ગુજરાતમાં ભાજપ મોદી સિવાયનો પોતાનો જ ઇતિહાસ કેમ મિટાવી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
- ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે પાછલા ઘણા સમયથી વિવિધ માધ્યમોમાં ગુજરાતના પાછલાં 20 વર્ષના વિકાસની વાત થઈ રહી છે.
- આ વિજ્ઞાપન કૅમ્પેનને લઈને વિપક્ષ અને ભાજપના જ ભૂતપૂર્વ નેતાઓ નારાજગી વ્યક્ત કરી તેને મોદીના પ્રચાર માટેનો વધુ એક પ્રયાસ ગણાવી રહ્યા છે.
- 20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસ સૂત્ર સાથે થઈ રહેલા આ કૅમ્પેનમાં ગુજરાતનાં પાછલાં 20 વર્ષોની વિકાસયાત્રાની વાત કરાઈ છે, તેમજ એ પહેલાં રાજ્યમાં 'અંધકાર' હોવાનો દાવો કરાયો છે.
વંદે ગુજરાત -20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસ - આ સૂત્ર સાથે આજકાલ ભાજપ ગુજરાતની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે.
નળથી મળતા પાણીની વાત હોય કે એંજિનયરિંગ કૉલેજની સંખ્યા વધવાની વાત હોય કે ગુજરાતના વિકાસની વાત, આ બધા અંગે માત્ર છેલ્લા બે દાયકાને જ ધ્યાને લેવાઈ રહ્યા છે.
જોકે એ પહેલાંના ભાજપનાં મુખ્ય મંત્રી જેમ કે કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સરકારનું કામ અને સિદ્ધિઓ વિશે કોઈ જ ચર્ચા નથી.
અનેક લોકો આને નરેન્દ્ર મોદી આવ્યા પછી જ ગુજરાતના વિકાસની અસલી ગાથા શરૂ થઈ હોવાનો દાવો ગણાવી રહ્યા છે, તો ઘણા લોકો તેને પાર્ટીથી વ્યક્તિ મોટી થઈ ગઈ હોવાની વાત તરીકે જોઈ રહ્યા છે.
હાલમાં ગજરાતના લગભગ દરેક ચાર રસ્તા પર, છાપામાં કે રેડીયો પર પણ ભાજપ સરકારની છેલ્લા બે દાયકાઓની સિદ્ધિઓની જાહેરાતો જોવા કે સાંભળવા મળે છે. સંયોગથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બે દાયકા પહેલાં વર્ષ 2002માં જ બન્યા હતા. ત્યાર બાદ તેઓ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓ, તેમના સમર્થકો પ્રમાણે, 'એકલા હાથે જીત્યા'. તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ દરેક ચૂંટણી બાદ સક્રિય રાજકારણથી દૂર થતા ગયા, પછી તેઓ તે સમયના તેમની સામે પડેલા ગોરધનભાઈ ઝડફીયા હોય, કેશુભાઈ પટેલ હોય, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા હોય કે પછી હરેન પંડયા હોય.
એક કે બીજા કારણે આ તમામ લોકો, જેઓ નરેન્દ્ર મોદીના તે સમયાના પ્રતિદ્વંદ્વી હતા, આ તમામ લોકો જનમાનસમાંથી દૂર થતા ગયા. તે આખી પ્રક્રિયાની છેલ્લી કડી, 2022નો વંદે ગુજરાત વિજ્ઞાપન કૅમ્પેન છે, તેવું ઘણા લોકો માની રહ્યા છે.
આમ તો આ પૈકી કેટલાક, જેમ કે ગોરધનભાઈ ઝડફીયા પાછા ભાજપમાં ફર્યા પરંતુ તેમની પરિસ્થિતિ પહેલાં જેવી ક્યારેય ન થઈ. સુરેશભાઈ મહેતા સક્રિય રાજકારણથી બિલકુલ દૂર થઈ ગયા, જ્યારે શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસ થકી થોડા સમય માટે સક્રિય રાજકારણમાં રહ્યા.
ભાજપની આ વિશે દલીલ છે કે એમ તો કેન્દ્રમાં પણ માત્ર આઠ વર્ષના શાસનની વાત છે અને તેની આસપાસનું જ કૅમ્પેન છે અને તેમાં અટલ બિહારી વાજપેયીની પાંચ વર્ષની સરકારનો ઉલ્લેખ નથી, કારણ કે તેમના બાદ બીજી સરકારો આવી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે બીબીસી ગુજરાતીએ ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરી. તેમણે કહ્યું કે, "એનું એક માત્ર કારણ 20 વર્ષ પહેલાંની બિનભાજપી સરકાર છે. કેશુભાઈ અને સુરેશભાઈ પછી રાષ્ટ્રીય જનતા દળની શંકરસિંહ અને દિલીપ પરીખની સરકારો હતી માટે જ માત્ર બે દાયકાની વાત થઈ રહી છે."

ભાજપ થકી માત્ર મોદીનો પ્રચાર?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સરેશ મહેતા સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "ગુજરાતના વિકાસની શરૂઆત તો ખરેખર 1990 પછી થઈ હતી, જ્યારે ઉદ્યોગોને છૂટ મળી ધંધો કરવાની અને ઇન્સ્પેક્ટર રાજનો દેશમાં સૌ પ્રથમ અંત ગુજરાતમાં આવ્યો. ત્યાર બાદ કેન્દ્રની કૉંગ્રેસ સરકારે 1991માં ઉદારીકરણની નીતિ લાવી હતી. હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે અમે ગ્લોબલ ગુજરાત ઇવેન્ટ થકી મૂડીરોકાણ માટે લોકોને પ્રોત્સાહન આપતા, જેને તેમણે વાઇબ્રન્ટ ગુજરાત નામ આપી દીધું, નર્મદાની યોજનામાં સૌથી મહત્ત્વનો ફાળો નરેન્દ્ર મોદી પહેલાંની ભાજપની સરકારનો હતો. માત્ર બે દાયકાની વાત કરીને માત્ર પોતાના જ સમયની વાત કરવી યોગ્ય નથી."
તેઓ કહે છે કે, "મોદી ભાજપ થકી માત્ર પોતાનો જ પ્રચાર કરે છે."
જોકે તેઓ એ પણ કહે છે કે, આ પ્રકારે પોતાની જ પાર્ટીને નુકસાન કરવાથી લાંબાગાળે તેમને અને ભાજપને બન્નેને મોટું નુકસાન થશે.
રેડીયો પર જાહેરાત આવે છે કે 20 વર્ષ પહેલાં ગુજરાતમાં એંજિનયરિંગની ઓછી કૉલેજો હતી અને હવે 20 વર્ષ બાદ તેની સંખ્યામાં વધારો થયો છે, જે ભાજપ સરકારની સિદ્ધિ છે. જોકે તે પહેલાં ઑક્ટોબર 1995 એટલે કે 27 વર્ષ પહેલાં કેશુભાઈ પટેલની સરકાર બની હતી, જે ભાજપની પહેલી સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હતી. તેઓ 221 દિવસો સુધી મુખ્ય મંત્રી રહ્યા અને ત્યાર બાદ લગભગ 11 મહિના સુધી સરેશભાઈ પટેલની ભાજપની સરકાર સત્તામાં રહી.
સપ્ટેમ્બર 1996થી માર્ચ 1998 દરમિયાન બિનભાજપી સરકાર સત્તામાં રહી હતી. અને પછી 1998થી 2001 સુધી કેશુભાઈ ફરી વખત મુખ્ય મંત્રી બન્યા અને ગુજરાત ભૂકંપ સુધી મુખ્ય મંત્રી રહ્યા. 2001માં ગુજરાતના ઇલેક્ટોરલ પૉલિટિક્સમાં અહીંથી નરેન્દ્ર મોદીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.
ત્યાર બાદ 2014માં જ્યારે મોદી વડા પ્રધાન બનવાના હતા, ત્યારે તેમણે મુખ્ય મંત્રીની ખુરશી છોડી અને તેમની જગ્યાએ આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ આવ્યાં. જોકે લોકો માને છે કે આ તમામ મુખ્ય મંત્રીઓ નરેન્દ્ર મોદીની ખૂબ નજીક હતાં. એટલે ગુજરાતની રાજનીતિમાં શું નરેન્દ્ર મોદી પહેલાંના ભાજપના શાસનના દિવસોને ભુલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિશે જાણવા માટે અમે અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે વાત કરી.

પાર્ટી લોકકેન્દ્રી નહીં વ્યક્તિકેન્દ્રી બની ગઈ?

ઇમેજ સ્રોત, FACEBOOK/JANKI MANDIR
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી કહે છે કે, "એક સમયની પબ્લિક સેન્ટ્રિક પાર્ટી હવે પર્સન સેન્ટ્રિક થઈ ચૂકી છે. એટલે તે માત્ર એક વ્યક્તિની જ વાત કરી રહી છે. ભાજપનો એક જ મંત્ર છે નવી ચૂંટણી નવો સૂત્ર, એટલે તેઓ આ વંદે ગુજરાત -20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસનો નવો સૂત્ર લઈ આવ્યા છે, ખરેખર તો ભાજપે એ કહેવું જોઈએ કે ગુજરાતે આ 20 વર્ષમાં કેટલું ગુમાવ્યું છે."
જોકે રાજકીય વિશ્લેષક વિદ્યુત ઠાકર તેમની વાતથી સહમત નથી.
તેઓ કહે છે કે, "નરેન્દ્ર મોદીનું કામ અને વિકાસ માટેની તેમની કામગીરી સામે કોઈ આવી ન દલીલ શકે, તેમણે જ રીતે શાસન કર્યો છે, તે શાસનની વાત લોકો સુધી ખૂબ જ સારી રીતે થવી જોઈએ, તેમના પહેલાંના ભાજપના મુખ્ય મંત્રીઓ સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરવી અયોગ્ય છે."
જોકે સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીનું માનવું છે કે, "આ પ્રકારના કૅમ્પેનથી ભાજપને લાંબાગાળે ખૂબ નુકસાન થશે. એક સમયે ઇંદિરા ગાંધીએ પણ કૉંગ્રેસ સાથે આ જ કર્યું હતું, જેને કારણે તેમણે કૉંગ્રેસના સેવાદળને પોતાનાથી અલગ કરી દીધું હતું, ત્યાર બાદ કૉંગેસનું દરેક ચૂંટણીમાં પતન જ થયું છે અને હવે તે પાર્ટી કાર્યકર્તા વગરની અને માત્ર નેતાઓની થઈ ચૂકી છે, જો નરેન્દ્ર મોદી આવી જ રીતે ભાજપના ઇતિહાસ સાથે ચેડાં કરશે, તો એક સમયે આવશે જ્યારે ભાજપની હાલત પણ કૉંગ્રેસ જેવી થઈ જશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












