World No Tobacco Day : એ સમય જ્યારે તમાકુથી થતી હતી રોગોની સારવાર

ઇમેજ સ્રોત, Getty Images
સદીઓથી ધૂમ્રપાનની બાબતે વિવાદો થતા રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર તમાકુનો ઉપયોગ કરનારા અડધોઅડધ લોકો તેનો ભોગ બને છે.
WHO પ્રમાણે દુનિયામાં દર વર્ષે આશરે 80 લાખ લોકો તમાકુથી મૃત્યુ પામે છે.
70 લાખ લોકો એવા હોય છે, જેઓ તમાકુનું સેવન કરવાથી મૃત્યુ પામે છે; જ્યારે 12 લાખ લોકો ધૂમ્રપાન કરતાં લોકોના સંપર્કમાં આવીને બીમાર થાય છે અને મૃત્યુ પામે છે.
દર વર્ષે તમાકુના સીધા ઉપયોગના કારણે લગભગ 70 લાખ લોકોનાં મૃત્યુ થાય છે. બીડી અને સિગારેટના ધુમાડો શ્વાસમાંથી આવવાથી ધૂમ્રપાન ન કરતાં નવ લાખ લોકોનાં પણ મૃત્યુ થાય છે.
આમ છતાં ઘણી સદીઓ સુધી ધૂમ્રપાનને 'તંદુરસ્ત ટેવ' ગણવામાં આવતી હતી. તમાકુના છોડ નિકોટિઆનાને 16મી સદીમાં 'પવિત્ર ઔષધી' અથવા તો 'ઇશ્વરીય દવા' તરીકે ઓળખવામાં આવતો હતો.
તે વખતની વ્યાપક માન્યતાને જ સમર્થન આપીને ડચ મેડિકલ રિસર્ચર ગાઇલ્સ એવેરાર્ડે પણ માની લીધું હતું કે નિકોટિઆનાનો ઉપયોગ વધશે તેમ તબીબોની ઓછી જરૂર પડશે.
તેમણે 1587માં પોતાના પુસ્તકમાં લખ્યું હતું, "તમાકુનો ધુમાડો દરેક પ્રકારના ઝેર અને ચેપી રોગના ફેલાવા સામે રક્ષણ આપનારો છે."
તમાકુને હોકલીમાં ભરીને ધૂમ્રપાન કરવાની શોધ થઈ તેને પોતાના પુસ્તક 'પાનાસિયઃ સાર્વત્રિક ઔષધી' (Panacea)માં વધાવી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમાકુના ધુમાડાથી થાક ઉતારવાનું કામ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર એન. ચાર્લ્ટને લખ્યું હતું, "તમાકુનો ઔષધી તરીકે ઉપયોગ જાણનારા સૌપ્રથમ જાણીતા યુરોપિયનોમાં ક્રિસ્ટોફર કોલંબસનો પણ સમાવેશ થાય છે."
તેમણે જર્નલ ઑફ રૉયલ સોસાયટી ઑફ મેડિસિન માટે લખેલા એક લેખમાં આ વાત જણાવી હતી.
હાલમાં ક્યુબા, હૈતી અને બહામાઝ તરીકે ઓળખાતા ટાપુઓની મુલાકાત 1492માં કોલંબસે લીધી હતી. તે વખતે તેમણે જોયેલું કે સ્થાનિક લોકો હોકલીમાં તમાકુ ભરીને પીતા હતા.
આ ઉપરાંત તમાકુના પાનને બાળીને જગ્યાને જંતુમુક્ત કરાતી, જેથી ચેપ ના લાગે. તમાકુનો ધુમાડો કરીને થાક ઉતારવાનું કામ પણ થતું હતું.
હાલમાં વેનેઝુએલા આવેલું છે, તે પ્રદેશમાં પણ એ જમાનામાં તમાકુને ચૂના સાથે મેળવીને દાંતે ઘસવાનું કામ થતું હતું.

ગાંઠ અને ગુમડાના ઉપચારમાં તમાકુનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Wellcome Collection
ભારતમાં આજે પણ આવી રીતે તમાકુનો ઉપયોગ થાય છે. આવા બીજા પણ ઘણા ઉદાહરણો મળે છે.
પોર્ટુગીઝ સાહસિક પેડ્રો આલ્વારિસ કેબ્રાલ 1500માં બ્રાઝિલ પહોંચ્યા, ત્યારે તેમણે પણ તમાકુના ઉપયોગ અંગે નોંધ ટપકાવી હતી.
તમાકુનો છોડ બેટમ તરીકે પણ ઓળખાતો હતો અને તેનો ઉપયોગ ગાંઠ અને ગૂમડાંની સારવાર માટે થતો હતો.
હાલના મેક્સિકો અને તે વખતના ન્યૂ સ્પેનમાં પહોંચેલા ફ્રાન્સિસ્કન મિશનરી બર્નાન્ડિનો ડે સહાગુન પણ સ્થાનિક વૈદો પાસેથી તમાકુના ઔષધીય ગુણો જાણી શક્યા હતા.
વૈદોએ તેમને જણાવ્યું હતું કે ગળાની ગાંઠને દૂર કરવા તેમાં કાણું કરીને તમાકુનો ભુક્કો અને મીઠું ગરમ કરીને લગાવી શકાય છે.

અભ્યાસખંડોમાં ધૂમ્રપાન

ઇમેજ સ્રોત, Wellcome Collection
યુરોપના તબીબોને પણ તમાકુના ઔષધીય ઉપયોગમાં રસ પડી ગયો હતો.
આરોગ્ય અંગેના સાધનોનાં મ્યુઝિયમ અને લાઇબ્રેરી 'વેલકમ કલેક્શન'ના જણાવ્યા અનુસાર તે પછીની સદીમાં તબીબો માટે હોકલી અથવા સિગારેટ અનિવાર્ય સાધનો બની ગયાં હતાં.
ખાસ કરીને ડિસેક્ટિંગ રૂમમાં સર્જનો અને તબીબ વિદ્યાર્થીઓ તમાકુ સાથે રાખતા થયા હતા.
શરીરની ચીરફાડ કરીને અભ્યાસ કરનારા એનેટમિસ્ટને સલાહ અપાતી કે મડદાની ગંધ તથા તેના કારણે લાગનારા સંભવિત ચેપથી બચવા ધૂમ્રપાન સતત કરવું.
1665માં લંડનમાં પ્લેગનો રોગ ફેલાયો ત્યારે શાળાના અભ્યાસખંડોમાં વિદ્યાર્થીઓને ધૂમ્રપાન કરવા માટે જણાવાતું હતું.

દવાઓના સ્ટોકમાં રહેતી તમાકુ

ઇમેજ સ્રોત, Wellcome Collection
લોકો માનતા હતા કે કોઈ અદૃશ્ય જંતુથી પ્લેગ ફેલાય છે અને તેનો સામનો ધૂમ્રપાનથી થઈ શકશે.
પ્લેગમાં મૃત્યુ પામેલા લોકોને દફન કરનારા પણ પ્લેગથી બચવા માટે ક્લે પાઇપમાં તમાકુ પીતા હતા.
જોકે એ જમાનામાં તમાકુને ઉપયોગી ગણનારા લોકોની વચ્ચે એવા પણ કેટલાક હતા, જેમણે તમાકુના ઔષધ તરીકે ઉપયોગ સામે સવાલો પણ ઊભા કર્યા હતા.
દવાઓ તથા ઊંટવૈદા વિશે પુસ્તક લખનારા અંગ્રેજ તબીબ જ્હોન કોટ્ટાએ 1612માં જ ચેતવણી આપી હતી કે ઔષધી ગણાઈ રહેલી તમાકુ કદાચ 'ઘણા બધા રોગોનો કારક રાક્ષસ' સાબિત થઈ શકે છે.
તમાકુથી થનારા નુકસાનની ચિંતા છતાં તેનો ઉપયોગ ચાલતો રહ્યો હતો અને દવાઓ વેચનારા હંમેશાં તેનો સ્ટોક કરીને રાખતા હતા.

ડૂબેલી વ્યક્તિને બચાવવા તમાકુનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Wellcome Collection
તમાકુનો એક સૌથી વિચિત્ર ઉપયોગ એનીમા તરીકે પણ થતો હતો. ઠંડાગાર પાણીમાં ડૂબકી ખાઈ જનારાની સારવાર માટે ગુદામાર્ગે તમાકુનો ધૂમાડો અપાતો હતો.
તબીબો માનતા હતા કે તમાકુના ધૂમાડાના કારણે ઠંડીનો સામનો થઈ શકતો હતો અને તેના કારણે સુસ્તીમાંથી બહાર આવી શકાતું હતું. તેનાથી ગરમી અને ઉત્તેજના મળતાં હતાં, તેમ મનાતું હતું.
થેમ્સ નદીના કિનારે તાત્કાલિક સારવાર માટે તમાકુની બનેલી આવી એનીમા કિટ મફતમાં આપવા માટે તૈયાર રખાતી હતી.
18મી સદીમાં કાનમાં દુખાવો થતો હોય ત્યારે તેની સારવાર માટે કાનમાં તમાકુનો ધુમાડો કરવાનો ઉપાય પણ સૂચવાયો હતો.

'ગળાના નાજુક સ્નાયુઓનું નુકસાન ટાળવા' ધૂમ્રપાન

ઇમેજ સ્રોત, Getty Images
1828માં તમાકુમાંથી નિકોટીનને છુટ્ટું પાડી શકાયું હતું. તે પછી તબીબી જગતમાં તમાકુની મદદથી સારવાર કરવા અંગે શંકા ઊભી થવા લાગી હતી.
જોકે તે પછી પણ તમાકુ આધારિત ઔષધીઓ મળતી હતી. એ બાદ પણ બાદી થવી, લોહી પડવું, કૃમિ થવા વગેરેમાં તમાકુથી સારવાર થતી રહી હતી.
1920 અને 1930ના દાયકામાં ધૂમ્રપાનને કારણે સ્વાસ્થ્યને થનારા નુકસાન સામે ચિંતા જાગવા લાગી હતી.
તે વખતે કેમલ બ્રાન્ડની સિગારેટના ઉત્પાદકોએ ગ્રાહકોને મનાવવા માટે એમ જણાવ્યું હતું કે તબીબો ધૂમ્રપાનની સલાહ આપે છે અને તેઓ પોતે પણ કેમલ બ્રાન્ડની સિગારેટ પીવે છે.
એવું પણ કહેવાતું હતું કે ગાયકો 'ગળાના નાજુક સ્નાયુઓને નુકસાન ટાળવા માટે' ધૂમ્રપાન કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં 30 વર્ષમાં તમાકુના ઉપયોગને કારણે થઈ રહેલું નુકસાન સ્પષ્ટ બન્યું છે. સાથે જ બીજા દ્વારા કરાતા ધૂમ્રપાનને કારણે અંદર જતો ધૂમાડો પણ નુકસાનકારક છે તે સાબિત થવા લાગ્યું છે.
તેના કારણે દુનિયાના ઘણા દેશોમાં જાહેરસ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. લોકોને સાવચેત કરવા માટે આઘાત લાગે તે રીતે તમાકુના દૂષણો દેખાડવાનું પણ શરૂ થયું છે.
ભારત જેવા કેટલાક દેશોમાં સિગારેટના પૅકેટ પર ચીતરી ચડે તેવાં ચિત્રો છાપવાનું ફરજિયાત બનાવાયું છે. તમાકુના કારણે ફેફસાં અને ગાલ સડી ગયાં હોય તેવાં ચિત્રો દર્શાવવા ફરજિયાત કરાયાં છે.
ઇંગ્લૅન્ડમાં 'સ્મોકી સ્યુ' નામની ઢિંગલી તૈયાર કરવામાં આવી છે. આ ઢિંગલી મારફતે ગર્ભવતી સ્ત્રીઓને સાવચેત કરવામાં આવે છે કે ધૂમ્રપાનને કારણે ગર્ભમાં રહેલા સંતાનને નુકસાન થઈ શકે છે.

ઈ-સિગારેટ નુકસાન કરે?

ઇમેજ સ્રોત, Science Museum London
હાલમાં ઈ-સિગારેટનું ચલણ પણ વધ્યું છે. તમાકુ પીવાના બદલે બૅટરીથી ચાલતી આ નકલી સિગારેટમાં નિકોટિનની વરાળ લઈ શકાય છે, જેથી ધૂમ્રપાન કર્યાનો સંતોષ મળે.
ઈ-સિગારેટમાં ટાર કે કાર્બન મૉનોક્સાઇડ ઉત્પન્ન થતાં નથી. તમાકુ પીવાને કારણે આ બે જ સૌથી ખતરનાક પદાર્થો ઉત્પન્ન થતા હોય છે.
જોકે ઈ-સિગારેટ પણ તદ્દન નિર્દોષ નથી એમ બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જણાવે છે.
ઈ-સિગારેટ પીવી તેને વેપિંગ કહેવામાં આવે છે. તેના ઉપયોગ અંગેના વિવાદો પણ થવા લાગ્યા છે.
વિશ્વની સૌથી મોટી સિગારેટઉત્પાદક કંપની ફિલિપ્સ મોરીસ ઇન્ટરનેશનલ ધીમે-ધીમે ઈ-સિગારેટના માર્કેટ તરફ વળી રહી છે.
તેની સામે તથા જુલ્સ કંપની સામે અમેરિકામાં દાવા મંડાયા છે. આ કંપનીઓ સામે ફરિયાદ થઈ છે કે તેઓ સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કૅમ્પેઇન કરીને યુવાનોને આકર્ષી રહી છે.
બાળકો અને કિશોરો સહેલાઈથી ઇ-સિગારેટ ખરીદી શકે તે બાબતે છુટ્ટક વેપારીઓ સામે અમેરિકાના નિયંત્રક સત્તાધીશોએ કડક વલણ લીધું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા તમાકુને 'ચેપકારક' તેમજ 'વિશ્વ સામેનો આજ સુધીનો સૌથી ગંભીર ખતરો' ગણે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વના દેશોને અરજ કરી છે કે તમાકુનો ઉપયોગ ઓછો થાય તેવી નીતિઓ અપનાવવી જોઈએ.
તમાકુની કંપનીઓ જાહેરખબરો કરે છે અને સ્પૉન્સરશીપ લે છે તેને મર્યાદિત કરવા માટે તથા સિગારેટ પર વેરા વધારવા માટેની પણ ભલામણ કરાઈ છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર તમાકુનો ઉપયોગ ઘટી રહ્યો છે. 2000ની સાલમાં વિશ્વના 27% લોકો ધૂમ્રપાન કરતા હતા, તેની સામે 2016માં તે સંખ્યા ઘટીને 20% જેટલી થઈ હતી.
જોકે આંતરરાષ્ટ્રીય ધોરણે તમાકુનો ઉપયોગ ઘટાડવા માટે જે લક્ષ્યાંક નક્કી કરાયો છે, તેની સરખામણીએ આ ગતિ ઘણી ધીમી છે.
વિશ્વમાં આજે પણ 1.1 અબજ પુખ્ત લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે. તેમાંના 80% લોકો વિશ્વના મધ્યમ અથવા ઓછી આવક ધરાવતા દેશોના છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












