કોરોના સારવાર : ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલો બેફામ, સરકાર લાચાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે રૂમચાર્જથી લઈને દરેક વસ્તુ-સેવાના ભાવ નક્કી કર્યા છે, પરંતુ તેમાં રહેલાં છીંડાંનો ગેરલાભ લેવામાં આવતો હોવાની ફરિયાદ ઊઠી છે.
નિર્ધારિત ભાવ કરતાં વધુ રકમ વસૂલનાર બે હૉસ્પિટલને રૂપિયા પાંચ-પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, રાજ્ય સરકારે ખતા કરનાર હૉસ્પિટલોનું લાઇસન્સ રદ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે.
સોમવાર બપોરની સ્થિતિ મુજબ, ગુજરાતમાં કોરોનાના પાંચ હજાર 742 કેસ ઍક્ટિવ છે, જ્યારે 1477 દરદી મૃત્યુ પામ્યાં છે.
આ મુદ્દે તબીબોનું સંગઠન પણ સરકાર સાથે છે, જોકે જોગવાઈમાં કેટલીક છટકબારી છે, જેનો લાભ ખાનગી હૉસ્પિટલો લઈ શકે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ખાનગી હૉસ્પિટલોની જરૂર કેમ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કાર્યકારી ડીન એમ. એમ. પ્રભાકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકારી હૉસ્પિટલમાં જ્યાં ઑક્સિજનના પાઇપ નથી એવી પથારી ખાલી કરાવાઈ છે, જેથી પ્રાણવાયુ તાત્કાલિક મળી રહે અને જીવ બચાવી શકાય."
"એનો અર્થ એવો નથી કે સરકાર ખાનગી હૉસ્પિટલો સામે ઝૂકી ગઈ છે, આ એક વ્યવસ્થાનો ભાગ છે એટલે જ સરકારે વધુ બેડની વ્યવસ્થા કરી છે."
ગુજરાતના કોરોના વાઇરસના દર પાંચમાંથી ચાર મૃતક અમદાવાદના છે, જ્યારે 65 ટકા કરતાં વધુ ઍક્ટિવ કેસ પણ અમદાવાદમાં છે.
અહીં સરકારી હૉસ્પિટલોની ક્ષમતા ચરમ ઉપર પહોંચતાં મ્યુનિસિપલ કૉર્પોરેશનને ખાનગી હૉસ્પિટલમાં બેડ લેવાની ફરજ પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ શહેરનાં મેયર બીજલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "AMC દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી હૉસ્પિટલો ઍક્વાયર કરી રહી છે, જેથી સમયસર યોગ્ય સારવાર મળી રહે."
"કૉર્પોરેશન દ્વારા જે દરદીને રીફર કરવામાં આવે છે, તેનાં નાણાં પણ ચૂકવવામાં આવશે. આ માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે."
મ્યુનિસિપલ કમિશનર તથા વહીવટી પાંખ દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે, કોઈ ગેરરીતિ ન થાય, તેની કાળજી રાખવામાં આવી રહી છે.
અમદાવાદમાં સરકારી હૉસ્પિટલોના ત્રીસ ટકા જેટલી પથારી ખાલી કરાવી, તેમને ખાનગી હૉસ્પિટલોને રિફર કરવામાં આવી છે.
અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં સારવારના ભાવ કયા આધારે નક્કી થાય છે, તે વિશે જાણવા માટે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ થઈ શક્યો નથી. તેમની પ્રતિક્રિયા મળ્યે અપડેટ કરવામાં આવશે.
અભાવ, ઍફિડેવિટ અને ભાવ

ઇમેજ સ્રોત, Bhargav parikh
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કરેલી ઍફિડેવિટમાં 42 ખાનગી હૉસ્પિટલ માટે સરકારે કેટલા ભાવ નક્કી કર્યા છે, તેની વિગતો આપી હતી.
જે મુજબ, કૉર્પોરેશનની ભલામણ બાદ કોરોનાના વોર્ડમાં દાખલ થનાર દરદી માટે રૂ. 4,500; હાઈડિપૅન્ડન્સી યુનિટમાં માટે રૂ. 6,700 નક્કી કરવામાં આવ્યા છે, આવા દરદીઓને ઓક્સિજન આપવાની જરૂર વધુ રહે છે.
વૅન્ટિલેટર ઉપરાંત આઇસોલેશન તથા આઈ.સી.યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ)માં દાખલ થયેલા દરદીઓ માટે રૂ. નવ હજાર તથા આઈ.સી.યુ. ઉપરાંત આઇસોલેશનની જરૂર હોય તેના માટે રૂ. 11 હજાર 250 ચૂકવાશે.
પરંતુ, જો સરકારી ભલામણ વગર કોઈ દરદી ખાનગી હૉસ્ટિપલમાં દાખલ થાય તો વૉર્ડમાં રૂ. 10 હજાર હાઈડિપૅન્ડન્સી યુનિટીમાં રૂ. 14 હજાર, આઇસોલેશન અને આઈ.સી.યુ. માટે રૂ. 19 હજાર તથા વૅન્ટિલેટર અને આઇસોલેશન અને આઈ.સી.યુ.ના રૂ. 23 હજાર નક્કી કર્યા છે,
આ સિવાય બે સમયનું ભોજન ,સવારનો નાસ્તો અને સાંજના નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે આ ખાનગી હૉસ્પિટલને એવી જોગવાઈ કરી આપી છે જેના કારણે સમસ્યા ઊભી થઈ રહી છે.
છટકબારી બનતી જોગવાઈ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્ય સરકારે કરી આપેલી જોગવાઈ મુજબ, સરકારની ભલામણ વગર દાખલ થયેલા દરદીને ડાયાલિસીસ, નિષ્ણાત તબીબ કે કોઈ વિશેષ ટેસ્ટ કરાવવાની જરૂર પડે તો તેના ખર્ચનો સમાવેશ નિર્ધારિત ભાવપત્રકમાં નથી થતો.
મેડિકો-લીગલ ઍક્સ્પર્ટ ડૉક્ટર એમ. કે. જોશી એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :
"સરકારના ભાવનિર્ધારણમાં નિષ્ણાત તબીબોની ફી, લૅબોરેટરીનો ચાર્જ વગેરે જોગવાઈઓ એ છીંડા સમાન છે. જેનો દુરુપયોગ ખાનગી હૉસ્પિટલના તબીબો કરી શકે છે."
ચાનું ઉદાહરણ આપતા ડૉ. જોશી ઉમેરે છે, "રસ્તા ઉપરની લારીમાં ચા દસ રૂપિયાની મળે છે, જ્યારે ઊંચી હોટલોમાં તેનો ભાવ બસો કે તેથી વધારે હોય છે."
"દરેક હૉસ્પિટલ તથા તબીબને પોતાનો ભાવ નક્કી કરવાનો અધિકાર છે. આ છટકબારીનો ઉપયોગ કરીને દરદીને લૂંટવામાં આવે તો પણ કાયદાકીય કાર્યવાહીથી છટકી જઈ શકે છે."

ઇમેજ સ્રોત, Arun Sankar
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કેટલીક ખાનગી હૉસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓનાં સગાંને ડરાવીને એમની પાસેથી વધુ પૈસા પડાવવાની ફરિયાદો મારી પાસે આવી છે ."
પટેલે ચીમકી આપતાં ઉમેર્યું, "આ સંક્રમણકાળમાં કોઈ હૉસ્પિટલ એવું માનતી હોય કે સરકાર લાચાર છે તો અમે એવું માનનારી હૉસ્પિટલની વર્તણૂકને ચલાવી નહીં લઈએ."
"આવી હૉસ્પિટલ સામે સરકાર કડક પગલાં લેશે અને ઍપેડમિક ઍક્ટ હેઠળ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરાશે."
પટેલના કહે છે કે, સરકારે ભાવ નક્કી કરતા સમયે હૉસ્પિટલની કૅટેગરી, વૉર્ડમાં સામાન્ય સંજોગો કરતાં વધુ જગ્યાની જરૂર, સારવાર માટેના સમાન, દર્દીને મળવા આવનારનું ચેકિંગ, ઉપરાંત હૉસ્પિટલને કોરોનાને કારણે થતાં વધુ ખર્ચને ધ્યાને રાખ્યા છે.
સરકાર ખાનગી હૉસ્પિટલોને પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટ અને કેટલીક દવાઓ પણ આપે છે.
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સભ્ય ડૉ. કનુભાઈ પટેલના કહેવા પ્રમાણે, " ખાનગી તબીબો દ્વારા મહામારીના દરદીઓ પાસેથી મોટાં બિલ વસૂલવામાં આવે, તે અયોગ્ય છે. સરકાર દ્વારા શહેરની બે હૉસ્પિટલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, તે યોગ્ય છે."
" રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાનને ખાનગી તબીબોનું પ્રતિનિધિમંડળ મળ્યું ત્યારે પ્રાઇવેટ લૅબોરેટરીમાં તપાસને મંજૂરી, ખાનગી ડૉક્ટર સંક્રમિત થાય તો તેને મદદ કરવાની તૈયારી જેવું સકારાત્મક વલણ દાખવ્યું હતું."
ડૉ. પટેલના કહેવા પ્રમાણે, "ખાનગી તબીબોએ તેમની હૉસ્પિટલ બહાર સરકાર દ્વારા નિર્ધારિત ભાવનું બોર્ડ લગાવવું જોઇએ, જેથી કોઈ દરદી પાસેથી વધુ રકમ વસૂલી ન શકાય."
તેમણે ઉમેર્યું હતું કે ખાનગી ડૉક્ટરો આ કપરાકાળમાં પ્રજાને મદદ કરવા તૈયાર છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












