ઇસ્લામી પાકિસ્તાનમાં શિયા મુસલમાનોને કેવા ભેદભાવો સહન કરવા પડે છે?

ઇમેજ સ્રોત, HIRA, MARZIA, UROOJ
- લેેખક, સહર બલોચ
- પદ, બીબીસી, ઇસ્લામાબાદ
"શું શિયા ઘોડાની પૂજા કરે છે?"
"શું હલીમમાં સુન્ની બાળકનું માંસ ઉમેરવામાં આવે છે?"
"શું તમે સબીલના પાણીમાં થૂકો છો?"
"યાર...ખોટું ન લગાડતા પણ શિક્ષક કહે છે કે તમને પહેલો કલમો પૂરો નથી આવડતો, જરા સંભળાવશો?"
આ તમામ બાબતો એ છે જે શિયા સમુદાયનાં પાકિસ્તાની મહિલાઓએ બીબીસીને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી.
પાકિસ્તાનમાં શિયા સમુદાયના ઘણાં બાળકો આવી જ વાતો અને સવાલ સાંભળીને મોટાં થયાં છે. કેટલાંક માટે આ સિલસિલો મોટાં થયા પછી પણ ચાલતો જ રહે છે.
શિયા મુસલમાન પાકિસ્તાનની વસ્તીનો લગભગ 20 ટકા હિસ્સો છે. આ સમુદાય મોટાભાગે પોતાને હુમલા અને ઈશનિંદાના આરોપોથી ઘેરાયેલો જ અનુભવે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં અને ગત વર્ષે 2020માં ઘણી એવી ઘટનાઓ ઘટી જેમાં પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા લોકોએ શિયા સંપ્રદાયના લોકો વિરુદ્ધ ખુલેઆમ પ્રદર્શન કર્યું છે. આ પ્રકારનાં મોટાભાગનાં પ્રદર્શનો કરાચી, ક્વેટા અને પંજાબના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવઅધિકાર સંગઠનોના એક અનુમાન અનુસાર 2001થી અત્યાર સુધી પાકિસ્તાનમાં જુદાજુદા હુમલા અને ટાર્ગેટ કિલિંગમાં 2600 શિયા વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
માનવઅધિકાર સંગઠનોનું કહેવું છે કે હુમલાનું મુખ્ય કારણ સમાજના એક વર્ગમાં આ સમુદાય પ્રત્યેની પ્રચલિત નફરતવાળો કૉન્ટેન્ટ અને રૂઢિવાદ છે.
માનવઅધિકાર સંસ્થા અનુસાર ઉપલબ્ધ નફરવાળી સામગ્રી એ હુમલાઓને યોગ્ય ઠેરવે છે જે પ્રતિબંધિત સંગઠનો કે આંતકવાદી સંગઠનો દ્વારા આ સમુદાયની મસ્જિદો પર અથવા લોકો પર કરવામાં આવે છે.

સુન્ની યુવતી સાથે લગ્ન કરતા પરિવારે સંબંધ તોડી નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
આથી અમે કેટલાંક મહિલાઓ પાસેથી જાણવાની કોશિશ કરી કે તેમના માટે પાકિસ્તાનમાં શિયા મુસલમાન હોવાનો અનુભવ કેવો રહ્યો.
તેમના અનુભવો અલગ-અલગ રહ્યા. કેટલાંકને સારા મિત્રો મળ્યા તો કેટલાંકના પરિવારોએ માત્ર એટલા માટે સંબંધ તોડી નાખ્યા કેમ કે તેમણે પોતાના સંપ્રદાય બહાર લગ્ન કરી લીધાં. પરંતુ એક શબ્દ જે તેમણે બાળપણથી લઈને મોટાં થવા સુધી સાંભળવો પડ્યો તે છે - કાફિર.
હીરા જૈનબનું બાળપણ કરાચી, લાહોર અને ગુજરાનવાલામાં વિત્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ બીજા ધોરણમાં હતાં, ત્યારે તેમને તેમની આસ્થા વિશે સવાલ પૂછવાનું શરૂ થઈ ગયું હતું.
તેઓ યાદ કરતાં કહે છે,"મને બાળપણમાં મારી મિત્રે પુછ્યુ કે શું તમે ઘોડાની પૂજા કરો છો? ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો. પણ પ્રથમ વખત મને અનુભવ થયો કે હું કદાચ અન્ય લોકો કરતાં અલગ છું. થોડું વિચિત્ર જરૂર લાગે છે. કોઈને આટલી અંગત વાત કે મારી ઓળખ શું છે એ જણાવતા આવું થાય છે."
બેનિશ અબ્બાશ ઝૈદી પત્રકાર છે અને કરાચીનાં રહેવાસી છે. બેનિશ માટે મુશ્કેલ સમય ત્યારે શરૂ થયો જ્યારે તેઓ મોટાં થઈ ગયાં.
બેનિશ જણાવે છે, "મોટી થઈ પછી મારી મરજી મુજબ લગ્ન કરી લીધાં અને વિચારધારા નહોતી પૂછી. મારે પરિવારવાળાને સમજાવાવની જરૂર ન પડી. પરંતુ હવે મારા ઘરવાળા મારી સાથે વાત નથી કરતા."
"કેમ કે મેં એક સુન્ની યુવક સાથે લગ્ન કર્યાં છે.હવે સ્થિતિ એવી છે કે મારી નાની દીકરી તેનાં નાના-નાનીને નથી ઓળખતી, જ્યારે મારા પતિના પરિવારવાળા મારું સારું ધ્યાન રાખે છે."

ઘર શોધવામાં પણ મુશ્કેલી

ઇમેજ સ્રોત, BENISH
બેનિશે જણાવ્યું કે શિયા હોવાના લીધે તેમણે 2015માં ઘર શોધવામાં મુશ્કેલી પડી હતી.
તેઓ જણાવે છે, "હું જ્યાં પણ જણાવતી મારી ઓળખ જણાવતી હતી ત્યાં મને કહેવામાં આવતું કે તમને ઘર નહીં મળે કેમ કે તમે મજલિસ કરશો."
ક્વેટાનાં રહેવાસી 18 વર્ષીય મરઝિયા સાલેહ સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે 2011ના હુમલા પછી તેમના મિત્રોએ તેમને મળવાનું ઓછું કરી દીધું હતું.
તેઓ જણાવે છે,"હું જ્યાં પણ જતી તો બધા મને જ જોતા રહેતા. મને કહેવાયું કે તમારી સાથે નહીં બેસવામાં આવે કેમ કે અમને પણ ટાર્ગેટ કરવામાં આવશે."
લાહોરનાં રહેવાસી એક લેખિકા ઉરૂજ અલીએ જણાવ્યું કે તેમણે પોતાના વડીલો પાસેથી સાંભળ્યું છે કે પહેલાંના સમયમાં સ્થિતિ ઘણી સારી હતી.
તેઓ કહે છે,"અમને જણાવવામાં આવતું કે લોકો મોચી દરવાજા અને લાહોરનાં અન્ય સ્થાનો પર આશૂરા અને મોહરમ માટે હળીમળીને તૈયારીઓ કરતા હતી."
આવા સારા સમયની વાતો કેટલીય જગ્યાએ કેટલાય લોકોએ કરી છે.

બધું ઠીક હતું તો આવી સ્થિતિ કેમ આવી?

ઇમેજ સ્રોત, UROOJ
જો માની લઈએ કે પહેલાંની સ્થિતિ સારી હતી તો પછી સમસ્યા ક્યારે સર્જાઈ?
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર પીસ સ્ટડીઝના ડિરેક્ટર મહમદ આમિર રાણાએ જણાવ્યું કે ભૂતકાળમાં પાકિસ્તાનમાં સામાજિક સદ્ભાવ રહ્યો છે પરંતુ કેટલીક મોટી ઘટનાઓ પણ ઘટી છે જેણે એ સમયે સાંપ્રદાયિકતા અને નફરતવાળી વાતોને પ્રોત્સાહન આપ્યું હતું.
તેઓ જણાવે છે,"1963માં ખૈરપુરના ઠેડી ગામમાં થયેલાં રમખાણો વિશે સૌ જાણે છે. અગ્રેજો ઉપમહાદ્વીપ છોડીને ગયા અને એ બાદ બન્ને સંપ્રદાયો વચ્ચે સ્થિતિ સારી સારી રહી શકી નહીં."
"છાશવારે તણાવની ઘટના ઘટતી રહી ખાસ કરીને આશૂરા અને અન્ય પ્રસંગે સ્થિતિ તણાવપૂર્ણ બની જાય છે. પાકિસ્તાનમાં હોય અથવા ક્ષેત્રના અન્ય કોઈ ભાગમાં, તેની અસર અહીં પણ અનુભવાય છે."
પત્રકાર અને સંશોધનકર્તા ખાલિદ અહમદે 2007માં અમેરિકાના વિલ્સન સેન્ટરમાં એશિયા અને મધ્ય પૂર્વના એક કાર્યક્રમમાં એક લૅક્ચર દરમિયાન પાકિસ્તાનમાં સાંપ્રદાયિકતા અને તેની સાથે જોડાયેલી સ્થિતિને આ રીતે વર્ણવી હતી - પાકિસ્તાની પોતાના દેશમાં ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની વાસ્તવિકતાને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. પરંતુ પાકિસ્તાનની રાષ્ટ્રીય ઓળખનાં કેટલાંક કારણો વિવાદાસ્પદ છે.
તેમણે કહ્યું હતું, "પાકિસ્તાન મૌલિક રૂપે સાંપ્રદાયિક દેશ નથી. પાકિસ્તાનમાં શિયા અને સુન્ની એક બીજાને નફરત નથી કરતા અને અત્યાર સુધી જેટલાં રમખાણો થયાં તે કેટલાંક શહેરો, જેવાં કે કરાચી, ક્વેટા, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગો સુધી જ સિમિત રહ્યાં છે."
તેમને જ્યારે સવાલ કરાયો કે તો પછી સાંપ્રદાયિકતામાં વિશ્વાસ ન રાખતો દેશ, સાંપ્રદાયિકતા અને તેના લીધે થતાં રમખાણોનો ભાગ કેવી રીતે બન્યો?
તેમણે તેના જવાબમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનનો મધ્યપૂર્વમાં થનારા સાંપ્રદાયિક યુદ્ધ માટે એક અલગ 'યુદ્ધક્ષેત્ર'ના રૂપમાં ઉપયોગ થવા લાગ્યો ત્યારથી આવું થયું.
પોતાના લૅક્ચર દરમિયાન ખાલિદ અહમદે કહ્યું કે 1947 પછી પાકિસ્તાનના નેતા જે વ્યક્તિત્ત્વને આદર્શ માનતા રહ્યા તેઓ માત્ર હિંદુવિરોધી નહોતું પણ શિયાવિરોધી પણ હતું.
તેમણે કહ્યું, "આવા લોકોની રાષ્ટ્રીય સ્તરે પ્રંશસા કરવામાં આવી જે સાંપ્રદાયિકતાની વિચારધારાને સમર્થન કરનારી હતી."
તેમનું કહેવું હતું કે 1979માં ઈરાનમાં થયેલી ક્રાંતિ પહેલાં પાકિસ્તાનમાં રહેતા શિયા ઈરાનની ક્રાંતિકારી અને ચરમપંથી વિચારધારા પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતા આપતા.
ખાલિદ અનુસાર મોટાભાગના શિયા વિદ્વાન ઇરાકના શહેર નઝફમાં શિક્ષા પ્રાપ્ત કરવાનું પસંદ કરતા હતા. એના કારણે જ તેમના વિચાર અને મત ઈરાનના અયાતુલ્લા ખામૈનીથી ઘણા અલગ હતા.
ખાલિદ અહમદ અનુસાર, "સ્થિતિ ત્યારે બગડી જ્યારે ઈરાનની ક્રાંતિ પાકિસ્તાનમાં કેટલાક લોકો માટે પ્રેરણા બની ગઈ અને ક્ષેત્રમાં સાઉદી અરેબિયા તથા ઈરાનનાં સાંપ્રદાયિક રાજકારણ અને રમખાણોનાં પરિણામોને લીધે પાકિસ્તાન વાંરવાંર યુદ્ધક્ષેત્રના રૂપે વપરાતું રહ્યું. આ સાંપ્રદાયિક રમખાણો થોપવામાં આવેલી એક જંગનું પરિણામ છે."

'તાલિબ બનીને વિચારો, નહીં કે તાલિબાન બનીને'

ઇમેજ સ્રોત, KULSUM BANO
આ વિચારધારા અને પરિણામોને કારણે થતાં રમખાણો વિશે કરાચીમાં રહેતાં બ્લૉગર કુલસુમ બાનોએ કહ્યું, "ક્યારેક હું પણ મિત્રો સાથે મજાકમાં કહી દઉં છું કે કાફિર કાફિર, શિયા કાફિર. પણ વાસ્તવિકતા એ છે કે આ સાંભળવું સારું નથી લાગતું. મને માલૂમ છે કે આની અમારાં વ્યક્તિત્ત્વ અને અસ્તિત્વ પર કેટલી અસર પહોંચે છે."
કુલસુમે ઉમેર્યું, "અમે સદીઓ જૂની વિચારધારાને એક દિવસમાં બ્લૉગ લગીને ખતમ ન કરી શકીએ. પણ અમે વાત કરી શકીએ છીએ. અમને સવાલ પૂછો પણ અમારા જવાબ સમજવાની કોશિશ પણ કરો."
હીરા જૈનબે કહ્યું,"મારા મોટાભાગના મિત્રો સુન્ની છે અને અમને એ વાતની પરવાહ નથી કે કોઈનો ધર્મ શું છે અને સંપ્રદાય શું છે."
તેમણે કહ્યું,"દેશ તમને કહેશે કે તેણે નફરતવાળાં હજારો પુસ્તક સળગાવી દીધાં છે. પરંતુ તમે માનસિકતા અને વિચારધારાને સળગાવી નથી શકતા. ન નષ્ટ કરી શકો છો. તેના પર વાતચીત કરવાથી જ કંઈ થઈ શકે છે."
મરઝિયા કહે છે,"આટલું બધું થવા છતાં, અમે હજુ પણ કહીએ છીએ કે તમે વાત કરો. એક તાલિબ બનીને વિચારો..નહીં કે તાલિબાન બનીને.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












