પાટીદાર મુખ્ય મંત્રી વિવાદ : કેશુભાઈ પટેલ, આનંદીબહેન અને નીતિનભાઈ સુધી પટેલોનો ગુજરાતના પૉલિટિક્સમાં દબદબો છતાં ફરીથી માગ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images/UPgovernorWebsite
- લેેખક, ઋષભ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવી હિલચાલ જોવા મળી રહી છે. એક તરફ પાટીદાર સમાજ દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નરેશ પટેલના પાટીદાર સમાજના મુખ્ય મંત્રી અને 'આપ' વિશેના નિવેદન બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમની મુલાકાત પહેલાં અને મુલાકાત દરમિયાન અનેક કાર્યકરો 'આપ'માં જોડાયા હતા.
ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ કહે છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તો સમાજ ઇચ્છે છે કે મુખ્ય મંત્રી પાટીદાર સમાજના હોય.

નરેશ પટેલ અને પાટીદાર મુખ્ય મંત્રીની માગ
નરેશ પટેલે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે પાટીદાર સમાજ સૌથી મોટો છે. પ્રશાસન અને રાજનીતિમાં તેને કેવી રીતે મહત્ત્વ મળે એની ચર્ચા કરાશે.
તેમણે કહ્યું કે "કેશુબાપા (ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી) બાદ અમને લાગે છે કે અમારી પાસે એવા કોઈ નેતા નથી અને એ અંગે પણ ચર્ચા કરાશે."
ગુજરાતના ત્રીજા પક્ષના સવાલ પર તેમણે કહ્યું કે "ઇતિહાસ દર્શાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવતો નથી. પણ દિલ્હીમાં આપ સરકારનું કામ જોતા મને લાગે છે કે ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે છે."
તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને જ્યારે આ પાટીદાર બેઠક અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે "દરેક સમુદાય ભેગા થવા માટે સ્વતંત્ર છે. આજે કડવા અને લેઉવા પાટીદાર એકઠા થયા છે, તેમ ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, બધા પોતપોતાની સભાઓનું આયોજન કરતા હોય છે. આ તેમનો અધિકાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પાટીદાર સમાજના મુખ્ય મંત્રીની માગ કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Shailesh Raval/The The India Today Group via Getty
આ અંગે બીબીસીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી અને તેની પાછળ શું કારણો હોઈ શકે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય જણાવે છે કે "પાટીદાર સમાજ અને ખાસ કરીને ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલ એ દરેક ચૂંટણી પહેલાં આ પ્રકારનાં નિવેદનો આપવા માટે જાણીતા છે."
"ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષનો સમય છે. અત્યારે ભાજપ સામે પટેલોમાં કોઈ નારાજગી નથી."
"2017ની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી અને 2019માં લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠક ભાજપને મળી છે. એ બાદ સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે."
"નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોમાં ભાજપને 90 ટકા કરતાં વધારે બેઠક ભાજપને મળી છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો અને પાટીદારો જો ભાજપને સાથ ન આપતા હોય તો ગામડાઓમાં આટલો મોટો વિજય ન મળે."

અલ્પેશ ઠાકોરે શું માગ કરી?
નરેશ પટેલના આ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર પણ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસસીના મુખ્ય મંત્રી બનાવવા જોઈએ તેવી માગ કરી હતી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ જણાવ્યું કે "આ રીતની કોઈ એક સમાજના મુખ્ય મંત્રીની વાત થાય તો બીજા સમાજોનું શું? પાટીદાર સમાજ એ ડોમિનેટિંગ સમાજ છે પણ પાટીદાર સમાજની વસતી 12થી 15 ટકા છે."
"ભાજપમાં પાટીદાર સમાજના 44 ધારાસભ્યો છે, સાત મંત્રી છે, છ-સાત સાંસદ છે. એટલે બાકીના સમાજોને અવગણવાના? આ પ્રકારની માગણી કરવી એ જ પોતાના સમાજને નુકસાન કરવા જેવું છે. આ આત્મઘાતક છે."

પાંચ વર્ષ પહેલાં અને આજે

ઇમેજ સ્રોત, AFP
એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે "પાંચ વર્ષ પહેલાં પણ આપણને આવી જ પૅટર્ન જોવા મળી હતી."
"ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ દ્વારા દબાણ ઊભું કરવા બેઠક કરીને જુદા-જુદા કાર્યક્રમો શરૂ થતા હોય છે.પાંચ વર્ષ પહેલાં પણ હાર્દિક પટેલે જ્યારે આખું આંદોલન ઉપાડ્યું હતું, તે સમયે પણ નરેશ પટેલ ઍક્ટિવ હતા."
"છેલ્લાં પાંચ વર્ષની ઘટનાઓ જોઈએ અને સ્થાનિકસ્વરાજની ચૂંટણી તથા પેટાચૂંટણીનાં પરિણામો બતાવે છે કે ફરી ગુજરાતમાં પાટીદાર ઓળખના નામે કોઈ રાજકીય મોબિલાઇઝેશન કરવું હવે સહેલું નથી."

રાજકીય પ્રભુત્વની લડાઈ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ઇન્ડિયા ટુડેના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં શક્તિશાળી પટેલ સમુદાયની બે મુખ્ય પેટાજ્ઞાતિઓ શનિવારે રાજ્યમાં રાજકીય પ્રભુત્વ મેળવવાના ઇરાદે એકઠી થઈ હતી.
નરેશ પટેલે જણાવ્યું હતું કે "રાજકીય દળોમાં અમારા પાટીદાર ભાઈઓને ગુજરાતમાં મુખ્ય જવાબદારી આપવામાં આવે. ભાજપ હોય કે કૉંગ્રેસ પાટીદારોને ઉચ્ચ હોદ્દા મળવા જોઈએ."
નરેશ પટેલે સવાલ કર્યો હતો કે "કૉંગ્રેસના આગામી રાજ્ય એકમ અધ્યક્ષ શા માટે આપણા સમુદાયમાંથી ન હોઈ શકે?"
એ જ રીતે તેમણે કહ્યું કે સમુદાયનો મત છે કે "આગામી મુખ્ય મંત્રી પાટીદાર હોવા જોઈએ."

ભાજપની ડિઝાઇન?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
હરિ દેસાઈનું માનવું છે કે "આ બધુ ડિઝાઇન પ્રમાણે ચાલે છે. આપનું તંત્ર ઊભું કરવું અને આવી માગણીઓ કરવી તે યોજનાબદ્ધ ગતકડાં છે અને એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ ચાલે છે. કારણ કે પટેલોને મુખ્ય મંત્રીપદ મળે તો જ કામ થાય, પટેલોનું એવું કોણે કીધું?"
"પટેલ આંદોલન વખતે જે આંદોલનકારીઓ હતા એના કેસ પાછા ખેંચવાનું કામ આજ દિવસ સુધી નથી થયું. તો એમાં સરકારમાં બેઠેલા પટેલો પર દબાણ લાવવું જોઈએ અને મુખ્ય મંત્રી હોય તો જ થાય એવું કોણે કહ્યું?"
અમિત ધોળકિયા જણાવે છે કે "પાટીદારોનો મોટો સમુદાય છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપની સાથે જ રહ્યો છે અને કોઈ મોટાં કારણો દેખાતાં નથી કે પાટીદાર સમાજ નારાજ થાય."

ઇમેજ સ્રોત, OTHER
ધોળકિયા કહે છે કે "અનામતનો મુદ્દો ઘણે અંશે સેટલ થઈ ગયો છે અને પાટીદારોનો મોટો વર્ગ કૃષિક્ષેત્રે સંકળાયેલો છે અને કૃષિક્ષેત્રે પણ કોઈ મોટો અસંતોષ નથી."
"ખેડૂત આંદોલનમાં પણ ગુજરાતમાં કોઈ અસર જોવા મળી ન હતી.
"આ પ્રકારની સ્થિતિ મોવડીવાળા નેતાઓ માટે બાર્ગેનિંગનો પૉઇન્ટ હોય છે. મુખ્યત્વે મને જે દેખાય છે તે એલિટ લેવલનું બાર્ગેનિંગ ચાલી રહ્યું છે. એટલે બાર્ગેનિંગ સ્પેસ ઊભી કરવા માટે આ પ્રકારે થઈ રહ્યું હોય, તેમ લાગે છે."
તેઓ ઉમેરે છે, "જોકે ચૂંટણીની દૃષ્ટિએ બહુ મોટો ફૉર્સ પાટીદારોનો હવે ફરી વખત ઊભો થાય એવું આ વખતે તો લાગતું નથી."

ચીમનભાઈ, કેશુભાઈ અને આનંદીબહેન

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GettyImages
અમિત ધોળકિયા કહે છે કે "ગત વખતે તો આંદોલન સહિતનું બૅકગ્રાઉન્ડ હતું, જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડા પાટીદાર વોટ ભાજપના વિરુદ્ધ ગયા. ફરીથી એવો જુવાળ પાટીદારોની ઓળખના નામે ઊભો કરવો મુશ્કેલ છે."
ગુજરાતમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબહેન પટેલ સહિતનાં પાટીદાર મુખ્ય મંત્રીઓ રહી ચુક્યાં છે. આનંદીબહેન પટેલ બાદ હાલના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનું નામ મુખ્ય મંત્રી પદ માટે ચર્ચામાં રહ્યું હતું.
હરિ દેસાઈ જણાવે છે, "આની અંદર ભૂમિકા એવી છે કે ભારતીય જનતા પાર્ટીની આ ડિઝાઇન છે. ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટેની જ આ યોજના છે."
દેસાઈ કહે છે કે "ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈને કેમ બહાર કર્યા? આનંદીબહેનને કોણે બહાર કર્યાં? નીતિન પટેલે ઇન્ટરવ્યૂ આપી દીધો અને પછી બીજું નામ આવ્યું. તો આ બધા માટે જવાબદાર કોણ હતું? ભાજપના અંદરના લોકો કે બહારના લોકો?"
જગદીશ આચાર્ય પણ અમિત ધોળકિયાની વાત સાથે સહમત થતાં જણાવે છે કે "અત્યારે અનામત આંદોલન નથી, ખેડૂતોમાં કોઈ વિરોધ નથી અને આજના દિવસે ભાજપના સાથે પાટીદાર સમાજ છે."
"એટલે એવો કોઈ મુદ્દો જ ઊભો નથી થતો કે પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધમાં છે કે નહીં અથવા તો પાટીદાર સમાજને મુખ્ય મંત્રી પદ નથી મળ્યું એટલે પાટીદારોમાં નારાજગી છે કે નહીં."
"કેમ કે આ તમામ ચૂંટણીઓ વિજયભાઈ રૂપાણીના મુખ્ય મંત્રી પદ હેઠળ લડાયેલી છે અને લોકોએ પાટીદાર સમાજના મુખ્ય મંત્રી હોવા જોઈએ કે ન જોઈએ તેવા કોઈ મુદ્દાને ધ્યાનમાં રાખ્યા વગર ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે."
"એટલે આ જે નિવેદન છે તેનું જમીન પર બહુ મહત્ત્વ નથી. ભાજપમાં જો આંતરિક ખટપટ હોય તો તેમના આ નિવેદનના કારણે ભાજપમાં થોડી નાની-મોટી હિલચાલ થાય પણ એની મતદારો પર કે પટેલ સમાજ પર કે કોઈ બીજા સમાજ પર મોટી અસર થઈ જાય અને બહુ મોટો ખળભળાટ મચી જાય એવું આની અંદર કંઈ નથી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












