ઇજિપ્ત: 'હું નશો કરવા માટે દિવસમાં 57 પેઇનકિલર લેતો હતો'

- લેેખક, અહમદ માહેર
- પદ, બીબીસી ઍરબિક
ઇજિપ્તમાં યુવાનોમાં નશા માટે 'પેઇનકિલર' લેવાનું પ્રમાણ વધી ગયું છે.
ટ્રેમૉડોલ નામની અફીણ ધરાવતી પેઇન કિલરની લાખો લોકોને આદત પડી ગઈ છે. હવે આ આદત એક મોટી સમસ્યા બની ગઈ છે.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં એક બ્રિટિશ મહિલા લૌરા પ્લમરને ઇજિપ્તમાં 300 જેટલી ટ્રેમૉડોલ પેઇનકિલર લાવવા માટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
યૂકેમાં લોકો આ સજાને પગલે સ્તબ્ધ થઈ ગયા હતા. આ કેસ ઇજિપ્તમાં લોકોને પેઇનકિલરની કેવી લત છે તેના પર પ્રકાશ પાડે છે.
પોતાની લત વિશે વાત કરતાં 24 વર્ષીય અબ્દુલ હમીદે કહ્યું, "હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે અમે એખ આર્કેડમાં પ્લેસ્ટેશન પર ગેમ રમી રહ્યા હતા."
"એ સમયે કોઈકે મારું અપમાન કર્યું, મેં બિલ્યર્ડની લાકડી લઈને તેના માથામા મારી દીધી. અને હું બધાની સામે જોરજોરથી રોષ ઠાલવવા લાગ્યો. મેં એક બારી પણ તોડી નાખી."

ઇમેજ સ્રોત, AHMED MAHER
હમીદે તેર વર્ષની ઉંમરે ટ્રોમૉડોલ નામની પેઇનકિલરનું પ્રથમ વખત સેવન કર્યું હતું.
તેમના અનુભવ વિશે હમીદે કહ્યું,"મને એવું લાગતું કે હું કોઈ સુપરહીરો છું. હું કંઈ પણ કરી શકું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પણ અન્ય લોકોની જેમ 100 મિલિગ્રામની ટ્રેમૉડોલના ચોથા ભાગની માત્રા લેવાનું શરૂ કર્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
પણ પછી ધીમે ધીમે અબ્દુલ હમીદ દિવસમાં 57 પેઇનકિલર લેતા થઈ ગયા હતા. તેઓ ટ્રોમૉડોલ અને અન્ય પેઇનકિલરનો ઉપયોગ કરતા હતા.
તેઓ ઘણી વાર દવા વધુ માત્રામાં લઈ લેતા અને ત્યારથી કેટલીય વખત બેભાન અવસ્થામાં જતા રહેવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

ઇજિપ્તમાં પેઇન કિલરના દૂષણની કડવી વાસ્તવિકતા

ઇમેજ સ્રોત, PA
ઇજિપ્તમાં ડ્રગ કન્ટ્રોલ અને એડિક્શન (આદત)ની બિમારીની સારવાર માટે કામ કરતી સંસ્થા અનુસાર ઇજિપ્તમાં દર ત્રણમાંથી એક વ્યક્તિને પેઇનકિલરની લત છે.
કુલ ત્રીસ લાખ લોકોને તેની આદત છે. તમામમાં ટ્રેમૉડોલ પહેલી પસંદગી છે.
ઇજિપ્તમાં તે વીસ વર્ષ પહેલાં જોવા મળી હતી. તે હેરોઇન કરતાં પણ સસ્તી છે અને સરળતાથી ઉપલબ્ધ છે.
આ કારણે તે નશાના બંધાણીઓમાં સરળતાથી પૉપ્યુલર બની ગઈ અને લોકોમાં પણ તેનો પ્રચાર થઈ ગયો.
કેમ કે લોકો માત્ર શારીરિક નહીં પણ માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે આ દવાનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

ઇમેજ સ્રોત, AHMED MAHER
ટ્રેમૉડોલે ઇજિપ્તમાં એવી સ્થિતિ સર્જી છે કે નશાના બંધાણીઓ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન અનુસાર તેમને દરરોજ 500 જેટલા ફોનકૉલ મળે છે.
આ લોકો ગમે તેમ કરીને તેમની પેઇનકિલરની આદત છોડવા માટે મદદ માગતા હોય છે.
આ લોકોમાં યુવાઓનું પ્રમાણ વધુ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા સારવાર કેન્દ્રમાંનું એક કેન્દ્ર કૈરોમાં આવેલું છે.
સારવાર કેન્દ્ર અબ્બાસીયા હૉસ્પિટલે બીબીસીને જણાવ્યું કે તેમના કુલ દર્દીઓમાં અડધાની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચેની છે.
સરકારના આંકડા અનુસાર સૌથી પીડિત પુરુષો છે. 70 ટકા દર્દીઓ પુરુષ છે. પણ મહિલાઓમાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે.
અહલામ નામની યુવતી બાળકની સારસંભાળ અને ઘરકામને પહોંચી વળવા માટે આ દવા લે છે.
તેમણે શરૂઆત ચોથા ભાગથી જ કરી હતી અને પછી દિવસમાં ચાર ગોળી લેતા થઈ ગયા.
હવે તેઓ માત્રા વધારે છે તેમ છતાં તેમને એટલી જ અસર થાય છે જેટલી પહેલાં થતી હતી.

ઇમેજ સ્રોત, AHMED MAHER
તેમણે કહ્યું,"પહેલાં મને આનંદ પ્રાપ્ત થતો હતો પણ હવે મને નશો નથી થતો."
તેમના પર તેની અસર સ્પષ્ટ જોવા મળે છે. તેઓ 28 વર્ષે પણ ઉંમર કરતાં વધુ વૃદ્ધ લાગે છે.
તેમનું શરીર પાતળું છે અને તેઓ સિગરેટ પણ પીવે છે. તેમની આવી સ્થિતિના લીધે તેમનો પરિવાર પણ સહન કરી રહ્યો છે.
આ અંગે તેમણે કહ્યું,"મારા પતિએ મને ચિકન લાવવા માટે પૈસા આપ્યા હતા. મેં એવો દેખાડો કર્યો કે હું તે લઈ આવી અને બાળકો બધું જ ખાઈ ગયા."
"પણ તે સાચું ન હતું. મેં એ પૈસાથી ટ્રેમૉડોલ ખરીદી લીધી હતી. મેં બાળકોને સસ્તા પાસ્તા ખવડાવી દીધા હતા. આ એક કડવું સત્ય છે."
એટલું જ નહીં પણ અહલામે તેમની આ નશાની આદત પોષવા માટે ઘરની વસ્તુઓ પણ વેચી નાખી હતી.
તેમણે આ માટે એક વાર તેમના પાડોશીને સેક્સ પણ ઓફર કર્યું હતું.
પાડોશી પણ નશો કરતો હતો અને તેણે સેક્સના બદલે પેઇન કિલર્સ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઑવર ધી કાઉન્ટર

ઇમેજ સ્રોત, Getty Images
ઇજિપ્તમાં ટ્રેમૉડોલ પૉપ્યુલર થવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ઑવર ધી કાઉન્ટર મળી રહે છે.
કાયદા મુજબ તે માત્ર ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ મેડિકલ શૉપ્સ પરથી મળી શકે છે.
જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને 25 વર્ષની સજા થઈ શકે છે.
પણ જે લોકો તેનો નશો કરે છે તેમનું કહેવું છે કે વ્યાપકપણે આ નિયમનું ઉલ્લંઘન થાય છે.
આથી મેં જાતે જ કૈરોમાં એક દવાની દુકાને જઈને આ દવા ખરીદવાની કોશિશ કરી.

ઇમેજ સ્રોત, Getty Images
મને કહેવામાં આવ્યું કે તે ખતમ થઈ ગઈ છે. પણ મને તેના બદલે બે અન્ય દવાઓ હોવાનું કહેવામાં આવ્યું. તેમાં પણ ટ્રેમૉડોલ જેવા જ પદાર્થ હતા.
જોકે, મારી પાસે દવાનું પ્રિસ્ક્રિપ્શન નહોતું માગવામાં આવ્યું.
ઇજિપ્તના ફાર્માસ્યુટિકલ્સની બાબતોના સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી ડૉ. યાસીન રાજલે બીબીસી સાથેની વાતચીતનાં કહ્યું કે આરોગ્ય મંત્રાલયે પેઇનકિલરના જોખમ વિશેની નોંધ લીધી છે. તેના ગેરકાનૂની વેચાણ પર રોક લગાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું,"પેઇન કિલરના વેચાણ સંબંધિત અને નિયનમ માટે કેટલાક કાયદાઓ છે. ઇજિપ્તમાં દવાની દુકાનો પર આરોગ્ય મંત્રાલયની નજર છે."
"વળી ગૃહ વિભાગ ચેકિંગ અને તપાસ માટે આઉટલેટની મુલાકાત પણ લેતું હોય છે."

બજારમાં વેચાણ

ઇમેજ સ્રોત, Getty Images
વળી જો સરકાર પ્રિસ્ક્રિપ્શન વગર મળતી ટ્રેમૉડોલના વેચાણ પર નિયંત્રણ મેળવી લે તો પણ નશાખોરો તેને મેળવવાનો બીજો માર્ગ શોધી લેશે.
કહેવાતી ડૉક્ટર શોપિંગ હવે સામાન્ય છે. નશાખોર વ્યક્તિ એક જ સમયે એકથી વધુ ડૉક્ટર પાસે જઈને તેનું પ્રિસ્ક્રિપ્શન લખાવી શકે છે.
કમરમાં દુખાવો કે પીઠના દુખાવાનું બહાનું કરીને તેઓ આવું કરી શકે છે.
તેઓ આમ કરીને વિવિધ પેઇનકિલરના પ્રિસ્ક્રિપ્શન લખાવી તેને જુદી જુદી દવાની દુકાનો પરથી ખરીદી શકે છે. એટલું જ નહીં પણ આ દવાઓના કાળા બજાર પણ છે.
ઇજિપ્તનું ત્રીજું મોટું શહેર ગીઝામાં હું ગયો ત્યારે ખબર પડી કે ત્યાં નશાની લત ધરાવતા લોકો તેમના ડ્રગ ખરીદવા માટે આવે છે.
સૂર્યાસ્ત થતાં જ અહીં બજાર ભરાતું હોય એવો માહોલ સર્જાય છે. ડીલરો ઓર્ડર લેવા માટે પ્રયાસ કરે છે અને ગ્રાહકોને લાઇનમાં ઊભા રહેવા માટે જણાવે છે.
તેઓ ગ્રાહકોને કહે છે કે ટ્રેમૉડોલ માટે જમણી અને હેરોઇન માટે ડાબી બાજુ રહો.
ઘણા લોકો કૉક્રોચ (વાંદા) નામનું પીણું ખરીદતા હોય છે તેમાં પણ નશીલા પદાર્થ હોય છે. આ પીણું પાર્કિન્સન નામના રોગ માટે પીવામાં આવે છે.
તે ખુલેઆમ વેચાય છે અને બેરોકટોક લોકો તેને ખરીદતા હોય છે.

સારા ભવિષ્યની આશા

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ હમીદને આશા છે કે હવે તેઓ આ લતમાંથી બહાર આવી ગયા છે. અને નશાની દુનિયાને તેમણે પાછળ છોડી દીધી છે.
તેમણે છેલ્લા ત્રણ મહિનાથી તેમણે આ દવા નથી લીધી કે નશો નથી કર્યો.
તેમણે અગાઉ પણ પ્રયાસ કર્યા હતા જેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. તેમણે જાતે જ ઘરે અને કેટલાંક સારવાર કેન્દ્રોમાં સારવાર લેવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રીટમેન્ટ વૅરહાઉસ નામના સારવાર કેન્દ્રોમાં દર્દીઓને એક રૂમમાં પૂરી રાખવામાં આવે છે. અને તેમનાં લક્ષણો ન સુધરે ત્યાં સુધી આવું કરવામાં આવે છે.

સારવાર પછી સ્વપ્ન
હાલ તેઓ એક ખાનગી ક્લિનિકમાં સારવાર લઈ રહ્યા છે.
તેમણે કહ્યું,"તેઓ અમને જુદા જુદા પ્રકારની દવાઓ આપે છે. પછી એ લોકો ઝડપથી અમને જે દવાની લત હોય તેની માત્રા ઘટાડી નાખે છે."
"અમે ધ્યાન કરીએ છીએ, રમતગમતમાં ભાગ લઈએ છીએ અને એકબીજા સાથે અનુભવ શેર કરીએ છીએ. મને એવું લાગે છે કે મારો ફરીથી જન્મ થયો છે."
વર્ષો બાદ હમીદે ભવિષ્ય અંગે આશા રાખવાનું શરૂ કર્યું છે. હમીદે કહ્યું કે મેં સ્કૂલે જવા માટે ખાનગી ટ્યુશન પણ શરૂ કર્યું છે.
તેમનું સ્વપ્ન છે કે તેઓ એક દિવસ લગ્ન કરે અને તેમનાં બાળકો હોય.
તેમને આશા છે કે તેઓ એક ડ્રગ ઍડિક્શનની સારવાર આપવાના નિષ્ણાત બનશે.
તેઓ કહે છે કે તેઓ તેમની લડાઈના ઉપયોગથી અન્યને પણ મદદ મળે તેનું ઇચ્છે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












