બ્લડકૅન્સર, બ્રેઇનટ્યૂમર જેવી બબ્બે ભયંકર બીમારીને હરાવનારાં ગુજરાતી યુવતીની સાહસકથા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મેં નાનપણમાં રંગો જોયા જ નથી. મને ચિત્રકામ ખૂબ જ ગમતું, પરંતુ એ સમયે મારા હાથમાં કલરપેન્સિલ કે ડ્રૉઇંગ પેપરના બદલે જાતજાતના રંગોની દવાની ગોળીઓ હોય. રમકડાંને બદલે હાથ કે પગમાં ઇન્જેક્શન હોય."
"છતાં નક્કી કર્યું હતું કે મારે તકલીફો સામે હાર નથી માનવી અને જીત મેળવીશ જ. બસ પહેલાં બ્લડકૅન્સર અને પછી બ્રેઇન-ટ્યૂમર બધા સામે લડી અને જીતી. હું ટીચર બની," આ શબ્દો છે પ્રીતિ શાહના. જેમણે બે-બે મોટી ગણાતી બીમારીઓને પરાજય આપ્યો.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
બાળપણમાં તેમને બ્લડકૅન્સર થયું અને ટીનેજમાં બ્રેઇન-ટ્યૂમર છતાં તેનો દૃઢતાપૂર્વક સામનો કર્યો.
પરિવાર, શિક્ષકો અને મિત્રવર્તુળના સાથથી તેમણે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું અને આજે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

અચાનક એક દિવસ
પ્રીતિ નવ વર્ષનાં હતાં, ત્યારે અચાનક એક દિવસ તેમને ઊલટી થવા લાગી, તેમને પેટમાં દુખી રહ્યું હતું અને અતિશય પીડા થઈ રહી હતી. ડૉક્ટરને ત્યાં તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે પ્રીતિને બ્લડકૅન્સર હતું.
અચાનક જ પ્રીતિની જિંદગી બદલાઈ ગઈ. બગીચામાં લપસણી ખાવા માટે વારો આવે, એની રાહ જોવાની ઉંમરમાં ડૉક્ટરને ત્યાં લાઇનમાં બેસવું પડતું હતું. આસપાસમાં મોટી ઉંમરના દરદીઓ હોય.
ઘરની બારીમાંથી બહાર રમતાં બાળકોને જોતા રહેવાનું, પરંતુ તેમની સાથે રમી ન શકાય, કારણ કે ચેપ લાગી જાય.
અમદાવાદના માણેકચોકમાં સૂકામેવાની દુકાન ધરાવતા પ્રીતિના પિતા રોહિતભાઈ બીબીસી ગુજરાતી સાથે એ દિવસોને યાદ કરતા કહે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ વખતે જાણે અમારી ઉપર આભ ફાટી પડ્યું. આટલી માસૂમ દીકરીને શા માટે બ્લડ-કૅન્સર જેવી બીમારી કેવી રીતે થઈ, તે સમજાતું ન હતું. પરિવારના મિત્ર અને વ્યવસાયે ગળા અને મોઢાના કૅન્સરના તબીબ એવા ડૉક્ટર કિન્નર શાહે બ્લડકૅન્સરના નિષ્ણાત તબીબ સાથે સંપર્ક કરાવ્યો."

પ્રીતિએ બ્લડકૅન્સરને માત આપી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સારવાર લેવા જાય એટલે બીજા દરદી તથા તેમના પરિવારજનો પ્રીતિને જોઈને દયા દાખવે, 'અરેરે...આવડી અમથી છોકરીને બ્લડકૅન્સર?' કોઈ વળી કરૂણા સહજ માથા ઉપર હાથ ફેરવે અને ચૉકલેટ આપે.
એ દિવસોને યાદ કરતાં પ્રીતિએ બીબીસીને જણાવ્યું :
"હું ઘરે આવીને મમ્મીપપ્પાને પૂછતી કે બ્લડકૅન્સર એટલે શું? લોકો મારી સાથે આવું વર્તન કેમ કરે છે? ક્યારેક મમ્મીપપ્પા બંધબારણે રડતાં."
માતાપિતાનો જવાબ રહેતો, 'તું સૌથી રૂપાળી પરી છે એટલે સૌ તને પ્રેમ કરે છે.'
લગભગ ત્રણ વર્ષ સુધી આ ક્રમ ચાલતો રહ્યો. તબીબોની મહેનત, પ્રીતિની પરેજી અને પરિવારનો પરિશ્રમ રંગ લાવ્યા. પ્રીતિએ બ્લડકૅન્સરને પરાજય આપ્યો.

ફરી, અચાનક એક દિવસ
પ્રીતિ નવમા ધોરણમાં આવ્યાં, તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. તેમને ભણવાનું યાદ ન રહે. પરિવાર ફરી તબીબો પાસે ગયાં, ત્યારે માલૂમ પડ્યું કે પ્રીતિના મગજમાં કૅન્સરની ગાંઠ છે, જેના કારણે આ બધી તકલીફ થતી હતી.
ફરી એક વખત પ્રીતિની દવાખાનાની મુલાકાતો શરૂ થઈ. પરિવારમાં માતાપિતા અને ભાઈની બંધબારણે બેઠકોનો ક્રમ શરૂ થયા, જેમાં પ્રીતિના આરોગ્યની ચર્ચા થતી હતી. સ્વાભાવિક રીતે પ્રીતિ આ ચર્ચામાંથી બાકાત હતાં.
આસપાસના લોકો ધો. 10ની પરીક્ષા નહીં આપવા સમજાવતા હતા, પરંતુ પ્રીતિએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. નવમાં ધોરણના વૅકેશન દરમિયાન જૈન મહારાજ સાહેબના કહેવાથી સામયક તથા પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાન કર્યા, જેના કારણે તેમનું મનોબળ વધ્યું.
તેમણે ધો. 10ની પરીક્ષામાં 80 ટકા અને ધો. 12 કૉમર્સની પરીક્ષામાં 78 ટકા માર્ક્સ મેળવ્યા. એ સમયે શિક્ષકો પણ શક્ય એટલી મદદ કરતા હતા.
એ સમયે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કૅન્સર નિષ્ણાત ડૉ. પંકજ શાહની સાથે પ્રીતિની સારવાર કરનાર વર્તમાન ડીન ડૉ. શશાંક પંડ્યા આ કેસ વિશે વાત કરતા કહે છે:
"અત્યારે આધુનિક દવા તથા ટેકનૉલૉજી ઉપલબ્ધ છે, એવાં એ સમયે ઉપલબ્ધ ન હતા. બ્લડકૅન્સરમાંથી સાજી થયેલી છોકરીને બ્રેઇન-ટ્યૂમરની દવા કેવી રીતે આપવી તથા તેનું શું રિઍક્શન આવશે, તે વિશે અભ્યાસ ન હતા."
"તબીબોએ પ્રીતિનાં મગજની ગાંઠ કાઢી નાખી અને રેડિઍશનનાં 30 સેશન થયાં. એ સૅશન મુશ્કેલ હોય, પરંતુ એ છોકરીનો લડાયક જુસ્સો કામ કરી ગયો. અમારા પ્રયાસ સફળ થયા. તે છોકરીએ બે કૅન્સરને માત આપીને ટીચર બની."

નવી જગ્યા, નવા લોકો, નવી સમસ્યા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
બ્રેઇન-ટ્યૂમર દૂર કરવાને કારણે પ્રીતિનાં માથા પર વાળ ન હતાં, તેઓ માથા પર સ્કાર્ફ બાંધીને કૉલેજે જતાં હતાં.
એની ઉંમરની છોકરીઓ, 'તારા માથા પર વેલ નથી' , 'તું કેવી દેખાય છે, તને કોઈ છોકરો પસંદ નહીં કરે.' વગેરે જેવી ટિપ્પણીઓ કરતી. આને કારણે પ્રીતિ હતોત્સાહિત થઈ જતાં.
આ સમયે મમ્મીપપ્પા, ભાઈ, ફોઈ-ફુઆ સહિતનાં પરિવારજનો હિંમત આપતાં હતાં અને લોકોની અસંવેદનશીલ ટિપ્પણીઓને કેવી રીતે અવગણવી અને આગળ વધવું તેના વિશે શીખવતાં હતાં. પ્રીતિએ ટિપ્પણીઓ પર ધ્યાન આપવાને બદલે અભ્યાસ પર લક્ષ્ય આપ્યું.
પ્રીતિએ હોંશિયાર વિદ્યાર્થી તરીકે કાઠું કાઢ્યું એટલે તેમની નોટ્સ માટે મિત્ર બનવા લાગ્યાં, સાથે ફિલ્મો જોવા જાય એવું ગ્રૂપ બન્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, બહાર જતાં ત્યારે એ લોકો અલગ રહેતાં એટલે પ્રીતિ અલગ પડી જતાં હતાં. આથી, તેમનું મન વ્યાકૂળ બની જતું.
પ્રીતિનાં ભાભી નયનાબહેનના પ્રમાણે, "એ અરસામાં મારું લગ્ન થયું. હું અને પ્રીતિ જાણે દોસ્ત બની ગયાં. હું તેની તકલીફ સમજતી. એનો ગુસ્સો ક્યારેક એના ભાઈ પર નીકળતો."
"ભણવા પછી મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે તે માટે ડ્રૉઇંગ, ગ્લાસ પેઇન્ટિંગ, મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવ્યો."
પેઇન્ટિંગ અને મહેંદી સહિતની બાબતો માટે પ્રીતિનાં ખૂબ જ વખાણ થયાં, આને કારણે તેમનો ઉત્સાહ વધ્યો, પરંતુ ભણવાનું ચાલુ રાખ્યું અને તેના પરથી ધ્યાન ન હઠ્યું.

નવું જીવન, નવી આશા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પહેલી વખત મોટી ગણાતી બીમારીનો સામનો કર્યો, તેને આજે 23 વર્ષનો ગાળો પસાર થઈ ગયો છે. આ અરસામાં પ્રીતિએ કૉમર્સમાં માસ્ટર્સ કર્યું. કમ્પ્યૂટરમાં માસ્ટર ભાઈ-ભાભી પાસેથી કમ્પ્યૂટર શીખ્યાં.
દવા, ડૉક્ટર અને હૉસ્પિટલના કારણે બાળપણને માણી નહીં શકનારાં પ્રીતિ ખાનગી સ્કૂલમાં ટીચર છે. બાળકોને રમાડતી વખતે તેમનું પોતાનું બાળપણ પરત આવી જાય છે.
ઑફલાઇન ક્લાસિસ દરમિયાન શાળામાં તથા સોસાયટીના બાળકોમાં તકલીફમાં રહેલા બીજા બાળકને મદદ કરવાની ભાવના કેળવે છે. કેક અને ચૉકલેટ જેવી મનગમતી ચીજોને અન્યો સાથે શૅર કરીને ખાતા શીખવે છે.
બાળકો તેમનાં ફૅવરિટ 'પ્રીતિ ટીચર' માટે ચૉકલેટ લાવે છે, પહેલાં રૂબરૂમાં લાવતાં ; હવે મમ્મીપપ્પા સાથે આવીને ઘરે આપી જાય છે. પ્રીતિ કહે છે:
"મારી સ્કૂલના છોકરાં મને દિલથી પ્રેમ કરે છે. અત્યારે સ્કૂલ બંધ છે તો મને ભાવતી વસ્તુઓ પહેલાં સ્કૂલનાં ટિફિનમાંથી મને આપતાં હતાં. હવે જીદ રીને એમના પૅરેન્ટ્સ સાથે મને ઘરે આપી જાય છે."
પોતાના ત્રણ દાયકાનો સાર જણાવતાં કહે છે, "માણસને હરાવવાનો હક્ક માત્ર તકલીફને નથી. મન મજબૂત હોય તો તકલીફ પણ માણસની સામે હારી જાય છે. હું તકલીફ સામે લડું છું અને જીત મેળવું છું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















