20મી ઓવરમાં 1.6.6.6.6.6., મૅચ જીતાડનાર હીરો રિંકુસિંહની કહાણી

ઇમેજ સ્રોત, BCCI/IPL
- લેેખક, પ્રદીપકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2023માં સતત ત્રીજા વિજયની નજીક હતી. અમદાવાદીઓ સહિત ગુજરાત ટાઇટન્સના પ્રશંસકો ગેલમાં મેદાનમાં ગેલમાં આવી ગયા હતા.
એવામાં કંઈક એવું થયું કે કોલકાતા નાઇટ રાઇડર્સે બાજી પલટી નાખી અને અશક્ય ગણાતો વિજય હાંસલ કરી લીધો. રિંકુસિંહ આ વિજયના 'હીરો' સાબિત થયા.
વાત એમ હતી કે અંતિમ ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. બૉલિંગ યશ દયાલ ફેંકી રહ્યા હતા. એ વખતે છેલ્લી ઓવરના પ્રથમ બૉલે ઉમેશ યાદવે એક રન લીધો.
એક રન લીધો અને સ્ટ્રાઇક પર આવ્યા રિંકુસિંહ. હવે પાંચ બૉલ બાકી હતા અને 28 રનની જરૂર હતી. એ બાદ જે થયું એ IPLના ઇતિહાસમાં અંકાઈ ગયું.
- ઓવરની બીજો બૉલ : લૉન્ગ ઑફ પર સિક્સર
- ઓવરનો ત્રીજો બૉલ : બીજો સિક્સર લેગ બાઉન્ડ્રી બહાર
- ઓવરનો ચોથો બૉલ : ત્રીજો સિક્સર લૉન્ગ ઑફની બહાર
- ઓવરનો પાંચમો બૉલ : ચોથો સિક્સર લૉન્ગ ઑન પર
- ઓવરનો અંતિમ બૉલ : પાંચમો સિક્સર લૉન્ગ ઓનની બહાર
આ રીતે અકલ્પનીય બેટિંગ કરીને રિંકુસિંહ આ આઇપીએલ મૅચમાં 'હીરો' સાબિત થયા. જોકે, ક્યારેક 'પોતું મારવાની નોકરી' મેળવનારા આ ખેલાડીની આઈપીએલ સુધી પહોંચવાની કહાણી પણ કોઈ 'હીરો'થી કમ નથી.

મામૂલી યુવકની સ્ટાર બનવાની કહાણી

ઇમેજ સ્રોત, IPL/BCCI
રિંકુસિંહની કહાણી સમાજના એ તબક્કાના યુવકની કહાણી છે, જેણે ગરીબીના દિવસોમાં એ તાગ મેળવી લીધો હતો કે ક્રિકેટની રમત જ તેની તકદીર બદલી શકે એમ છે..
અલીગઢમાં એક ગૅસ વૅન્ડરના પાંચ પુત્રોમાંથી એક એવા રીંકુસિંહ શાળાના દિવસોથી ક્રિકેટ રમે છે.
જોકે, કોલકાતા નાઇટરાઇડર્સની વેબસાઇટ પરના એક વીડિયો અનુસાર, "પિતા બિલકુલ નહોતા ઇચ્છતા કે રમતમાં હું સમય બરબાદ કરું. બહુ માર પડતો. તેઓ ડંડો લઈને રાહ જોતા કે હું ક્યારે ઘરે પહોંચું છું. પણ ભાઈઓએ સાથ આપ્યો અને હું ક્રિકેટ રમતો રહ્યો. બૉલ ખરીદવાના પૈસા પણ નહોતા. જોકે, કેટલાક લોકોએ મદદ પણ કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ટુર્નામેન્ટ એવી પણ આવી કે રિંકુસિંહને શાનદાર પ્રદર્શન કરવા માટે ઇનામના ભાગરૂપે મોટરસાઇકલ પણ મળી. પુત્રે પોતાના પિતાને એ મોટરસાઇકલ ભેટ આપી દીધી.
પિતાને પણ લાગ્યું કે અલીગઢના વેપારીઓ અને બંગલોમાં ગૅસ સિલિન્ડર પહોંચાડવાના વર્ષો જૂના કામમાં તેઓ જે મોટરસાઇકલ ના ખરીદી શક્યા, એ દીકરાનું ક્રિકેટ લઈ આવી. આમ, રિંકુસિંહને ક્રિકેટને કારણે માર પડતો તો બંધ થઈ ગયો પણ પરિવાર સામે આર્થિક મુશ્કેલીઓ ઘણી હતી.
આવામાં એક દિવસ કામ શોધી રહેલા રિંકુસિંહને કામ મળ્યું.
તેઓ જણાવે છે, "મને પોતું મારવાની નોકરી મળી. એક કોચિંગ સેન્ટરમાં મારે પોતું મારવાનું હતું. એમણે કહ્યું હતું કે સવારે આવીને કામ કરી જા. ભાઈએ કામ અપાવ્યું હતું પણ હું ન કરી શક્યો. નોકરી છોડી દીધી. સારું નહોતું લાગતું."
"મારી પાસે ભણતર પણ નહોતું. મને ત્યારે પણ લાગ્યું કે ક્રિકેટ પર જ ફોક્સ કરું. મને લાગતું કે ક્રિકેટ જ મને આગળ લઈ જઈ શકે એમ છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો."

રિંકુસિંહના જીવનમાં કયા ત્રણ લોકોનું યોગદાન?

ઇમેજ સ્રોત, TWITTER/KKR
જોકે, અહીંથી પણ ક્રિકેટનો રસ્તો ખૂલ્યો નહીં. રિંકુસિંહને નહોતી ખબર કે અંડર-16 ટ્રાયલમાં શું કરવાનું હોય છે. બે વખત તો તેઓ પ્રથમ રાઉન્ડમાં જ ફેંકાઈ ગયા હતા. એવામાં અલીગઢના મહમદ જિશાને તેમની મદદ કરી.
રિંકુસિંહને પ્રારંભિક દિવસોમાં અલીગઢના મસૂદ અમીન તરફથી કોચિંગ મળ્યું અને તેઓ આજે પણ તેમના કોચ છે. જ્યારે મહમદ જિશાન પાસેથી મળેલી મદદ પર રિંકુસિંહ કહે છે કે તેમની મદદ અને માર્ગદર્શનનું આગવું મહત્ત્વ રહ્યું છે.
આ ઉપરાંત શાહરુખ ખાન પણ છે, જેમણે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે વર્ષ 2018માં તેમની સાથે 80 લાખ રુપિયામાં કૉન્ટ્રૅક્ટ કર્યો હતો.
રિંકુસિંહ અનુસાર, "અલીગઢથી નીકળીને આઈપીએલ પહોંચનારો હું પ્રથમ ખેલાડી બન્યો. ઘરમાં કોઈએ જોયા પણ નહોતા એટલાં પૈસા મળ્યા. ઘરની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ. જમીન ખરીદીને ઘર બનાવ્યું. દેવું ચૂકવી દીધું."

રિંકુએ કોના બેટથી ફટકાર્યા હતા છગ્ગા?

ઇમેજ સ્રોત, BCCI/IPL
મૅચ બાદ કેકેઆરના નિયમિત કપ્તાન શ્રેયસ અય્યરે રિંકુસિંહ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે ગયા વર્ષનું ફ્લૅશબૅક સામે આવી ગયું હતું.
ગત વર્ષે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા. રિંકુએ ત્યારે અંતિમ ઓવરમાં 21 રન ફટકાર્યા હતા. રિંકુએ ત્યારે શરૂઆતના ચાર બૉલ પર 4,6,6,2 રન બનાવ્યા હતા, પરંતુ પાંચમા બૉલ પર આઉટ થઈ ગયા હતા અને કોલકાતા માત્ર બે રનથી હારી ગયું હતું.
રવિવારની મૅચ બાદ ટીમના કપ્તાન નીતીશ રાણાએ રિંકુસિંહની અંતિમ ઓવર વિશે કહ્યું, "થોડો ઘણો તો ભરોસો હતો કારણ કે ગયા વર્ષે પણ તેમણે આવું જ કંઈક કર્યું હતું. જોકે, એ વખતે જીત્યા ન હતા. તેઓ દરેક મૅચમાં પોતાની રમત બદલે છે."
રિંકુએ જે બૅટથી છગ્ગા ફટકાર્યા હતા એ કપ્તાન નીતીશ રાણાનું હતું, જેને તેમણે મૅચના દિવસે જ બદલ્યું હતું.
તેમણે હર્ષા ભોગલેને કહ્યું, "પાંચ વર્ષ થઈ ગયાં છે રમતાં-રમતાં, રાહ જોતાં-જોતાં." જેની સામે હર્ષા ભોગલેએ કહ્યું, "હવે કપ્તાન શ્રેયસ અય્યરના રૂમમાં જઈને કહેશો કે નામ રિંકુસિંહ છે, યાદ રાખો." ત્યારે રિંકુસિંહે કહ્યું 'ચોક્કસથી કહીશ.'
રિંકુસિંહનો આ વિશ્વાસ વર્ષોના સંઘર્ષથી આવ્યો છે. વર્ષ 2018થી જ તેઓ કોલકાતા નાઇટરાઇડર્સ ટીમ સાથે જોડાયેલા છે. આ સિઝનમાં તેમને દસ મૅચોમાં તક મળી પણ ખાસ કંઈ કરી નહોતા શક્યા.
એમ છતાં પણ હરાજીમાં કોલકાતાની ટીમે તેમને 55 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
જોકે, આ વખતે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધની પ્રથમ મૅચમાં જ તેમણે 35 રન બનાવવાની સાથે ચાર કૅચ પકડીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
એ બાદ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ પડકારજનક પરિસ્થિતિમાં પણ તેમણે સારું પ્રદર્શન કર્યું.
તેમની ઇનિંગ્સે કોલકાતા નાઇટરાઇડર્સને સતત પાંચ પરાજય બાદ વિજય અપાવ્યો છે એટલે આગામી મૅચમાં તેમની પર વધારે આશા રાખવામાં આવી રહી છે.

રાણા-રિંકુની ભાગીદારી

ઇમેજ સ્રોત, BCCI/IPL
સામાન્ય રીતે લોકો જીવન કે કામધંધામાં વિકલ્પો શોધવાની વાતો કરતા હોય છે, પણ જેમની પાસે કોઈ વિકલ્પ જ ન હોય એ શું કરે? તેઓ પોતાની જાતને એ જ કામમાં નિચોવી દે અને પછી એક દિવસ એવો આવે કે અલીગઢના સામાન્ય પરિવારનો કોઈ છોકરો આઈપીએલમાં સ્ટાર બની જાય!
હા, માત્ર 24 વર્ષના જ રિંકુસિંહની સફળતા દર્શાવે છે કે જો તમારી ઇચ્છાશક્તિ અડગ હોય કશું પણ અશક્ય નથી. રિંકુસિંહની આખી કહાણી જાણીને તમને આવું જ લાગશે.
આઈપીએલ 2022ની એક મૅચમાં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ રીંકુસિંહ જ્યારે બેટિંગ કરવા માટે ઊતર્યા ત્યારે તેમની ટીમ સામે 44 બૉલમાં 61 રન કરવાનો પડકાર હતો.
આ પડકાર એટલો મુશ્કેલ નહોતો પણ પીચ પર બૉલ સ્વિંગ થઈને આવી રહ્યો હતો અને રિંકુસિંહની આ માત્ર ત્રીજી મૅચ હતી.
જોકે, ટ્રેન્ટ બૉલ્ટના પ્રથમ બૉલ પર જ બ્રાઉન્ડરી ફટકારીને રિંકુસિંહે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
તેમની સાથે 31 રન કરનારા નીતિશ રાણા હતા પરંતુ અહીંથી રાણા સહયોગી ભૂમિકામાં આવી ગયા અને રિંકુસિંહે એમનું જીવન બદલી દે એવી આ તક ઝડપી લીધી.
કોલકાતાએ મૅચ ભલે નીતિશ રાણાના છગ્ગાથી જીતી હોય પરંતુ ક્રિકેટ ફૅન્સનું દિલ રિંકુસિંહે જીત્યું હતું. તેમણે 23 બૉલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 43 રન કર્યા હતા.
કોલકાતાની ટીમમાં રિંકુસિંહ અને નીતિશ રાણા એકબીજાથી નજીક છે અને એ વાતનો ફાયદો આ મૅચમાં તેમને ભરપૂર મળ્યો. મૅચ બાદ રિંકુસિંહે કહ્યું, "ભાઈ મને સતત કહી રહ્યા હતા કે આપણે રોકાઈને મૅચ પૂરી કરીએ."
આઈપીએલ પ્રસારક 'સ્ટાર સ્પૉર્ટ્સ' પર સુનીલ ગાવસ્કરે તેમના શૉટ્સથી લઈને પ્રેશર દરમિયાન પોતાના પર નિયંત્રણ રાખવાની કાબેલિયત તરફ ઇશારો કર્યો.
જ્યારે કોલકાતાના કપ્તાન શ્રેયસ અય્યરે રિંકુસિંહ વિશે જણાવ્યું, "તેમણે પ્રેશરમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું. ચોક્કસપણે તેઓ ભવિષ્યના સ્ટાર ખેલાડી છે. પહેલી મૅચથી તેઓ નવા ખેલાડી છે એવું લાગ્યું જ નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













