કૃષ્ણનાં બહેન સુભદ્રાનું હરણ કરીને જ્યારે અર્જુન સાથે પ્રેમલગ્ન કરાવી દેવાયાં, શું છે સાચી કહાણી?

કૃષ્ણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. જન્માષ્ટમીની ઉજવણી માટે માધવપુરમાં માનવમહેરામણ ઉમટે છે.

પોરબંદર જિલ્લાના માધવપુરમાં થોડા સમય પહેલાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે આપેલા એક નિવેદનને લઈને વિવાદ થયો હતો. તેમણે કહ્યું હતું કે, 'મહાભારત'ની સિરિયલ આવી અને આ સિરિયલની અંદર ચિત્રણ થયું કે કેવી રીતે સુભદ્રાજીએ પત્ર લખ્યો અને એ પત્ર કૃષ્ણજીને મળ્યો અને ભગવાન કૃષ્ણે સુભદ્રાજીનું કેવી રીતે અપહરણ કર્યું, એમની સાથે બલદેવજી પણ જોડાયા અને સુભદ્રાહરણનો એ પ્રસંગ મહાભારતમાં સિરિયલમાં જોયો, ત્યારે આપણા મનમાં જે કલ્પનાઓ હતી, તે સાકાર થતી હોય તેમ લાગ્યું.'

'તે પછી સુભદ્રાનાં અપહરણ પછી એમના જે વિવાહ થયા, એ વિવાહના સ્થળ ઉપર આજે આપણે બધા ભેગા થયા છીએ.' આ વાતને લઈને ત્યારે સીઆર પાટીલની ખૂબ ટીકા થઈ હતી.

કારણ કે, હિંદુ ધર્મની પૌરાણિક માન્યતા પ્રમાણે, કૃષ્ણ અને સુભદ્રા પતિ-પત્ની નહીં, પરંતુ સાવકા ભાઈ-બહેન થાય. કૃષ્ણ જો વસુદેવ અને દેવકીના પુત્ર હતા, તો સુભદ્રા વસુદેવ અને રોહિણીનું સંતાન હતાં. બંને ભાઈ-બહેન વચ્ચે અપાર સ્નેહ હતો.

સ્ત્રીપાત્રે કોને પરણવું જોઈએ અને કોને ન પરણવું જોઈએ, પરણતાં પહેલાં પરિવારજનોની મંજૂરી લેવી જોઈએ વગેરે જેવી માન્યતા ધરાવનારા લોકોએ અર્જુન અને સુભદ્રાનાં લગ્નનો પ્રસંગ ધ્યાને લેવો જોઈએ.

બંનેની પ્રેમકહાણીમાં રોમાન્સ અને રોમાંચ છે તો તે નાટકીય ચઢાવ-ઉતારથી પણ ભરપૂર છે. એક ભૂલને કારણે શરૂ થયેલી વાતમાં મૈત્રી, સ્ત્રીની ઇચ્છાનું સન્માન, સ્ત્રીના અધિકાર તથા સ્વીકારની વાત પણ છે.

line

યુદ્ધિષ્ઠિર-દ્રૌપદીની પ્રાઇવસીનો ભંગ અને અર્જુનનો વનવાસ

રોશન દલાલ લિખિત પુસ્તક, Hinduism: An Alphabetical Guideમાં યુદ્ધિષ્ઠિર-દ્રૌપદીની પ્રાઇવસીના ભંગની ઘટના આ રીતે આલેખવામાં આવી છે:

પૃષ્ઠ ક્રમાંક (38-39) પર લખાયું છે કે પૌરાણિક કથા અનુસાર, સ્વયંવર બાદ અર્જુન અને દ્રૌપદીનાં લગ્ન થયાં હતાં. પાંડવો જ્યારે પરત ફર્યા ત્યારે તેમનાં માતા કુંતીને કહ્યું, 'જો મા અમે શું લાવ્યા છીએ.' કુંતીનું ધ્યાન બહારથી આવેલા પુત્રો પ્રત્યે ન હતું અને તેઓ સહજભાવે બોલી ગયા, 'જે લાવ્યા હો, પરસ્પર વહેંચી લો.'

આ રીતે દ્રૌપદી પાંચ પાંડવોનાં પત્ની બન્યાં. નારદ મુનિના સૂચનથી દ્રૌપદીને કારણે ભાઈઓ વચ્ચે મનભેદ ન થાય તથા ઇર્ષ્યા ન આવે તે માટે કેટલાક નિયમ બનાવ્યા હતા. જે મુજબ, જ્યારે દ્રૌપદી કોઈ એક ભાઈ સાથે હોય તો બીજા ભાઈએ કક્ષમાં પ્રવેશ ન કરવો. અને જો કોઈ નિયમનો ભંગ કરે તો સ્વેચ્છાએ વનવાસ સ્વીકારે.

દરેક ભાઈનો દ્રૌપદી સાથેનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો. સામે પક્ષે દ્રૌપદીની શરત એ હતી કે ભાઈઓ બીજાં લગ્ન કરી શકશે, પરંતુ તેમની રાણીઓ મહેલમાં પ્રવેશી નહીં શકે.

એક વખત યુદ્ધિષ્ઠિર અને દ્રૌપદી કક્ષમાં હતાં. ત્યારે એક બ્રાહ્મણ આવ્યો. કેટલાક શખ્સો તેની ગાય ઉઠાવીને જઈ રહ્યા હતા. એ બ્રાહ્મણે મદદ માટે અર્જુન સમક્ષ ધા નાખી. અર્જુન માટે સમસ્યાએ હતી કે તેમનાં અસ્ત્ર-શસ્ત્ર દ્રૌપદીના કક્ષમાં હતાં.

જો તેઓ અંદર જાય તો 12 વર્ષનો વનવાસ સ્વીકારવો પડે. બીજી તરફ પ્રજા અને ગાયોનું રક્ષણ કરવાની ફરજ હતી. દુવિધાના અંતે અર્જુને કક્ષમાં પ્રવેશવાનું નક્કી કર્યું. ગાયોને છોડાવીને અર્જુન પરત ફર્યા, ત્યારે તેમણે મોટાભાઈ યુદ્ધિષ્ઠિર પાસે રાજ છોડવાની રજા માગી. યુદ્ધિષ્ઠિરે તેમને રોકવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અર્જુન અડગ રહ્યા અને ચાલી નીકળ્યા.

વનવાસ દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરતી વખતે નાગરાજાનાં પુત્રી ઉલુપી સાથે લગ્ન કર્યાં અને તેમના થકી ઈરાવન નામના પુત્રનો જન્મ થયો. મણિપુરમાં તેમણે ચિત્રાંગદા સાથે લગ્ન કર્યાં અને એક પુત્રના પિતા બન્યા.

line

સુભદ્રા વિશે સાંભળ્યું અને....

હલદીમુખી સુભદ્રા સાથે કૃષ્ણ અને બલભદ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હલદીમુખી સુભદ્રા સાથે કૃષ્ણ અને બલભદ્ર

અર્જુન સાધુવેશે પશ્ચિમે આવેલા પ્રભાસતીર્થની પહાડીઓમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગદના મુખે સુભદ્રાનાં સૌંદર્યની પ્રશંસા સાંભળી. આથી, અર્જુન તેમના પ્રત્યે આકર્ષિત થયા અને તેમની સાથે લગ્નનો વિચાર કરવા લાગ્યા. Puranic Encyclopaedia (1975, પૃષ્ઠક્રમાંક 746)

અહીં કૃષ્ણ અને અર્જુનની મુલાકાત થઈ. કૃષ્ણે વનવાસનું પ્રયોજન પૂછતાં અર્જુને સમગ્ર ઘટના વર્ણવી અને બંને છૂટા પડ્યા. થોડા દિવસ પછી યાદવોનો મોટો તહેવાર રૈવતક પર્વત પર યોજાયો. જેમાં ઉગ્રસેન, પ્રદ્યુમન, કૃષ્ણ અને બલભદ્ર જેવા યાદવપુરુષો ઉપરાંત મહિલાઓ પણ સામેલ થઈ.

અહીં સુભદ્રાને જોઈને અર્જુનને તેમનાં પ્રત્યે આસક્તિ વધી ગઈ. થોડા દિવસ પછી તહેવાર પૂર્ણ થયો અને સુભદ્રા દ્વારકા પરત ફર્યાં. અર્જુન પહાડોમાં બેસીને સુભદ્રા વિશે મનોમન વિચાર કરી રહ્યા હતા. ત્યારે ગદ, સાંબ અને પ્રદ્યુમન વગેરે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અર્જુનને દ્વારકા આવવાનું અને ત્યાં ચાતુર્માસ ગાળવાનું આમંત્રણ આપ્યું.

સુભદ્રાનાં ઘરેથી સાધુને માટે ભોજન જતું. આ ગાળામાં અર્જુનનું સુભદ્રા માટેનું આકર્ષણ વધી રહ્યું હતું, પરંતુ સુભદ્રાનાં મનમાં શું ચાલી રહ્યું છે, તે હજુ સ્પષ્ટ ન હતું. સુભદ્રાએ પણ પાંડવો અને અર્જુનના પરાક્રમોની વાતો સાંભળેલી હતી, એટલે તેઓ સાધુવેશે રહેલા અર્જુન પાસેથી પાંચ ભાઈઓ અને વિશેષ કરીને અર્જુન વિશે વધુ અને વધુ માહિતી મેળવવા માટે આતુર રહેતાં.

જ્યારે સાધુવેશે રહેલા અર્જુનને ખાતરી થઈ કે સુભદ્રા 'અર્જુન'ને પ્રેમ કરે છે, ત્યારે તેમણે પોતાની ઓળખ છતી કરી. આ ઘટનાક્રમ કૃષ્ણથી અજાણ ન હતા. જોકે, આગળ ઘણું બનવાનું હતું.

line

દુર્યોધનની ઍન્ટ્રી, સુભદ્રાહરણ કે સુભદ્રાવરણ?

દૂરદર્શન પર પ્રસારિત થયેલી ધારાવાહિક 'મહાભારત'ની કહાણીને સાદૃશ્ય સ્વરૂપે ઘરે-ઘરે પહોંચાડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દૂરદર્શન પર પ્રસારિત થયેલી ધારાવાહિક 'મહાભારત'ની કહાણીને સાદૃશ્ય સ્વરૂપે ઘરે-ઘરે પહોંચાડી

કૃષ્ણના મોટાભાઈ બલભદ્ર (બલરામ, હળધર) ગદાવિદ્યામાં નિપુણ હતા. કૌરવ રાજકુમાર દુર્યોધન તેમના વિદ્યાર્થી હતા. આથી જ જ્યારે સુભદ્રા માટે દુર્યોધનના લગ્નનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે તેમણે ઇનકાર કર્યો અને હરખભેર દ્વારકા આવ્યા. તેમને આશા હતી કે વસુદેવ આને માટે ના નહીં કહે.

બીજી બાજુ, કૃષ્ણ અપ્રત્યક્ષ રીતે અર્જુનને સૂચન કરે છે કે સુભદ્રા મંદિરે દર્શન કરવા જાય, ત્યારે તેનું રથમાં હરણ કરી જવું. સાથે જ તેઓ સૂચન કરે છે કે રથ અર્જુન નહીં, પરંતુ સુભદ્રા હંકારે. બંનેએ એમ જ કર્યું.

જ્યારે આ સમાચાર યાદવો સુધી પહોંચ્યા, ત્યારે તેઓ બલભદ્ર, ઉદ્ધવ તથા અન્ય યાદવો ખૂબ જ ગુસ્સે થયા. તેમને લાગ્યું કે અર્જુને તેમના આતિથ્યસત્કારનું અપમાન કર્યું છે. ત્યારે અંગરક્ષકોની જુબાનીને ટાંકતાં કૃષ્ણ કહે છે કે રથ સુભદ્રા ચલાવી રહ્યાં હતાં. મતલબ કે અર્જુને સુભદ્રાનું નહીં, પરંતુ સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું છે. આ સંજોગોમાં સુભદ્રાએ અર્જુનનું હરણ નહીં પરંતુ વરણ કર્યું જ કહેવાશે.

આ સાંભળીને યાદવોનો ગુસ્સો શાંત પડે છે. તેઓ સુભદ્રા-અર્જુનનાં સંબંધનો સ્વીકાર કરે છે. અહીં લગભગ એક વર્ષ સુધી રહે છે. હવે, અર્જુનને માટે સુભદ્રાને ઇન્દ્રપ્રસ્થ લઈ જવાનો પ્રશ્ન હતો, કારણ કે ત્યાં દ્રૌપદીનો એકાધિકાર હતો.

line

દ્રૌપદી, સુભદ્રા અને અર્જુનની કહાણી

અનેક વૃત્તાંતો પ્રમાણે, સ્વયંવર દરમિયાન અર્જુનનો વિજય થયો હોવાથી અન્ય ભાઈઓની સરખામણીમાં દ્રૌપદી તેમના પ્રત્યે વિશેષ લાગણી અને અધિકારભાવ ધરાવતાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનેક વૃત્તાંતો પ્રમાણે, સ્વયંવર દરમિયાન અર્જુનનો વિજય થયો હોવાથી અન્ય ભાઈઓની સરખામણીમાં દ્રૌપદી તેમના પ્રત્યે વિશેષ લાગણી અને અધિકારભાવ ધરાવતાં હતાં

અનેક વૃત્તાંતો પ્રમાણે, સ્વયંવર દરમિયાન અર્જુનનો વિજય થયો હોવાથી અન્ય ભાઈઓની સરખામણીમાં દ્રૌપદી તેમના પ્રત્યે વિશેષ લાગણી અને અધિકારભાવ ધરાવતાં હતાં. આથી, જ જ્યારે અર્જુનના લગ્ન વિશે સાંભળ્યું, ત્યારે તેઓ ક્રોધિત થઈ ઊઠ્યાં.

સુભદ્રાએ સ્થિતિને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો, તેમણે ગોવાલણનો વેશ ધારણ કર્યો અને દ્રૌપદીના કક્ષમાં પ્રવેશ કર્યો અને ટૂંકા સંવાદ બાદ પગમાં પડીને પોતાની ઓળખ 'કૃષ્ણની બહેન સુભદ્રા' તરીકે આપી. સાથે જ તેમનાં દાસી તરીકે રહેવાની વાત કરી.

પૌરાણિક લખાણોના વિવરણ પ્રમાણે, કૃષ્ણ પ્રત્યે દ્રૌપદી ભાઈ જેવો સ્નેહ ધરાવતાં હતાં, એટલે તેમણે સુભદ્રાનો 'નાની બહેન' તરીકે સ્વીકાર કર્યો અને તેમને અર્જુનની સાથે રહેવાની મંજૂરી આપી. કૃષ્ણે સુદર્શનચક્રથી શિશુપાલનો વધ કર્યો, તે સમયે તેમની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું, તેને અટકાવવા માટે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેનો પાટો કૃષ્ણની આંગળી ઉપર બાંધ્યો હતો.

જ્યારે દુશાસને ભરી સભામાં દ્રૌપદીનાં વસ્ત્રહરણનો પ્રયાસ કર્યો, ત્યારે કૃષ્ણએ દ્રૌપદીનાં ચીર પૂર્યાં હતાં અને પોતાની ઉપર રહેલું ઋણ ઉતાર્યું હતું.

line

સુભદ્રા વિશે...

સામાન્ય રીતે હિંદુ ધર્મમાં પતિ-પત્ની સ્વરૂપે દેવી-દેવતાની પૂજા થતી હોય છે. પરંતુ ઓડિશાના જગન્નાથપુરી ખાતે કૃષ્ણ, બલભદ્ર તથા સુભદ્રા ત્રણેય ભાઈ-બહેનોનું મંદિર છે. જેઓ વર્ષમાં એક વખત રથયાત્રા દ્વારા નગરચર્યા કરવા માટે નીકળે છે. અહીં સુભદ્રાનો ચહેરો પીળો છે એટલે તેઓ 'હલદીમુખી' તરીકે પણ ઓળખાય છે.

સુભદ્રાને અર્જુન થકી અભિમન્યુનો જન્મ થયો. કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ગર્ભાવસ્થામાં મેળવેલા જ્ઞાનને કારણે તે ચક્રવ્યૂહમાં પ્રવેશી તો ગયા, પરંતુ બહાર ન નીકળી શક્યા. કૌરવોએ મળીને અભિમન્યુનો વધ કર્યો. અર્જુનને પોતાના અન્ય પુત્રોમાં અભિમન્યુ ખૂબ જ વહાલા હતા અને એટલે જ તેઓ કૌરવપક્ષે રહેલા ગુરુઓ તથા વરિષ્ઠોની સામે લડવા માટે સજ્જ થયા.

અભિમન્યુના મૃત્યુ સમયે તેમનાં પત્ની ઉત્તરા ગર્ભવતી હતાં. અશ્વસ્થામાં 'બ્રહ્માસ્ત્ર' દ્વારા ગર્ભસ્થ શિશુનો સંહાર કરવાનો પ્રયાસ કરે છે. આ સમયે ઉત્તરાના સાસુ સુભદ્રા ભાઈ કૃષ્ણ પાસે મદદ માગે છે અને 'વિષ્ણુઅસ્ત્ર' દ્વારા તેની રક્ષા કરે છે. છેવટે પુત્રનો જન્મ થાય છે જેનું નામ પરીક્ષિત છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે, જ્યારે પાંડવોએ દ્રૌપદી સાથે હિમાલય તરફ પ્રયાણ કર્યું, ત્યારે સુભદ્રા પાછળ રહ્યાં અને તેમણે પરીક્ષિતનું માર્ગદર્શન કર્યું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન