કોરોનાસંકટમાં આર્થિક બેહાલ ગુજરાતી પ્રજા પર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કેટલો યોગ્ય?

ઇમેજ સ્રોત, JAGADEESH NV
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત સરકારે સોમવાર મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂપિયા બેનો વધારો કરવાની જાહેરાત કરી છે.
સોમવાર મધ્યરાત્રિથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લિટરદીઠ રૂપિયા બેનો વધારો થશે. આ જાહેરાત રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ સતત નવ દિવસમા પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 48 પૈસા (કુલ રૂ. પાંચ) અને ડીઝલના ભાવમાં 23 પૈસા (કુલ રૂ. 4.87)નો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના કહેવા પ્રમાણે કોરોનાના કારણે અલગ-અલગ આવકમાં ઘટાડો થવાનો હોય આ વધારો કરવો જરૂરી હતો તથા આમ છતાં રાજ્યમાં પ્રવર્તમાન દર પડોશી રાજ્યોની સરખામણીએ ઓછા છે.
વિપક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 'શરમ કરો લૂંટેરી સરકાર'ના હૅશટૅગ સાથે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યો તો અર્થશાસ્ત્રના નિષ્ણાતો ખર્ચના મુદ્દે સવાલ ઉઠાવે છે.

આવક, વેરો અને ભથ્થું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાત સરકારનું કહેવું છે કે કોરોનાના કારણે ખર્ચ વધ્યો છે અને લૉકડાઉન જેવાં પગલાંને કારણે કરવેરામાંથી થતી આવક ઘટી છે.
પટેલના કહેવા પ્રમાણે, "કોરોનાને કારણે સ્ટેમ્પ ડ્યુટી (રૂ. ચાર હજારથી રૂ. 4,300 કરોડ), મોટરવાહન કરમાં (રૂ. 1800થી રૂ. બે હજાર કરોડ), વીજકરમાં (રૂ. 1,300 કરોડ) ઘટાડો થવાનો અંદાજ છે."
"જેની સામે જો પેટ્રોલ-ડીઝલનો રાબેતા મુજબ વપરાશ થાય તો રૂ. 1500-1800 કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીને થાય તેમ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય રાજ્ય સરકારની કૉર ગ્રૂપની બેઠકમાં માર્ચ-2021 સુધી મંત્રીઓ તથા ધારાસભ્યોના વેતનમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મોકૂફ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
પટેલે ગુજરાત સરકારના પગલાને તર્કસંગત ઠેરવવા માટે પત્રકારપરિષદમાં પાડોશી રાજ્યમાં પ્રવર્તમાન પેટ્રોલના ભાવ તથા રાજ્યમાં પ્રવર્તમાન દરને રજૂ કર્યા હતા.
વિપક્ષ, સરકાર અને વેરો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર સવાલ ઉઠાવતાં ટ્વીટ કર્યું, 'ધનિકોને જે ભેટો મળે છે, તેની કિંમત ગરીબો અને મધ્યમવર્ગ ચૂકવે છે.' આ સાથે જ તેમણે હૅશટૅગ 'શરમ કરો લૂંટેરી સરકાર' મૂક્યું.
કૉંગ્રેસના દાવા પ્રમાણે, તેના નેતૃત્વવાળી યુ.પી.એ. (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાન્સ)એ સત્તા છોડી તેની સરખામણીએ અત્યારે ક્રૂડઑઈલ 66 ટકા જેટલું સસ્તું છે, છતાં પેટ્રોલ પરની ઍક્સાઇઝ ડ્યૂટી 258 ટકા અને ડીઝલ પરની ડ્યૂટી (820 ટકા) વધુ છે. પેટ્રોલ લિટરદીઠ રૂ. 4.85 અને ડીઝલ લિટરદીઠ રૂ. 19.13 મોંઘું છું.
તેમના ટ્વીટને રી-ટ્વીટ કરીને ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પેટ્રોલ પમ્પને 'જનતાને લૂંટવાનું નવું સરનામું' ગણાવ્યું હતું.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બીબીસીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતાં કહ્યું :"વેટ, સેસ કે બીજા કયા નેજા હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ ભાવવધારો કરવામાં આવ્યો છે, તેની સ્પષ્ટતા કરવી જોઈએ."
"આ સિવાય સરકારની કથિત સિદ્ધિઓ વર્ણવતી જાહેરાતો તથા કૃષિમહોત્સવ, પતંગમહોત્સવ, રણમહોત્સવ, નવરાત્રિ મહોત્સવ જેવા ઉત્સવો બંધ કરીને જનતા ઉપર બોજો નાખવાને બદલે ખર્ચમાં બચત કરી શકાય."
વર્તમાન સ્થિતિને જોતાં રાજ્ય સરકારે તેનું રૂપિયા 190 કરોડનું વિમાન ખરીદવાનું માંડી વાળવું જોઈએ એવો મત પણ પરમારે વ્યક્ત કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત પહેલાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ પણ પેટ્રોલ-ડીઝલ પરના વેરામાં વધારો કર્યો છે.
આ સિવાય કૉંગ્રેસશાસિત પંજાબ, રાજસ્થાન તથા છત્તીસગઢ અને કૉંગ્રેસની યુતિ સરકારવાળા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ગુજરાત કરતાં વધુ હોવાના અહેવાલ છે.
આ વિશે પરમારનું કહેવું છે કે "કરનો દર એ જે-તે રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ ઉપર આધાર રાખે છે. રાજ્યની જનતાની સમસ્યાને વાચા આપવી એ વિપક્ષની ફરજ છે."
ગુજરાત સરકારનું કહેવું છે કે વર્તમાન સરકારે ઑક્ટોબર-2017 તથા ઑક્ટોબર-2018માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે ચાર અને ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો.
'મોંઘવારી વધશે'

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશાસ્ત્રી અને પ્રોફેસર હેમંતકુમાર શાહના કહેવા પ્રમાણે, "વર્ષ 2014થી અત્યાર સુધીની ક્રૂડઑઈલની સરેરાશ કાઢવામાં આવે તો કેન્દ્ર સરકારની તિજોરીને રૂપિયા 20 લાખ કરોડનો ફાયદો થયો હશે. ત્યારે આ નાણાં ક્યાં ગયાં તે એક મોટો સવાલ છે."
રાજ્ય સરકારના સંદર્ભે પગલાંની સમીક્ષા કરતાં પ્રો. શાહ કહે છે, "લૉકડાઉનના બે મહિના દરમિયાન વાહનવ્યવહાર ઠપ હોવાને કારણે પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટી ગયું હતું. રાજ્ય સરકારની મોટી આવક ઈંધણના વેચાણ પરના ટૅક્સમાંથી થાય છે."
"આ સિવાય 'સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સની આવક ઘટી છે. બીજી બાજુ, આવક વધારવાના બહુ થોડા વિકલ્પ છે. ડિઝલ એ મહદંશે માલપરિવહનનાં સાધનોનું ઈંધણ છે, જેથી તેમાં થયેલા ભાવવધારાને કારણે શાકભાજી, કઠોણ અને દૂધના ભાવ વધી શકે છે. જે 'ફૂડ ઇન્ફ્લૅશન'માં વધારો કરશે."
40 વર્ષથી અર્થતંત્રની નાડી પારખનાર પ્રો. શાહ ખુદને 'અર્થશાસ્ત્રના વિદ્યાર્થી' ગણાવે છે અને કહે છે કે 'સરકાર ટૅક્સ નાખે એના કરતાં તેનો વપરાશ ક્યાં અને કેવી રીતે કરે છે તે મહત્ત્વપૂર્ણ બાબત છે.'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સિવાયનાં મોટાં ભાગનાં રાજ્યોમાં દારૂબંધી નથી, જેથી રાજ્ય સરકાર પાસે આબકારી આવક રળવા માટેનો વિકલ્પ રહે છે.
અમદાવાદથી બીબીસી પ્રતિનિધિ ભાર્ગવ પરીખ જણાવે છે, "દસે દિવસ પૂર્વે પેટ્રોલ-ડીઝલના ભાવની સરખામણી કરતું કોષ્ટક રજૂ કરીને રાજ્ય સરકારે ભાવો ઉપરના વેરામાં થનારા વધારા અંગે અણસાર આપી દીધા હતા."
ઍક્સિસ બૅન્કનાં ચીફ ઇકૉનૉમિસ્ટ સુગતા ભટ્ટાચાર્યે જણાવ્યું, "પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેને પૂરવા માટે ઈંધણ ઉપર કર એ સુગમ વિકલ્પ બની ગયો છે."
ભટ્ટાચાર્યના મતે, આવક વધારવા માટે ઈંધણ ઉપર કરવધારો એ 'બેધારી તલવાર' છે, તેનાથી મોંઘવારી વધી શકે છે. છતાં માગ ઘટી ગઈ છે, ત્યારે આ જોખમ લેવું રહ્યું.
કૅર રેટિંગ ખાતે રિસર્ચ ઍનાલિસ્ટ ઉર્વિશા એચ. જગશેઠના કહેવા પ્રમાણે, " WPIઅને CPIમાં પેટ્રોલ-ડિઝલનો અનુપાત અનુક્રમે 4.69 ટકા અને 2.34 ટકા છે. આથી પરિવહન માટેનાં ઈંધણમાં ભાવવધારો એ CPI કરતાં WPIને વધુ અસર કરશે."
WPI એટલે હૉલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ.
કેવી રીતે નક્કી થાય છે ભાવ?

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રાહક જે પેટ્રોલ-ડૂઝલ પૂરાવે તેમાં આંતરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન ક્રૂડઑઈલના ભાવ, તેનું પરિવહન, તેને વપરાશલાયક બનાવા માટે રિફાઇનિંગ, ઑઈલ માર્કેટિંગ કંપનીઓનો નફો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા ઍક્સાઇઝ તથા વૅટ (વૅલ્યૂ ઍડેડ ટૅક્સ) જેવા વેરા સમાવિષ્ઠ છે.
દેશમાં ચીજવસ્તુનું ઉત્પાદન કરવા બદલ કંપનીએ જે કર ચૂકવવો પડે તે ઍક્સાઇઝ ડ્યૂટી છે. આ સિવાય ઉત્પાદની પ્રક્રિયાના અલગ-અલગ તબક્કે VAT લાદવામાં આવે છે. આ બંને કર એ અનુક્રમે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકના મુખ્ય સ્રોત છે.
ક્રૂડઑઈલના ભાવ ઓછા હોય, પરંતુ કરવેરા વધુ હોય તો છૂટક ભાવ ઊંચા રહે છે. હાલમાં પણ એવું જ થઈ રહ્યું છે. તા. 30મી જાન્યુઆરીના ક્રૂડઑઈલના ભાવ બૅરલદીઠ 57 ડૉલર હતા, આજે ક્રૂડ 45 ડૉલર આસપાસ છે, છતાં કરવેરાને કારણે ગ્રાહક માટે બંને ઈંધણના ભાવ વધુ છે.
સરળ શબ્દોમાં કહીએ તો પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવોમાં લગભગ 70 ટકા હિસ્સો કરવેરાનો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમાંથી થતી આવક ઉપર મોટો મદાર રાખે છે.
આ સિવાય ડૉલરની સામે રૂપિયાના ભાવો પણ અસરકર્તા પરિબળ છે. જો અમેરિકન ડૉલર સામે રૂપિયો મજબૂત હોય તો છૂટક ભાવો ઉપર ખાસ અસર ન પડે.
માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર લિટરદીઠ રૂ. ત્રણ-ત્રણ અને મે મહિનામાં પેટ્રોલ ઉપર લિટરદીઠ રૂ. 10 અને ડીઝલ ઉપર રૂ. 13ની ઍક્સાઇઝ ડ્યૂટી લાદી હતી.
છઠ્ઠી જૂનથી 82 દિવસના ગાળા બાદ ઑઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું.
ઍનર્જી નિષ્ણાત અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નરેન્દ્ર તનેજાના કહેવા પ્રમાણે, "લૉકડાઉન દરમિયાન ઈંધણની માગ તથા વપરાશમાં કડાકો બોલી ગયો હતો. જેના કારણે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે."
જાણકારોના કહેવા પ્રમાણે, ગુજરાત તથા દેશના અર્થતંત્રની સ્થિતિ જોતાં ગ્રાહકના ગજવા ઉપર નકારાત્મક અસર પડવી નિશ્ચિત છે.
(આ અહેવાલ માટે બીબીસી સંવાદદાતા નિધિ રાયના ઇનપુટ્સ મળેલાં છે.)


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













