દ્વારકાના દરિયામાંથી મળેલી એ વસ્તુ, જેણે સોનાની દ્વારકાનાં આ રહસ્યો ખોલ્યાં

દ્વારકા બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકદમ પશ્ચિમ છેડે આવેલું દ્વારકા કરોડો હિંદુ શ્રદ્ધાળુઓનું એક પવિત્ર તીર્થ મનાય છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને હિંદુ ધર્મ પુસ્તકોમાં દ્વારકાનો ઉલ્લેખ શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નગરી તરીકે પણ આવ્યો હોવાથી તેના પુરાતત્ત્વીય સંશોધન વિશે પણ દેશ-વિદેશના સંશોધકોમાં આકર્ષણ છે.

દ્વારકાના જમીન તથા દરિયામાં સંશોધન અને ઉત્ખનન દરમિયાન મળેલાં અવશેષો પ્રાચીનકાળથી આ શહેરનું અસ્તિત્વ હોવાની સાક્ષી પુરે છે.

1980ના દાયકાના અંતભાગમાં દ્વારકામાં (1986-87 આસપાસ) જ સૌપ્રથમ વખત પાણીની અંદર પુરાતત્ત્વીય ખોજ હાથ ધરવામાં આવી હતી, જે દેશની પ્રથમ મરીન આર્કિયૉલૉજિકલ સાઇટ છે.

અહીંથી મળેલા અવશેષો એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં અલગ-અલગ કદ અને આકારનાં વહાણ આવતાં અને દેશદેશાવરનો પ્રવાસ ખેડતાં.

કાળક્રમે આ બંદર નાશ પામ્યું. સદીઓથી જે જોખમ દ્વારકા ઉપર તોળાઈ રહ્યું છે, તે વધુ એક વખત તેના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું કરી શકે એવું વિજ્ઞાનીઓનું માનવું છે.

દ્વારકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લા ચારેક દાયકાથી સમુદ્ર નારાયણના મંદિરથી એકાદ કિલોમીટર આગળ દરિયામાં સંશોધન હાથ ધરવામાં આવ્યું.

હિંદુ માન્યતા પ્રમાણે, ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર મનાતા શ્રીકૃષ્ણે તેમના મામા કંસનો વધ કરીને જનતાને તેમના અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી. આ પછી તેઓ મથુરામાં રહેવા લાગ્યા હતા.

કંસની હત્યા પછી તેના સસરા જરાસંઘે શ્રીકૃષ્ણ ઉપર વેર લેવાનું નક્કી કર્યું. મગધની સેનાએ 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યું. કૃષ્ણ અને તેમના ભાઈ બલરામે પોતાના રાજની રક્ષા કરી. 18મી વખત મગધની કાલયવન નામના નવા સેનાપતિના નેતૃત્વમાં હુમલાની તૈયારીઓ કરી ત્યારે કૃષ્ણે તમામ યાદવોને ત્યાંથી ખસેડવાનું નક્કી કર્યુ. તેમણે યોગબળથી તમામ નગરજનોને નવી નગરીમાં વસાવ્યા.

મગધની સેનાએ મથુરાને સળગાવી દીધી. જરાસંઘને લાગ્યું કે એ આગમાં યાદવો, કૃષ્ણ અને બલરામ નાશ પામ્યા છે, પરંતુ આ તેમનો ભ્રમ હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહાભારતના 'મૌસલપર્વ', હિંદુઓના સર્જનના દેવ વિષ્ણુના અવતારો પર આધારિત ધાર્મિકગ્રંથ 'વિષ્ણુ પુરાણ' તથા 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, કૃષ્ણે દરિયાદેવ પાસેથી 12 યોજન જમીનની માગણી કરી. જે તેમણે આપી.

આ સ્થળ પર દેવોના સ્થપતિ મનાતા વિશ્વકર્માએ કૃષ્ણના 16 હજાર 108 રાણીઓ માટે મહેલ, બગીચા અને નિવાસસ્થાન બનાવ્યા. આ ટાપુને ફરતે કિલ્લો હતો અને નાગરિકોને ઓળખ માટે મુદ્રિકા આપવામાં આવી હતી, જે તેમણે ગળામાં ધારણ કરવી પડતી. આ દ્વારકાને 'સુવર્ણનગરી' તરીકે ઓળખવામાં આવે છે.

'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં ઉલ્લેખ મુજબ યાદવાસ્થળી અને કૃષ્ણના દેહોત્સર્ગ પછી તેમના મહેલને બાદ કરતાં દરિયાએ બધી જમીન પરત લઈ લીધી. સ્થાનિકોનું માનવું છે કે અત્યારસુધીમાં છ વખત દ્વારકા દરિયામાં ડૂબી છે.

આઠમી સદી દરમિયાન આદિ શંકરાચાર્યે ઉત્તરમાં બદરિકાશ્રમ જ્યોર્તિપીઠ (બદરીનાથ, ઉત્તરાખંડ), પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત), પૂર્વમાં ગોવર્ધનપીઠ (પુરી, ઓડિશા) અને દક્ષિણમાં શ્રૃંગેરી શારદાપીઠમ્ (ચિકમંગલૂર, કર્ણાટક) સ્થાપ્યા.

આ પછી દ્વારકાના ધાર્મિક મહત્ત્વમાં વધારો થયો હતો. તેમણે જ દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. મધ્યકાલીન યુગમાં અને એ પછી પણ મંદિર તથા સ્થાનિકોએ અનેક ઉતાર-ચઢાવ જોયાં છે, છતાં દેશવિદેશના હિંદુઓમાં તેનું ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહેવા પામ્યું છે.

બીબીસી ગુજરાતી

દ્વારકામાં સંશોધન અને ઉત્ખનન

દ્વારકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈ.સ. 1775થી 1800 આસપાસ શ્રીકૃષ્ણના સમયનાં દ્વારકાનું કલ્પનાચિત્ર

વર્તમાન સમયના દ્વારકા, બેટ દ્વારકા, પ્રભાસ-પાટણ નજીક મૂળ દ્વારકા અને પોરબંદર તથા મિયાણીની વચ્ચે પણ મૂળ દ્વારકા આવેલાં છે. પૌરાણિક વિવરણો મુજબ દ્વારકાની આજુબાજુ રૈવતક પર્વત આવેલો હતો. હાલની દ્વારકાની આજુબાજુમાં પર્વત આવેલો ન હોવાથી કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોમાં વર્તમાન સમયનું દ્વારકા શહેર જ પ્રાચીન નગર હોવા અંગે વાદ રહ્યો છે. છતાં મોટાભાગના સંશોધન-ઉત્ખનન દ્વારકા અને બેટ દ્વારકા ખાતે થયાં છે અને તેમાં સકારાત્મક પરિણામ મળ્યાં છે.

1960-'70 ના દાયકામાં દ્વારકાની જમીન ઉપરથી મળેલા પ્રાચીન અવશેષોથી ઉત્સાહિત પુરાતતત્ત્વવિદોએ દરિયામાં સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું હતું. એ સમયે આર્કિયૉલૉજીકલ સર્વે ઑફ ઇંડિયામાં (એએસઆઈ) દરિયાઈ શાખા અસ્તિત્વમાં ન હતી. એટલે વિખ્યાત પુરાતત્ત્વવિદ એસ.આર. રાવે ગોવાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીના નેજા હેઠળ સમુદ્રનારાયણના મંદિરથી આગળ દરિયામાં સંશોધનો હાથ ધર્યાં હતાં.

મહેરામણના પેટાળમાં ત્રણથી 10 મીટરની ઊંડાઈએ દરિયાઈ વનસ્પતી અને રેતીને હટાવતા તેની નીચેથી લંબચોરસ અને અર્ધવર્તુળાકાર આકારના પથ્થર મળી આવ્યા. જે તેના સ્વાભાવિક કુદરતી આકાર નથી. તેમાં વચ્ચે છીણીટાંકણાંથી ખાંચા કરવામાં આવ્યા છે, જે લાકડા ભરાવવા માટે કે ઇન્ટરલૉકિંગ સિસ્ટમ માટે હશે એવું માનવામાં આવે છે.

એનઆઈઓને આ વિસ્તારમાંથી પથ્થરનાં 120 લંગર મળી આવ્યાં છે. જે ચૂના પથ્થર, ભુકરિયા પથ્થર, કાળા પથ્થરથી બનેલાં છે. તે અલગ-અલગ આકાર અને કદનાં છે. તેમાં છીણીટાંકણાથી લગભગ એક સમાન આકારનાં કાણાં પાડવામાં આવ્યાં છે.

દ્વારકા

ઇમેજ સ્રોત, @anuradhagoyal

સામાન્ય રીતે લંગરના આકાર, તેના પ્રચલન અને વજનના આધારે તે કયા સમયના હશે તેનું અનુમાન મૂકવામાં આવે છે. વૃદ્ધ સ્થાનિક માછીમારોએ સંશોધકોને જણાવ્યું હતું કે 19મી સદીની શરૂઆત સુધી આ પ્રકારના લંગરોનો ઉપયોગ થતો હતો. એટલે કયું લંગર કયા સમયનું છે તે માટે દરેકનો સ્વતંત્ર રીતે અભ્યાસ હાથ ધરવો રહ્યો. (માઇગ્રૅશન ઍન્ડ ડિફ્યુશન, વૉલ્યુમ 6, ઇસ્યુ 21, પેજ નંબર 56-74)

દરિયામાં જહાજને સ્થિર રાખવા, માલને ચઢાવવા કે ઉતારવા દરમિયાન વહાણોને લાંગરવા પડે. વહાણના પ્રકાર અને વહનક્ષમતાને આધારે આ લંગર અલગ-અલગ આકાર કે વજનનાં હોઈ શકે છે. સંશોધકોને ત્રિકોણાકાર, ભારતીય-આરબ શૈલીના આંકડાવાળા કે ગોળાકાર લંગર મળી આવ્યાં છે. જેના વજન લગભગ 85 કિલોગ્રામથી લઈને લગભગ 500 કિલોગ્રામ સુધી છે.

દરિયાના પેટાળમાં પથ્થરોની વચ્ચે ફસાઈ જવાથી, દોરડાં તૂટી જવાથી આ લંગર અહીં જ રહી જવા પામ્યાં હશે એવું સંશોધકોનું માનવું છે. વર્તુળાકાર કિલ્લાબંધી જેવા આકારને કારણે આ માળખાં 12મી કે 13મી સદીનાં હોવાનું અનુમાન સંશોધકો મૂકે છે.

વર્ષ 2007માં દ્વારકાના દરિયામાં સંશોધનકાર્યનું નેતૃત્વ કરનારા એએસઆઈના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ અગાઉ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, દરિયામાંથી મળી આવેલા અવશેષોના આધારે નિશ્ચિતપણે કહી શકાય કે તે પ્રાચીન બંદર છે.

ખૂબ થોડી સંખ્યામાં અંડરવૉટર આર્કિયૉલૉજિસ્ટની ઉપલબ્ધતા, મર્યાદિત સંશાધનો અને વર્ષમાં માત્ર બે-ત્રણ મહિનાની સંશોધન માટેની અનુકૂળતાને કારણે સંશોધન મંથરગતિએ આગળ વધી રહ્યું છે.

બીબીસી ગુજરાતી

દ્વારકા, દરિયો, દેશદેશાવર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દ્વારકાનો દરિયાકિનારો મુંબઈથી કરાંચી, કચ્છથી મુંબઈ, ગુજરાતથી અરબસ્તાન અને આફ્રિકાના વેપાર માટેના રૂટમાં મહત્ત્વપૂર્ણ મથક છે. જોકે, સલ્તનતકાળ, કંપની સરકાર, અંગ્રેજ સરકાર તથા એ પછી ગાયકવાડ સરકાર દરમિયાન અહીં ચાંચીયાઓનો ત્રાસ રહેવા પામ્યો હતો. જેને ઝેર કરવા માટે મહમદ બેગડા, કંપની સરકાર તથા એ પછી અંગ્રેજોએ અલગ-અલગ અભિયાન હાથ ધર્યાં હોવાની નોંધ ઇતિહાસમાં મળે છે.

દ્વારકા અને તેની આસપાસના ગામોમાં આજે પણ ખાસ ખેતી નથી થતી. એટલે એ સમયમાં આ બારામાંથી કૃષિપેદાશો સિવાય મુસાફરોની, મીઠાની તથા અન્ય ચીજવસ્તુઓની હેરફેર થતી હશે એમ માની શકાય.

કલ્યાણરાય જોશી તેમના પુસ્તક 'દ્વારકા'માં (પેજનંબર 121-126) લખે છે કે અહીંની જમીન કસવાળી ન હોવાથી વાણિયા કે પાટીદારોની ખાસ વસતી નથી. જોકે, અહીં દરિયાઈ વેપાર ખેડવા માટે પંકાયેલા ભાટિયા અને લોહાણાઓનું (ઠક્કર) અસ્તિત્વ છે.

દ્વારકા

ઇમેજ સ્રોત, Getty Images

બંને સમાજના લોકોની મુંબઈ, સુરત, કરાચી, કટક, બાલાસિનોર અને પુનામાં પેઢીઓ છે અથવા તો ત્યાં જઈને વસ્યાં છે. દ્વારકાના વેપારીઓ રંગૂન, અરબસ્તાન, મસ્કત, આફ્રિકા અને ઝાંઝીબાર સાથે વેપારી સંબંધ ધરાવે છે.

જોશી તેમના પુસ્તકમાં (પેજનંબર 13) લખે છે કે, 'કિનારે ઘસડાઈ આવેલાં છીપલાં-કોડી વીણવામાં મશગૂલ યાત્રાળુઓ વિશાળ જળપટ પર સઢવાળાં મોટાં વહાણો અને વરાળયંત્રથી ચાલતી ધૂમાડા કાઢતી આગબોટો જોયાનો પહેલો અનુભવ થાય છે.'

દ્વારકાના બારામાંથી જહાજની અવરજવરની વાત ખૂબ તાજેતરની છે. બહુમાળી ઇમારતોનું અસ્તિત્વ ન હતું ત્યારે અગાશી ઉપરથી જહાજ જોઈ શકાતાં.

'ગુજરાતની ટાઇટેનિક' તરીકે વિખ્યાત થયેલું જહાજ 'હાજી કાસમની વીજળી' (સત્તાવાર નામ 'એસએસ વૈતરણા') વર્ષ 1888માં ડૂબી ગઈ હતી. ત્યારે દ્વારકા અને માંડવીથી મોટાભાગના મુસાફરો ચઢ્યા હતા. એ સમયે તે માંડવીથી મુંબઈ વચ્ચેની દરિયાઈયાત્રામાં સ્ટૉપ હતું. જ્યાંથી ખાસી સંખ્યામાં મુસાફર ચઢ્યા હતા.

બીબીસી ગુજરાતી

પતન થવાના ઇતિહાસનું પુનરાવર્તન થશે?

દ્વારકા

ઇમેજ સ્રોત, ALAMY

ઇમેજ કૅપ્શન, ઈ. સ. 1600ની આસપાસ હરિવામસા રચિત 'સુવર્ણનગરીમાં કૃષ્ણ'નું ચિત્ર

સદીઓ-સહસ્રાબ્દીઓ અગાઉ દરિયાનું જળસ્તર વધવાથી દ્વારકા એક કરતાં વધુ વખત જળમગ્ન થયું હોવાના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. કાળક્રમે ઊંચી-નીચી થયેલી દરિયાની સપાટી અંગે વાત કરતા સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમ કહે છે:

"લગભગ 15000 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં 100 મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચી ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે, તેના કરતાં પણ એ ઉપર થઈ ગઈ હતી."

"તે પછી 3500 વર્ષ પહેલાં તે ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."

એનઆઈઓના સંશોધકોનું તારણ છે કે (કરંટ સાયન્સ, વૉલ્યુમ 86, નંબર 9, પેજનંબર 1260) દરવર્ષે દરિયાનો ચાર મીટરની સપાટીથી આગળ વધી રહ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે કચ્છના અખાતમાં ધોવાણ થવાની વ્યાપક શક્યતા રહેલી છે.

લગભગ 175 વર્ષ અગાઉ દ્વારકાથી બે કિલોમીટર ઉત્તરે રૂપેણ નામના નવા બંદરનો વિકાસ થયો છે, જેના કારણે પણ દ્વારકાના બંદરનું પતન થયું હશે. રૂપેણમાં લાકડાના માળખા સાથે બોટોને લાંગરવામાં આવતી હોવાની તાજેતરની સ્મૃતિ છે. તેના પેટાળમાં પણ દ્વારકા જેવા જ પથ્થરનાં માળખાં જોવા મળ્યાં છે.

નૅચર કૉમ્યુનિકેશન્સ જનરલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સુરત, કચ્છ, ભાવનગર અને ભરૂચને તેની અસર થઈ શકે છે. દહેજ, હઝીરા અને કંડલાને તેની વ્યાપક અસર થઈ શકે છે.

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ગીરસોમનાથને તેની પ્રમાણમાં મધ્યમથી ઓછી અસર થશે. આ સિવાય કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી આશંકા પણ દરિયાઈ જળસ્તર અંગેના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી