IPL Final : ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સે પ્રથમ ઓવરથી જ કરેલી એ ભૂલો જેના લીધે ટ્રૉફી ગુમાવી

આમ તો આઈપીએલની ફાઇનલ મૅચ લો સ્કોરિંગ રહી. જોકે, તેમાં પણ રાજસ્થાન પાસે બૉલિંગ દ્વારા ગુજરાતને દબાણમાં લાવવાની તક હતી. જોકે, આ મૅચ દરમિયાન રાજસ્થાને એવી કેટલીક ભૂલો કરી, જો તે ન થઈ હોત તો મૅચ કદાચ કંઈક જુદી રીતે પૂરી થઈ હોત.

ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

અમદાવાદસ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ ઍન્કલેવ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આઈપીએલની ફાઇનલ મૅચ યોજાઈ હતી.

રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલી ઓવર નાખી રહ્યા હતા ટ્રેન્ટ બૉલ્ટ અને બૅટિંગ માટે ઊતર્યા હતા રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ.

ટ્રેન્ટ બૉલ્ટે મૅચમાં પોતાની ચાર ઓવર પૂરી કરી હતી. જેમાંથી એક મૅડન રહી હતી. ચાર ઓવરમાં 14 રન આપીને બૉલ્ટે એક વિકેટ મેળવી હતી.

જોકે, પહેલી જ ઓવરમાં રાજસ્થાનને એક એવી તક મળી હતી, જેના લીધે ગુજરાત તરફથી સૌથી વધુ રન ફટકારનાર શુભમન ગિલ 'ગોલ્ડન ડક' સાથે પૅવેલિયન ભેગા થઈ ગયા હોત, આ સિવાય પણ કેટલીક ભૂલો હતી, જે ન થઈ હોત તો રાજસ્થાન પાસે જીતવાની તક હતી.

line

કેવું રહ્યું બંને ટીમોનું પ્રદર્શન

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, BCCI/IPL

ટૉસ જીતીને રાજસ્થાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને જૉસ બટલર ઓપનિંગ માટે ઊતર્યા હતા.

બન્નેએ પહેલી વિકેટ માટે 31 રનની ભાગીદારી નોંધાવી હતી. જે રાજસ્થાનની ઇનિંગમાં સૌથી વધારે હતી. 20 ઓવરમાં રાજસ્થાને સાત વિકેટના નુક્સાને 130 રન માર્યા હતા અને ગુજરાતને 131 રનનો પડકાર આપ્યો હતો.

રાજસ્થાનની વિકેટ લેવામાં ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યા અવલ રહ્યા હતા. હાર્દિકે કુલ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે રવિશ્રિનિવાસન સાંઈ કિશોરે બે વિકેટ લીધી હતી અને મહમદ શામી, યશ દલાલ અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

ગુજરાત તરફથી ઓપનિંગમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઊતર્યા હતા. પહેલી વિકેટ માટે બન્ને વચ્ચે માત્ર નવ રનની ભાગીદારી નોંધાઈ હતી અને રિદ્ધિમાન સાહા પાંચ રન બનાવીને આઉટ થયા હતા.

જોકે, શુભમન ગિલ અને કૅપ્ટન હાર્દિક પંડ્યાએ 63 રનની ભાગીદારી વડે રન ચૅઝિંગની ગતિ વધારી હતી. શુભમન ગિલે 43 બૉલમાં 45 રન અને ડેવિડ મિલરે 19 બૉલમાં 32 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી.

જોકે, બૉલિંગમાં રાજસ્થાન તરફથી સૌથી સારી બૉલિંગ ટ્રેન્ટ બૉલ્ટની રહી. ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને બૉલ્ટ સૌથી ઓછા રન આપનારા ખેલાડી બન્યા. તેમણે એક મૅડન ઓવર પણ નાખી હતી.

line

રાજસ્થાનની ભૂલો

યુજવેન્દ્ર ચહલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

રાજસ્થાને 131 રનનો ટાર્ગેટ આપ્યા બાદ ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ બૅટિંગ માટે ઊતર્યા હતા.

સ્ટ્રાઇક પર રિદ્ધિમાન સાહા હતા. પહેલા બે બૉલ ડૉટ ગયા હતા અને ત્રીજા બૉલ પર ગુજરાતને એક રન મળ્યો હતો.

હવે સ્ટ્રાઇક પર શુભમન ગિલ હતા.

આ મૅચમાં એ તેમનો પહેલો બૉલ હતો અને બોલ્ટની જોરદાર ડિલિવરીના કારણે તેઓ સરખી રીતે રમી શક્યા નહીં અને બૉલ ઊછળીને સ્ક્વૅર લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા યુજવેન્દ્ર ચહલ પાસે પહોંચ્યો.

ચહલ પાસે આ કૅચ પકડવાનો સારી એવી તક હતી પણ તેઓ ચૂકી ગયા.

જો તેમણે એ કૅચ પકડી લીધો હોત ગુજરાતની ટીમ પર દબાણ ઊભું કરી શકાયું હોત.

ગિલને આઉટ કરવાની બીજી તક મળી તો શિમરૉન હૅટમાયર એક મુશ્કેલ કૅચ છોડી દીધો અને 43 બૉલમાં 45 રન ફટકારીને શુભમન ગિલે ગુજરાતના વિજયમાં નોંધનીય યોગદાન આપ્યું.

જોકે, આ મૅચમાં ટૉસ જીતવા સિવાય રાજસ્થાન સાથે બીજું કંઈ સારું થયું નથી.

ટૉસ જીતીને સંજૂએ કહ્યું હતું કે પીચ ડ્રાય છે અને બેટિંગ લાયક છે પરંતુ જ્યારે તેમની ટીમ બેટિંગ માટે ઊતરી ત્યારે જૉસ બટલર અડગ રહીને સામે વિકેટો પડતી જોઈ રહ્યા હતા અને રન કરવાના પ્રયત્નો કરતા હાર્દિક પંડ્યાના બૉલ પર આઉટ થઈ ગયા.

બીજી બાજુ કૅપ્ટન સંજૂ સૅમસને જે વિચારીને પહેલા બૅટિંગ લીધી હતી, એવું કાંઇ થયું ન હતું.

line

મોટા ભાગના ઍવોર્ડ્સ જૉસ બટલરના ફાળે

જોસ બટરલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

જૉસ બટલર ભલે ફાઇનલમાં રાજસ્થાનને ન જીતાડી શક્યા પણ મૅચ બાદ તેઓ ઘણા બધા ઍવોર્ડ લેતા જોવા મળ્યા હતા.

તેમણે 17 મૅચમાં 149.05ના સ્ટ્રાઇક રેટ અને 57.53ની ઍવરેજથી સૌથી વધુ 863 રન બનાવ્યા.

એ સાથે જ સૌથી વધુ ચાર શતક, સૌથી વધુ 45 છગ્ગા, સૌથી વધુ 83 ચોગ્ગા અને સૌથી વધારે વખત 'મૅન ઑફ ધ મૅચ' જેવા અનેક રેકૉર્ડ પોતાને નામ કર્યા.

જોકે, તેઓ વિરાટ કોહલીનો 973 રનોના આંકડા સુધી પહોંચી શક્યા નહોતા.

વર્ષ 2016ની આઈપીએલમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીની તમામ સિઝનમાં સૌથી વધુ રન મારવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

આ સિઝનમાં સૌથી વધુ મારનારા પાંચ ખેલાડીઓમાં જૉસ બટલર (863) સિવાય કેએલ રાહુલ(616), ક્વિન્ટન ડીકૉક(508), ફાફ ડુપ્લેસી(468) અને શિખર ધવન(460)નો સમાવેશ થાય છે.

ઇનામોનો વરસાદ

આઈપીએલ વિજેતા ગુજરાત ટાઇટન્સને 20 કરોડ તો રનર્સ-અપ રાજસ્થાન રૉયલ્સને 12.5 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું.

જ્યારે કેટલાંક ઇનામ એવાં હતાં, જેને જીતનારા ખેલાડીઓને 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવી.

  • ઑરેન્જ કૅપ : જૉસ બટલર (863 રન)
  • પર્પલ કૅપ : યુજવેન્દ્ર ચહલ (27 વિકેટ)
  • મૉસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ઑફ ધ સિઝન : જૉસ બટલર
  • ક્રેક ઇટ સિક્સીઝ ઑફ ધ સિઝન : જૉસ બટલર (45 છગ્ગા)
  • ઑન ધ ગો ફૉર ઑફ ધ સિઝન : જૉસ બટલર (83 ચોગ્ગા)
  • પાવરપ્લેયર ઑફ ધ સિઝન : જૉસ બટલર (પાવરપ્લેમાં સૌથી ઉત્કૃષ્ટ બૅટિંગ માટે)
  • ગેઇમ ચેન્જર ઑફ ધ સિઝન : જૉસ બટલર
  • ઇમરજિંગ પ્લેયર ઑફ ધ સિઝન : ઉમરાન મલિક
  • ફાસ્ટેસ્ટ ડિલિવરી ઑફ ધ સિઝન : લૉકી ફર્ગ્યુસન (ફાઇનલમાં 157.3 કિલોમીટરની ઝડપે)
  • કૅચ ઑફ ધ સિઝન : એવિન લુઇસ (એક હાથે રિંકુસિંહનો કૅચ પકડ્યો હતો)
  • ફૅર પ્લે ઍવોર્ડ : ગુજરાત અને રાજસ્થાન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો