માધવપુરનો મેળો : શ્રીકૃષ્ણે જ્યારે ભાઈની મદદથી રુકમણીનું હરણ કર્યું અને દ્વારકા તરફ નાસી આવ્યાં

ઇમેજ સ્રોત, Vijay Rupani/@Twitter
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના પોરબંદરમાં માધવપુર (ઘેડ) ખાતે રામ નવમીથી પાંચ દિવસ માટે કૃષ્ણ-રુકમણી લગ્નનો પ્રસંગ યોજાય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી આ મેળામાં પૂર્વોત્તર ભારતનાં મુખ્ય મંત્રીઓ, પ્રધાનો અને સાંસ્કૃતિક સમૂહો ભાગ લઈ રહ્યાં છે.
આની પાછળ એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે માન્યતા છે કે રુકમણી પૂર્વોત્તર ભારતના અરુણાચલ પ્રદેશની ઈદુ મિશમી સમુદાયનાં હતાં. જાણકારો આ ધારણાને નકારે છે.
સેંકડો વર્ષોથી અહીં કૃષ્ણ-રુકમણી વિવાહ યોજાય છે, પરંતુ ગત બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે આ લગ્નવિધિ સાદગીપૂર્વક યોજાઈ હતી અને મેળો ભરાયો ન હતો.

કૃષ્ણ-રુકમણીની પ્રેમકહાણી

ઇમેજ સ્રોત, Gujarat Tourism Department
હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા તથા શ્રીમદ ભાગવત્ પુરાણ અને મહાભારતમાં ઉલ્લેખ મુજબ, દ્વાપર યુગમાં રુકમણી વિદર્ભના રાજા ભિષ્મકનાં પુત્રી હતાં. તેમના ભાઈ રુકમી હતા. રુકમી તેમનાં બહેનનું લગ્ન જરાસંધના પુત્ર શિશુપાલ સાથે કરાવી દેવા માગતા હતા. (ઍન્સાઇક્લોપીડિયા ઑફ હિંદુ ગૉડ્સ ઍન્ડ ગૉડેસ, સુરેશ ચંદ્ર, 1998, પૃષ્ઠક્રમાંક 187)
આથી, રુકમણીએ પત્ર લખીને કૃષ્ણની મદદ માગી. પોતાના ભાઈ બલભદ્રની મદદથી કૃષ્ણે રુકમણીનું હરણ કર્યું અને દ્વારકા તરફ નાસી આવ્યા. બીજી બાજુ, ભાઈ બલરામ (બલભદ્ર, હળધર) તથા અન્ય યાદવ યૌદ્ધાઓએ રુકમી તથા તેમની સેનાનો સામનો કર્યો. ત્યાર બાદ તત્કાલીન પ્રભાસક્ષેત્રમાં માધવપુર ખાતે તેમનું લગ્ન યોજાયું હોવાની માન્યતા છે.
હિંદુધર્મની માન્યતા પ્રમાણે, કૃષ્ણ જો વિષ્ણુનો આઠમો અવતાર હતા, તો રુકમણીએ લક્ષ્મીનો અવતાર હતાં.
માધવપુરમાં આવેલું જૂનું માધવરાયજીનું જૂનું મંદિર 14મી કે 15મી સદી દરમિયાન નિર્માણ પામ્યું હશે, એમ માનવામાં આવે છે. માન્યતા અનુસાર વિદેશી આક્રમણકારો દ્વારા અનેક મંદિરોને તોડી પાડવામાં આવ્યાં હતાં અને તે શૃંખલામાં જ પાછળથી આ મંદિર નિર્માણ પામ્યું હશે. પુષ્ટિમાર્ગીય પ્રકારની બાંધકામશૈલીવાળું હાલનું મંદિર વર્ષ 1840 આસપાસ નવનિર્મિત થયું હશે કે વિસ્તાર પામ્યું હશે, એમ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાનું પૉલિટિક્સ

ઇમેજ સ્રોત, Vijay Rupani/@Twitter
હિંદુઓની માન્યતા પ્રમાણે, રુકમણીજી વિદર્ભના (હાલનું મહારાષ્ટ્ર) રાજા ભિષ્મકનાં પુત્રી હતાં. જેઓ ઇદુ મિશમી સમૂહના હતા. અરુણાચલ પ્રદેશના લૉઅર દિબાંગ વેલી જિલ્લામાં ભિષ્મકનગર પણ આવેલું છે. ઇદુ મિશમી અરુણાચલ પ્રદેશ તથા તિબેટમાં અસ્તિત્વ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકકથા વિશેષજ્ઞ પ્રફુલ્લદત્ત ગોસ્વામીના કહેવા પ્રમાણે, 'સ્થાનિક ભાષાના વસંતઋતુ દરમિયાન ગવાતા પ્રેમગીતમાં કૃષ્ણ દ્વારા રુકમણીની કથા કહેવામાં આવે છે. આ સિવાય સમુદાયનાં અનેક લોકનૃત્ય અને લોકનાટકો 'રુકમણી હરણ'ની કથા પર આધારિત છે.'
મિશમીની ઈદુ ઉપજાતિમાં જ આ પ્રકારની માન્યતા જોવા મળે છે. અન્ય બે ઉપજાતિ દિગારોસ તથા મિજુસમાં આવી માન્યતા જોવા નથી મળતી.
અરુણાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાઇબલ સ્ટડીઝના ડૉ. જુમૈર બશરના કહેવા પ્રમાણે , "તામિલ મહાભારત છે એ ઉત્તર ભારતમાં પ્રચલિત મહાભારત કરતાં તદ્દન અલગ છે. આસામનું અલગ મહાભારત છે અને અલગથી બંગાળી આવૃત્તિ પણ છે. પોતાની પ્રાદેશિક આવૃત્તિમાં પ્રાદેશિક મહત્ત્વ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આથી કૃષ્ણ-રુકમણીની કથાના ઈદુ મિશમી સંબંધને પણ એ દૃષ્ટિકોણથી મૂલવવો જોઈએ."
તેઓ ઉમેરે છે કે, 'ભિષ્મકનગર શહેર તથા તેના કિલ્લા સાથે રુકમણીના સંબંધની માન્યતા પ્રવર્તમાન છે, પરંતુ તે માન્યતા છે અને તેને પુરવાર કરી ન શકાય. વધુમાં એ કાલખંડ સાથે જોડાયેલા કોઈ પૌરાણિક અવશેષ ભારતીય પુરાતત્વીય વિભાગને ત્યાંથી નથી મળ્યા.'
અતાબિ લિંગ્ગી નામના ઇતિહાસના સ્નાતકના કહેવા પ્રમાણે , "અમારા સમુદાયની મૌખિક પરંપરાનાં લોકગીત પ્રમાણે, 'ભિષ્મકનગર ચી દા' (ભિષ્મકનગર) અમારું છે. રુકમણી અમારાં દાદી છે. રુકમણી અમારે ત્યાંથી હતાં એવું ચોક્કસપણે કહી ન શકાય, પરંતુ લોકગીતમાં ચોક્કસ કોઈ ઇતિહાસ રહ્યો હશે."
2018માં અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુ માધવપુરના મેળામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું , "પ્રાચીન ઇતિહાસ કહે છે કે એ સમયે અરુણાચલ અલગ પ્રદેશ ન હતો, પરંતુ સમગ્ર પૂર્વોત્તર એક હતું. સદીઓથી અમે ભારત, મુખ્યભારત સાથે જોડાયેલા છીએ. એ અમારી તાકત છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી કે જાહેરસભા દરમિયાન આ વાત ભારપૂર્વક કહે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ હેઠળ પૂર્વોત્તર તથા પશ્ચિમ ભારતના સંબંધને પ્રસ્થાપિત કરવા માટે પણ આ મેળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોદીએ તેમના માસિક જનસંવાદ કાર્યક્રમ 'મન કી બાત'ની માર્ચ-2022ની આવૃત્તિમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

માધવપુર મેળાના રંગ

ઇમેજ સ્રોત, Gujarat Tourism Department
ગુજરાતના મુખ્ય ત્રણ મેળા ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. જેમાં તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર), ભવનાથનો મેળો (જૂનાગઢ) તથા માધવપુરના ઘેડના મેળાનો સમાવેશ થાય છે. માધવપુરના મેળામાં દર વર્ષે સ્થાનિકો ઉપરાંત રાજ્ય અને દેશભરમાંથી હજારો લોકો ઊમટી પડે છે.
મેળા દરમિયાન કૃષ્ણ-રુકમણીના વિવાહ સંબંધિત તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિરમાં માંડવો રોપાય છે અને આજે પણ કંકોતરી લખીને મોકલવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન હોય તેવો ઉત્સાહ સ્થાનિકોમાં જોવા મળે છે.
નોમ, દસમ તથા અગિયારસના દિવસે કૃષ્ણનું રંગીન રથમાં ફુલેકું નીકળે છે, જેમાં ગામના લોકો ભાગ લે છે અને અને તેને 'વરણાગી' તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેમાં ભજન-કીર્તન, દુહા-છંદ, ફટાણાં, લગ્નગીત અને લોકગીત ગાય છે. જ્યારે યુવાનો ગરબા રમે છે અને લોકનૃત્ય કરે છે.
વાજતે-ગાજતે જાન આવે છે, જેનું સામૈયું કરવામાં આવે છે. કૃષ્ણે હરણ કર્યું હોવાથી રથ જ્યારે મંદિરની બહાર નીકળે છે ત્યારે તેને દરવાજા સુધી દોડાવવામાં આવે છે.
પરંપરા અનુસાર ચૈત્ર સુદ બારસના દિવસે વિવાહ યોજાય છે. વાસ્તવમાં વિવાહ યોજાતા હોય તેવી રીતે ધાર્મિકવિધિઓ યોજવામાં આવે છે અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. પાસેના કડછ ગામના મેર લોકો શણગારેલાં ઊંટ-ઘોડા અને ધર્મની ધજા સાથે વાજતે-ગાજતે મામેરું લઈને આવે છે. જ્યારે ચૈત્ર સુદ તેરસના દિવસે જાનવિદાય આપવામાં આવે છે.
બપોરે ગુજરાત પોલીસના ઘોડેસવાર જવાનો કૃષ્ણ અને રુકમણીજીને મંદિર સુધી લાવે છે અને આ સાથે જ પાંચ દિવસના ઉત્સવની ધાર્મિક દૃષ્ટિએ સમાપ્તિ થાય છે. જોકે સાંસ્કૃત્તિક અને સામાજિકકાર્યક્રમો ચાલતા રહે છે.
ગામમાં ભરાતા મેળાનું આયોજન અગાઉ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું, એ પછી ગુજરાત સરકારના પર્યટનવિભાગ દ્વારા તેની જવાબદારી ઉપાડવામાં આવી હતી. હવે, રાજ્ય તથા કેન્દ્ર સરકારના પર્યટનવિભાગ મળીને તેનું આયોજન કરે છે. જેના કારણે મેળો અગાઉ કરતાં વધુ મોટો અને વધુ ભવ્ય બની ગયો છે.
તેમાં ખાણી-પીણી, કટલરી, રમકડાંના સ્ટૉલ, પૂર્વોત્તરની હસ્તકારીગરીના સ્ટૉલ અને મનોરંજક રાઇડ્સ ઉપરાંત પૂર્વોત્તરના સાંસ્કૃત્તિક કાર્યક્રમોનો રંગ પણ ભળ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













