ગુજરાતમાં મગફળીના પાકને જોખમ કેમ અને આગામી દિવસો ખેડૂતો માટે કેટલા કપરા?

- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને ગુજરાતના છ જિલ્લાનાં અર્થતંત્ર એક અથવા બીજી રીતે મગફળી ઉપર નિર્ભર છે. જળવાયુ પરિવર્તન અને વાતાવરણમાં આવી રહેલા ઝડપી ફેરફારની અસર મગફળીના ઉત્પાદન ઉપર પણ થઈ છે.
હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાતમાં મગફળી પાકને ભારે નુકસાન થઈ શકે છે અને આવનારાં વર્ષોમાં મગફળીના ઉત્પાદનમાં 28-32% ઘટાડો આવી શકે છે.
સાથે જ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે મગફળીની ખેતી કરવી ખેડૂતો માટે વધુ મોંઘી થશે અને પ્રતિહેક્ટરે ઉત્પાદનમાં પણ ફેર પડશે.

સંશોધનનાં તારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સંશોધન નવસારી કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. આખી પ્રક્રિયામાં 1961થી 1990 વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદ પૅટર્ન અને તેના આંકડા, જળવાયુ પરિવર્તન અને ખેડૂતોની વાવણીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
તારણો મુજબ જળવાયુ પરિવર્તનના કારણે દર વર્ષે તાપમાન 0.12 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. તાપમાનમાં સતત વધારાના કારણે વરસાદની પૅટર્ન બદલાઈ જશે અને સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ કરતાં 63% વધુ વરસાદ પડશે, જેની સીધી અસર મગફળીના ઉત્પાદન પર પડશે. આખા સૌરાષ્ટ્રમાં સરેરાશ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે.
સંશોધન કરનાર ટીમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આસિસટન્ટ પ્રોફેસર પી. કે. પરમાર પણ સામેલ છે.
બીબીસી ગુજરાતી સાથેની વાત કરતાં તેઓ કહે છે કે, “જળવાયુ પરિવર્તનના કારણે મગફળીના ઉત્પાદનમાં 28-32%નો ઘટાડો આવી શકે છે. આ એકદમ નજીકનાં વર્ષોમાં નહીં પરંતુ આવનારા ત્રણ-ચાર દાયકામાં થશે. પ્રતિહેક્ટર ઉત્પાદન 900 કિલોગ્રામથી પણ નીચે જઈ શકે છે.”
"આવી સ્થિતિમાં ખેડૂતોએ ઉત્પાદન વધારવા માટે પાકની વાવણીની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે, નહીંતર મગફળીની ખેતીમાં નુકસાન થઈ શકે છે. ખાસ કરીને કૅમિકલ ખાતરનો ઉપયોગ કરવાથી. જો ખેડૂતો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરે તો ઉત્પાદનમાં સારો લાભ મળી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંશોધન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવણી થતી મગફળીની જાત જીજી2 અને જીજી20 વેરાઇટી પર કરવામાં આવ્યું હતું.
સંશોધન પ્રમાણે છેલ્લાં 100 વર્ષોમાં વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 0.74 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.
એવો અંદાજ છે કે સાલ 2100 સુધી તાપમાનમાં આશરે 1.8થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. તેના કારણે ખેડૂતોના ખર્ચમાં વધારો થશે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના આસિસટન્ટ પ્રોફેસર એસ. બી. યાદવ પણ સંશોધન કરનાર ટીમમાં સામેલ છે.
તેઓ કહે છે, “1958થી માંડીને અત્યાર સુધીની વરસાદની જે પૅટર્ન છે તે અંગેની માહિતી પણ અમે સંશોધન કરતી વખતે ધ્યાન લીધી છે. જળવાયુ પરિવર્તનની અસર તમે જુઓ તો દેખાશે કે સૌરાષ્ટ્રમાં વરસાદની સાઇકલમાં મોટા ફેરફાર થયા છે. એક વખત વરસાદ પડ્યા બાદ લાંબા સમય સુધી ડ્રાઈ સ્પેલ રહે છે. પછી એકસામટે ભારે વરસાદ પડે છે. આના કારણે મગફળીના ઉત્પાદનમાં અસર પડે છે.”

શું આવનારાં વર્ષોમાં ગુજરાતમાં મગફળીની ખેતી ‘નુકસાન સોદો’ બની જશે?

- ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે
- વિશ્વની વાત કરીએ તો મગફળીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે
- પરંતુ આખરે ‘ગરીબોની બદામ’ ગણાતા આ પાક પર સંકટનાં વાદળાં ઘેરાયેલાં હોવાની વાત કેમ સંશોધકો કરી રહ્યા છે?
- ગુજરાતની બે કૃષિ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ આવનારા સમયમાં ક્લાઇમેટ ચેન્જની મગફળીના પાક પર ખૂબ જ ગંભીર અસર થઈ શકે છે
- તેની પાછળ ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પૅટર્નની અનિયમિતતા અને તાપમાનમાં વધારો જવાબદાર હોઈ શકે છે
- જોકે વૈજ્ઞાનિકો આ અસર ઘટાડવા માટેના ઉપાયો પણ સૂચવે છે

ખેડૂતોએ કેવાં પગલાં લેવાં પડશે?

ઇમેજ સ્રોત, PTI
સંશોધન પ્રમાણે જળવાયુ પરિવર્તન અને તેના કારણે થતા ફેરફાર વચ્ચે મગફળીનું સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો કેટલાંક પગલાં લેવાં પડશે. જેમાં વાવણીના સમયમાં ફેરફાર અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ મુખ્ય છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના આસિસટન્ટ પ્રોફેસર એસ. બી. યાદવ કહે છે, “ખેડૂતો મગફળીનું વાવેતર સામાન્ય રીતે કરતા હોય તેના કરતાં 15 દિવસ મોડું કરે તો ઉત્પાદનમાં 7.7 ટકાથી લઈને 20.9 ટકા સુધીનો વધારો મળી શકે છે.”
તેઓ કહે છે કે જો કેમિકલ ખાતરની જગ્યાએ સેન્દ્રીય ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે તો આઠ ટકાથી લઈને 18 ટકા જેટલો ઉત્પાદન વધી શકે એમ છે.
“જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદની પૅટર્ન છે, તેમાં સેન્દ્રીય ખાતર વધુ લાભકારી છે. સેન્દ્રીય ખાતર પાણી શોષી લે છે અને એટલે જ ડ્રાય સ્પેલ હોય ત્યારે મગફળીના પાકને જોઈતું પાણી અને પોષણ મળી જાય છે, જેના કારણે દાણા પણ વધુ પ્રમાણ આવે છે.”

ગુજરાતમાં 1.68 મિલિયન હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અહેવાલ પ્રમાણે મગફળી એ ગુજરાતનો મુખ્ય તેલીબિયાં પાક છે અને એક મહત્ત્વપૂર્ણ કૃષિ નિકાસ કોમોડિટી પણ છે. મોટા ભાગની મગફળીનો વાવેતર જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, મહેસાણા અને ભુજ જિલ્લાઓમાં થાય છે.
ગુજરાતમાં 1.68 મિલિયન હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને પ્રતિ હેક્ટર 2,343 કિલોગ્રામનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં કુલ મગફળીનું ઉત્પાદન 3.94 મિલિયન ટન છે.
કચ્છ-સૌરાષ્ટ્ર ઑઇલ મિલ ઍસોસિયેશન અનુસાર આખા દેશમાં મગફળી તેલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને અહીંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. ગુજરાત બાદ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં મગફળીનું ઉત્પાદન થાય છે.
ભારત સમગ્ર વિશ્વમાં મગફળી ઉત્પાદનમાં બીજા ક્રમે છે. 2022માં ભારતમાં 45.14 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.
દેશમાં મગફળીનું કુલ વાવેતરમાં 77 ટકા ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનમાં થાય છે. મગફળી ઉત્પાદનમાં ચીન સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
મગફળી જે રીતે દુનિયાભરમાં ફેલાઈ છે તેના કારણે તેને જગતની સૌથી સફળ સફર સાથે સરખાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બટેટાં કરતાંય મગફળી માનવજાતને વધારે ઉપયોગી સાબિત થઈ છે. તે બહુ સહેલાઈથી ઊગી જાય છે, ગમે ત્યાં હેરફેર કરો તો પણ બગડે નહીં અને પૌષ્ટિક પણ એટલી જ.
જમીનની અંદર છુપાયેલા ખજાના જેવી છે મગફળી, પણ બટેટાંથી જુદી પડે છે, કેમ કે બટેટાં પોતે છોડનાં મૂળ હોય છે, જ્યારે મગફળ મૂળની સાથે ઊગેલા ફળ જેવી છે.
"કુદરતની આ અનોખી રચના છે," એમ પાકશાસ્ત્રનાં નિષ્ણાત અને લેખક વૅનેસા વિલિગેસ કહે છે.
મગફળીનાં મૂળ દક્ષિણ અમેરિકામાં છે. આજે જ્યાં બૉલિવિયા, પૅરાગ્વે અને ઉત્તર આર્જેન્ટિના છે ત્યાં 7,600 વર્ષ પહેલાં તેનું વાવેતર થતું હતું.
"19મી સદીમાં પુરાતત્ત્વ શોધ દરમિયાન પુરાવા મળ્યા હતા કે મગફળીનો સંબંધ હિસ્પેનિક લોકો અહીં આવીને વસ્યા તેની બહુ પહેલાંથી છે," એમ વિલિગેસ કહે છે.
પેરુના દરિયાકિનારા નજીક ઍન્કોન આર્કિયોલૉજિકલ વિસ્તારમાં થયેલી શોધ દર્શાવે છે કે કોમન એરાનાં 8000 વર્ષ પહેલાંથી શરૂ કરીને 1500 વર્ષ પૂર્વે સુધી સતત અહીં મગફળીની ખેતી થતી હતી.
આ વિસ્તાર પર કબજો કરીને યુરોપિયનોની વસાહત થઈ તે પછી પણ મગફળીની ખેતી થતી રહી હતી.
"કબરોમાં વાસણો મળ્યાં અને તેની અંદરના પદાર્થોની તપાસ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તેની અંદર મગફળી મૂકેલી હતી. દુનિયા સૌથી જૂનાં વાસણોમાં માંડવીની હાજરી સૂચક છે."

જળવાયુ પરિવર્તનની શું અસર રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
એક રિપોર્ટ પ્રમાણે 21મી સદીમાં દક્ષિણ એશિયામાં ગરમીની લહેર અને ભેજયુક્ત ગરમી વધુ તીવ્ર બનશે એવી આશંકા છે. સાથે સામાન્ય કરતાં ભીષણ ગરમી હોય તેવા દિવસોની સંખ્યામાં પણ વધારે નોંધાશે.
વાર્ષિક અને ઉનાળુ-ચોમાસુ વરસાદ બંને વધશે. ઝડપી શહેરીકરણના કારણે 21મી સદીમાં સમગ્ર તિબેટીયન ઉચ્ચપ્રદેશ અને હિમાલના વિસ્તારોમાં ભારે વરસાદ થશે.
અહેવાલ અનુસાર શહેરી વિસ્તારોમાં અતિશય વરસાદ પડશે જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ બનશે. ગરમી વધતાં જંગલ વિસ્તારમાં દવ, દરિયાઈ તોફાન અને ચક્રવાત આવશે.














