સ નેશનલ બ્રેવરી ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

એ સિવાય વીમેન્સ વર્લ્ડ સમિટ 2002માં નેધરલેન્ડ્ઝ તરફથી તેમને 500 ડૉલરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

હીરબાઈ કહે છે, "ઍવૉર્ડ તો મને બહેનો માટે કામ કરવા બદલ મળ્યા છે. બહેનોમાં જાગૃતિ લાવવા બદલ ઍવૉર્ડ મળ્યા. આંગણવાડી શરૂ કરી એ માટે મળ્યા. એક ઍવૉર્ડ માં જે 500 ડૉલર મળ્યા એ મેં મારા ગામના વિકાસ માટે, શિક્ષણ માટે આપી દીધા હતા."

line

ખાતરમાંથી પણ બહેનોને કમાણી કરતી કરી

જંબુસર ગામના લોકો
ઇમેજ કૅપ્શન, સીદી સમુદાયની મહિલાઓને પગભર કર્યા પછી સમુદાયનાં બાળકોને શિક્ષિત કરવા હીરબાઈએ કશું વિચાર્યું છે?

હીરબાઈ આટલેથી અટક્યાં નથી. તેમની સંસ્થા ઓર્ગેનિક ખાતર બનાવે છે. એ ખાતરના વેચાણમાંથી જે નાણાં મળે તેનો પણ તેઓ સદુપયોગ કરે છે.

એ માહિતી આપતાં હીરબાઈ કહે છે, "અમારે ત્યાં બાળક પહેલા ધોરણમાં ભણવા આવે ત્યારે તેના સ્કૂલ યુનિફોર્મ, પાઠ્ય-પુસ્તકો અને બૅગ મારી સંસ્થા જ તેમને આપે છે."

"દર વર્ષે કેટલાં બાળકો ભણવા બેસવાનાં છે તેની માહિતી અમે અગાઉથી મેળવી લઈએ છીએ અને એ મુજબ આયોજન કરીએ છીએ. અમને અત્યાર સુધી કોઈ સરકારી સહાય મળી નથી."

પોતાના સમાજની સ્ત્રીઓની શક્તિમાં પારાવાર શ્રદ્ધા વ્યક્ત કરતાં હીરબાઈ કહે છે, "અમારી બહેનો મહેનત કરીને ગામ માટે આટલું કરે છે."

"અમારી આદિવાસી બહેનો બધું કરી શકે છે એમનામાં બહુ તાકાત છે. સરકાર સપોર્ટ આપે તો વધુ સારું કામ થાય. ક્યા ઘરમાં ગરીબી છે, એ ખબર પડે તો જ ગરીબી દૂર કરી શકાય. બાકી ભારતમાંથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય."

ગરીબી અને ગુલામીનું ચક્ર તોડવાનું શોષિત સમાજ માટે મુશ્કેલ હોય છે અને એ સમાજની મહિલા માટે તો વધારે મુશ્કેલ હોય છે, પણ હીરબાઈ ઈબ્રાહિમ લોદીએ એ ચક્ર તોડી દેખાડ્યું છે.

સીદી સમુદાયની મહિલાઓને પગભર કર્યા પછી સમુદાયનાં બાળકોને શિક્ષિત કરવા હીરબાઈએ કશું વિચાર્યું છે?

હીરબાઈ કહે છે, "ઈંગ્લિશ મીડિયમની શાળા શરૂ કરું એવું મારું સપનું છે. મેં એ માટે જમીન પણ તૈયાર રાખી છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન