સુરતથી લઈ કંડલા સુધીના ગુજરાતના અનેક વિસ્તારો દરિયામાં ડૂબી જશે?

દરિયાનાં મોજાં

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતનાં મુંબઈ, ચેન્નઈ સહતિનાં ઘણાં શહેરોના વિસ્તારો આવનારા દાયકાઓમાં દરિયામાં ડૂબી જશે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતનાં મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, કોચી સહિતનાં દરિયાકિનારે આવેલાં અનેક શહેરો પર આવનારા દિવસોમાં ખતરો તોળાઈ રહ્યો છે.

વિશ્વ હવામાન સંસ્થાએ જારી કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરિયાની જળસપાટીમાં થઈ રહેલો વધારાને કારણે આ શહેરોનાં અનેક ભાગો દરિયામાં ગરકાવ થવાની સંભાવના છે.

ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલૅન્ડસના દરિયાકિનારે આવેલા અનેક વિસ્તારો આવનારા દાયકાઓમાં પાણીમાં સમાઈ જશે તેવી ચેતવણી આ રિપોર્ટમાં આપવામાં આવી છે.

આ પહેલાં આવેલા આઈપીસીસીના રિપોર્ટમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે દુનિયામાં સતત વધી રહેલા તાપમાનને કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે.

જળવાયુ પરિવર્તનને કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે ભારતના દરિયાકિનારે વસતા લાખો લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.

ગુજરાતના દરિયાકિનારા પાસે આવેલા વિસ્તારો પર પણ સતત વધતા જળસ્તરથી ખતરો પેદા થઈ રહ્યો છે.

તા. 14મી ફેબ્રુઆરીના જ્યારે દુનિયા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદને જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ઊભી થનારી "કલ્પી ન શકાય તેવી" પરિસ્થિતિનું ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું હતું.

દરિયાનું જળસ્તર અગાઉ કરતાં ત્રણગણી ઝડપે વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને અમુક તો વિસ્તારોનું અસ્તિત્વ નક્શા પરથી ભૂંસાઈ જશે.

જળવાયુ પરિવર્તનને કારણે જે-જે દેશોને અસર થશે, તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ચીન અને નૅધરલૅન્ડ જેવા દેશો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરશે અને પૃથ્વી પર વસતા દર 10માંથી એક વ્યક્તિને તેની માઠી અસર થશે.

ગુજરાતમાં જળથળ થવાને કારણે દ્વારકા ડૂબી ગયું હોવાની પ્રચલિત માન્યતા છે, પરંતુ જો આવી જ રીતે જળસ્તર વધતું રહ્યું તો આ યાદીમાં વધુ કેટલાંક શહેરોનાં નામ ઉમેરાઈ શકે છે.

line

એ શહેરો જેના વિસ્તારો પાણીમાં ડૂબી જશે

સુરત પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત ભારતભરમાં ચોમાસા દરમિયાન દરિયાકિનારેથી લોકોને ખસેડવા પડે છે

સુરક્ષાપરિષદને સંબોધિત કરતા ગુટરેઝે કહ્યું હતું કે તાપમાનમાં વૃદ્ધિને કારણે ભારત,બાંગ્લાદેશ, ચીન અને નૅધરલૅન્ડને માઠી અસર થઈ શકે છે. મુંબઈ, લાગોસ, બૅંગકૉંગ, ન્યૂ યૉર્ક અને લંડનની ઉપર જોખમ ઊભું થઈ શકે છે.

ફિજી, સોલોમન દ્વિપસમૂહ અને વાન્તુમાં અત્યારથી જ વધતા જળસ્તરની અસર દેખાવા લાગી છે, જ્યાં દરિયાની સપાટી વધવાને કારણે લોકોને અન્યત્ર ખસેડવાની ફરજ પડી રહી છે.

દરિયાકિનારાની નજીક રહેતાં લગભગ 90 કરોડ લોકોને તેની અસર થઈ શકે છે, મતલબ કે પૃથ્વી ઉપર રહેતા દર 10 લોકોમાંથી એકને તેની માઠી અસર થશે.

જનરલ ઍસેમ્બલીના વડા કાસબા કોરોસીએ (CASBA KOROSI) તેને 'વર્તમાન પેઢીની સૌથી મોટો પડકાર' ગણાવ્યો હતો. તેમનું કહેવું હતું કે જળસ્તર વધવાને કારણે આગામી 80 વર્ષ દરમિયાન 25થી 40 કરોડ લોકોને નવા રહેઠાણની જરૂર પડી શકે છે.

નાઇલ, મેકૉંગ તથા અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશોમાં દરિયો આગળ વધવાથી ખાદ્યાન્ની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

ઍસમ્બલીમાં જણાવ્યા પ્રમાણે યુએનના કુલસભ્ય દેશોમાંથી બે-તૃતીયાંશ દેશોને તેની અસર થવાની છે. આંતરરાષ્ટ્રીય અને માનવધિકારના કાયદામાં જરૂરી ફેરફાર કરીને તેનો પણ સમાવેશ કરવાની જરૂર છે.

લાઇન

દરિયાનું જળસ્તર કેમ વધી રહ્યું છે?

લાઇન
  • જળવાયું પરિવર્તનને કારણે દુનિયાભરમાં દરિયાની જળસપાટીમાં ફેરફારો થઈ રહ્યા છે એટલે કે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.
  • ગ્લૅશિયર અને બરફ આચ્છાદિત સપાટી પીગળી રહી છે અને પીગળીને બનેલું પાણી દરિયામાં સમાઈ રહ્યું છે જેના કારણે જળસ્તર વધી રહ્યું છે.
  • સતત વધી રહેલા તાપમાનને કારણે દરિયો ગરમ થઈ રહ્યો છે અને તેના કારણે મહાસાગરોનું પ્રમાણ વિસ્તરી રહ્યું છે. જેથી વધારે વિસ્તારોમાં દરિયો ફેલાઈ રહ્યો છે.
લાઇન

ગુજરાત માટે ગંભીર સમસ્યા?

ગુજરાતનો દરિયાકિનારો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગુજરાતનો દરિયાકિનારા પર પણ વધતા જળસ્તરનો ખતરો તોળાઈ રહ્યો છે

દરિયાકિનારાના શહેરોમાં વેપાર-વાણિજ્યની વ્યાપક તકો સુલભ બને છે એટલે ત્યાં નવાં શહેરો વિકસવાનું અને અગાઉથી જ વિકસિત શહેરોમાં વસતિવધારાનું વલણ જોવા મળેછે.

1600 કિલોમીટરની દરિયાઈપટ્ટી સાથે ગુજરાત દેશનો સૌથી મોટો સાગરકિનારો ધરાવે છે, જોકે, આ સંશાધન જ તેનાં અમુક શહેરો માટે જોખમ ઊભું કરી શકે છે.

કેન્દ્ર સરકારના ભૂવિજ્ઞાન (earth sciences) વિભાગને ડિસેમ્બર-2014માં ઇન્ટિગ્રૅટેડ રિસર્ચ ઍન્ડ ઍક્શન ફૉર ડેવલ્પમૅન્ટ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં (પેજનંબર 111-112) પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સુરતમાં અનેક ખાડીઓ આવેલી છે.

તે દરિયાની સરેરાશ સપાટીથી લગભગ 33 ફૂટ (10 મીટર) ઉપર આવેલું છે. જેમાં લગભગ 19 ફૂટ (5.8 મીટર) જેટલું ભરતીનું વહેણ (tidal waves) આવે છે. ચોમાસાના મહિનાઓ દરમિયાન દરિયો તોફાની બની જાય છે અને ઘણી વખત ઉછળતાં મોજાંને કારણે ખાડીની નજીકમાં રહેતા લોકોને સલામતસ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થાય છે.

અરબ સાગરના જળસ્તરમાં આવેલા પરિવર્તનને કારણે ગત એક સદી દરમિયાન ખંભાતની દરિયાઈ સપાટીમાં સવા બે ફૂટ (0.67 મીટરની) જેટલી વૃદ્ધિ થઈ છે.

સુરતની સ્થાપના પછી અનેક વખત શહેરે તાપી નદીમાં પૂરની સમસ્યાનો સામનો કર્યો છે, છેલ્લે આવી જળહોનારત વર્ષ 2006માં સુરતીઓએ જોઈ હતી. જો દરિયાનું જળસ્તર વધશે તો તેમાં પાણી ઠાલવવાની નદીની ક્ષમતા પ્રભાવિત થશે અને તેના કિનારાના વિસ્તારો ઉપર જોખમ ઊભું થશે.

જળવાયુપરિવર્તનને કારણે ઉનાળા વધુ ગરમ બની રહ્યાં છે અને ચોમાસાનો સમયગાળો ઘટી રહ્યો છે, પરંતુ આ દરમિયાન પડતા વરસાદમાં અસામાન્ય વૃદ્ધિ જોવાઈ રહી છે.

રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે દરિયાનું જળસ્તર વધવાને કારણે ડુમ્મસના અમુકભાગ જળગરકાવ થઈ જશે.

નૅચર કૉમ્યુનિકેશન્સ જનરલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સુરત, કચ્છ, ભાવનગર અને ભરૂચને તેની અસર થઈ શકે છે. દહેજ, હઝીરા અને કંડલાને તેની વ્યાપક અસર થઈ શકે છે, જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ગીરસોમનાથને તેની પ્રમાણમાં મધ્યમથી ઓછી અસર થશે.

આ સિવાય કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી આશંકા પણ દરિયાઈ જળસ્તર અંગેના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને સુરત ક્લાઇમેટ ચેન્જ ટ્રસ્ટની સ્થાપના કરી છે. જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી, નર્મદા જળસંશાધન અને જળવિતરણ વિભાગ, દક્ષિણ ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ તથા શૈક્ષણિક સંસ્થાના સભ્યો સામેલ થાય છે.

શહેરીકરણ અને જળવાયુ પરિવર્તનને કારણે ઊભી થતી નીતિવિષયક સમસ્યાઓનું નિરાકરણ કરવું, આ પડકારોને પહોંચી વળવા માટેની રૂપરેખા તૈયાર કરવી, પુર તથા આવી અન્ય આપદાઓને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવી તેના હેતુ છે.

આ સિવાય જે સમુદાયોને શહેરીકરણ તથા જળવાયુ પરિવર્તનની વિપરીત અસર થઈ શકે તેમ છે, તેને કેવી રીતે તૈયાર કરવા તેની વ્યવસ્થા કરવાનું કામ કરશે.

એશિયામાં પ્રાંતીયસ્તરે જળવાયુ પરિવર્તનનું સ્વતંત્ર મંત્રાલય ઊભું કરનાર ગુજરાત સરકાર સામે આ મોટો પડકાર હતો, છે અને કદાચ આગામી દાયકાઓ સુધી રહેશે.

line

સમસ્યા એક, પરિણામ અનેક

સુરત પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામૂહિક હિજરતથી પાણી, ખોરાક અને જમીન માટે અભૂતપૂર્વ સંઘર્ષ થવાની આશંકા

ગુટરેઝના કહેવા પ્રમાણે, આ એક સમસ્યા છે, પરંતુ તેની અનેક અસર થશે. વિશ્વભરના અબજો લોકો ઉપર તેની "કલ્પના ન કરી શકાય" તેવી અસર થશે. તેના કારણે સુરક્ષા, આંતરરાષ્ટ્રીય કાયદા, માનવઅધિકાર અને સામાજિક તાણા-વાણાને પણ વિપરીત અસર થશે.

આ અંગે ચેતવણી ઉચ્ચારતા ગુટરેઝે કહ્યું, "દરિયાનું જળસ્તર વધવાને કારણે અસ્થિરતા અને સંઘર્ષ ઊભા થઈ રહ્યા છે...તેના કારણે અનેક જનસમૂહોને સામૂહિક હિજરત કરવાની ફરજ પડશે. જેના કારણે પાણી, ખોરાક, જમીન તથા અન્ય સંશાધનો માટે અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી સ્પર્ધા થશે."

દરિયાઈ પાણીની ખારાશ આગળ વધવાને કારણે કૃષિ, માછીમારી અને પર્યટન ઉદ્યોગને નુકસાન થશે તો પરિવહનવ્યવસ્થા, શાળા અને હૉસ્પિટલો જળમગ્ન બની જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વર્લ્ડ મૅટ્રિયોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (Meteorological) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા પ્રમાણે, 19મી સદી (ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો) પહેલાંના ત્રણ હજાર વર્ષ દરમિયાન જે ઝડપે દરિયાનું જળસ્તર વધ્યું હતું, તેના કરતાં અનેકગણી ઝડપે વધી રહ્યું છે.

1993થી અત્યારસુધીમાં દરિયાજળસ્તરમાં વૃદ્ધિ બમણી થઈ છે, એટલું જ નહીં, જાન્યુઆરી-2020થી 2022 દરમિયાન દરિયાઈ જળસ્તરમાં 10 મીમીની વૃદ્ધિ થઈ છે અને એક સદીના ગાળામાં તેમાં અડધાથી એક મીટર જેટલી વૃદ્ધિ થઈ શકે છે. આ સંકટનું સેટેલાઇટ મૉનિટરિંગ છેલ્લા ત્રીસેક વર્ષથી જ હાથ ધરવામાં આવ્યું છે.

'ચમત્કારિક રીતે' જો પૃથ્વીવાસીઓ ગ્લૉબલ વૉર્મિંગને દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી અટકાવી શકે તો પણ દરિયાના જળસ્તરમાં થયેલો વધારો નોંધપાત્ર હશે

line
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન