મગફળી 'ભગવાનના પ્રસાદ'માંથી 'ગરીબોની બદામ' કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેલિયા વેન્ચુરા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
16મી સદી પહેલાં ખાણીપીણીની દુનિયા કેવી હતી તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
ઇટાલિયન ખાણું ટમેટાં વિના બનતું હતું; ફ્રાન્સમાં બટેટાં મળતાં નહોતાં; હંગેરીના લોકો નહોતા જાણતા પેપરિકા એટલે કે લાલ શિમલા મિર્ચનો સ્વાદ; પૂર્વના લોકોને હજી તીખાતમતમતા ભોજનની આદત પડી નહોતી અને સ્વિસ ચૉકલેટ બનતી નહોતી.
અમેરિકા ખંડ અજાણ્યો હતો અને ક્રિસ્ટોફર કૉલંબસ ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી શાકભાજી સહિતની વનસ્પતિઓ યુરોપ, આફ્રિકા અને એશિયામાં ધીમે ધીમે પહોંચવા લાગી અને સમગ્ર દુનિયાની ખેતીની પદ્ધતિ બદલાઈ ગઈ.
અમેરિકાના ખંડમાંથી મળેલી અને જગતમાં પહોંચેલી વનસ્પતિની યાદી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા સાથે વૈવિધ્યપૂર્વ પણ છે.
ટમેટાં અને તીખાં તથા મોળાં મરચાં જેને હવે આપણે 'શિમલા મિર્ચ' કહીએ છીએ ત્યાંથી શરૂ કરીને પાઇનેપલ અને પપૈયા ત્યાંથી આવ્યાં છે; બટેટાં અને મકાઈ પણ ખરી અને કોકો, વેનિલા પણ ત્યાંનાં જ છે.
આ બધી યાદીમાં એક વસ્તુ આજે દુનિયામાં ઘરેઘરે ખવાઈ છે, પણ ભાગ્યે જ યાદ કરાય છે.
અમેરિકા ખંડમાં યુરોપના હિસ્પેનિક લોકો પહોંચ્યા તે પહેલાં ત્યાંના લોકો માટે સૌથી અગત્યનો છોડ અને આજેય નાસ્તા માટેની કાયમી વસ્તુ - વાત થઈ રહી છે મગફળીની. જેને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માંડવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મગફળી તાજી હોય ત્યારે શેકીને ખાઈએ કે તેને ખારીસીંગ કરીને ખાઈએ કે પછી તેની ચિકી બનાવીએ માંડવીના દાણા વિના સ્વાદિષ્ટ દાળ અને દાળઢોકળી અધૂરાં જ રહે. સિંગતેલ તો ખરું જ, પણ આમ છતાં મગફળી વિશે આપણે ભાગ્યે જ ખાસ કંઈ જાણીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
મગફળીને ગરીબોની બદામ કહેવાય છે, પણ તે નટ એટલે કે અખરોટ પ્રકારમાં નથી ગણાતી, પણ લેગ્યૂમ એટલે કે વટાણા અને વાલ પ્રકારમાં ગણાય છે.
મગફળી મૂળ તો દક્ષિણ અમેરિકાની છે અને 7,500 વર્ષ પહેલાં ત્યાં ઊગતી થઈ પણ નવાઈની વાત છે કે ઉત્તર અમેરિકામાં તે 200 વર્ષ પહેલાં જ પહોંચી.
નવાઈ લાગે તેવી વાત એ છે કે દક્ષિણ અમેરિકાથી તે યુરોપ, આફ્રિકા અને એશિયામાં ફેલાઈ અને તે પછી યુએસએમાં વવાતી થઈ.
મગફળી જે રીતે દુનિયાભરમાં ફેલાઈ છે તેના કારણે તેને જગતની સૌથી સફળ વસાહતી એટલે માઇગ્રેશન સ્ટોરી બટેટાની સફર સાથે સરખાવામાં આવે છે. બટેટાં કરતાંય મગફળી માનવજાતને વધારે ઉપયોગી સાબિત થઈ છે.
બહુ સહેલાઈથી ઊગી જાય છે, ગમે ત્યાં હેરફેર કરો બગડે નહીં અને પૌષ્ટિક પણ એટલી જ.
જમીનની અંદર છુપાયેલા ખજાના જેવી છે મગફળી પણ બટેટાંથી જુદી પડે છે, કેમ કે બટેટાં પોતે છોડનાં મૂળ હોય છે, જ્યારે મગફળ મૂળની સાથે ઊગેલા ફળ જેવી છે.
"કુદરતની આ અનોખી રચના છે," એમ પાકશાસ્ત્રના નિષ્ણાત અને લેખક વૅનેસા વિલિગેસ કહે છે.

ઇમેજ સ્રોત, Science Photo Library
મગફળી એવો છોડ છે, જેમાં ફૂલ બેસે અને ફર્ટિલાઇઝ થાય તે પછી જમીનની અંતર જતા રહે છે અને ત્યાં ફળ તરીકે વિકસે છે.
"કેટલાક ટ્રૉપિકલ પ્રદેશોમાં આવું થાય છે, કેમ કે આ વિસ્તારોમાં દિવસ અને રાતના તાપમાનમાં બહુ મોટો ફરક હોય છે. (દિવસે આકરો તાપ હોય ને રાત્રે ઠંડી હોય) તેનાથી રક્ષણ માટે અને સાથે જ પાક ખાઈ જતાં જીવજંતુઓથી બચાવ માટે પણ ફળને જમીનમાં સંતાડી દે છે."
મગફળીને આ રીતે પોતાના ફળ જમીનમાં ઉતારતાં જે પ્રજાએ પ્રથમવાર જોયાં ત્યારે તેમણે વિચાર્યું હશે કે "પાતાળ સાથે તેનો કંઈક નાતો છે, એટલે મૃત્યુ સાથે અને સાથોસાથે ફળદ્રુપતા સાથે પણ તેનો સંબંધ જોડવામાં આવ્યો."
"આજે પણ ધરતી સાથેના મગફળીના આવા સંબંધને કારણે તેને ધાર્મિક વિધિમાં અર્પણ કરવામાં આવે છે."
"મૅક્સિકોમાં ખેડૂતો મગફળીનો જથ્થો પૂરો થવાનો હોય ત્યારે પિતૃઓને ચડાવે છે," એમ વિલિગેસ કહે છે.
વિલિગેસ હાલમાં જ વતન કૉલંબિયાથી મૅક્સિકોમાં માઇગ્રેટ થયા છે. સદીઓ પહેલાં આ રીતે જ મગફળી કૉલંબિયાથી ઉત્તરમાં મૅક્સિકો તરફ આગળ વધી હતી.
મગફળીનાં મૂળ દક્ષિણ અમેરિકામાં છે. આજે જ્યાં બૉલિવિયા, પૅરાગ્વે અને ઉત્તર આર્જેન્ટિના છે ત્યાં 7,600 વર્ષ પહેલાં તેનું વાવેતર થતું હતું.
"19મી સદીમાં પુરાતત્ત્વ શોધ દરમિયાન પુરાવા મળ્યા હતા કે મગફળીનો સંબંધ હિસ્પેનિક લોકો અહીં આવીને વસ્યા તેની બહુ પહેલાંથી છે," એમ વિલિગેસ કહે છે.
પેરુના દરિયાકિનારા નજીક ઍન્કોન આર્કિયોલૉજિકલ વિસ્તારમાં થયેલી શોધ દર્શાવે છે કે કોમન એરાનાં 8000 વર્ષ પહેલાંથી શરૂ કરીને 1500 વર્ષ પૂર્વે સુધી સતત અહીં મગફળીની ખેતી થતી હતી. આ વિસ્તાર પર કબજો કરીને યુરોપિયનોની વસાહત થઈ તે પછી પણ મગફળીની ખેતી થતી રહી હતી.
"કબરોમાં વાસણો મળ્યાં અને તેની અંદરના પદાર્થોની તપાસ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તેની અંદર મગફળી મૂકેલી હતી. દુનિયા સૌથી જૂનાં વાસણોમાં માંડવીની હાજરી સૂચક છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં નવાઈ ના લાગવી જોઈએ, કેમ કે મગફળી બહુ પૌષ્ટિક હોય છે અને સૌથી મોટો ફાયદો એ કે લાંબો સમય સુધી બગડતી નથી. તેનો સંગ્રહ કરીને તેનો વિનિમય તરીકે પણ ઉપયોગ કરી શકાય.
"યુરોપિયન સામ્રાજ્યના દસ્તાવેજો દર્શાવે છે કે ઇન્કા અને તેની આગળની સંસ્કૃત્તિના મૂળ લોકોમાં મગફળીનો ઉપયોગ વ્યાપક હતો."
"હિસ્પેનિક કબજા પહેલાંના પેરુમાં મગફળીને કાચી, શેકીને, દળીને અને ભૂકો કરીને મધ સાથે પણ ખવાતી હતી."
"તેને બાફીને, તળીને પણ ખાઈ શકાય, લોટ અને ક્રીમ પણ બનાવી શકાય, સૉસ તરીકે વાપરી શકાય, સૂપમાં નાખી શકાય અને તેનું પીણું પણ બનાવી શકાય."
સમગ્ર દક્ષિણ આફ્રિકામાં મગફળીનો ઉપયોગ થવા લાગ્યો પછી તે ઉત્તર અમેરિકા પણ પહોંચી, જ્યાં પ્રથમ તેનો ઉપયોગ સૂપને ઘાટું કરવા તથા અન્ય વાનીઓમાં થતો હતો.
"મૅક્સિકોમાં હિસ્પેનિક પહેલાંના સમયગાળામાં પ્રથમ સદીમાં મગફળી વાવેતરના પ્રમાણો મળે છે. કૉક્સકેટલન ગુફાઓમાં, પ્યુબલા સ્ટેટમાં તેનાં ચિહ્નો મળ્યાં હતાં. પ્યુબલા પ્રદેશમાં મકાઈની ખેતીનાં સૌથી પ્રારંભિક ચિહ્નો મળ્યાં છે".
"મજાની વાત એ છે કે નિષ્ણાતો એવું માને છે કે મગફળીની ખેતી મૅક્સિકોમાં વ્યાપક નહોતી અને મહત્ત્વની નહોતી મનાતી, કેમ કે તેનો ઉલ્લેખ વનસ્પતિશાસ્ત્રોના ગ્રંથોમાં મળતો નથી," એમ વિલિગેસ કહે છે.
તેઓ વધુમાં જણાવે છે, "પણ એક વાત સમજાતી નથી, કેમ કે ઇન્ડિઝના દસ્તાવેજોમાં મગફળીના વેપારનો ઉલ્લેખ મળે છે. આજે જેને મૅક્સિકો સિટી કહીએ છીએ તે ટેનોચટિલન નગરમાં તેનો વેપાર થતો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપિયનોને મગફળીનો પરિચય હિસ્પેનિઓલા ટાપુ પર થયો હતો. આજે આ ટાપુ હૈતી અને ડૉમિનિક રિપબ્લિકમાં આવેલો છે.
કદાચ સૌથી પ્રથમ લેખિત ઉલ્લેખ પણ ક્રિસ્ટોફર કૉલંબસે જ કર્યો હતો. પોતાના પ્રથમ અમેરિકા પ્રવાસની ડાયરીમાં તેમણે લખ્યું હતું કે એક સ્થાનિક રહેવાસી મહિલા તેની પાસે બધી ખાદ્યસામગ્રી લઈને આવી હતી, "તેમાં ખાસ કરીને બ્રેડ અને ઍવેલેન્ડા ગોન્કા એટલે કે પીનટ્સ હતી". (21 ડિસેમ્બર 1492).
થોડાં વર્ષો પછી મગફળીનું આગમન યુરોપ ખંડમાં થયું.
પોર્ટુગીઝ વહાણવટીઓ પોતાની સાથે મગફળીનાં બી આફ્રિકામાં લઈ આવ્યાં. આજના કૉંગો અને અંગોલામાં 1650ની આસપાસ મગફળીનું વાવેતર થવા લાગ્યું.
"એવું કહેવાય છે કે આફ્રિકામાં મગફળી તરત જ સૌને પસંદ પડી ગઈ હતી, કેમ કે આફ્રિકાના આ ખેડૂતોને જમીનની અંદર ઊગતી બીજી વનસ્પતિનો ખ્યાલ હતો. તેનું નામ જ સ્થાનિક ભાષામાં ગ્રાઉન્ડ નટ હતું."
"આફ્રિકાથી મગફળી એશિયા પહોંચી, જ્યાંનું હવામાન તેને માફક આવી ગયું અને ખેડૂતોને પણ તે બહુ ગમી ગઈ. હકીકતમાં આજે થાઈ ખાણીપીણી મગફળી વિના કલ્પવી પણ મુશ્કેલ છે," એમ વિલિગેસ કહે છે.
આ પ્રવાસમાં એક વિચિત્રતા ધ્યાન ખેંચે તેવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આપણે જોયું કે મગફળી દક્ષિણ અમેરિકાથી મધ્ય અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા પહોંચી, પરંતુ ઉત્તમ અમેરિકામાં ક્યારે પહોંચી?
વૅનેસા વિલિગેસે કરેલા સંશોધન અનુસાર ઉત્તર અમેરિકામાં મગફળી પહોંચી તે આફ્રિકાથી આવી હતી. ગુલામ તરીકે આફ્રિકન લોકોને યુએસએ લાવવામાં આવતા હતા, તેમની સાથે આ છોડ પહોંચ્યો હતો. છેક 1,700ની આસપાસ આ રીતે મગફળી યુએસએ પહોંચી હતી.
પણ એક સવાલ ઊભો થાય છે : ઍન્ડીઝની પર્વતમાળાથી શરૂ કરીને આજના જમૈકા, પુર્ટો રિકો, ક્યૂબા અને મૅક્સિકો સુધી મગફળીનું વાવેતર અને ઉપયોગ વ્યાપક રીતે થતો હોય તો પછી શા માટે યુએસએમાં તેનો પ્રવેશ થયો નહોતો?
"બીજું કોઈ કારણ નથી, માત્ર વંશીય ભેદભાવનો એ મામલો હતા," એવું તારણ વિલિગેસનું છે.
"19ની સદીના મધ્ય સુધી મગફળીના ઇતિહાસને સૌથી ગરીબ લોકો સાથે ગણવામાં આવ્યો છે એટલે કે ગુલામ તરીકે રહેલા આફ્રિકન લોકોની વસ્તુ ગણાતી રહી.
"આ રંગભેદ એટલો બધો હતો કે ઇતિહાસકારોએ તેની નોંધ લેવાની પણ અવગણના કરી. 1,700મી સદી પહેલાંથી મગફળી આ ધરતી પર ઊગતી જ હતી, પરંતુ તેની વાત કરનારા ધરાર એવું કહેતા રહ્યા કે ગુલામ આફ્રિકન લોકોની સાથે જ મગફળી અમેરિકા આવી."
વિલિગેસ કહે છે કે એ વાત સાચી કે ગુલામ લોકોનો નાતો મગફળી સાથે વધારે હતો અને તેથી જ તેને આહાર માટે અણગમતી અને નકામી વસ્તુ તરીકે જ ગણવામાં આવતી રહી.

અણગમતી પણ અનોખી મગફળી

ઇમેજ સ્રોત, Getty Images
1865માં યુએસએમાં ગુલામી નાબૂદી કરવામાં આવી, તેમ છતાંય મગફળીની અવગણનાનો અંત આવ્યો નહીં અને તેને ગરીબોનું જ ખાણું ગણાતું રહ્યું.
મગફળીને સમજનારામાં એક હતા જ્યોર્જ વૉશિંગ્ટન કાર્વર. આ ગુલામ મૂળ માલિકે તેને દત્તક લીધો અને તેને કૃષિ યુનિવર્સિટીમાં ભણાવ્યો હતો.
કાર્વરે સંશોધન કર્યું કે યુએસએના દક્ષિણ વિસ્તારોમાં તમાકુ અને કપાસનો પાક જ વધારે લેવાય છે, તેના કારણે જમીનની ફળદ્રુપતા ખતમ થઈ રહી છે. તેથી તેમણે મગફળી અને શકરિયાંનું વાવેતર કરવા માટેની સલાહ આપી, જેથી જમીનમાં પોષક તત્ત્વો ઉમેરાય.
આ ઉપરાંત ખેતીનું સત્ત્વ જળવાઈ રહે તે માટે પણ આ પ્રકારના પાક લેવા જરૂરી હતા એમ તેઓ માનતા હતા. બીજું કે ગરીબ અને ભૂખમરાનો ભોગ બની રહેલા આફ્રિકન અમેરિકન માટે પણ મગફળીની ખેતી ટકી જવા માટે જરૂરી જણાઈ હતી.
"તે વખતે શ્વેત લોકોની માનસિકતા એવી હતી કે મગફળી તો ગરીબો અને ઢોરને ખાવાની ચીજ છે. આવી માનસિકતા ખાદ્યપદાર્થોના ઇતિહાસને સમજવામાં પણ આડે આવતી હતી," એમ વિલિગેસ તેમના "Cart of recipes" પોડકાસ્ટમાં કહે છે.
તેમની આ વાતને બીજા સંશોધનોમાં પણ સમર્થન મળ્યું છે. લિન્ડી મેસર, ઝ્યાં-ફ્રાંકો મેલિર, માઇકલ બ્લેકના 2018માં પ્રગટ થયેલા સંશોધન લેખ "Peanuts and Power in the Andes"માં પણ આ જ વાત જણાવવામાં આવી હતી.
"પેરુના ઉત્તરના પ્રદેશોમાં ઘણી વિધિઓમાં મગફળીનો ઉપયોગ થતો હતો, પરંતુ આર્કિયોલૉજિસ્ટે તેના પર ધ્યાન આપ્યું નહોતું. કદાચ એટલા માટે કે અમેરિકામાં પીનટ્સ શબ્દને સાવ નક્કામી વસ્તુ માટેનો ગણાતો રહ્યો હતો," એમ આ વિજ્ઞાનીઓ કહે છે.
જોકે ધીમેધીમે મગફળી અમેરિકનોને પણ પસંદ પડવા લાગી. એ હદે માંડવીનો સ્વાદ વળગ્યો કે PB&J (પીનટ બટર અને જૅલી) સેન્ડવીચને સૌથી અનોખો અમેરિકન સ્વાદનો સંગમ ગણવામાં આવે છે.
ઇન્કા લોકોએ મગફળીનું માહાત્મ્ય કર્યું હતું અને આગળ જતા ફરીથી તેનું માહાત્મ્ય કરવાનું કામ કર્યું ડૉક્ટર અને ન્યુટ્રિશિનિસ્ટ જ્હોન હાર્વે કેલોગે. તેમણે શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવા માટે માંસાહારની જગ્યાએ મગફળી અને બદામ અખરોટ વગેરેના ઉપયોગ માટે ભલામણો કરી હતી.
મજાની વાત એ છે કે હવે કેલોગના સ્પામાં આવનારા સુખી અને ભદ્ર લોકો માટે પીનટ બટર આગવી ખાણીપીણી ગણાવા લાગી.
પીનટ બટરને નવું મૂલ્ય મળ્યું ને તે છતાંય તે બહુ સસ્તું પડતું હતું, તેથી તેના ઉપયોગમાં હવે વર્ગભેદ રહ્યો નહોતો. ગરીબ અને અમીર સૌ કોઈ કેલોગની PB&J સેન્ડવીચનો સ્વાદ માણી શકે.
બીજી બાજુ પીવાના શોખીનો માટે નાસ્તામાં સિંગચણા સૌથી લોકપ્રિય બનવા લાગ્યા અને તેના કારણે દુનિયાભરના બારમાં તેનું કાયમી સ્થાન જામી ગયું છે.
રસોડામાં તો માંડવીનું સ્થાન આજેય પ્રાચીન યુગ જેટલું જ મહામૂલું થઈ પડ્યું છે. ફિશ, મીટ કે ચિકન સૂપમાં તેની હાજરી જોઈએ જ, અને બીજા અનેક સૂપમાં તેને યાદ કરવી જ પડે.
સૉસમાં પણ તીખા સ્વાદ સાથે મગફળીનો ઉમેરો થાય જ. દક્ષિણ અમેરિકાની પ્રાચીન પ્રજા જેને મહામૂલી ગણતી હતી તે મગફળીમાંથી આજે તો ભારતની ચિકી સહિત દુનિયાભરમાં અનેક પ્રકારની મીઠી વાનગીઓ પણ બનવા લાગી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













