AAP ગુજરાત : શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલનો પણ ત્રીજો મોરચો જ્યારે નિષ્ફળ ગયો

ઇમેજ સ્રોત, AAM AADMI PARTY GUJARAT/FB
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
દિલ્હીસ્થિત આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
'અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમુદાયનો હોય. દિલ્હીમાં આપ સરકારની કામગીરીને જોતા મને લાગે છે કે આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં તેમને લાભ થઈ શકે છે.'
ગુજરાતના પાટીદાર આગેવાન નરેશ પટેલે કરેલા આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં એવી અટકળો શરૂ થઈ કે ગુજરાતનો સધ્ધર સમુદાય આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ તરફ ઢળી શકે છે અને આપ પાટીદારોના ટેકા સાથે ગુજરાતમાં પગપેસારો કરી શકે છે.
ગુજરાતમાં ત્રીજો પક્ષ/મોરચો ઊભો કરવાનો આ પહેલો પ્રયાસ નથી, પરંતુ જો રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અગાઉ જ્યારે-જ્યારે પણ આવા પ્રયાસ થયા, ત્યારે તે મહદંશે નિષ્ફળ રહ્યા છે.

10 વર્ષમાં કૉંગ્રેસનું શાસન ડોલ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન બાદ રાજ્યમાં પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી, જેણે રાજ્યની બીજી વિધાનસભાનું ગઠન કર્યું હતું.
1960થી 1962 દરમિયાન અગાઉની બૉમ્બે વિધાનસભાના ગુજરાત વિસ્તારમાં આવતી બેઠકોના ધારાસભ્યોએ જનતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ વિધાનસભામાં 132 ધારાસભ્ય હતા.
જ્યારે 1962ની વિધાનસભા ચૂંટણી 154 બેઠક પર યોજાઈ હતી. 1975 સુધી ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં કૉંગ્રેસ, સ્વતંત્ર પક્ષ તથા સોશિયાલિસ્ટ પ્રજા પાર્ટી છવાયેલા રહ્યાં હતાં.
પહેલી ચૂંટણીમાં કૉંગ્રેસને 113, સ્વતંત્ર પાર્ટીને 26, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને સાત બેઠક મળી આવી હતી, આ સિવાય સાત અપક્ષ વિજયી થયા હતા. અપક્ષોમાં અમુક પૂર્વ રાજવીઓ પણ હતા, જ્યારે અન્ય કેટલાક સ્વતંત્ર પાર્ટીના પક્ષે રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપનો પુરોગામી પક્ષ જનસંઘ 26 બેઠક ઉપર ચૂંટણી લડ્યો હતો, પરંતુ એક પણ જીતી શક્યો નહોતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સી. રાજગોપાલચારી, કનૈયાલાલ મુનશી અને મીનુ મસાણી વગેરે સ્વતંત્ર પાર્ટીના નેતા હતા.
જય પ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, અશોક મહેતા, જ્યૉર્જ ફર્નાન્ડિસ અને જે. બી. કૃપલાની વગેરેનું ગોત્ર પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીનું હતું.
1967માં બેઠકની સંખ્યા વધીને 168 થઈ, પરંતુ કૉંગ્રેસનું પરિવર્તન અપેક્ષા કરતાં ખરાબ રહ્યું. બેઠકની સંખ્યા વધવા છતાં પાર્ટીને 93 બેઠક મળી, જ્યારે સ્વતંત્ર પાર્ટીને 66 બેઠક મળી હતી.
જ્યારે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને માત્ર ત્રણ બેઠકથી સંતોષ માનવો પડ્યો. આ ચૂંટણી થકી જનસંઘનો પહેલો ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં પહોંચ્યો હતો.
પાકિસ્તાન સાથેની સરહદ પર વિમાન અકસ્માતમાં પુરોગામી બળવંતરાય મહેતાના અવસાન બાદ મુખ્ય મંત્રી બનેલા હિતેન્દ્ર દેસાઈ ફરી સત્તા પર આવ્યા હતા, પરંતુ તેમણે ઇંદિરાવિરોધી નેતાઓ સાથે રહેવાનું પસંદ કર્યું હતું.
મોરારજી દેસાઈ, કે. કામરાજ વગેરે આ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. કૉંગ્રેસના આંતરિક વિખવાદને કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની જરૂર પડી.

પટેલ, કૉંગ્રેસ અને નવનિર્માણ

ઇમેજ સ્રોત, Kalpit Bachech
લગભગ 10 મહિનાના રાષ્ટ્રપતિ શાસન બાદ માર્ચ-1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ.
વિધાનસભા હવે અમદાવાદને બદલે (ફેબ્રુઆરી-1971થી) નવનિર્મિત પાટનગર ગાંધીનગરમાં બેસવા લાગી હતી.
આ વખતે 168 સભ્યોના ગૃહનું ગઠન થવાનું હતું. હજુ ત્રણ મહિના પહેલાં જ ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો અને અલગ બાંગ્લાદેશનું સર્જન થયું હતું.
ઇંદિરા ગાંધી કૉંગ્રેસ(આઈ)નાં અને દેશનાં તાકતવર નેતા બની ગયાં હતાં. જેની સીધી અસર ગુજરાતના ચૂંટણીપરિણામો પર પણ જોવા મળી.
હજુ પાંચ વર્ષ પહેલાં 93 બેઠક જીતનાર કૉંગ્રેસ પાર્ટીને 140 બેઠક પર વિજય મળ્યો. જનસંઘની સભ્યસંખ્યા વધીને ત્રણ થઈ. કૉંગ્રેસમાંથી જ અલગ થયેલા ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (ઑર્ગેનાઇઝેશન)ને 16 બેઠક પર વિજય મળ્યો.
ઘનશ્યામ ઓઝા ઇંદિરા સરકારમાં ઉદ્યોગમંત્રી હતા, તેમને ગુજરાતનું સુકાન સંભાળવા માટે મોકલવામાં આવ્યા. એ સમયે રતુભાઈ અદાણી, જસવંત મહેતા અને ચીમનભાઈ પટેલને આ પદ માટે દાવેદાર માનવામાં આવતા હતા.
ચીમનભાઈએ ઘનશ્યામભાઈને અટકાવવા માટે શક્ય પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા.
ગાંધીનગર પાસે ફાર્મહાઉસ 'પંચવટી' રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. અંતે ઇંદિરા ગાંધીને ફરજ પડી, ઓઝાને હઠાવીને જુલાઈ-1973માં ચીમનભાઈ પટેલને બેસાડવામાં આવ્યા.
પ્રથમ વખત એક પાટીદારના હાથમાં રાજ્યના શાસનની ધૂરા આવી.
જોકે, તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓએ 'નવનિર્માણનું આંદોલન' છેડી દીધું.
જયપ્રકાશ નારાયણે 'સંપૂર્ણ ક્રાંતિ'નો નારો આપ્યો અને અંતે ચીમનભાઈને વિધાનસભા ભંગ કરવાની ફરજ પડી.

પહેલી વાર વિકલ્પ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
જૂન-1975ના પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. બીજા અઠવાડિયામાં પરિણામો બાદ રાજ્યમાં પ્રથમ વખત કૉંગ્રેસનો વિકલ્પ ઊભો થયો, પરંતુ તેનું મૂળ ગોત્ર કૉંગ્રેસનું જ હતું.
75 બેઠક સાથે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ તે બહુમતીથી વંચિત રહ્યો. કૉંગ્રેસ (ઑર્ગેનાઇઝેશન)ને 56, ભારતીય જનસંઘને 18, ભારતીય લોકદળને બે તથા ચીમનભાઈના કિસાન મઝદૂર લોકપક્ષને 12 બેઠકો મળી.
કૉંગ્રેસ (ઓ)ના બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં પ્રથમ વખત ગુજરાતમાં બિન-કૉંગ્રેસી સરકારની સ્થાપના થઈ, જેને જનતા મોરચાનો ટેકો મળેલો હતો.
જોકે, એક અઠવાડિયામાં દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું. તા. 25મી જૂને દેશમાં ઇમર્જન્સી લાદી દેવામાં આવી. આ સમયે જનસંઘ સહિત વિપક્ષના નેતાઓ માટે ગુજરાતમાં આશરો લેવો સરળ બન્યો.
આ સરકાર લાંબુ ન ખેંચી શકી અને ઇંદિરા ગાંધી દ્વારા લગભગ નવેક મહિનામાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.
બાદમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં સરકાર બની. માર્ચ-1977માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી, આ સાથે ગુજરાતમાં પણ સત્તાપરિવર્તન થયું અને સત્તા પર બાબુભાઈ જશભાઈ પટેલનું પુનરાગમન થયું.
જાન્યુઆરી-1980માં કેન્દ્રમાં મોરારજી સરકારનું પતન થયું અને ઇંદિરા ગાંધીનું પુનરાગમન થયું, જેની અસર ગુજરાતના રાજકારણ પર પણ પડી અને બાબુભાઈ જશભાઈ પટેલની સરકારનું પતન થયું.
બંધારણીય સુધારા દ્વારા વિધાનસભા તથા સંસદની સંખ્યામાં 2025 સુધી રોક લગાવી દેવામાં આવી. એટલે ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં 182 લોકપ્રતિનિધિ વિધાનસભામાં ચૂંટાઈ આવે છે.

પાટીદાર મુખ્ય મંત્રી અને મુદ્દત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ચાર પાટીદાર મુખ્ય મંત્રીને સાત ટર્મ મળી છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ (મે-2014થી ઑગસ્ટ-2016) પણ પાટીદાર હતાં.
70 બેઠક સાથે બીજી ટર્મ તેમણે જનતાદળ (જી-ગુજરાત)ના નેજા હેઠળ ખુરશી મેળવી. 67 બેઠક સાથે ભાજપ તેનો જુનિયર પક્ષ બન્યો અને કેશુભાઈ પટેલ આ સરકારમાં પ્રધાન બન્યા.
સત્તામાં પહેલી વખત ભાજપનું આગમન થયું અને બાદમાં રાજકીય પરિસ્થિતિ પલટાતા કૉંગ્રેસમાં જોડાયા, નવા વિકલ્પનો પ્રયોગ નિષ્ફળ થયો.
ચાલુ ટર્મ દરમિયાન અવસાન થતા ચીમનભાઈ પોતાની આ ટર્મ પૂર્ણ ન કરી શક્યા અને છબીલદાસ મહેતાને શાસનની ધૂરા મળી.
મહેતા બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની પૂર્ણબહુમતવાળી સરકાર બની.
જીતના શિલ્પી કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા, પરંતુ સત્તા પર એક વર્ષ પૂર્ણ નહોતું થયું કે આંતરિક બળવો ફાટી નીકળ્યો.
શંકરસિંહના વિરોધને કારણે એક વર્ષથી ઓછા ગાળામાં તેમણે પદભાર છોડવો પડ્યો અને સમાધાનની ફૉર્મ્યુલારૂપે પોતાના વિશ્વાસુ સુરેશ મહેતાને સત્તા ઉપર બેસાડ્યા.
જોકે, રાજકીય અસ્થિરતા દૂર ન થઈ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર ઊભી થઈ.
શંકરસિંહ વાઘેલાએ ભાજપના બળવાખોર ધારાસભ્યોને સાથે લઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી અને કૉંગ્રેસની મદદથી સરકારની સ્થાપના કરી, પરંતુ કૉંગ્રેસના દબાણ હેઠળ તેમણે પદ છોડવું પડ્યું અને પોતાના વિશ્વાસુ એવા દિલીપ પરીખને સત્તા ઉપર બેસાડ્યા.
1996માં ભાજપમાંથી અલગ થયા બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કૉંગ્રેસમાં વિલનીકરણ કરી દીધું હતું. કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં 'જનવિકલ્પ' સાથે જોડાયા હતા.
2019ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ફરી એક વખત 10મી વિધાનસભા વખતે કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા અને ભાજપને 117 બેઠક મળી હતી.
આ વખતે પક્ષમાં આંતરિક ખટરાગ ન હતો અને બધું સારી રીતે ચાલી રહ્યું હતું, ત્યાં 26મી જાન્યુઆરી 2001ના ગુજરાતમાં ભૂકંપ આવ્યો.
કેશુભાઈની સરકાર પર સુવ્યવસ્થિત રીતે કામગીરી નહીં કરવાના આરોપો લાગ્યા અને તેમને હઠાવવામાં આવ્યા.
શાસનની ધૂરા નરેન્દ્ર મોદી નામના કાર્યકર્તાને મળી, જેણે રાજ્યમાં રેકૉર્ડ 13 વર્ષ સુધી શાસન કર્યું અને અહીંથી દેશના વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા.

KHAM, પટેલ અને સમીકરણ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસની પડખે રહેલા પાટીદારોને ચીમનભાઈ પટેલ એ સમજાવવામાં સફળ રહ્યા કે સમાજને અન્યાય થયો છે.
આનો તોડ કાઢવા માટે ઇંદિરા ગાંધીના વિશ્વાસુ એવા માધવસિંહ સોલંકીએ 1985ની વિધાનસભા ચૂંટણીમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ ઊભું કર્યું, જેને અભૂતપૂર્વ સફળતા મળી.
કૉંગ્રેસને રેકૉર્ડ 149 બેઠક મળી. જનતા પાર્ટીને 14 અને ભાજપને 11 બેઠક મળી. એ ચૂંટણીમાં 'ત્રીજો પક્ષ' બનીને ઊભરેલો ભાજપ આગળ જતા અઢી દાયકા કરતાં વધુ સમય સુધી રાજ્યના રાજકીય પરિદૃશ્ય ઉપર છવાયેલો રહ્યો.
આટલી ભવ્ય સફળતા છતાં ચાર મહિના કરતાં ઓછા સમયમાં તેમણે અમરસિંહ ચૌધરીને શાસનની ધૂરા સોંપી દેવી પડી. પહેલાં જનતા પાર્ટી અને પછી ભાજપે પાટીદારોને આકર્ષવા પ્રયાસ કર્યા.
ચીમનભાઈના નિધન પછી કેશુભાઈ પટેલ 'પાટીદાર ચહેરો' બન્યા.
જોકે, 2001માં સત્તા ઉપરથી તેમના નિર્ગમન બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ક્યારેક કોમવાદના ગણિત પર તો ક્યારેક વિકાસના નામે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ), પાટીદાર, ક્ષત્રિય અને આદિવાસી વગેરેને એક કરીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

પાટીદાર ફૅકટરની અસર

ઇમેજ સ્રોત, Getty Images
ગોધરાકાંડના ઓછાયા હેઠળ 2002ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 127 અને કૉંગ્રેસને 51 બેઠક મળી.
2007ની વિધાનસભા ચૂંટણી સમયે કેશુભાઈ પટેલે સમાજને 'પરિવર્તન' માટે મતદાન કરવા આહ્વાન કર્યું હતું, જે ભાજપને મત ન આપવાનો સ્પષ્ટ ઇશારો હતો. પટેલે પોતાનો મત નાખ્યો ન હતો, જે પ્રતીકાત્મક રીતે ભાજપ સાથે નથી એવી જાહેરાત હતી.
આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો વિજય થયો અને પાર્ટીને 117 અને કૉંગ્રેસને 59 બેઠક મળી. એ પછીની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી અને કેશુભાઈ સામે-સામે હતા.
2012ની વિધાનસભા ચૂંટણી વખતે કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની સ્થાપના કરી હતી. તેમની સાથે ગોરધન ઝડફિયા હતા, જેઓ ગોધરાકાંડ સમયે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા. આ સિવાય પૂર્વ મુખ્ય મંત્રી સુરેશભાઈ મહેતા પણ પાર્ટી સાથે જોડાયેલા હતા.
આ પક્ષ મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિત હતો અને પાટીદાર ફૅક્ટર પર તેનો મોટો આધાર હતો. એ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠક મળી, જ્યારે જીપીપીને માત્ર બે બેઠક જ મળી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
2014ની લોકસભા ચૂંટણી પહેલાં જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું અને 1995માં ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલ 'બાપા'એ રાજકીય નિવૃત્તિ લઈ લીધી.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં લગભગ અઢી દાયકાથી ભાજપ સાથે જોડાયેલા એક નેતાના કહેવા પ્રમાણે, "હાલમાં ગુજરાતમાં ભાજપને 'આપ'થી જોખમ નથી તે ખરું, પરંતુ 'બીજા નંબર માટે કૉંગ્રેસ અને આપ વચ્ચે સ્પર્ધા છે' એમ કહેવું ખોટું છે. ગુજરાતના રાજકારણની તાસિર જોઈએ તો પરંપરાગત રીતે બે પક્ષ વચ્ચે ટક્કર હોય છે, તે વાત ખરી અહીં ત્રીજા પક્ષ માટે સ્થાન નથી, એમ કહેવું વધુ પડતું ગણાશે."
"લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં જ્યારે ભાજપે શરૂઆત કરી હતી, ત્યારે તે પણ ગુજરાતમાં 'ત્રીજું પરિબળ' જ હતો અને છેલ્લા લગભગ અઢી દાયકાથી તે શાસન કરી રહ્યો છે."
તેઓ ઉમેરે છે, "ગુજરાતીઓ સ્વભાવતઃ પ્રાદેશિકતાવાદી નથી, એટલે તેમનામાં રાષ્ટ્રીય પક્ષો પ્રત્યેની સ્વીકૃતિ વધુ છે. આ જોતા અગાઉના પ્રાદેશિક પક્ષોના પ્રયોગ ભલે નિષ્ફળ રહ્યા હોય, પરંતુ 'આપ'ને સફળતા મળી શકે છે."
"આમ છતાં અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી જો દિલ્હી જેવું પ્રદર્શન ગુજરાતમાં દોહરાવવાની કલ્પના કરે તો તે મુશ્કેલ હશે. સુરતમાં જે કંઈ થયું તે મહદંશે સ્થાનિક પરિબળ પર આધારિત હતું."
કેરળ, પંજાબ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં દ્વિ-ધ્રુવીય મુકાબલા થાય છે.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવાં પાડોશી રાજ્યોમાં પણ સ્પર્ધા મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસ એમ બે પક્ષ વચ્ચે જ રહી છે.
બીજી બાજુ, મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં શિવસેના તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી જેવા પ્રાદેશિકપક્ષોનું જોર વધારે છે.
નરેન્દ્ર મોદીના નિર્ગમન બાદ આનંદીબહેન પટેલ રાજ્યનાં મુખ્ય મંત્રી બન્યાં, પરંતુ યોગાનુયોગ પોતાના સમાજના આંદોલનને કારણે જ તેમને હઠાવવામાં આવ્યાં.
2015ની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે ભાજપનો રકાસ થયો અને વિજય રૂપાણીને સત્તાનાં સૂત્રો મળ્યાં.
હાલ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ એ સમયે પાટીદાર આંદોલનનો ચહેરો હતા. તેમણે ભાજપને પરાજિત કરવા આહ્વાન કર્યું, બીજી બાજુ ભાજપે લઘુમતી એવા જૈન સમાજના મુખ્ય મંત્રી રૂપાણીના ચહેરાને આગળ કરીને જ 2017ની ચૂંટણી લડી અને જીતી.
જોકે, આ તેનું તાજેતરના ઇતિહાસનું ખરાબ પ્રદર્શન હતું, પાર્ટીને 99 બેઠક મળી હતી.
બાદમાં પેટાચૂંટણીમાં વિજય મેળવીને ભાજપને પોતાની સભ્યસંખ્યા વધારવામાં સફળતા મળી. હાલ વિધાનસભામાં કૉંગ્રેસના 65, બીટીપીના બે, એનસીપીના એક તથા એક ધારાસભ્ય છે.
2019ની લોકસભા ચૂંટણી અને 2021ની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પાટીદાર બહુમતીવાળી બેઠકો પર ભાજપનો વિજય થયો, જેમાં સુરત અપવાદરૂપ હતું, જ્યાં પાટીદાર ફૅકટરના જોરે આપ કૉર્પોરશનમાં મુખ્ય વિપક્ષ બન્યું.

આપ, આશા અને ઇતિહાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાના જણાવ્યા પ્રમાણે, "ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલ તથા ચીમનભાઈ એમ એકાદબે અપવાદને બાદ કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજા પક્ષ કે મોરચાનો પ્રયોગ સફળ નથી થયો."
"ગુજરાતની જનતા સ્પષ્ટ જનાદેશ આપે છે અને કોઈ એકપક્ષને સત્તાની ધૂરા સોંપે છે. વાસ્તવમાં આપના સ્વરૂપે ત્રીજા મોરચાની નહીં, પરંતુ બીજો પક્ષ બનવાની વાત છે. જ્યાં-જ્યાં નવો પક્ષ અસ્તિત્વમાં આવે છે, તે કૉંગ્રેસના ભોગે મોટો થાય છે."
"દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી કૉંગ્રેસનો જ વિક્લપ બની હતી. હાલ ગુજરાતમાં કૉંગ્રેસનું અસ્તિત્વ TINA (ધેર ઇઝ નૉ અલ્ટરનૅટિવ) ફૅક્ટરને આભારી છે. 25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તાથી બહાર છે અને તે પુનરગામન ન કરી શકે તો તેના માટે આત્મમંથનનો વિષય હોવો જોઈએ."
મહેતા માને છે, "ગુજરાતમાં આપ ભાજપ સામે ચૅલેન્જર તરીકે ઊભું થવા માગે છે. ગુજરાતનો ઇતિહાસ એવું કહે છે કે અહીં પડકાર આપનારને સ્વીકાર્યતા મળે છે."
"આવી જ રીતે ભાજપના ચૅલેન્જર તરીકે આપ આવવા માગે છે. તેમણે પંજાબમાં સફળતા મળી, સત્તા મેળવશે કે નહીં, તે અલગ મુદ્દો છે, પરંતુ તે પડકાર આપનાર તરીકે પોતાનું સ્થાન ઊભું કરવા માગે છે."
મહેતા ઉમેરે છે, "ભાજપને તેના હોમસ્ટેટમાં જ પડકારવાની રાજકીય વ્યૂહરચના છે, પાવર મળે કે નહીં તે બીજા નંબરની બાબત છે, પરંતુ તેની સાઇકૉલૉજિકલ ઇમ્પેક્ટ અલગ હોય છે."
2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એનસીપીને ત્રણ અને જનતાદળ યુનાઇટેડને એક બેઠક મળી હતી. 2012માં એનસીપીને બે તથા જેડીયુને એક બેઠક મળી હતી. જ્યારે વર્તમાન વિધાનસભામાં એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા બે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છે.
અમદાવાદમાં 'આપ'ના એક નેતાના કહેવા પ્રમાણે, "આમ આદમી પાર્ટી પહેલાં બહુજન સમાજ પક્ષ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પગપેસારો કરવાનો પ્રયાસ કર્યો છે."
"ગુજરાતની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પોતાને મજબૂત કરી રહી છે. એટલે આપ પણ પ્રયાસ કરે તે સ્વાભાવિક છે."
"આપ પ્રાદેશિક પક્ષ બની રહેવા નથી માગતો અને તે રાષ્ટ્રીય પક્ષ બનવા માગે છે. ગુજરાત ભાજપનો ગઢ છે એટલે 2014થી તેમને પડકારવા માટે પ્રયાસરત છીએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













