ગલવાન ચીન-ભારત સરહદ વિવાદ : ભારતીય અને ચાઇનીઝ સૈન્ય વચ્ચેના સંઘર્ષના એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, ANBARASAN/BBC
- લેેખક, અનબરાસન એથિરાજન
- પદ, બીબીસી ન્યૂઝ, પેન્ગોગ ત્સો સરોવર, લદ્દાખ
નવાંગ દોરજેએ ભારત-ચીન વચ્ચેની લદ્દાખ સરહદ પરના બ્લૅક ટૉપ પર્વત પર મહિનાઓ વિતાવ્યા છે. ભારતીય સેનાને સામાન પહોંચાડવા માટે તેઓ ત્યાં જાય છે.
62 વર્ષના દોરજે મેરક ગામમાં નાની દુકાન ચલાવે છે. પરંતુ તેમણે પર્વતીય વિસ્તારમાં હથિયારો અને બીજો જરૂરી સામાન પહોંચાડવાનો હોય છે. પર્વતો પર જતી વખતે જીવ ગુમાવવાનું જોખમ પણ હોય છે.
સામાન પહોંચાડવાનું કામ કરનારા દોરજે એક માત્ર નથી. આસપાસનાં ગામના સેંકડો લોકોને સરહદે તંગદિલી પછી આ કામ માટે રોકવામાં આવ્યા છે.
દોરજેએ જણાવ્યું કે, "અમે લોકો ચીની સૈનિકોની નજીક પણ પહોંચી ગયા હતા, પણ ત્યારે અમને અંદાજ નહોતો કે અમને પણ નિશાન બનાવાશે."
એક વર્ષ પહેલાં ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ઘર્ષણ થયું હતું અને વાસ્તવિક અંકુશ રેખાને પાર કરવાનો આક્ષેપ એક બીજા પર લગાવાયો હતો.
વાસ્તવિકતા એ છે કે 1962ના યુદ્ધ પછી આ પ્રદેશના 3,440 કિલોમીટર વિસ્તારમાં સરહદ આંકણી થઈ નથી. બંને દેશો પોતપોતાની રીતે સરહદ વિશે દાવા કરે છે.
ભારતના અખબારી અહેવાલો પ્રમાણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ શરૂ થઈ ગયો, કેમ કે ચીની સૈનિકો ભારતીય સરહદની અંદર ઘણા કિલોમીટર સુધી આવી ગયા હતા અને ટૅન્ટ લગાવી દીધા હતા. ખાઈઓ ખોદી હતી અને મોટાં ઉપકરણો પણ લઈ આવ્યાં હતાં.
ચીને આ રીતની કાર્યવાહીની કોશિશ કરી તે પછી ભારતીય સેનાએ લદ્દાખ સરહદ પર હજારો સૈનિકોને ગોઠવી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરહદ પર વધારે શસ્ત્ર-સરંજામ પણ એકઠાં કરવાનું શરૂ કરી દીધું હતું. જૂન, 2020માં ગલવાન ખીણમાં સૈનિકો વચ્ચે હાથોહાથની લડાઈ થઈ અને તેમાંથી હિંસા થઈ હતી.
સામસામે ઘર્ષણમાં ભારતના 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ચીને બાદમાં કહ્યું કે તેના ચાર સૈનિકોનાં મોત થયાં છે.

સ્થાનિક લોકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વાસ્તવિક અંકુશ રેખા નજીક આવેલા પેન્ગોગ ત્સો એટલે કે સરોવર સુધી પહોંચવું અત્યારે પણ ઘણું મુશ્કેલ છે. સરોવર પર જવા માટે પર્યટકોને જાન્યુઆરીમાં મંજૂરી અપાઈ હતી.
આ વિસ્તારમાં બહુ થોડા પત્રકારો પહોંચ્યા છે અને તેમાં એક છે બીબીસી, જે નજીકના મેરક ગામની મુલાકાતે પહોંચ્યું હતું.
આ ગામમાં લગભગ 350ની વસતી છે. મોટા ભાગના લોકો પશુપાલનનું કામ કરે છે અને તેમના જીવનમાં ખાસ કોઈ ફેરફાર થયો હોય તેવું લાગતું નથી.
ગામમાં કોરોના વાઇરસનો ચેપ પણ ભાગ્યે જ પહોંચ્યો છે. તમે ગામમાં દાખલ થાઓ એટલે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓ યાક અને બકરીઓ ચરાવતાં જોવા મળે.
જોકે ઘણી જગ્યાએ ચેતવણી આપતા બોર્ડ મૂકવામાં આવેલાં છે. આ વિસ્તારમાં પ્રતિબંધિત સૈનિક વિસ્તાર તરફ જતી સાંકડી સડક પર સેનાનાં વાહનો સામાન અને સૈનિકો સાથે આવતાંજતાં જોવા મળે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દાયકાઓથી ચીન અને ભારત વચ્ચે તણાવ છે તેની અસર આ વિસ્તાર પર પડી છે.
દોરજેએ કહ્યું, "શિયાળામાં અમારા ગામ અને પડોશની ચુશૂલ ખીણમાં યાક અને બકરીઓ લઈને લોકો દૂર સુધી જતા હતા. પરંતુ ઘણાં વર્ષો સુધી ચીન ભારતીય સરહદ પર કબજો કરતું રહ્યું છે. તેના કારણે અમારે પશુઓને ચરાવવાની જગ્યા ઓછી થઈ રહી છે."
ગયા વર્ષે સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ તેની અસર અહીંના અંતરિયાળ વિસ્તારોમાં પણ થઈ રહી છે.
સંરક્ષણ નિષ્ણાત અને ભારતીય સેનામાં કર્નલ રહી ચૂકેલા અજય શુક્લા કહે છે, "છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત-ચીન વચ્ચે સરહદે તંગ સ્થિતિ છે તેના કારણે બંને દેશોના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. ચીને સરહદ પર 1959માં જે દાવ અપનાવ્યો હતો તેનું પુનરાવર્તન કર્યું છે. ભારત જો આ સ્થિતિનો સ્વીકાર કરી લે તો સરહદ પરનો ઘણો વિસ્તાર ચીનના હિસ્સામાં ગણાઈ જાય."
શુક્લા અને અન્ય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર પૂર્વ લદ્દાખમાં ચીન આગળ વધે તો તેનો અર્થ એ કે ભારતના સેંકડો ચોરસ કિલોમીટરની જમીન પર ચીનની માલિકી થઈ જાય.
શ્રેણીબદ્ધ વાતચીત પછી બંને દેશો પેન્ગોગ સરોવરના વિસ્તારમાંથી પોતાની સેનાને પાછળ હઠાવવા સહમત થયા હતા. પરંતુ ચીન હૉટ સ્પ્રિંગ, ગોગરા પોસ્ટ અને ડેપસાંગમાંથી ખસી જવાનો કોઈ સંકેત આપી રહ્યું નથી.

ચીનનો સ્ટેન્ડ શું છે?

ઇમેજ સ્રોત, ANBARASAN/BBC
ચીને લદ્દાખના પૂર્વમાં આવેલા અક્સાઈ ચીન પ્રદેશમાં પહેલાંથી જ કબજો કરેલો છે. ભારત તે વિસ્તાર પોતાનો જ દર્શાવે છે.
ચીન માટે આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વનો છે, કેમ કે શિનજિયાંગ પ્રાંતને પશ્ચિમ તિબેટ સાથે જોડતો રસ્તો અહીંથી પસાર થાય છે.
ચીન સતત કહેતું આવ્યું છે કે વર્તમાન સમયમાં લદ્દાખમાં જે સ્થિતિ છે તે માટે ભારત સરકારની આક્રમક નીતિ જવાબદાર છે.
ચીનની પિપલ્સ લિબરેશન આર્મીના નિવૃત્ત સિનિયર કર્નલ જોહૂ બોએ બીબીસીને જણાવ્યું કે, "ચીનના દૃષ્ટિકોણથી જુઓ તો ભારત લદ્દાખની ગલવાન ખીણમાં રોડ અને બીજાં બાંધકામો કરવા લાગ્યું હતું. ચીનનો દાવો છે કે આ તેની સરહદની અંદર થઈ રહ્યું હતું."
તેઓ કહે છે, "ચીન પરંપરાગત રીતે ભારત-ચીન વચ્ચેની સરહદ રેખાને માનવાના પક્ષમાં છે, પરંતુ ભારત 1962ની પહેલાંથી વાસ્તવિક અંકુશ રેખા પર ભાર મૂકે છે. વાસ્તવિક અંકુશ રેખાને ક્યાંથી ક્યાં ગણવી તે વિશે બંને દેશો વચ્ચે મૂળભૂત રીતે મતભેદ છે."
જોકે કેટલાક વિસ્તારોમાંથી ભારતીય સેનાને પાછી બોલાવી લેવાઈ અને તે પછી બંને દેશો વચ્ચે પેન્ગોગ સરોવર વિસ્તારમાં તંગદિલી છે, તેના કારણે આસપાસનાં ગામના લોકોમાં ચિંતા છે.

સ્થાનિક લોકો પર નિયંત્રણો

ઇમેજ સ્રોત, ANBARASAN/BBC
સરહદ નજીક આવેલા ગામ ચુશૂલમાં અપક્ષ તરીકે જીતેલા નગરસેવક કોનચુક સ્ટેનજિન કહે છે, "ભારતીય સેના સ્થાનિક પશુપાલકોને તેમની આજીવિકા માટે પશુઓને લઈને પહાડોમાં ચરાવવા જવાની મનાઈ કરી રહ્યા છે."
તેમના જણાવ્યા અનુસાર શિયાળામાં પશુઓને ચરાવવા માટે બ્લૅક ટૉપ અને ગોરુંગ પહાડી સુધી પશુઓને લઈ જવા જરૂરી છે.
સ્ટેનજિન કહે છે, "સ્થાનિક લોકો પોતાના પશુઓ સાથે ટૅન્ટ લઈને પર્વતીય વિસ્તારોમાં જાય ત્યારે એક રીતે તેઓ ત્યાં એક નિશાની પણ બનાવે છે."
"સરહદ વિવાદમાં વાતચીત વખતે આ પ્રકારના લૅન્ડમાર્ક ઘણા મહત્ત્વના સાબિત થાય છે. સ્થાનિક લોકો પોતાનાં પરંપરાગત ખેતરોમાં જવાનું છોડી દેશે અને લાંબો સમય તેમ રહેશે તો તેનાથી આપણને નુકસાન થશે."
સ્ટેનજિનની ફરિયાદો સામે ભારતીય સેનાએ એપ્રિલમાં જણાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા હજી સુધી નક્કી થઈ નથી અને સ્થાનિક લોકો પોતાની રીતે તેની ખોટી વ્યાખ્યા કરતા હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સાથે જ ભારતીય સેનાએ એમ પણ જણાવ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં હાલની સ્થિતિને જોતા સ્થાનિક લોકોને સૂચના આપવામાં આવી છે કે પ્રતિબંધિત વિસ્તારો છે ત્યાં પશુઓને લઈને ચરાવવા ના જાય.
હાલના દિવસોમાં જ ભારતમાં કોરોનાની બીજી લહેરનો હાહાકાર મચ્યો હતો એટલે ભારતીય મીડિયામાં તેની ચર્ચા જ વધારે થઈ હતી. તેની સામે ભારત-ચીન સરહદ વિવાદની બહુ ચર્ચા નથી થઈ. પરંતુ જાણકારો કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રશ્ન લાંબો સમય પરેશાન કરતો રહેશે.
આ વિવાદની શરૂઆત થઈ ત્યારે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સરહદ પર કોઈ ઘૂસણખોરી થઈ નથી. તેમના નિવેદનથી સંરક્ષણ વિશેષજ્ઞોમાં ઘણી નિરાશા જોવા મળી હતી.
અજય શુક્લાના જણાવ્યા અનુસાર ત્યારથી અત્યાર સુધીમાં સ્થિતિમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી.
તેઓ કહે છે, "ભારતનું રાજકીય નેતૃત્વ એવું દેખાડવા માગે છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો નથી. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માગે છે. પરંતુ આપણી જમીન પર કબજો થયો છે તેવું જાહેર નહીં કરીએ તો તેને પાછી કેવી રીતે માગીશું."

ભારતીય ટ્રકોનો કાફલો

ઇમેજ સ્રોત, ANBARASAN/BBC
ભારત સરકારને એ ખ્યાલ પણ છે કે ચીન સંરક્ષણની દૃષ્ટિએ બહુ તાકાતવાન બની ગયું છે. બીજું ભારતનો સૌથી વધુ વેપાર પણ ચીન સાથે થઈ રહ્યો છે. ચીનનાં રોકાણ અને આયાત વિના ભારતમાં વેપારમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ભારતમાં કોરોના સંકટ વખતે ચીનમાંથી જ મેડિકલ ઉપકરણો અને મેડિકલ ઓક્સિજન વગેરેની આયાત કરવી પડી હતી.
તેના કારણે જ ઘણા લોકો અરજ કરે છે કે બંને દેશોએ વર્તમાન તણાવને દૂર કરીને સંયમ અને શાંતિ સ્થાપના તરફ આગળ વધવું જોઈએ.
ચીનની સેનાના નિવૃત્ત અફસર જોહૂ કહે છે, "મારું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં અત્યારે સૌથી અગત્યનો સમય નથી. પરંતુ આપણા સંબંધો કેવી રીતે મજબૂત બને તેના પર કામ કરવા માટે આ એક ટર્નિંગ પૉઇન્ટ જરૂર સાબિત થઈ શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












