ભારત-ચીન સીમાવિવાદ : એ ત્રણ મોટાં કારણો જેને લીધે ભારત અને ચીન વચ્ચે વધી રહ્યો છે તણાવ

ઇમેજ સ્રોત, AFP CONTRIBUTOR
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય સેનાએ જણાવ્યું કે ભારત-ચીન સીમા પર ગલવાન ઘાટીમાં સોમવારે રાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 20 જવાનોનાં મૃત્યુ થયાં છે. સેના અનુસાર સંઘર્ષમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને તણાવની સ્થિતિ હતી. તો આવો જાણીએ કે શું છે તેનું કારણ...
ઈશુના જન્મથી 500 વર્ષ પહેલાં ચીનના જાણીતા ફોજી જનરલ સુન ઝુએ 'ધ આર્ટ ઑફ વૉર' નામના પુસ્તકમાં લખ્યું હતું, "જંગની સૌથી ઉત્તમ કળા છે કે લડાઈ વિના જ દુશ્મનને પરાસ્ત કરી દો."
સૈંકડો વર્ષો બાદ પણ ચીનમાં આ પુસ્તકની વાતોને મહત્ત્વની માનવામાં આવે છે, એ જ રીતે જેમ ભારતમાં ચાણક્ય નીતિને માનવામાં આવે છે.
ભારત-ચીન વચ્ચે હાલમાં યથાવત્ સીમાતણાવને સમજવા માટે કદાચ 'જંગની ઉત્તમ કળા'ને ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે.
વર્તમાન સ્થિતિ એ છે કે 1999માં પાકિસ્તાનવાળી સીમા પર કારગિલ બિલ્ડ-અપ બાદ કદાચ ભારતની કોઈ સીમા પર પડોશી દેશના સૈનિકોનો આ સૌથી મોટો જમાવડો હોઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત અને ચીન વચ્ચેની સીમાને વાસ્તવિક નિયંત્રણ રેખા કે એલએસી કહેવાય છે, એટલે કે 1962ની લડાઈ બાદની વાસ્તવિક સ્થિતિ.
રક્ષા મંત્રાલયના સૂત્ર જણાવે છે કે આની શરૂઆત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં થઈ હતી, જ્યારે લદ્દાખ બૉર્ડર એટલે કે લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ પર "ચીન તરફથી સૈનિકોની ટુકડીઓ અને ટ્રકોની સંખ્યામાં વધારો થયો હતો."
બાદમાં મે મહિનામાં સીમા પર ચીની સૈનિકોની ગતિવિધિઓ નોંધાઈ હતી, ચીની સૈનિકો લદ્દાખમાં સીમાનું નિર્ધારણ કરતા સરોવરમાં પેટ્રોલિંગ કરતા જોયા હોવાની વાત સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મામલાની ગંભીરતાનો અંદાજ એ પરથી પણ લગાવી શકાય કે કેટલાક દિવસો પહેલાં સેનાધ્યાક્ષ જનરલ નરાવણે સીમાની મુલાકાત લીધી હતી.
વર્તમાન તણાવ એટલે પણ વધ્યો કે મંગળવારે કોઈ દેશનું નામ લીધા વિના ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 'સેનાને તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા.'
આ દરમિયાન દિલ્હીમાં ત્રણેય સેનાપ્રમુખોની બેઠકો ચાલુ હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત તેમની મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ થઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ભારત-ચીન સીમાવિવાદમાં મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મામલો આંતરરાષ્ટ્રીયસ્તરે પહોંચ્યો.

કારણ સામરિક?

ઇમેજ સ્રોત, Getty Images
2017માં ડોકલામ ક્ષેત્રમાં ભારતીય અને ચીન સૈનિકો વચ્ચે મુક્કાબાજી, હાથાપાઈ અને ખેંચતાણના વીડિયો વાઇરલ થયા હતા અને ઘણા દિવસો પછી આ વિવાદ ખતમ થયો હતો.
ભારત અને ચીન વચ્ચેનો સીમાવિવાદનો ઇતિહાસ આમ તો દશકો જૂનો છે, પરંતુ તાજેતરના વિવાદનાં મુખ્ય ત્રણ કારણ દેખાય છે.
સ્વાભાવિક રીતે જ પહેલું કારણ છે સામરિક. આ બે એવા પડોશી છે જેની સૈનિકોની સંખ્યા દુનિયામાં પહેલા અને બીજા નંબરે ગણાવાય છે અને તેમની વચ્ચે પરસ્પર વિરોધનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.
આ સમયે પણ એ વિસ્તાર ફરી વાર ચર્ચામાં છે, જ્યાં 1962માં બંને વચ્ચે જંગ થયો હતો અને ચીનનો દાવો છે કે તેણે તેમાં બાજી મારી હતી.
તણાવનું મોટું કારણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય બૉર્ડર વિસ્તારમાં તેજ થતું નિર્માણકાર્ય પણ હોઈ શકે છે. રક્ષા મામલાના જાણકાર અજય શુક્લા કહે છે કે 'રસ્તાઓ એક મોટું કારણ છે.'
તેઓએ કહ્યું, "સામાન્ય રીતે શાંત રહેલી ગલવાન ઘાટી હવે એક હૉટસ્પૉટ બની ગઈ છે, કેમ કે અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા છે, જેની પાસે ભારતે શિયોક નદીથી દૌલત બેગ ઓલડી (ડીબીઓ) સુધી એક રસ્તો બનાવી લીધો છે. આખા લદ્દાખમાં એલએસી વિસ્તારમાં આ સૌથી દુર્ગમ વિસ્તાર છે."

ઇમેજ સ્રોત, YAWAR NAZIR
લગભગ બધા જ જાણકારો એ વાત સાથે સહમત થતાં જોઈ શકાય છે કે ચીનના સીમાવિસ્તારમાં નિર્માણ અને દેખરેખ હંમેશાં સારી રહી છે. સીમાવર્તી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓમાં પણ ચીન ભારતથી ઘણું આગળ રહ્યું છે.
ભારતીય ભૂમિદળના પૂર્વ પ્રમુખ જનરલ વીપી મલિકને લાગે છે, "ચીનની વધતી બેચેનીનું એક અન્ય કારણ પણ છે. ચીની ફોજની એક રીતે રહી છે કે ક્રીપિંગ (ધીમે રહીને આગળ વધવું). ગતિવિધિઓના માધ્યમથી વિવાદિત વિસ્તારોને ધીમેધીમે પોતાના અધિકાર ક્ષેત્રમાં સામેલ કરી લેવા. પણ તેના વિકલ્પ ઓછા થઈ રહ્યા છે, કેમ કે હવે ભારતીય સીમા પર વિકાસ થઈ રહ્યો છે અને પહોંચ વધી રહી છે."
હિંદુસ્તાન ટાઇમ્સમાં રક્ષા સંબંધી મામલાને કવર કરતાં વરિષ્ઠ પત્રકાર રાહુલ સિંહ પણ એ વાત સાથે સહમત થાય છે અને કહે છે કે "છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય સીમાઓને સારી બનાવવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે."
તેમના અનુસાર, "પહેલાં પણ સીમા પર બંને સેનાઓના સૈનિકો વચ્ચે નાનુંમોટું ઘર્ષણ થતું હતું. ડોકલામ પહેલાં પણ 2013 અને 2014માં ચુમારમાં આવી જ ઘટનાઓ સામે આવી હતી. પણ આ વખતની ગતિવિધિઓનું પ્રમાણ બહુ મોટું છે."
પૂર્વ મેજર જનરલ અશોક મહેતાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર વધતી કથિત ચીની ગતિવિધિઓનું મોટું કારણ "પુલ અને હવાઈપટ્ટીઓનું નિર્માણ ગણાવ્યું છે, જેના કારણે ભારતીય પેટ્રોલિંગ વધી ગયું છે."
તેઓએ પણ કહ્યું કે "આ સામાન્ય નથી. જોકે ભારતીય સેનાપ્રમુખે શરૂઆતમાં કહ્યું હતું કે આ પ્રકારના મામલા થતા રહે છે અને સિક્કિમની ઘટનાનો ગલવાન ઘાટીમાં થયેલી ઘટનાથી નથી. પણ મારા મતે બધા મામલા એકબીજા સાથે જોડાયેલા છે. એ ન ભૂલવું જોઈએ કે જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો ખતમ કરીને નવા બે કેન્દ્રશાસિત પ્રદેશોના નકશા જાહેર કર્યા ત્યારે ચીન એ વાતથી રાજી નહોતું કે લદ્દાખના ભારતીય ક્ષેત્રમાં અક્સાઇ ચિન પણ હતું."

આર્થિક કારણ?

ઇમેજ સ્રોત, MIKHAIL SVETLOV
દુનિયાની બધી આર્થિક વ્યવસ્થાઓ છેલ્લાં પાંચ મહિનાથી કોરોના વાઇરસને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે.
ચીન, અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ સહિત ભારત અને દક્ષિણ એશિયાના દેશોનો અનપેક્ષિત વિકાસદર ન માત્ર ઘટ્યો છે, પરંતુ બેરોજગારી અને ઠપ થતાં વ્યવસાયોને પાટે લાવવા સરકારોએ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
મોટા ભાગના લોકો તેની તુલના 1930ના 'ધ ગ્રેટ ડિપ્રેશન' સાથે પણ કરે છે. આ દરમિયાન 17 એપ્રિલે ભારત સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો.
કેન્દ્ર સરકારે દેશમાં થતાં પ્રત્યક્ષ રોકાણ એટલે કે એફડીઆઈના નિયમો એ પડોશીઓ માટે કડક કરી દીધા, જેમની સરહદ એકબીજા સાથે જોડાયેલી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નવા નિયમ હેઠલ કોઈ પણ ભારતીય કંપનીમાં ભાગ લેતા પહેલાં સરકારી મંજૂરી અનિવાર્ય કરી દીધી છે, કેમ કે પડોશીઓમાં સૌથી વધુ વેપાર ચીન સાથે છે, તો તેની સૌથી વધુ અસર પણ તેને થશે.
આ નિર્ણયનાં મુખ્ય કારણોમાંથી એક હતું ચીનની સેન્ટ્રલ બૅન્ક 'પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના'ની ભારતની સૌથી મોટી ખાનગી બૅન્ક 'એચડીએફસી'ના 1.75 કરોડ શૅરની ખરીદી. આ પહેલાં ચીન ભારતીય કંપનીઓમાં 'બેધડક' રોકાણ કરતું હતું.
આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના જાણકાર અને જામિયા મિલિયા ઇસ્લામિયાના પૂર્વ પ્રોફેસર એમએમ ખાનનું માનવું છે, "ફોજ અને આર્થિક એ જ ક્ષેત્ર છે જ્યાં ચીન પોતાનું વૈશ્વિક વર્ચસ્વ રાખવા માટે વિદેશનીતિને સમયેસમયે બદલતું રહે છે."
તેઓએ કહ્યું, "કોરોના બાદ દુનિયાનાં શૅરબજારોમાં અફરાતફરી મચી છે અને ચીન મોટા દેશની કંપનીઓમાં રોકાણ કરી રહ્યું છે. તમે દક્ષિણ એશિયાને જુઓ. શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને ટેકનૉલૉજીની મોટી કંપનીઓમાં ચીની દેવું કે રોકાણ મળી જ રહેશે."
અને હવે ભારતે એકાએક પોતાની એફડીઆઈ નીતિમાં એક મોટો ફેરફાર કર્યો છે તો શક્ય છે કે ચીનની વિદેશનીતિ તેનાથી થોડું અસહજ અનુભવી રહી છે.

કોરોના વાઇરસ અને ચીન બૅકફૂટ પર?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ 194 સભ્યો દેશોવાળી વર્લ્ડ હેલ્થ ઍસૅમ્બલીમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે આ મામલે તપાસ થવી જોઈએ કે દુનિયાભરમાં નુકસાન પહોંચાડનારો કોરોના વાઇરસ ક્યાંથી શરૂ થયો. આ ઍસૅમ્બલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નું પ્રમુખ નીતિનિર્ધારક એકમ છે.
બીજા દેશો સાથે ભારતે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
ચીનનો બચાવ કરતાં સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીને આ મામલે પારદર્શિતા અને જવાબદારીથી કામ કર્યું છે.
શી જિનપિંગે કહ્યું હતું, "અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સંબંધિત દેશોને સમય પર બધી જાણકારી આપી હતી. કોરોના પર કાબૂ મેળવ્યા બાદ ચીન કોઈ પણ તપાસનું સમર્થન કરે છે."
ચીન આ સમયે કોરોના વાઇરસનો સ્રોત અને શરૂઆતમાં ખોટાં પગલાં ભરવાને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં ચીને જોરશોરથી તેનો વિરોધ કર્યો છે.
સૌથી વધુ ટીકા અમેરિકાથી થઈ રહી છે જ્યાં કોરોનાથી મરનારની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.
અમેરિકાના આર્થિક વિકાસ, ઊર્જા અને પર્યાવરણ મામલાના મંત્રી કીથ ક્રૈચે કહ્યું હતું કે "ટ્રમ્પ પ્રશાસન ચીનને કોજિવ-19 પર ચૂપ રહેવાને કારણે દંડિત કરવાનું વિચારી રહ્યું છે."
હિંદુસ્તાન ટાઇમ્સમાં રક્ષા સંબંધી મામલાને કવર કરતાં પત્રકાર રાહુલ સિંહ માને છે કે "વુહાનમાં કોરોના વાઇરસ ફેલાતા અને બાદમાં વૈશ્વિક નિંદા વચ્ચે ભારત-ચીન સીમાવિવાદના સમાચાર આવ્યા પછી ફોકસ તો બદલાઈ શકે છે."
વૉશિંગ્ટનમાં બીબીસી સંવાદદાતા વિનીત ખરે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં ચીન સામેના કડક વલણને રિપોર્ટ કરતા રહ્યા છે.
તેઓએ જણાવ્યું કે હવે અમેરિકા મીડિયામાં ભારત-ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા સમાચારોને અન્ય એંગલથી પણ જોવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉદાહરણ તરીકે સીએનએનની વેબસાઇટમાં ચીન પર છપાયેલા એક લેખમાં લખ્યું છે, "આ પહેલી વાર નથી કે બીજિંગે 'સાઉથ ચાઇની સી'માં પહેલી વાર પોતાની તાકતનું પ્રદર્શન કર્યું છે કે પછી ભારત સાથે સીમા પર વિવાદ છેડ્યો હોય. પરંતુ જ્યારે આ સમયે વૉશિંગ્ટન અને નવી દિલ્હીમાં રાજકીય નેતાઓનું ધ્યાન કોરોના વાઇરસ સાથે જોડાયેલી આંતરિક બાબતો પર છે, ચીન પાસે એક મોકો છે કે કેવી રીતે આ બંને વિસ્તારોમાં ફાયદો ઉઠાવે, જેથી કોરોના વાઇરસ મહામારી ખતમ થયા બાદ તેને બદલી ન શકાય."
વિનીત ખરે જણાવે છે કે આ સિવાય કેટલાક સમય પહેલાં દક્ષિણ એશિયા માટે અમેરિકાનાં મુખ્ય રાજદ્વારી એલિસ વેલ્સ નેહાલે હાલમાં એક કાર્યક્રમમાં કહ્યું, "જો કોઈને ચીનના અતિક્રમણને લઈને શંકા હોય તો તેઓએ ભારત સાથે વાત કરવી જોઈએ. જ્યાં ભારતને દર અઠવાડિયે, મહિને, નિયમિત રીતે ચીનની મિલિટરી તરફથી પરેશાન કરાઈ રહ્યું છે."
ભારત-ચીન સીમા પર વધેલી ગતિવિધિઓનાં આ ત્રણ કારણો સિવાય અન્ય પણ હોઈ શકે છે અને તેના પર આગળ પણ ચર્ચા ચાલુ રહેશે.
હાલમાં ચીનના વિદેશ મંત્રાલય અને રાજદૂત બંનેએ પોતાના વલણમાં થોડી નરમાશ દેખાડી છે. રાજદૂત સન વિડોંગનું કહેવું હતું કે "ભારત અને ચીન એકબીજા માટે તક છે, ખતરો નથી."
પૂર્વ ભારતીય સેનાપ્રમુખ જનરલ વીપી મલિક માને છે કે "આ રીતના વિવાદોનું નિરાકરણ કૂટનીતિક કે રાજનીતિક જ હોઈ શકે છે."
જોકે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું કે "વર્તમાન વિવાદમાં સૈન્યઉકેલ ફેલ થઈ ગયો છે અને જ્યાં-જ્યાં આંતરિક તકરાર છે એ લંબાઈ શકે છે."

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














