ભારત-ચીન સીમાવિવાદ : જ્યારે 'ટાઇગર'સેનાએ ડ્રેગનની આંખોમાં આંખ નાખી જડબાતોડ જવાબ આપ્યો

ચીની સૈનિકો સાથે અથડામણ સમયની તસવીર

ઇમેજ સ્રોત, Defence publication

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે, આ ઘટના નવ ડિસેમ્બર 2022ના દિવસે થઈ હતી.

ભારતીય સેનાએ બીબીસીને જણાવ્યું હતું કે, નવ ડિસેમ્બરે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ઘૂસ્યા, જેના જવાબમાં ભારતે વળતી કાર્યવાહી કરી. આ ઘર્ષણમાં બન્ને પક્ષોના કેટલાક સૈનિકોને ઇજા પહોંચી છે.

ભારતીય સેના અનુસાર બન્ને દેશોના સૈનિકો તાત્કાલિક ઘટનાસ્થળેથી પાછળ હટી ગયા છે. ઘર્ષણ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે વિસ્તારના કમાંડરે તેમના ચીની સમકક્ષ સાથે ફ્લૅગ સ્તરની વાતચીત કરી.

ભારતના એક પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ભારતીય સંરક્ષણ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સૈનિકોની સરખામણીએ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.

લદ્દાખની ગણવાન ખીણમાં 15 જૂન 2020ના રોજ બન્ને દેશોના સૈનિકોએ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે. એ વખતે ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાયને ઈજા પહોંચી હતી.

તાજેતરનો ઘટનાક્રમ 1967માં 'નાથુ લા' ખાતેના ભારત-ચીન સંઘર્ષના 'ઍક્શન રિપ્લે' જેવો છે. 1962માં ચીન સામેના યુદ્ધમાં પરાજય બાદના ઘટનાક્રમમાં ભારતનો હાથ ઉપર રહેતાં સેનાનું મનોબળ વધ્યું હતું.

આ અથડામણમાં ભારત તરફથી 'ટાઇગર નાથુ લા'એ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સમગ્ર ઘટનાક્રમ ઉપર ફિલ્મનિર્માતા જે.પી. દત્તાએ 'પલટન' નામની ફિલ્મ પણ બનાવી છે.

line

'માત્ર 150-200 ફૂટ દૂર ચાઇનીઝ'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

1965માં પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન ભારત ઉપર દબાણ વધારવા ચીને પૂર્વનો મોરચો ખોલ્યો, જેના કારણે ભારતે 'ઝેલેપ લા' ઘાટનો કબજો ગુમાવી દીધો.

ભારતના સદનસિબે વ્યૂહાત્મક દૃષ્ટિએ ત્યાંથી અમુક માઈલ જ દૂર અને મહત્ત્વપૂર્ણ એવું 'નાથુ લા' ભારત પાસે રહી ગયું. તેનાં બે વર્ષ બાદ જ સિક્કિમમાં બંને દેશના સૈનિકો વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ થયું હતું.

નાથુ લા ખાતે ફરજ બજાવી ચૂકેલા મેજર જનરલ શેરુ થપિયાલે 'ઇન્ડિયા ડિફેન્સ રિવ્યૂ'ના તા. 22મી સપ્ટેમ્બરના અંકમાં લખ્યું :

"નાથુ લા ખાતે તહેનાત બંને દેશોની સેનાઓનો દિવસ કથિત સીમા ઉપર પેટ્રોલિંગથી શરૂ થતો. આ દરમિયાન બંને દેશના સૈનિકો વચ્ચે કોઈ ને કોઈ વાતે બોલાચાલી થતી."

"રાજકીય કમિસાર (એક હોદ્દો) ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી શકતા હતા. તેણે પહેરેલી ટોપી ઉપર લાલ કપડું વિંટળાયેલું રહેતું."

તેઓ આગળ ઉમેરે છે, "ત્યાં નહેરુ સ્ટૉન હતો. 1958માં ત્યાંથી જ ટ્રૅકિંગ કરીને તત્કાલીન વડા પ્રધાન જવહારલાલ નહેરુએ ભૂટાનમાં પ્રવેશ કર્યો હતો. થોડા દિવસ બાદ વધુ એક વખત ભારત-ચીન સૈનિકો વચ્ચે બોલાચાલી થઈ, જે ઝપાઝપીમાં પરિણામી."

"છઠ્ઠી સપ્ટેમ્બર, 1967ના દિવસે ભારતીય સૈનિકોએ ચીનના રાજકીય કમિસારને ધક્કો દઈને પછાડી દીધા, જેના કારણે તેમના ચશ્મા તૂટી ગયા."

કર્નલ બિશનસિંહની તસવીર

ઇમેજ સ્રોત, Col Bishan Singh Family

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું :

"1967માં નાથુ લા ખાતે અમે અને ચાઇનિઝ માત્ર 150-200 ફૂટના અંતરે હતા. સપ્ટેમ્બર-1967માં બંને દેશ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો, તે પહેલાં અનેક વખત અમારી વચ્ચે છૂટક અથડામણો (ક્લોઝ કૉમ્બેટ) થતી."

"દુશ્મન તમારી આટલો નજીક હોય એટલે તમારામાં અને ટૂકડીમાં સ્વાભાવિક રીતે જ એક અંડર-કરંટ હોય છે."

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહ એ સમયે સેનામાં મેજર હતા અને ઑગસ્ટ-1967માં 'નાથુ લા'માં કંપની કમાન્ડર તરીકે પદભાર સંભાળ્યો હતો. પરંપરા પ્રમાણે, આ પદ સંભાળનાર 'ટાઇગર નાથુ લા' તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારે પણ બંને દેશના સૈનિકો સામ-સામે આવી જતા હતા અને મુક્કેબાજી, પથ્થર, સંગીન અને રાયફલ બટ્ટ (નીચેનો ભાગ)થી ઘર્ષણ થતું.

મેજર જનરલ વિજય કુમાર સિંહ તેમના પુસ્તક Leadership in the Indian Army: Biographies of Twelve Soldiersમાં નોંધે છે કે 'ચીન સાથેના એ સંઘર્ષમાં સૈન્ય નેતૃત્વે દાખવેલી ચપળતાને કારણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવું 'નાથુ લા' આજે ભારત સાથે જોડાયેલું છે.' (પૃષ્ઠ ક્રમાંક 309, 310)

'નાથુ લા'નું મહત્ત્વ

નાથુ લા ઘાટની તસવીર

'નાથુ લા' સિક્કિમ તથા તિબેટને જોડે છે. ભારત અને ચીન વચ્ચે આ માર્ગે આર્થિક વેપાર થતો હતો. તિબેટિયન ભાષામાં 'નાથુ'નો મતલબ 'સાંભળનાર કાન' અને 'પાસ'નો અર્થ 'ઘાટ' એવો થાય છે.

1950માં ચીને તિબેટને પોતાને આધિન કરી લીધું, ત્યારબાદ ચીન વિરુદ્ધ અવાજ ઉઠવાનો શરૂ થયો.

1959માં તિબેટિયન શરણાર્થીઓ 'નથુ લા'ના વેપારમાર્ગે જ ભારતમાં પ્રવેશ્યા હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ બાદથી આ વેપારમાર્ગને બંધ કરી દેવાયો હતો.

1962માં ભારત ચીન યુદ્ધ દરમિયાન બંને દેશ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ભારતના ત્રણ હજાર 250 જેટલા સૈનિકોની ખુવારી થઈ (મૃત્યુ, લાપત્તા અને ઈજાગ્રસ્ત સહિત). ચીન દ્વારા એક તરફી સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી, પરંતુ ત્યાર સુધીમાં ભારતે અક્સાઈ ચીનના 43 હજાર કિલોમીટર જેટલા વિસ્તાર પરથી કબજો ગુમાવી દીધો હતો.

આ પહેલાં ભારતમાં 'હિંદી-ચીની ભાઈ-ભાઈ'નો નારો ગૂંજતો હતો.

1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારતે 'ઝેલેપ લા' ખાલી કરી દીધું હતું, જેની ઉપર ચીનનો કબજો થઈ ગયો, પરંતુ મેજર જનરલ સગતસિંહના નિર્ધારને કારણે 'નાથુ લા' ભારત પાસે રહી જવા પામ્યું.

વર્ષ 2006માં આ વેપારમાર્ગ ફરી ખુલ્યો. નિષ્ણાતોના મતે નાથુ લા વેપારમાર્ગને ફરીથી ખોલવોએ સિક્કિમ ઉપર ભારતના પ્રભુત્વનો ચીન દ્વારા અપ્રત્યક્ષ સ્વીકાર હતો.

આ પહેલાં ચીન સિક્કિમ પર પોતાનો દાવો કરતું રહ્યું છે. બંને દેશ વચ્ચે 2174 માઇલની સરહદ આવેલી છે.

2017માં ડોકલામ ખાતે લગભગ અઢી મહિના સુધી બંને દેશની સેના આવી જ રીતે સામે-સામે આવી ગઈ હતી.

ડર, નેતા અને નેતૃત્વ

ફિલ્મ 'પલટન'ના શૂટિંગ સમયે નાતુ લા પહોંચેલા કર્નલ બિશનસિંહ (એકદમ ડાબે) તથા સૈન્ય અધિકારીઓની તસવીર

ઇમેજ સ્રોત, Col Bishan Singh Family

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'પલટન'ના શૂટિંગ સમયે નાથુ લા પહોંચેલા કર્નલ બિશનસિંહ (એકદમ ડાબે) તથા સૈન્ય અધિકારીઓ

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહના કહેવા પ્રમાણે, "દુશ્મન આટલો નજીક હોય ત્યારે સ્વાભાવિક રીતે જ અંદરથી ડર તો લાગે, પરંતુ આવા સમયે જ નેતૃત્વની કસોટી થાય છે અને નેતૃત્વનું કૌશલ્ય બહાર આવે છે."

"કમાન્ડર તરીકે તમે ડરને ચેહરા પર આવવા ન દઈ શકો, અન્યથા તેનાથી ટૂકડીના મનોબળ ઉપર નકારાત્મક અસર થઈ શકે છે."

"આવા સમયે પલટનનો નારો લગાવડાવવાથી ખુદનો ડર પણ દૂર થાય છે અને ટૂકડીના મનોબળમાં પણ વધારો થાય છે, જે છૂટક અથડામણો સમયે બહુ મદદરૂપ થયો."

2 ગ્રૅનેડિયરનો નારો 'સર્વદા શક્તિશાળી' છે. તેઓ કહે છે કે રેજિમૅન્ટનાં નામ અને ગૌરવ માટે સૈનિક મરવા અને મારવા માટે તૈયાર થઈ જાય છે.

મનોવિજ્ઞાક દૃષ્ટિએ જોવામાં આવે તો પલટનના યુદ્ધઘોષ કે 'ભારત માતા કી જય' જેવા નારા લગાવડાવવાથી સમૂહના ઉત્સાહ, શિસ્ત અને મનોબળમાં વધારો થાય છે. સેનામાં કરાવવામાં આવતી પરેડ અને કદમતાલ જેવી કવાયતો પરસ્પર સામંજસ્ય કેળવવામાં મદદરૂપ થાય છે.

બે વર્ષ સુધી ચાલ્યું ટ્રૅલર

નાથુ લા પાસે ખાતે ભારત-ચીની સૈનિકની ફાઈલ તસવીર
ઇમેજ કૅપ્શન, નાથુ લા પાસે ખાતે ભારત-ચીની સૈનિકની ફાઈલ તસવીર

પોતાના પુસ્તકમાં મેજર જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ નોંધે છે કે 17 માઉન્ટેન ડિવિઝનના જનરલ કમાન્ડિંગ ઑફિસર ઇન-કમાન્ડ મેજર જનરલ સગતસિંહ હતા. 1965માં પીછેહઠની છૂટ હોવા છતાં તેમણે સૈનિકોને નાથુ લા છોડવા ન દીધું, કારણ કે વ્યૂહાત્મક દૃષ્ટિએ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે.

ચીન દ્વારા ભારતીય સૈનિકોનું મનોબળ તોડવા માટે સ્પીકર ઉપર હિંદીમાં ઓછો પગાર, ઓછી સવલતો તથા અધિકારીઓને મળતી સુવિધાઓની કૅસેટ લાઉડસ્પીકર ઉપર વગાડવામાં આવતી હતી. ભારતીય સૈનિકોનું મનોબળ તૂટે તે હેતુથી આમ કરવામાં આવતું.

જોકે મેજર જનરલ સગતસિંહે 'જેવા સાથે તેવા'ની વ્યૂહરચના અપનાવી અને ચાઇનિઝ ભાષામાં સંદેશા રૅકર્ડ કરાવીને ભારતની બાજુએ વગાડવાનું શરૂ કર્યું, આવું બે વર્ષ સુધી ચાલ્યું.

લેખક મેજર જનરલ વી. કે. સિંહ આગળ જતાં ભારતીય સેનાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. હાલમાં તેઓ ભાજપની ટિકિટ ઉપર ગાઝિયાબાદની બેઠક ઉપરથી સંસદસભ્ય છે. તેઓ બંને મોદી સરકારમાં પ્રધાન પણ બન્યા.

વાડ મુદ્દે વાંધો

ભારત-ચીનના સૈનિકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહના કહેવા પ્રમાણે, "શિખરની ટોચના આધારે સરહદ નક્કી થયેલી હોય છે, જેનું જમીન ઉપર નિરુપણ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ બંને દેશના સૈનિકો પરસ્પર સામંજસ્યથી એક હદ નક્કી કરી લેતા હોય છે અને પેટ્રોલિંગ માટે એકબીજાના વિસ્તારમાં પ્રવેશતા નથી."

"પરંતુ વરસાદને કારણે આ ભેદરેખા ભૂંસાઈ જાય છે અને સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે. ઑગસ્ટ-1967માં ચીને નવાં બંકર બનાવવાની અને જૂનાં બંકર રિપૅર કરવાની કામગીરી શરૂ કરી. ચોમાસા દરમિયાન ચીને ખાઈ ખોદી."

"ભારતને લાગતું હતું કે તે ભારતનો વિસ્તાર છે, એટલે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હૅડક્વાર્ટરે કાંટાળી વાડ નાખવાનો નિર્દેશ આપ્યો."

ભારત દ્વારા વાડ નાખી દેવામાં આવી, જે મુદ્દે ચીનના સૈનિકો સાથે ઘર્ષણ થયું. બાદમાં ભારતે ફૅન્સિંગને વધુ મજબૂત કરવા માટે કેટ ફૅન્સિંગ કરવાનું નક્કી કર્યું.

line

એ દિવસ હતો 9/11

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

70 ફિલ્ડ કંપનીના એંજિનિયર તથા 18 રાજપૂતના જવાનોએ વાડ લગાવી શરૂ કરી, જ્યારે 2 ગ્રૅનેડિયર્સ તથા સેબુ લા ખાતેની ઑબ્ઝર્વેશન પોસ્ટને કોઈ પણ અપ્રિય ઘટના માટે સાવધ રહેવાનું કહેવામાં આવ્યું.

2 ગ્રૅનેડિયર્સના કમાન્ડિંગ ઓફિસર લેફટનન્ટ કર્નલ રાયસિંહ પોતાની કમાન્ડો પ્લાટૂન સાથે ઊભા હતા, ત્યાં ચીનના રાજકીય કમિસાર પોતાના કેટલાક સૈનિકો સાથે પહોંચ્યા, અને કામ અટકાવી દેવા કહ્યું. રાયસિંહે કામ ન અટકાવવા સૂચના આપી.

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહ કહે છે, "આથી તા. 11મી સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યા આજુબાજુ એંજિનિયરિંગ ટીમની મદદથી વાડબંધીની કામગીરી શરૂ થઈ. આ મુદ્દે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે બોલાચાલી અને અથડામણ થઈ."

"અમુક કલાકની કામગીરી બાદ અચાનક જ ચીનના પક્ષેથી ગોળીબાર શરૂ થઈ ગયો, ભારતીય સૈનિકો ખુલ્લામાં હતા અને તેમની પાસે છૂપાવાની કોઈ જગ્યા ન હતી એટલે શરૂઆતના સમયમાં ભારતના પક્ષે મોટી ખુંવારી થઈ."

લૅફટનન્ટ કર્નલ રાય સિંહને બંકર (સૈનિકો માટેનું નિરીક્ષણ તથા છૂપાવવા માટેનું સ્થળ) બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી, છતાં તેઓ ખુલ્લામાં આવ્યા અને તેમને પણ ગોળી લાગી, આથી ગ્રૅનેડિયર્સની પલટનમાં આક્રોશ ભરાઈ ગયો.

18 રાજપૂત રાયફલ્સના મેજર હરભજનસિંહે સ્થિતિને પારખીને જે બંકરમાંથી ચીની સૈનિકો દ્વારા ફાયરિંગ થઈ રહ્યું હતું તે બંકર તરફ ધસી ગયા અને સાથીઓ સાથે સામા પક્ષના સૈનિકોને શાંત કરી દીધા.

line

'હે ભગવાન, જમાઈની રક્ષા કર'

રામદેવ પીરની તસવીર

ઇમેજ સ્રોત, RAMDEVPIR.ORG

ઇમેજ કૅપ્શન, રામદેવપીર અનેક લોકો માટે લોકદેવતા

રાઠોડ મેજર બિશનસિંહના સસરા અને શિવસિંહ સેનામાં કર્નલપદે નિવૃત્ત થયા હતા, તેઓ રામદેવપીરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા.

કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહનાં પત્ની જતન કવરના કહેવા પ્રમાણે: "1967માં સિક્કિમ ખાતે પરિસ્થિતિ સ્ફોટક બની, ત્યારે મારા પિતા પગપાળા રામદેવરા જઈ રહ્યા હતા. રસ્તામાં અન્ય પદયાત્રીઓ સાથે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા."

"તેમણે સપનું જોયું કે તેમના જમાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. અચાનક જ તેઓ ઊંઘમાંથી ઉઠી ગયા અને બોલ્યા, 'હે ભગવાન, જમાઈ સાની રક્ષા કરજે.' અન્ય શ્રદ્ધાળુઓ તેમને ધીરજ બંધાવી, પરંતુ તેઓ બેબાકળા બની ગયા હતા."

"તેમને માહિતી મેળવવી હતી એટલે રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર ઉપલબ્ધ હોય તેવી જગ્યાએ પહોંચવા માગતા હતા."

રામદેવરાએ બાબા રામદેવજીનું સમાધિસ્થળ છે, તેમને હિંદુ-મુસ્લિમ સમાન રીતે માને છે એટલે તેમને બંને કોમની એકતાના પ્રતીક માનવામાં આવે છે. તેઓ 'રામદેવ પીર' કે 'રામા પીર' તરીકે પણ ઓળખાય છે.

રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ અને પાકિસ્તાનમાં પણ તેમના શ્રદ્ધાળુઓ છે, જેઓ રામદેવરાના વાર્ષિક મેળામાં એકઠા થાય છે.

બીજી બાજુ, જતન કંવરના ભાઈ રામેશ્વર પડી ગયા હતા, તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પુરા દિવસો હોવાને કારણે જતન કંવર અગાઉથી જ હૉસ્પિટલમાં હતાં.

જતન કંવર કહે છે કે 'મારો ભાઈ રામેશ્વર પોતાની સાથે ટ્રાન્ઝિસ્ટર લાવ્યો હતો, જેમાં મેં લડાઈના સમાચાર સાંભળ્યા. મને પ્રસવપીડા ઉપડી અને મેં પુત્રને જન્મ આપ્યો.'

તોપમારો, ત્રિપુટી અને પુનરાવર્તન

1962ના ભારત-ચીન યુદ્ધ સમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1962ના ભારત-ચીન યુદ્ધ સમની તસવીર

ચીન દ્વારા તોપમારો શરૂ કરવામાં આવ્યો, પરંતુ તેઓ નિશાન પર વાર ન કરી શક્યા. વહીવટી કારણોસર ભારતને તોપમારાની મંજૂરી મેળવવામાં વાર લાગી ગઈ.

A Talent for War: The Military Biography of Lt Gen Sagat Singhમાં મેજર જનરલ (રિટાયર્ડ) રણધીરસિંહ લખે છે :

"મેજર જનરલ સગતસિંહ, કૉર્પ કમાન્ડર (લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા, જગ્ગી અરોરા) પાસે તોપમારો કરવાની મંજૂરી આપવાની સત્તા ન હતી. પૂર્વ કમાનના વડા લેફટનન્ટ જનરલ સામ માણેકશા હતા."

"એ સમયે સેનાધ્યક્ષ વિદેશમાં હોવાથી તેઓ દિલ્હીમાં હતા, પરંતુ તેઓ તાત્કાલિક ઉપલબ્ધ ન હતા. આથી, મેજર જનરલ સગતસિંહે પોતે જ તોપમારાના આદેશ આપી દીધા."

ફિલ્ડ માર્શલ સામ માણેકશા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્ડ માર્શલ સામ માણેકશા

ભારત ચુંબી ઘાટીમાં થતી તમામ હિલચાલને નિહાળી શકતું હતું. આથી ભારતીય તોપમારાની ધારી અસર થઈ. આ સામસામો તોપમારો આગામી ચાર દિવસ સુધી ચાલુ રહ્યો.

ભારતની તોપોએ યાંગતૂકથી આવતી ચીનની ટ્રકોને નિશાન બનાવી, બધું સ્પષ્ટ રીતે દેખાતું હોવાથી ભારતીય સેનાએ છોડેલા ગોળાનાં નિશાન વેધક નિવડ્યાં.

તોપમારાની મંજૂરી આપી દેવાઈ હોવાની માહિતી અંગે તત્કાલીન લેફટનન્ટ જનરલ સામ માણેકશાએ શાંત કલેજે ઉપસ્થિત લોકોને કહ્યું કે 'મને લાગે છે કે તેઓ 'પ્રિન્સ' વગર જ 'હેમલેટ' (શેક્સપિયરના વિખ્યાત નાટકનો સંદર્ભ) ભજવવા ચાહે છે, હું આપને જણાવું કે કેવી રીતે આ મુદ્દે ડિલ કરવા માગતો હતો.'

15મી સપ્ટેમ્બરે ભારતીય સૈનિકોના શબને રિસીવ કરવા ઇસ્ટર્ન કમાન્ડના વડા લેફટનન્ટ જનરલ સામ માણેકશા, લેફટન્ટ જનરલ જગજીતસિંહ અરોડા અને મેજર જનરલ સગતસિંહ હાજર હતા.

આગળ જતા સગતસિંહ લેફટનન્ટ જનરલ બન્યા, અરોડા પૂર્વ કમાનના વડા બન્યા અને માણેકશા સેનાધ્યક્ષ. ચાર વર્ષ બાદ આ ત્રિપૂટી ફરી એકઠી થઈ. પરસ્પર મતભેદ હોવા છતાં બાંગ્લાદેશનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી, જેના કારણે જનરલ સામ માણેકશાના 'ફિલ્ડમાર્શલ'ની પદવી મળી.

1967ની સિક્કિમ લડાઈ છ દિવસ સુધી ચાલી, જેમાં ભારતના 65 જવાન મૃત્યુ પામ્યા, જ્યારે 145 ઘાયલ થયા. સામે પક્ષે 300 જેટલા સૈનિકોની ખુવારી થઈ.

line

ગોળી, હૉસ્પિટલ અને ગુડ ન્યૂઝ

નથુ લા ખાતે સૈન્ય સ્મારક પાસે જતન કંવરની તસવીર

ઇમેજ સ્રોત, Col Bishan Singh Family

ઇમેજ કૅપ્શન, નથુ લા ખાતે સૈન્ય સ્મારક પાસે જતન કંવર

11મી સપ્ટેમ્બરની અથડામણમાં મેજર બિશનસિંહને પણ ગોળી લાગી હતી. અથડામણ બાદ ઝાંકળનો લાભ લઈને ભારતે તેના અમુક સૈનિકોને પોતાની બાજુ ખસેડ્યા.

ઘાયલ મેજર બિશનસિંહને ત્યાં જ સારવાર આપવામાં આવી, બાદમાં તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળની સિલિગુડી હૉસ્પિટલ મેજર બિશનસિંહનો ઇલાજ ચાલ્યો, અહીં લૅફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા (જગ્ગી અરોડા) એ તેમની મુલાકાત લીધી અને ખબરઅંતર પૂછ્યા.

સાથે જ કહ્યું : "અભિનંદન. એક પરાક્રમ તે નવ મહિના પહેલાં કર્યું હતું, તું પુત્રનો પિતા બન્યો છે." પત્ની જતન કંવરે પુત્રને જન્મ આપ્યો અને દંપતીના ઘરે ભવાનીસિંહના સ્વરૂપે પહેલું પારણું બંધાયું. બાદમાં વધુ એક પુત્રનો જન્મ થયો.

જતન કંવરના કહેવા પ્રમાણે, "તેમના કર્નલ (રિટાયર્ડ) શિવસિંહે તેમના મોટાબાપુ સસરા મેજર જનરલ કલ્યાણસિંહને જાણ કરી હતી, જેમણે લેફ. જનરલ અરોડાને માહિતી આપી."

અને પછી...

સેનાધ્યક્ષ જનરલ પી. પી. કુમારમંગલમ્ દ્વારા મેજર બિશનસિંહને 'સેના મેડલ'થી નવાજવામાં આવ્યા તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Col Bishan Singh Family

ઇમેજ કૅપ્શન, સેનાધ્યક્ષ જનરલ પી. પી. કુમારમંગલમ્ દ્વારા મેજર બિશનસિંહને 'સેના મેડલ'થી નવાજવામાં આવ્યા

2 ગ્રૅનેડિયર્સને ભારે ખુંવારી થઈ હતી, એટલે 'નાથુ લા પાસ'ની કમાન ફરી એક વખત 18 રાજપૂત રેજિમૅન્ટને સોંપવામાં આવી, જેમની પાસેથી ઑગસ્ટ-1967 પહેલાં કમાન હતી.

1962માં ચીનની કાર્યવાહી દરમિયાન પણ સૌથી વધુ ખુંવારી 18 રાજપૂત રેજિમૅન્ટે જ ભોગવી હતી.

વાડબંધીનું કામ ઉચ્ચ સૈન્ય અધિકારીઓની મંજૂરીથી જ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેના કારણે જે ખુંવારી થઈ, તેનાથી સેનાના ઉચ્ચ અધિકારીઓ નારાજ થયા.

ઘર્ષણના ત્રણ મહિનાની અંદર જ ડિસેમ્બર-1967માં મેજર જનરલ સગતસિંહની બદલી 101 કૉમ્યુનિકેશન ઝોન એરિયાના હૅડક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી.

ઘર્ષણ સમયે દાખવેલી બહારદૂરી બદલ લેફટનન્ટ કર્નલ રાયસિંહ અને મેજર હરભજનસિંહ (મરણોપરાંત) મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, કૅપ્ટન પ્રીથિસિંહ ડાગર તથા હવલદાર લક્ષ્મીચંદને મરણોપરાંત વીરચક્ર એનાયત થયા.

મેજર બિશનસિંહને 'સેના મૅડલ'થી નવાજવામાં આવ્યા.

ચીની સૈનિકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ લડાઈથી ભારતીય વૈજ્ઞાનિકોને મનોવૈજ્ઞાનિક લાભ થયો. જનરલ વી. કે. સિંહના કહેવા પ્રમાણે, "1962 બાદ ભારતીય સૈનિકોના મનમાં ચીનીઓનો ભય પેસી ગયો હતો. તેમને લાગતું હતું કે ચાઇનિઝ સુપરમૅન છે અને તેમનો સામનો ન કરી શકાય."

"ભારતના જવાનોને લાગ્યું કે તેમને મારી શકાય અને માર્યા પણ. એક રક્ષા વિશેષજ્ઞે યોગ્ય જ કહ્યું છે કે 'પહેલી વખત ચીનને જડબાતોડ જવાબ મળ્યો.'"

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના ઍસોસિયેટ ઍડિટર સુશાંતસિંહે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું :

"1962 લડાઈમાં ચીનના 740 સૈનિક માર્યા ગયા હતા. આ લડાઈ એક મહિના સુધી ચાલી હતી અને લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી હતી. જો આપણે માનીએ કે 1967માં ત્રણ દિવસમાં ચીને તેના 300 સૈનિકોનું નુકસાન વેઠવું પડ્યું, જે બહુ મોટી સંખ્યા હતા."

"આ લડાઈ બાદ મહદંશે 1962નો ભય નીકળી ગયો. પહેલી વખત ભારતીય જવાનોને લાગ્યું કે ચાઇનિઝ પણ આપણા જેવા છે, તેમને મારી શકાય અને હરાવી પણ શકાય."

line

રિલ લાઇફ, રિયલ લાઇફ

સોનુ સૂદની તસવીર

ઇમેજ સ્રોત, Twitter@SonuSood

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'પલટન'માં સોનુ સૂદે મેજર બિશનસિંહની ભૂમિકા ભજવી

ભારતના સૈન્ય પરાક્રમો ઉપર 'બૉર્ડર', 'એલ.ઓ.સી. કારગીલ' જેવી ફિલ્મનું સર્જન કરનારા જે. પી. દત્તાએ 1967ની લડાઈ ઉપર 'પલટન' નામની ફિલ્મ બનાવી યુદ્ધ-ત્રયી પૂર્ણ કરી.

એ ફિલ્મમાં સોનુ સૂદે મેજર બિશનસિંહની, સોનલ ચૌહાણે તેમનાં પત્ની જતન કંવરની ભૂમિકા ભજવી.

અર્જુન રામપાલે ઉપરી અધિકારી લૅફટનન્ટ કર્નલ રાય સિંહ યાદવને રૂપેરી પડદે કંડાર્યા. આગળ જતાં યાદવ બ્રિગેડિયર તરીકે નિવૃત્ત થયા અને માર્ચ-2017માં તેમનું દેહાવસાન થયું.

રિયલ લાઇફ 'ટાઇગર નાથુ લા'ના પરિવાર સાથે સોનુ સૂદ

ઇમેજ સ્રોત, Col Bishan Singh Family

ઇમેજ કૅપ્શન, રિયલ લાઇફ 'ટાઇગર નાથુ લા'ના પરિવાર સાથે અભિનેતા સોનુ સૂદ

આ ફિલ્મમાં જેકી શ્રોફે મેજર જનરલ સગતસિંહનો રોલ કર્યો છે.

સપ્ટેમ્બર-2018માં લડાઈના 51 વર્ષ બાદ એ દાસ્તાન ફિલ્મસ્વરૂપે લોકો સુધી પહોંચી. જોકે, કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહ માને છે કે કોઈ અકળ કારણોસર આ ફિલ્મનું જરૂર મુજબ માર્કૅટિંગ કરવામાં આવ્યું ન હતું.

કર્નલ (રિટાયર્ડ) બિશન સિંહ આજે જયપુરમાં પત્ની અને પરિવાર સાથે નિવૃત્તિ જીવન ગાળે છે.

જનરલ વી. કે. સિંહ પોતાના પુસ્તકમાં લખે છે, '1962ના યુદ્ધ બાદ ભારતીય સૈનિકોના મનમાં ચીનનો હાઉ પેસી ગયો હતો, જે મેજર જનરલ સગતસિંહને કારણે હંમેશાને માટે નીકળી ગયો.'

(કર્નલ બિશનસિંહ તથા તેમના પરિવારનું વૃત્તાંત ફેબ્રુઆરી-2019 અને જૂન-2020 દરમિયાન બી.બી.સી. સંવાદદાતા જયદીપ વસંત સાથે થયેલી વાતચીત પર આધારિત)

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો