ભારતીય સેનાની અગ્નિપથ યોજના સામે નેપાળને શું વાંધો છે? નેપાળની ચૂંટણી પહેલાં કેમ બન્યો મુદ્દો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, કાઠમંડુથી

સંક્ષિપ્તમાં: નેપાળ અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ કરી રહ્યો છે?

- 1947ની ત્રિપક્ષીય સંધિ હેઠળ નેપાળી ગુરખાઓની ભારતીય સેનામાં ભરતી કરવામાં આવે છે
- અગ્નિપથ યોજના હેઠળ નેપાળના ગોરખા યુવાનોને ભારતીય સેનામાં ભરતી કરવાના છે
- નેપાળી ગોરખાઓ માટેની ભરતી રેલીની તારીખ ટાળવામાં આવી રહી છે
- નેપાળની ચિંતા એ છે કે ભારતીય સેનામાંથી ચાર વર્ષ પછી પાછા આવેલા યુવાનો શું કરશે?
- તેમની પાસે સેનાની આધુનિક તાલીમ હશે અને આવી સ્થિતિમાં ક્યાંક કોઈ તેમની તાલીમનો દુરુપયોગ ન કરી લે
- નેપાળ ભારત સરકારને વિનંતી કરવા જઈ રહ્યું છે કે નેપાળની ચિંતાઓ પર ધ્યાન આપે
- નેપાળની વિપક્ષી પાર્ટીઓ પણ અગ્નિપથ મુદ્દે દેઉબા સરકારને ઘેરી રહી છે.
- નેપાળના ભૂતપૂર્વ વિદેશમંત્રીએ કહ્યું કે અગ્નિપથ યોજના 1947ની ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન છે
- તેમનું કહેવું છે કે સેવાની શરતોમાં અચાનક ફેરફાર અને બદલવામાં આવેલી સેવાની અવધિ સંધિનું ઉલ્લંઘન કરે છે
- નેપાળની ચૂંટણીમાં અગ્નિપથ મહત્વનો મુદ્દો બની શકે છે તેથી દેઉબા સરકાર આ મુદ્દાને હાલ બાજુએ મૂકવા માંગે છે

નેપાળમાં આ વર્ષના નવેમ્બરના અંતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ દરમિયાન નેપાળની શેર બહાદુર દેઉબા સરકાર માટે અગ્નિપથનો મુદ્દો માથાનો દુખાવો બની રહ્યો છે.
સરકાર આના કારણે ચૂંટણીમાં નુકસાન થાય એવું કોઈ પગલું ભરવા માગતી નથી.
હકીકતમાં, અગ્નિપથ યોજના હેઠળ નેપાળના ગોરખા યુવાનોને ભારતીય સેનામાં ભરતી કરવાના છે. આ માટે ગોરખા રિક્રૂટમૅન્ટ ડેપો ગોરખપુર અને દાર્જિલિંગે નેપાળમાં બુટવલ અને ધરાનમાં ભરતી રેલીની તારીખ પણ જાહેર કરી હતી.
નેપાળી ગોરખાઓ માટેની ભરતી રેલી 25 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી બુટવલમાં અને 19 થી 28 સપ્ટેમ્બર સુધી ધરાનમાં યોજાવાની હતી.
નેપાળની શેર બહાદુર દેઉબા સરકારની ચુપકીદીના કારણે અગ્નિપથ યોજના હેઠળ નેપાળી ગોરખાઓ માટે 25 ઑગસ્ટથી શરૂ થનાર ભરતી રેલી આયોજિત નથી થઈ શકી.
આ આયોજન યુપીના ગોરખપુરસ્થિત 'ગોરખા રિક્રૂટમેન્ટ ડિપો' કરાયું હતું જેમાં ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી કરાવે છે.
આની માટે નેપાળસ્થિત ભારતીય દૂતાવાસના નેપાળના વિદેશમંત્રાલયને પત્ર લખીને મંજૂરી માગી હતી. પરંતુ નેપાળ સરકાર તરફથી જવાબ ન મળતા આ રેલી યોજાઈ નહોતી.
નેપાળમાં પણ થયો હતો વિરોધ
ભારતીય સેનાએ આ વર્ષે 14 જૂનના સેનામાં ભરતી માટે અગ્નિપથ નામની નવી યોજના જાહેર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યોજના હેઠળ 17થી 21 વર્ષના યુવાનોને અગ્નિવીરના રૂપમાં અસ્થાઈ નોકરી આપવાની હતી અને ચાર વર્ષના પ્રદર્શનના આધારે નોકરી પાક્કી થવાની વાત હતી.
કુલ અગ્નિવીરોમાંથી 25 ટકા સુધી યુવાનોને કાયમી નોકરી મળશે અને બાકીના લોકોને પરત જવું પડશે.
ભારતમાં આ નવી યોજનાની વિરુદ્ધ કેટલાંક રાજ્યોમાં પ્રદર્શન થયાં હતાં.
નેપાળ પણ આને સ્વીકારવા તૈયાર નથી. નેપાળના ગોરખાઓને આઝાદી બાદથી જ ભારતીય સેનામાં ભરતી કરવામાં આવે છે.
ભારતીય સેનામાં નેપાળી ગોરખાઓની ભરતી 1947માં ભારત, નેપાળ અને બ્રિટન વચ્ચે થયેલી ત્રિપક્ષીય સંધિ હેઠળ થઈ હતી.
નેપાળમાં પણ અગ્નિપથ યોજના પર પ્રશ્ન છે કે ચાર વર્ષ પછી યુવાનો પરત ફરીને શું કરશે?
નેપાળની શેર બહાદુર દેઉબા સરકાર મેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્મકમલ દાહાલ પ્રચંડની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓવાદી સેન્ટર) અને અન્ય વામપંથી દળોના સમર્થનથી ચાલી રહી છે.
નેપાળની વામપંથી પાર્ટીઓ અગ્નિપથને વર્તમાન સ્વરૂપમાં સ્વીકાર કરવા માટે તૈયાર નથી.

નેપાળની ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે ભારત તરફથી નેપાળના વિદેશ મંત્રાલયને પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી નેપાળ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. બીજી તરફ ભરતી રેલીની તારીખ નજીક છે. આવી સ્થિતિમાં નેપાળ સરકાર પર જલ્દી નિર્ણય લેવાનું દબાણ છે.
મંગળવારે નેપાળના વિદેશ મંત્રાલયે આ મુદ્દે વડા પ્રધાન દેઉબા સાથે બેઠક યોજી હતી. બીબીસી હિન્દી સાથે વડા પ્રધાન દેઉબાના વિદેશ બાબતોના સલાહકાર અરુણ કુમાર સુબેદીએ કહ્યું છે કે નેપાળ સરકાર આ અંગે ભારતને ઔપચારિક જવાબ આપવા જઈ રહી છે.
સુબેદીએ કહ્યું, "1947માં બ્રિટન, ભારત અને નેપાળ વચ્ચે થયેલી ત્રિપક્ષીય સંધિ હેઠળ નેપાળી ગુરખાઓની ભારતીય સેનામાં ભરતી કરવામાં આવે છે. અત્યારે, ભારત સરકાર દ્વારા સેનામાં ભરતી નીતિમાં કરાયેલા ફેરફારો સંધિનું ઉલ્લંઘન કરતા નથી પરંતુ અમને કેટલીક ચિંતાઓ છે. એ વાત સાચી છે કે સંધિમાં સેવાની મુદતનો ઉલ્લેખ નથી. પરંતુ અમારી ચિંતા એ છે કે ભારતીય સેનામાંથી ચાર વર્ષ પછી પાછા આવેલા યુવાનો શું કરશે? તેમની પાસે સેનાની આધુનિક તાલીમ હશે અને આવી સ્થિતિમાં ક્યાંક કોઈ તેમની તાલીમનો દુરુપયોગ ન કરી લે."
સુબેદીએ કહ્યું, "જો આ યુવાનો ચાર વર્ષ પછી ભારતીય સેનામાંથી પાછા આવે તો અહીંના હિંસક જૂથો તેમનો દુરુપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં નેપાળ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે. અમે ભારત સરકારને વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે નેપાળની ચિંતાઓ પર ધ્યાન આપવાની જરૂર છે."
ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલ ભરતી રેલીની તારીખનું શું થશે? આ પ્રશ્નના જવાબમાં સુબેદીએ કહ્યું કે આ તારીખ ટાળી શકાય છે. જ્યારે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દૂતાવાસે કહ્યું કે હજુ સુધી તેમને કોઈ ઔપચારિક જવાબ મળ્યો નથી.

ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન થયું છે?

ઇમેજ સ્રોત, Reuters
નેપાળની વિપક્ષી પાર્ટીઓ પણ અગ્નિપથ મુદ્દે દેઉબા સરકારને ઘેરી રહી છે. નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકારમાં વિદેશમંત્રી રહેલા પ્રદીપ જ્ઞવાલીએ બીબીસીને જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના 1947ની ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન છે.
પ્રદીપ જ્ઞવાલીએ કહ્યું, "ભારત સરકાર સેનામાં ભરતીની નીતિ પોતાની રીતે બનાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ અમે અગ્નિપથના વર્તમાન સ્વરૂપને સ્વીકારીશું નહીં. 1947ની ત્રિપક્ષીય સંધિ પછી સેવાની શરતોમાં અચાનક ફેરફાર અને જે સેવાની અવધિ સાથે નેપાળી નાગરિકોની ભારતીય સેનામાં ભરતી કરવામાં આવી રહી હતી તેમાં આ સંધિનું ઉલ્લંઘન થાય છે. નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઈડ માર્ક્સવાદી-લેનિનવાદી) તેને સ્વીકારશે નહીં."
પ્રદીપ જ્ઞવાલીએ કહ્યું કે, "અમારી પાર્ટી ઇચ્છે છે કે ભારતીય સેનામાં નેપાળી ગોરખાઓની ભરતીની નીતિની સમીક્ષા કરવામાં આવે. અમારા નાગરિકો બીજા દેશની સેનામાં જઈને ત્રીજા દેશ સામે શા માટે લડે? અમે ભારત અને ચીન સાથે પણ સારા સંબંધો ઈચ્છીએ છીએ. પાકિસ્તાન સાથે પણ અમારા દ્વિપક્ષીય સંબંધો છે. શા માટે અમારા લોકો ભારત તરફથી ચીન અને પાકિસ્તાન સામે લડે? બીજી તરફ એવો પણ સવાલ છે કે ભારતમાંથી કરોડો ડૉલરનું પેન્શન અને પગાર આવે છે. લોકોને રોજગારી મળે છે. આ બંને પક્ષોના આધારે ત્રિપક્ષીય સંધિની સમીક્ષા કરવાની જરૂર છે."

ચૂંટણીમાં મુદ્દો બની શકે છે

ઇમેજ સ્રોત, MADOKA IKEGAMI/AFP VIA GETTY IMAGES
નેપાળની ચૂંટણીમાં અગ્નિપથ મહત્વનો મુદ્દો બની શકે છે. તેથી જ દેઉબા સરકાર આ મુદ્દે આગળ વધવાને બદલે તેને હાલ બાજુએ મૂકવા માંગે છે. નેપાળના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી અને કેપી શર્મા ઓલીની પાર્ટીના વરિષ્ઠ નેતા ભીમ રાવલે બીબીસીને જણાવ્યું હતું કે અગ્નિપથને તેમની પાર્ટી સ્વીકારશે નહીં.
તેમણે કહ્યું, "ભારતે આ ફેરફાર અચાનક કર્યો અને નેપાળની સંમતિ પણ લીધી ન હતી. આ ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન છે. અમે પૈસા માટે અમારા નાગરિકોને જોખમમાં મૂકી શકીએ નહીં. અમે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમારા વડા પ્રધાન શેર બહાદુર દેઉબા કહી રહ્યા છીએ કે અગ્નિપથના મુદ્દે ઝૂકવાની જરૂર નથી."
દેઉબા સરકારમાં સંરક્ષણમંત્રી રહી ચૂકેલા મિનેન્દ્ર રિઝાલે કહ્યું હતું કે ઓલીની પાર્ટી સત્તામાં હોય ત્યારે કંઈક બીજું બોલે છે અને જ્યારે સત્તામાંથી બહાર હોય ત્યારે ક્રાંતિકારી બની જાય છે. મિનેન્દ્ર રિઝાલે બીબીસી હિન્દીને કહ્યું, "ઓલી સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતી હતી તો તેમણે શા માટે તેમના સત્તાકાળ દરમિયાન ત્રિપક્ષીય સંધિ રદ ન કરી? ઓલીનો પક્ષ વિપક્ષમાં રહીને ભારતનો વિરોધ કરે છે અને સત્તામાં આવે છે ત્યારે ભારત સાથે બીજા પ્રકારે સંબંધ રાખે છે."
નેપાળમાં ભારતના રાજદૂત રણજીત રાયને પૂછવામાં આવ્યું કે શું અગ્નિપથ યોજના 1947ની ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન કરી રહી છે? જવાબમાં તેમણે કહ્યું કે એવું બિલકુલ નથી.

ઇમેજ સ્રોત, AFP
રણજિત રાયે કહ્યું, "ત્રિપક્ષીય સંધિમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે ભારતીય નાગરિકોને સેનામાં જે સુવિધાઓ અને સેવાની શરતો મળશે તે નેપાળીઓને પણ આપવામાં આવે. અગ્નિપથ યોજનામાં પણ નેપાળીઓ સાથે કોઈ ભેદભાવ નથી. આવી સ્થિતિમાં ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન થયું છે તેવું કહેવું બિલકુલ યોગ્ય નથી."
શેર બહાદુર દેઉબાની સરકાર પુષ્પ કમલ દહલ પ્રચંડની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓવાદી સેન્ટર)ના સમર્થનથી ચાલી રહી છે. પ્રચંડનો પક્ષ પણ અગ્નિપથ પર સહમત નથી.
પ્રચંડ પણ ઇચ્છે છે કે અગ્નિપથ યોજનાના વર્તમાન સ્વરૂપને નેપાળમાં સ્વીકારવામાં ન આવે. અરુણ કુમાર સુબેદી પણ એ વાતે સંમત થયા છે કે અગ્નિપથ મામલે ગઠબંધનના સાથીઓ તરફથી દબાણ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













