ભારત-નેપાળ વચ્ચેનો સીમા વિવાદ શું છે અને તેમાં એક નદીની ભૂમિકા કેવી રીતે માથાનો દુખાવો બની?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, નેપાળ-ભારત સરહદેથી પરત ફરીને

લગભગ 200 વર્ષ પહેલાં એક નદીને બે દેશ વચ્ચેની સરહદ તરીકે નક્કી કરવામાં આવી હતી. નદીના પૂર્વ ભાગ એક દેશના અધિકાર ક્ષેત્ર તરીકે અને પશ્ચિમ ભાગને બીજા દેશના અધિકાર ક્ષેત્ર તરીકે ગણવામાં આવતો હતો.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ નદીએ પોતાનું વહેણ બદલવાનું શરૂ કર્યું અને થોડાં વર્ષોમાં તે પૂર્વીય પ્રદેશમાં વધુ વહેવા લાગી.

નારાયણી નદીને સામે કાંઠે દેખાતું સુસ્તા ગામ
ઇમેજ કૅપ્શન, નારાયણી નદીને સામે કાંઠે દેખાતું સુસ્તા ગામ

પરિણામે નદીની પૂર્વ તરફનો વિસ્તાર ધીમે ધીમે નદીના પશ્ચિમ કાંઠે આવી ગયો અને બંને દેશ વચ્ચે સરહદી વિવાદનો જન્મ થયો જે આજદિન સુધી ઉકેલાયો નથી.

આ બે દેશ નેપાળ અને ભારત છે. અમે જે નદી વિશે વાત કરી રહ્યા છીએ તેને નેપાળમાં નારાયણી કહે છે અને ભારતમાં તે ગંડક તરીકે ઓળખાય છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદમાં ફસાયેલો વિસ્તાર સુસ્તા છે, જેના પર નેપાળ અને ભારત બંને દાવો કરી રહ્યા છે.

બીબીસીની ટીમ નેપાળના નવલપરાસી જિલ્લામાં નારાયણી નદીના કાંઠે પહોંચી હતી. અને પછી હોડી મારફતે નદી પાર કરીને અમે સુસ્તા પહોંચ્યા.

સુસ્તા પહોંચતા જ અમે નેપાળ પોલીસની પોલીસ ચોકી જોઈ. અહીં તહેનાત અધિકારીઓએ કહ્યું કે સુસ્તા નેપાળનો ભાગ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આસપાસના ઘણા વિસ્તારો ઘણાં વર્ષોથી વિવાદિત છે.

અમે આવા કેટલાક વિવાદિત વિસ્તારોનો હિસાબ મેળવ્યો હતો. નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘણાં વર્ષોથી વિવાદિત માનવામાં આવે છે તે વિસ્તારોમાં સુસ્તાના લોકો પહેલાં પાક ઉગાડતા હતા. પરંતુ સરહદ વિવાદને કારણે હવે ત્યાં કોઈ ખેતી નથી થતી.

થોડે દૂર ચાલ્યા પછી અમે એક ખુલ્લું મેદાન જોયું. નેપાળ પોલીસે કહ્યું કે આ વિસ્તારને લઈને પણ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ્યારે નેપાળે ત્યાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતે તેનો વિરોધ કર્યો હતો.

line

અસ્પષ્ટ સરહદ રેખાઓ

નારાયણી નદીના પૂર્વ કાંઠે કાંઠો બાંધતા મજૂર
ઇમેજ કૅપ્શન, નારાયણી નદીના પૂર્વ કાંઠે કાંઠો બાંધતા મજૂર

આ મેદાનથી થોડેક જ દૂર અમે ભારતના બિહાર રાજ્યના લોકોને મળ્યા, જેમણે કહ્યું કે તેઓ જે જમીન પર રહે છે તે ભારતના બિહાર રાજ્યનું ચકધાવા ગામ છે.

આ જગ્યાએ એક સાંકડો સડક માર્ગ હતો. નેપાળ પોલીસે જણાવ્યું કે આ રસ્તાની પેલે પાર ભારતનું ચકધાવા ગામ હતું અને આ બાજુ નેપાળનું સુસ્તા.

પરંતુ ચકધાવાના લોકોએ જણાવ્યું કે સડકની બીજી બાજુએ પણ કેટલાક ભારતીયોનાં ઘર છે. ઘરની આ નાની વસાહત જોઈને તે કહેવું લગભગ અશક્ય હતું કે ભારતની સરહદ ક્યાંથી શરૂ થાય છે કે નેપાળની સરહદ ક્યાં પૂરી થાય છે.

સુસ્તાનો વિસ્તાર ભારતના બિહારને અડીને આવેલો હોવાથી અહીંના લોકો રોજિંદી ખરીદી કરવા માટે સરહદ પાર કરીને ભારત આવે છે. જો તેમણે આ ખરીદી કરવા નેપાળના બજારમાં જવું હોય તો તેઓએ નારાયણી નદી પાર કરવી પડે.

અમે સુસ્તાના પણ કેટલાક લોકોને મળ્યા જેમણે કહ્યું કે તેઓ દરરોજ નારાયણી નદી પાર કરે છે અને નોકરી કે વ્યવસાય માટે નેપાળ જાય છે.

line

સુગૌલી સંધિ

સુસ્તા અને ચકધાવા વચ્ચેની સડક
ઇમેજ કૅપ્શન, સુસ્તા અને ચકધાવા વચ્ચેની સડક

1816માં એંગ્લો-નેપાળી યુદ્ધનો અંત આવ્યો ત્યારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે સુગૌલી સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ પ્રમાણે, નારાયણી નદીને ભારત અને નેપાળ વચ્ચેની સરહદ તરીકે માન્યતા મળી હતી.

આ સંધિ અનુસાર નદીનો પૂર્વ ભાગ ભારતનો અને પશ્ચિમ ભાગ નેપાળનો ગણાયો.

સંધિ પર હસ્તાક્ષર થયા તે સમયે સુસ્તાનો વિસ્તાર આ નદીની પશ્ચિમે આવેલો હતો. પરંતુ નદીએ તેનો માર્ગ બદલ્યો, સુસ્તા નદીની પૂર્વ તરફ જતુ રહ્યું. સુગૌલી સંધિ અનુસાર નદીના પશ્ચિમનો વિસ્તાર ભારતનો હોવાથી આ વિસ્તાર બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બન્યો હતો.

line

'સીમા નિર્ધારિત કરવામાં આવે'

સુસ્તાની બાજુમાં રહેતા બિહારના લોકો
ઇમેજ કૅપ્શન, સુસ્તાની બાજુમાં રહેતા બિહારના લોકો

નેપાળનું માનવું છે કે ભારતે સુસ્તા વિસ્તારમાં તેની જમીન પર અતિક્રમણ કર્યું છે. જોકે, ભારતનું કહેવું છે કે સરહદ નિર્ધારણના મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે કેટલાંક ક્ષેત્રોમાં ધારણાનો તફાવત છે.

ભારત અને નેપાળ વચ્ચેની સરહદ લગભગ 1,800 કિલોમીટર લાંબી છે. નેપાળ સાથે બિહાર રાજ્ય લગભગ 601 કિલોમીટર અને ઉત્તર પ્રદેશ લગભગ 651 કિલોમીટરની સરહદ ધરાવે છે.

નેપાળ સાથે ભારતનાં ઉત્તરાખંડ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ રાજ્ય પણ સરહદથી જોડાયેલાં છે.

નેપાળમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહેલી ચર્ચાઓમાં બિહાર અને ઉત્તર પ્રદેશ સાથેની સરહદને નેપાળમાં કથિત ભૌગોલિક અથવા વસ્તી વિષયક પરિવર્તન માટે જવાબદાર માનવામાં આવે છે.

સુસ્તામાં રહેતા 'સેવ સુસ્તા અભિયાન' નામની સંસ્થાના વડા ગોપાલ ગુરુંગ
ઇમેજ કૅપ્શન, સુસ્તામાં રહેતા 'સેવ સુસ્તા અભિયાન' નામની સંસ્થાના વડા ગોપાલ ગુરુંગ

સુસ્તામાં રહેતા ગોપાલ ગુરુંગ 'સેવ સુસ્તા અભિયાન' નામની સંસ્થાના વડા છે.

તેઓ કહે છે, "40,980 હેક્ટર જમીનમાંથી 7,500 હજાર હેક્ટર સુસ્તાના રહેવાસીઓ પાસે છે, 19,600 હેક્ટર જમીન વિવાદિત છે અને બાકીની જમીન પર બિહારના લોકોએ અતિક્રમણ કર્યું છે. સુસ્તાના લોકોની એક જ માગ છે કે નેપાળનો પ્રદેશ નેપાળી લોકોને આપી દેવામાં આવે. આમાં બીજો કોઈ વિવાદ જ નથી."

ગુરુંગનું કહેવું છે કે બંને દેશોની સંયુક્ત સમિતિએ સરહદનું સીમાંકન કરવું જોઈએ અને સરહદી ખાંભીઓ લગાવવી જોઈએ.

અમે આ મુદ્દે નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કર્યો.

સુસ્તામાં નેપાળ પોલીસની ચોકી
ઇમેજ કૅપ્શન, સુસ્તામાં નેપાળ પોલીસની ચોકી

ભારતે તાજેતરમાં જ નેપાળ સાથેના સરહદ વિવાદ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

13 મેના રોજ, ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી બંને દેશો વચ્ચેની સીમા પર ચર્ચાનો સંબંધ છે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યવસ્થાઓ અસ્તિત્વમાં છે. અમે હંમેશાં ખાતરી કરી છે કે આ વ્યવસ્થાઓ તે મુદ્દાઓ પર ચર્ચા કરે છે. અને એ પણ મુદ્દાઓનું રાજનીતિકરણ કર્યા વિના જવાબદાર રીતે."

વર્ષ 2020માં નેપાળે એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. જેમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખના વિસ્તારો દર્શાવવામાં આવ્યા હતા જેને ભારત ઉત્તરાખંડ રાજ્યનો ભાગ માને છે.

નેપાળ દ્વારા આ નકશો બહાર પાડવાના કારણે ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ આવી ગઈ.

ત્યારબાદ, 8 મે 2020ના રોજ, ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એક વિશેષ કાર્યક્રમમાં ઉત્તરાખંડના ધારચુલાથી ચીન સરહદ પર લિપુલેખ સુધીના સડક માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. આનો વિરોધ કરતા નેપાળે લિપુલેખ પર પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો હતો.

આ મામલો પણ બંને દેશો વચ્ચે રાજદ્વારી ખેંચતાણનું કારણ બન્યો હતો અને આ મામલો ઘણા દિવસો સુધી હેડલાઇન્સમાં હતો.

line

સરહદ વિવાદ કેવી રીતે ઉકેલાશે?

સુસ્તા ગામ, નેપાળ
ઇમેજ કૅપ્શન, સુસ્તા ગામ, નેપાળ

વર્ષ 2014માં ભારત અને નેપાળ વચ્ચેના સરહદી વિવાદોથી સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે એક બાઉન્ડ્રી વર્કિંગ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. પરંતુ સરહદ વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે.

બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠ નેપાળના સર્વે વિભાગના મહાનિદેશક રહી ચૂક્યા છે અને નેપાળની સરહદો સંબંધિત મામલાના નિષ્ણાત છે.

તેઓ કહે છે, "એ અફસોસની વાત છે કે સુસ્તાના મામલામાં નેપાળ-ભારતના ટેકનિકલ કે રાજદ્વારીઓએ આ મુદ્દા પર બિલકુલ ચર્ચા કરી નથી. છેલ્લાં બે વર્ષથી ભારત અને નેપાળ વચ્ચે સરહદી મુદ્દાઓ પર કોઈ વાતચીત થઈ નથી. બંને દેશો અન્ય ઘણાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે પરંતુ તેમણે સુસ્તા મુદ્દે કામ શરૂ કર્યું નથી."

તો શું નજીકના ભવિષ્યમાં આ સરહદી વિવાદનો કોઈ ઉકેલ આવશે?

સુસ્તામાં રહેતા બિહારના લોકો
ઇમેજ કૅપ્શન, સુસ્તામાં રહેતા બિહારના લોકો

બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠ કહે છે, "બંને દેશોના લોકોએ સાથે મળીને કામ કરવું જોઈએ અને લગભગ 200 વર્ષ પહેલાં 1816માં વહેતી નદીનું સીમાંકન કરવું જોઈએ. નેપાળ અને ભારત વચ્ચે બહુ ગાઢ સંબંધો છે. બંને વચ્ચેના સંબંધો જનસામાન્યના સ્તર સુધીના છે. અને તેથી આપણે સુસ્તા પ્રદેશમાં પણ સંબંધોને બગાડવા ન જોઈએ."

તેઓ ઉમેરે છે, "તેથી વિવાદનો ઉકેલ બંને દેશોના ટેકનિકલ લોકોએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લાવવો જોઈએ. તેનું સમાધાન સરકારી અધિકારીઓ દ્વારા થવું જોઈએ. સંભવતઃ સરકારના વડા અથવા વડા પ્રધાનના સ્તરે થવું જોઈએ."

ગોપાલ ગુરુંગનું કહેવું છે કે ભારત અને નેપાળ વચ્ચે હંમેશાં સારી મિત્રતા રહી છે, તેથી આ મામલો ઉકેલી શકાય છે.

તેઓ કહે છે, "આપણો રોટી-બેટીનો સંબંધ છે. અમે આ વિષય પર કોઈ ઝઘડો કરવા માંગતા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભારત અને નેપાળ વચ્ચેની સરહદનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય."

વીડિયો કૅપ્શન, નેપાળના પુનર્નિર્માણમાં ભાગીદારી કરતી મહિલાઓની કહાણી

સુસ્તાના રહેવાસી સુકાઈ હરજન કહે છે, "સરકાર તેનો ઉકેલ જાણે છે. જે કરવું હોય તે સરકારે કરવું પડશે. અમારા લોકોથી તો થવાનું નથી. અમે ખેડૂત, મજૂર છીએ, અમે શું કરીશું. શું કરી શકીએ. કોઈ અમારી વાત માનશે? "

ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. બંને દેશો વચ્ચેની અનોખી વ્યવસ્થા મશહૂર છે જે તેના નાગરિકોને વિઝા વિના બીજા દેશમાં જવાની મંજૂરી આપે છે.

80 લાખ જેટલા નેપાળી નાગરિકો ભારતમાં રહે છે અને કામ કરે છે, તે જ રીતે છ લાખ જેટલા ભારતીયો નેપાળમાં રહે છે.

કદાચ આ બધા કારણો જ સુસ્તા જેવા ગામડાના લોકોને આશા બંધાવે છે કે એક દિવસ આ બંને દેશો આ સરહદ વિવાદ ઉકેલવામાં સફળ થશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન