વાયગ્રાનો ઉપયોગ કરતાં પહેલાં આ વાંચી લેજો

ઇમેજ સ્રોત, Getty Images
યુકેમાં કેટલીક ફાર્મસીમાંથી હવે નપુંસકતા ધરાવતા પુરુષો પ્રિસ્ક્રીપ્શન વગર વાયગ્રા કનેક્ટ ખરીદી શકે છે.
આરોગ્ય નિષ્ણાતો માને છે કે તેના કારણે હવે ઉત્થાનની સમસ્યા ધરાવતા ઘણા પુરુષો વધારે સહેલાઈથી આ દવા મેળવી શકશે.
યુકેમાં દર પાંચમા પુખ્ત પુરુષને એટલે કે 43 લાખ લોકોને શિશ્ન ઉત્થાનની સમસ્યા છે એમ મનાય છે.
જોકે, બીજી દવાઓની જેમ વાયગ્રાને કારણે પણ આડઅસરો થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.
આ નાનકડી બ્લૂ રંગની પીલ ખરીદતા પહેલાં પુરુષોએ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?

કોણ લઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
વાયગ્રા કનેક્ટ નપુંસકતા ધરાવતા પુરુષો માટે જ છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઈ વ્યક્તિ વાયગ્રા કનેક્ટ ખરીદી શકશે નહીં.
જોકે, સ્ત્રીઓ પોતાના પુરુષમિત્ર વતી ખરીદી શકે ખરી, પણ તે માટે તેમણે ફાર્મસિસ્ટને યોગ્ય કારણો આપવા પડે.
તબીબી રીતે જાતીય સંબંધો બાંધવા માટે ફીટ ના હોય તેવા પુરુષોને પણ વેચવામાં આવશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
હાર્ટની અને લોહીની નસોની ગંભીર સ્થિતિ ધરાવતા પુરુષોનો પણ તેમાં સમાવેશ થાય છે.
આ જાણવાની એક સરળ રીત છે. બે માળના દાદરા ચડવા જેટલો થોડો શ્રમ લેવાથી પણ જેનો શ્વાસ ચડી જાય કે છાતીમાં દુખવા થવા લાગે તેમને આ દવા આપી શકાય નહીં.

દવા છૂટક વેચાણથી મળી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
ના. દવા ખરીદવા માટે ફાર્મસિસ્ટને જણાવવું પડશે. ફાર્મસિસ્ટ તે તમારા માટે સલામત છે કે નહીં તેની ખાતરી કરશે.
બ્રિટનમાં ચાર ગોળીના એક પેકેટની કિંમત 19.99 પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે 1829 રૂપિયા) છે.
હા, તમે ફાર્મસીમાં કાઉન્ટર પર રહેલી વ્યક્તિને ખાનગીમાં વાત જણાવી શકો છો. હવે ઘણી બધી ફાર્મસીમાં પ્રાઇવેટ કન્સલ્ટેશનની વ્યવસ્થા પણ હોય છે.
ફાર્મસિસ્ટ તમને જુદા જુદા લક્ષણો વિશે, સામાન્ય આરોગ્ય વિશે તથા અન્ય કોઈ દવાઓ લઈ રહ્યા છો કે કેમ તે વિશે પૂછશે.
જોકે, તેઓ તમારી ખાનગી સેક્સ લાઇફ વિશે કે તમારી સેક્સુઅલ પસંદ શું છે તે પૂછી શકે નહીં.
તમારું શારીરિક પરીક્ષણ કરવાની જરૂર રહેતી નથી.

શું દવા કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગના કેસમાં કામ કરે છે, પણ દરેકને ઉપયોગી છે એવું નથી.
આ દવાના કારણે પુરુષના લિંગમાં રહેલી લોહીની નળીઓ ખૂલી જાય છે, જેથી લોહીનો પ્રવાહ વધે છે. તેના કારણે જાતીય ઉત્તેજનાની અવસ્થામાં ઉત્થાન શક્ય બને છે.
ખોરાક સાથે કે વિના તે લઈ શકાય છે. જોકે, ભારે ભોજન પર ગોળી લેવાઈ હોય તો તેની અસર થતા વધારે સમય લાગે છે.
સામાન્ય રીતે તેની અસર થતા એક કલાક લાગે છે.
નારંગી કે નારંગીના જ્યુસ સાથે તે ના લેવી જોઈએ, કેમ કે તેનાથી ગોળીની ક્ષમતા પર અસર થાય છે.
ખાસ તો એક દિવસમાં 50 મિલીગ્રામથી વધારે લેવી જોઈએ નહીં.
જો ઉત્થાનની સમસ્યા લાંબા સમયથી હશે તો તરત અસર નહીં થાય. બે કે ચાર દિવસ ગોળી લીધા બાદ અસર થશે.
વધારે શરાબ પીવાથી પણ ઉત્થાન હાંસલ કરવું મુશ્કેલ બને છે.

જો વધુ કડક ઉત્થાન થાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
જો લિંગ વધારે કડક અનુભવાતું હોય કે દવાની અસર લાંબો સમય રહેતી હોય તો તમારા ફાર્મસિસ્ટ કે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.
લાંબો સમય રહેતું અને ક્યારેક પીડાદાયક બનતું ઉત્થાન પણ ઘણા પુરુષોમાં જોવા મળ્યું છે, જે સામાન્ય રીતે ચારેક કલાક સુધી રહેતું હોય છે.
જોકે, મોટા ભાગે આવું થતું નથી, પરંતુ જો તેમ થાય તો તાત્કાલિક ડૉક્ટરની મદદ લેવી જોઈએ.

બીજી શું આડઅસરો થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બહુ સામાન્ય (દસમાંથી એક કરતાં વધુ વ્યક્તિને થઈ શકે):
- માથું દુખવું
સામાન્ય (દસમાંથી એકાદ વ્યક્તિને થઈ શકે):
- ચક્કર આવવા
- કુંડાળા દેખાવા કે ઝાંખું દેખાવું - કેટલાકને બ્લૂ રંગની ધૂંધળાશ દેખાય છે
- ઝાડા થવા
- નાક બંધ થઈ જવું
- ઉલટીઓ થવી
નીચેના લક્ષણો દેખાય ત્યારે ગોળીઓ લેવાનું બંધ કરીને તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએઃ
- છાતીમાં દુખાવો
- અચાનક દેખાતું બંધ થઈ જવું
- શ્વાસ લેવામાં મુશ્કેલી, સસણી થવી, હોઠ, પાંપણ કે મોઢા પર સોજો આવવો
- ફીટ આવવી
અન્ય દવા સાથે વિપરિત

ઇમેજ સ્રોત, Getty Images
એન્જાઇમા માટે નાઇટ્રેટ ગોળી લેતા હોય તેમણે વાયગ્રા કનેક્ટ લેવી જોઈએ નહીં. રિક્રીએશનલ પોપર્સ (amyl nitrite) લેતા હોય તેમણે પણ લેવી જોઈએ નહીં.
આ ઉપરાંત riociguat નામે ઓળખાતી દવા સાથે પણ તે વિપરિત પડે અને HIV માટેની દવા ritonavir સાથે લેવાથી પણ રિએક્શન આવે છે.
તમે કોઈ સારવાર લઈ રહ્યા હો તે ખાસ ફાર્મસિસ્ટને જણાવવું જોઈએ, જેથી તે લોકો તમને જણાવી શકે કે તેની સાથે વાયગ્રા કનેક્ટ લેવી સેફ ગણાશે કે કેમ.
વાયગ્રા કનેક્ટ લેનારી વ્યક્તિને આશરે છ મહિનામાં જ ડૉક્ટર પાસે તપાસ કરાવવાની સલાહ ફાર્મસિસ્ટે આપવી જોઈએ.
કેમ કે લિંગ ઉત્થાન ના થવા પાછળ બીજા પણ ગંભીર રોગો કારણભૂત હોય છે. હાર્ટની બીમારી, ઊંચું કોલેસ્ટરોલ અને ડાયાબિટીસને કારણે પણ ઉત્થાન બંધ થઈ જતું હોય છે.
અન્ય કોઈ જગ્યાએ મળે ખરી?
જનરલ પ્રેક્ટિશનર તમને પ્રિસ્ક્રીપ્શનમાં લખી આપે તો મળે. કેટલીક દવાની દુકાનો વર્ચુઅલ કન્સલ્ટેશન બાદ ઓનલાઇન પણ તેનું વેચાણ કરતી હોય છે.
વેચનાર પ્રતિષ્ઠિત છે કે કેમ તેની હંમેશા તપાસ કરવી. અનિયંત્રિત સ્રોતમાંથી આવતી દવા નકલી, બિનઅસરકારક અને નુકસાનકારક પણ હોઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













