સુબોધસિંહ : એ ઇન્સ્પેક્ટર જેમની ગૌરક્ષકોએ કથિત હત્યા કરી દીધી અને હવે પત્ની કોર્ટના ચક્કર લગાવે છે

ઇમેજ સ્રોત, SUMIT SHARMA
- લેેખક, શુભમ કિશોર
- પદ, બીબીસી સંવાદદાતા

- 3 ડિસેમ્બર 2018ના રોજ રજનીના પતિ ઇન્સ્પેક્ટર સુબોધ કુમારસિંહની બુલંદશહરમાં કથિતરૂપે ગૌરક્ષકોની ભીડે હત્યા કરી દીધી હતી.
- તેમનાં પત્ની રજની પોતાની ખરાબ તબિયત છતાં લગભગ દરેક તારીખે કોર્ટમાં હાજર રહે છે.
- સરકારે નોકરી આપવાની રજૂઆત કરી જેને પરિવારે ઠુકરાવી દીધી હતી.
- રજનીનું કહેવું છે કે દીકરાને તેની લાયકાત પ્રમાણે પોલીસવિભાગની જગ્યાએ ઓએસડીની નોકરી આપવાની માગ કરી. પરંતુ તેમણે આ માગ ન સ્વીકારી તો અમે નોકરી લેવાની ના પાડી દીધી.
- તેમણે માર્ચમાં સુપ્રીમ કોર્ટમાં જઈને ઇલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યોગેશની જામીન અરજી ફગાવડાવી હતી.
- રજનીનું માનવું છે કે ઘટનાને રોકી શકાઈ હોત, કેમકે ત્રણ દિવસ પહેલાં તેમના પતિ અહીંના એસએસપી સાથે વાત કરી રહ્યા હતા કે મારી પાસે કોઈ ફોર્સ નથી.
- રજનીની સંઘર્ષકથા જાણવા માટે વાંચો આ અહેવાલ.

દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઇડાના એક સાધારણ ઘરમાં રહેતાં રજનીસિંહ છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર છે. એક ઑપરેશન બાદ ચાલવા-ફરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. તે છતાં 15 ઑગસ્ટના રોજ તેઓ પોતાના ઘરથી આશરે 100 કિલોમિટર દૂર એક સન્માનસમારોહમાં પહોંચ્યાં હતાં.
દીવાલ પર લાગેલી પોતાના પતિ ઇન્સ્પેક્ટર સુબોધસિંહની તસવીર તરફ જોતાં તેઓ કહે છે, "આ મારું સન્માન નથી, તેમનું છે. તેના માટે જ્યાં જવું પડે, જેવી રીતે જવું પડે, હું જઈશ."
3 ડિસેમ્બર 2018ના રોજ રજનીના પતિ ઇન્સ્પેક્ટર સુબોધસિંહની બુલંદશહરમાં કથિતરૂપે ગૌરક્ષકોની ભીડે હત્યા કરી દીધી હતી. એક ઝાટકે રજની અને તેમનાં બંને બાળકોનું જીવન બદલાઈ ગયું હતું.
તેમનો મોટો દીકરો એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, જ્યારે બીજો દીકરો કાયદાનું શિક્ષણ મેળવી રહ્યો છે.
ખરાબ તબિયત છતાં લગભગ દરેક તારીખે કોર્ટમાં હાજર રહેતાં રજની કહે છે કે, "બાળકોને હું કોઈ કેસમાં ઢસડતી નથી. તેમનું પોતાનું જીવન છે. તેમની કારકિર્દી પર અસર પડે છે."
જોકે તેઓ એમ પણ માને છે કે તમામ પ્રયાસો છતાં તેમનાં બાળકોએ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું છે. તેમનો મોટો દીકરો યુપીએસસીની તૈયારી કરવા માગતો હતો. પરિવારની જવાબદારીઓના કારણે તેમનું સપનું અધૂરું રહી ગયું.
સરકારે નોકરી આપવાની રજૂઆત કરી જેને પરિવારે ઠુકરાવી દીધી હતી. રજની કહે છે, "અમારા પરિવારે સરકારને કહ્યું હતું કે દીકરાને તેની લાયકાત પ્રમાણે પોલીસવિભાગની જગ્યાએ ઓએસડીની નોકરી આપો. પણ તેમણે માગ ન સ્વીકારી. તો અમે નોકરી લેવાની ના પાડી દીધી."

'મને તકલીફનો અનુભવ થતો નથી'

ઇમેજ સ્રોત, SHAHNAWAZ/BBC
વાતચીત દરમિયાન રજનીના નાના દીકરા પણ ઘરમાં હતા. જોકે, રજની ઇચ્છતાં ન હતાં કે તેમના દીકરાઓનું નામ કેસ સાથે જોડાય એટલે અમે તેમની સાથે વાતચીત કરવું યોગ્ય ન માન્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતાની ગેરહાજરીમાં તેમણે એક વાત કહી જે કદાચ આ કહાણીનો સાર છે, "જે પણ કર્યું છે, માએ કર્યું છે. તેઓ આટલી હિંમત સાથે ન લડ્યાં હોત તો આ કેસમાં આટલું થઈ શક્યું ન હોત."
ગયાં ત્રણ વર્ષના સંઘર્ષ વિશે વાત કરતાં રજની કહે છે કે, "જો હું શોકમાં ડૂબેલી રહું તો ના હું આગળ વધી શકું, ના બાળકોને આગળ વધારી શકું."
"મારું ઑપરેશન થયું, આટલી તકલીફ થઈ પરંતુ મને હવે તકલીફનો અનુભવ થતો નથી. ડૉક્ટર કહે છે કે કઈ માટીમાંથી બન્યાં છો. તમારી આંખમાં આંસુ પણ આવતાં નથી! એટલી તકલીફ જોઈ લીધી કે હવે શું આંસુ આવે."

જામીન ફગાવવા સુપ્રીમ કોર્ટ જવું પડ્યું

ઇમેજ સ્રોત, SHAHNAWAZ/BBC
ઘટનાના મુખ્ય આરોપી યોગેશ રાજને ઇલાહાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2019માં જામીન આપી દીધા હતા. રજની આ જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં હતાં. આ જ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યોગેશની જામીનઅરજી ફગાવી દીધી હતી.
આ મામલે પોલીસે 44 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને પાંચ લોકો પર હત્યાની કલમો લગાવી છે. તેમાંથી ચાર લોકો હાલ જેલમાં છે. પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને બાકી જામીન પર છે.
આ જ વર્ષે માર્ચમાં એક સ્થાનિક કોર્ટે 36 આરોપીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે.
રજનીનું કહેવું છે કે તેમને જેલમાં બંધ આરોપીઓના ધમકીવાળા ફોન આવ્યા. તેઓ કહે છે કે, "મને ફોન કરીને કહેવામાં આવતું હતું કે તને જોઈ લઈશું. હું પણ અહીં જ છું, જેને જોવું હોય, જોઈ લે."
રજનીએ ધમકી અંગે ફરિયાદ કરી ત્યારબાદ તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી છે. તેઓ કહે છે, "ડિપાર્ટમેન્ટ તરફથી અમને સહયોગ મળતો રહ્યો છે. તેમણે એક કૉન્સ્ટેબલ આપ્યા, જે હંમેશાં અમારી સુરક્ષામાં તહેનાત રહે છે."
આ સિવાય ડિપાર્ટમેન્ટે આર્થિક મદદ પણ કરી છે.

આરોપીઓના વાઇરલ વીડિયો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રજની કહે છે કે ઘણા આરોપી આ કેસનો ઉપયોગ પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા માટે કરી રહ્યા છે.
ઘટના બાદ પોલીસ આરોપીઓની શોધમાં હતી, ત્યારે જ બે આરોપી યોગેશ અને શિખરના બે વીડિયો વાઇરલ થયા, જેમાં તેઓ ઘટના અંગે જ વાત કરતા હતા.
યોગેશ રાજ બજરંગદળના સભ્ય હતા અને શિખર બીજેપીના યુવા મોરચા સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં, શિખર અગ્રવાલને જ્યારે ઑગસ્ટ 2019માં જામીન મળ્યા તો માળા પહેરાવીને ઉજવણી કરતો વીડિયો પણ વાઇરલ થયો હતો.
એક દુકાન ચલાવનારા શિખર અગ્રવાલ હવે ભાજપ છોડીને નિષાદ પાર્ટી સાથે જોડાઈ ગયા છે. તેઓ કહે છે કે તેમના પર લાગેલા આરોપો ખોટા છે.
બીબીસી સાથે વાત કરતાં શિખર કહે છે, "હું તે સમયે ભાજપના યુવા મોરચાનો અધ્યક્ષ હતો. મને ફોન પર સૂચના મળી કે ગૌહત્યાની ઘટના ઘટી છે અને બધા હિંદુસંગઠનોનું ઘટનાસ્થળે પહોંચવું જરૂરી છે."
"હું ધર્મ માટે ત્યાં ગયો હતો. મેં ત્યાં ગાયનો મૃતદેહ જોયો, ત્યાં ઘણા લોકો હાજર હતા. અમે ત્યાં હાજર લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પોલીસસ્ટેશન જઈને ફરિયાદ નોંધાવો."
શિખરનો દાવો છે કે પોલીસ અધિકારી ફરિયાદ દાખલ કરવા તૈયાર ન હતા, એટલે તેઓ પોલીસસ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવ્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા. હત્યા વિશે તેમને કંઈ ખબર નથી.
તેઓ કહે છે કે, "મામલો કોર્ટમાં છે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો છે."

પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ/BBC
બંને પક્ષ પોલીસ સારી રીતે કામ ન કરતી હોવાનો આરોપ મૂકે છે. અગ્રવાલનું કહેવું છે કે પહેલાં પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી, જેના કારણે ભીડ ઉગ્ર બની. તેમનો આરોપ છે કે પોલીસે નિર્દોષ લોકો પર કેસ દાખલ કર્યો છે.
આ બાજુ રજનીએ આ વર્ષે મે મહિનામાં બુલંદશહરના તત્કાલીન એસપી સંતોષકુમાર સિંહને મળીને આરોપ લગાવ્યો હતો કે શિખર અગ્રવાલ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર સાથે મળીને પોતાનું નામ કેસમાંથી હઠાવવાના પ્રયાસમાં છે. એસપીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
અમે બુલંદશહરના એસએસપી શ્લોકકુમાર સાથે આ કેસમાં પોલીસની ભૂમિકા વિશે વધુ વાતચીત કરી.
તેમણે કહ્યું કે જવાબ આપવા માટે તેમને વધારે સમય જોઈશે. કેમ કે તેમણે તાજેતરમાં જ આ પદભાર સંભાળ્યો છે અને આ કેસની બધી માહિતી તેમની પાસે નથી. તેમની તરફથી કોઈ નવી જાણકારી મળવા પર આ રિપોર્ટને અપડેટ કરવામાં આવશે.

સુબોધસિંહને પરિસ્થિતિ વણસવાનું અનુમાન હતું - રજની

ઇમેજ સ્રોત, UP POLICE
રજનીનું માનવું છે કે ઘટનાને રોકી શકાઈ હોત. તેઓ કહે છે, "ત્રણ દિવસ પહેલાંથી મારા પતિ અહીંના એસએસપી સાથે વાત કરી રહ્યા હતા કે મારી પાસે કોઈ ફોર્સ નથી. કોઈ ઘટના ઘટશે તો હું શું કરીશ. મેં પોતે આ સાંભળ્યું છે, એટલે તમને કહી રહી છું. તેમની પાસે કોઈ ફોર્સ હોત તો આ ન થયું હોત."
જોકે, રજની સિસ્ટમ કરતાં વધારે સમાજને દોષી માને છે. તેઓ કહે છે, "નિષ્ફળતા માનવતાની છે. તમારા વિચારો ખરાબ છે તો તેને કોઈ સુધારી શકતું નથી, ન સરકાર, ન પોલીસ, ન બીજું કોઈ."
"હું સિસ્ટમ અને સરકારને બસ એટલું કહેવા માગું છું કે તે એ જ કરે જે યોગ્ય છે, મને કોઈના ભાવનાત્મક સપોર્ટની જરૂર નથી. હું કોઈને અરજી કરી રહી નથી. તમે માત્ર તમારી ફરજ ઇમાનદારીથી નિભાવતા રહો, અમે અમારી લડાઈ જાતે જ જીતી જઈશું."

'લડાઈ હજુ લાંબી છે'

ઘટનાનાં આશરે ત્રણ વર્ષ વીતી ગયાં બાદ પણ નિર્ણય આવવામાં હજુ સમય લાગી શકે છે. રજની પ્રમાણે, કોર્ટમાં સાક્ષીઓના નિવેદન રેકૉર્ડ કરવામાં આવી રહ્યા છે. કુલ સાક્ષીઓની સંખ્યા વધારે હોવાના કારણે કાર્યવાહી પૂર્ણ થવામાં ઘણો સમય લાગી શકે છે.
તેઓ કહે છે, "કોરોનાના કારણે પહેલાંથી જ ખૂબ મોડું થઈ ચૂક્યું છે. અમે સતત લડી રહ્યા છીએ અને જરૂર પડશે ત્યાં સુધી લડતા રહીશું."

તે દિવસે શું થયું હતું?

ઇમેજ સ્રોત, SHAHNAWAZ/BBC
કથિતરૂપે ગાયનું કંકાલ મળ્યા બાદ ઘણા ગ્રામજનો ગુસ્સામાં હતા અને તેમણે નિર્ણય કર્યો કે તેઓ તેને લઈને પોલીસસ્ટેશન જશે અને પોલીસ પાસે તુરંત કાર્યવાહીની માગ કરશે.
પોલીસ મુખ્યાલયથી તુરંત જ વધારાની પોલીસ ફોર્સ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો. પોલીસઇન્સ્પેક્ટર સુબોધસિંહ ઘટનાસ્થળથી ત્રણ કિલોમિટર દૂર હતા. તેમને ખબર મળતાં જ તેઓ ગાડીમાં બેઠા અને ડ્રાઇવર રામ આસરેને આદેશ આપ્યો કે 'બની શકે એટલી ઝડપી ગાડી ભગાવો.'
11 વાગ્યા સુધી તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રોષે ભરાયેલી ભારે ભીડ વચ્ચે જતા રહ્યા હતા. ભીડ વધતા આક્રમક બની રહી હતી, અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને પક્ષોનો સંયમ તૂટી રહ્યો હતો અને નાજુક સમયમાં પોલીસે બળપ્રયોગનો નિર્ણય લઈ લીધો.
ઘટના બાદ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવને સાક્ષીઓએ જણાવ્યું હતું કે, "બપોર થતાં-થતાં સુબોધસિંહ સહિત મોટાભાગના અધિકારીઓ આડ મેળવવા માટે સુરક્ષિત સ્થાન શોધી રહ્યા હતા."
"દરમિયાન કથિત ગૌહત્યાને બંધ કરવાની માગ કરી રહેલી હિંસક ભીડ આગળ પોલીસકર્મીઓની સંખ્યા ખૂબ ઓછી રહી ગઈ હતી."

ઇમેજ સ્રોત, SUMIT SHARMA
કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ પોતાને પોલીસસ્ટેશનના એક નાના એવા ગંદા રૂમમાં બંધ કરી લીધા હતા. બીજી તરફ સુબોધસિંહ હુમલાખોરો તરફથી ફેંકવામાં આવેલી ઈંટ વાગવાથી ઘાયલ થયા હતા.
એક અન્ય સરકારી કર્મચારી સાથે ઊભેલા પોલીસ અધિકારીઓના ડ્રાઇવર રામ આસરેએ ઘટના બાદ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું હતું, "અમે બચવા માટે સરકારી ગાડી તરફ દોડ્યા. સાહેબને ઈંટથી ઈજા પહોંચી હતી અને તેઓ દિવાલ પાસે બેભાન પડ્યા હતા. મેં તેમને ગાડીની પાછળની સીટ પર બેસાડ્યા અને જીપને ખેતરો તરફ વાળી."
તેમનો દાવો છે કે ભીડે તેમને પીછો કર્યો અને પોલીસસ્ટેશનથી આશરે 50 મિટર દૂર ખેતરોમાં ફરી હુમલો કરી દીધો.
રામ આસરેએ પોલીસને જણાવ્યું, "ખેતરોમાં હાલ જ વાવણી કરવામાં આવી હતી, તેવામાં ગાડીનાં આગળનાં પૈડાં ફસાઈ ગયાં અને અમારી પાસે ગાડીમાંથી નીકળીને ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો."
ત્યારબાદ વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું કે પોલીસ અધિકારી પોતાની સરકારી ગાડીની બહાર લટકેલા છે અને તેમના શરીરમાં કોઈ હરકત જોવા મળી રહી નથી.

ઇમેજ સ્રોત, YOGESH KUMAR SINGH
વીડિયોમાં નારાજ લોકોને એ તપાસતા જોઈ શકાય છે કે તેઓ "જીવે છે કે મરી ગયા છે."
પાછળથી ગોળીઓ ચાલવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
પોલીસ પ્રમાણે, જ્યારે સુબોધસિંહને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા તો ડૉક્ટરોએ જણાવ્યું કે હૉસ્પિટલ પહોંચ્યા પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે તેમની ડાબી આંખની પર કપાળના ભાગે ગોળીની ઈજા હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













