ભારત-ચીન સરહદવિવાદ : પાકિસ્તાન સામે બોલતી ભારતીય સેના ચીન મુદ્દે ચૂપ કેમ રહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બ્રિકમ સિંહે બીબીસીને કહ્યું કે ભારતીય સૈન્ય ચીન સાથે જોડાયેલી સરહદ એટલે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનના સૈન્યને જેવા સાથે તેવાની રીતે જવાબ આપી શકે છે અને તે આવું કરવા સક્ષમ છે પરંતુ આ કાર્યવાહી માટે સૈન્ય નિર્ણય લઈ શકતું નથી, રાજકીય નેતૃત્વ કરે છે.

બીબીસીના સવાલોના જવાબોમાં જનરલ બિક્રમ સિંહે કહ્યું, "અમે જે પણ કાંઈ કરીએ છીએ અને જે કરવાની ક્ષમતા છે તેને લઈને ઍલર્ટ રહેવાની જરૂર છે. અમને ખ્યાલ છે કે એવા અનેક વિસ્તારો છે જ્યાંથી ચીનને તેની ભાષામાં જવાબ આપી શકાય એમ છે. "

"આપણે કોઈપણ પગલું ભરીએ તો તેની દુરગામી અસર વિશે વિચારવું જોઈએ. ચીનની બાબતમાં પીએમઓ અને સંરક્ષણ મંત્રાલય પણ નિર્ણય કરતું હોય છે કારણ કે અહીં ટકરાવ વધવાની સંપૂર્ણ આશંકા રહે છે."

પાકિસ્તાન સરહદ પાસે તણાવની વાત આવે છે તો ભારતીય સૈન્યનું વલણ એકદમ અલગ જ હોય છે. આ અંગે જનરલ બિક્રમ સિંહે કહ્યું, "પાકિસ્તાન પાસેની નિયંત્રણ રેખા એટલે એલઓસીનો મુદ્દો સંપૂર્ણપણે અલગ છે. અહીં ગોળીબાર સામાન્ય બાબત છે."

"બાલાકોટ ઍરસ્ટ્રાઇક જેવી વાત આવે છે ત્યારે જ સૈન્યએ સરકારની મંજૂરી લેવાની હોય છે. બાકી સેના અહીં જાતે જ નિર્ણય કરતી હોય છે. પરંતુ ચીનની સાથેની બાબતો વધારે નાજુક છે."

આ વર્ષના મે મહિનામાં એલએસી પર ભારત અને ચીનના સૈન્યની વચ્ચે સંઘર્ષના સમાચાર આવ્યા હતા. શરૂઆતમાં બંને દેશો આખી બાબતમાં એકબીજા પર આરોપ મૂકતા હતા પરંતુ પછી બેઉ નરમ પડતા જોવા મળ્યા.

સાત જૂને ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું, "છ જૂને બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાત થઈ છે. વાતચીત સકારાત્મક રહી અને બંને દેશોની વચ્ચે સહમતી બની છે કે સરહદ પર ચાલી રહેલાં વિવાદને શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલી લેવાશે."

10 જૂને ચીનના વિદેશ મંત્રાલયે આખા વિવાદ પર કહ્યું કે બંને દેશોની વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે અને બંને દેશ આ વાત પર સહમત છે કે સરહદ પર ચાલી રહેલાં વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવે.

line

ભારત અનિચ્છુક અથવા અસમર્થ

વીડિયો કૅપ્શન, ભારતીય સેના પણ ચીન સામે ટીટ-ફોર-ટેટ ઑપરેશન કરી શકે છે : પૂર્વ સેનાધ્યક્ષ બિક્રમ સિંહ

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્યામ સરને 2 જૂનના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સમાં લખ્યું હતું, "ચીન સાથે જોડાયેલી સરહદ પર સતત એવી ઘટના બની રહી છે જેનો ભારત સામનો કરતું રહ્યું છે, પરંતુ ભારતીય સૈન્ય ચીનની વધતી લીડ સામે સૈન્ય કાર્યવાહી કરવા અનિચ્છુક છે અથવા અસમર્થ છે."

"આપણે ચીનની આ વ્યૂહરચનાને સમજવી પડશે અને તે પ્રમાણે જ જવાબ આપવો પડશે."

"એલએસીને લઈને જે પ્રકારની અસ્પષ્ટતાઓ છે તેનો આપણે પણ વ્યૂહાત્મક ફાયદો ઊઠાવવાની જરૂરિયાત છે. ત્યારે જ આપણે ચીન સાથે યથાવત્ સ્થિતિને જાળવી રાખવા માટે ભાવતાલ કરવાની સ્થિતિમાં આવીશું."

જોકે જનરલ બિક્રમ સિંહ અનુસાર, "આ એ વાત પર આધાર રાખે છે કે આપણે શું ઇચ્છીએ છીએ? જો યુદ્ધ? જો હા, તો પછી આપણે એ પ્રકારની વ્યૂહરચના અપનાવી શકીએ. પરંતુ જ્યારે આપણને ખ્યાલ છે કે આવા મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય એમ છે તો જેવાની સાથે તેવાની વ્યૂહરચનાની જરૂર નથી."

"જો ચીન પોતાના સૈનિકોને પરત બોલાવતું નથી અને મહિના વીતી જાય છે તો આપણે મોટા નિર્ણયની જરૂરિયાત પડશે. બની શકે છે કે આપણે તે જ ભાષામાં જવાબ આપીએ."

"પરંતુ આપણું શરૂઆતી પગલું 'જેવા સાથે તેવા'નું હોઈ શકે નહીં. જો આપણે એવું કરવા ઇચ્છીએ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આપણે જલદી આ જરૂરિયાતને પૂર્ણ કરી લઈશું પરંતુ હાલ આપણે એ સ્થિતિમાં નથી."

ચીનની સાથેની સરહદ પર વારંવાર આ પ્રકારના વિવાદ કેમ ઊભા થતા રહે છે?

આના જવાબમાં જનરલ બિક્રમ સિંહ કહે છે, "જ્યારે હું ઇસ્ટર્ન આર્મીને લીડ કરી રહ્યો હતો ત્યારે વારંવાર સરહદ પર ચીનની આક્રમક્તા વિશે સાંભળતો હતો. મેં મારી ટીમને પૂછ્યું કે વિવાદિત વિસ્તારમાં કેટલી ટીમ પૅટ્રોલિંગ માટે જાય છે. મને ત્યારે જાણવા મળ્યું કે અમે તેમની સરખામણી ત્રણથી ચાર વખત વધારે પૅટ્રોલિંગ કરીએ છીએ."

"અમે લોકો વિવાદિત વિસ્તારમાં જતા હતા અને ટકરાવ થાય તો સમજૂતી દ્વારા વિવાદને ઉકેલવા પ્રયાસ કરીએ છીએ. તમામ ટકરાવનું કારણ વણઉકલ્યો સરહદી વિવાદ છે. સરહદીવિવાદના ઉકેલ વગર ભવિષ્યમાં પણ આ પ્રકારની અથડામણ થતી રહેશે."

જો ચીનનું સૈન્ય ખરેખર અંદર ઘુસી ગયું હશે અને આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભય હશે તો શું આનાથી ભારતની સર્વેલન્સ સિસ્ટમ પણ પ્રભાવિત થશે?

જનરલ બિક્રમ સિંહ કહે છે, "ના મને એવું લાગી રહ્યું નથી. આપણે જમીનનો દરેક ઇંચ કવર કરી શકતા નથી. હા, આપણે ચાલતા પૅટ્રોલિંગ કરીએ છીએ અને સેટેલાઇટ દ્વારા પણ દેખરેખ રાખીએ છીએ. પરંતુ તમારે એ સમજવું પડશે કે એલએસી સંપૂર્ણ રીતે એલઓસીથી અલગ છે. અહીં ઘણો ખુલ્લો વિસ્તાર છે. અહીં એકબીજાની સામ-સામે સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા નથી. આપણું સૈન્ય સુંદર કામ કરી રહ્યું છે."

line

શું ચીન અને ભારતે નવી સમજૂતી કરવાની જરૂર છે?

નરેન્દ્ર મોદી અને શી જિંગપિંગ

ઇમેજ સ્રોત, AFP/Getty Images

જનરલ સિંહ કહે છે, "2013માં સરહદી સુરક્ષા સહયોગ સમજૂતી(બીડીસીએ) થઈ હતી. આમાં 1993થી લઈને ત્યાર સુધીની તમામ વાતો સામેલ કરવામાં આવી હતી. મેં સ્થાનિક સ્તરે જોયું છે કે આ સમજૂતી પ્રભાવક રહી છે. "

"જોકે ચીને અનેક વસ્તુઓ પર સહમતી આપવા છત્તાં તેની પર અમલ કર્યો નથી. ચીને પોતાની તરફ હૉટલાઈન બનાવવાની હતી પરંતુ તે કર્યું નથી. એવી અનેક વસ્તુઓ છે. પરંતુ જો આ સમજૂતીને સંપૂર્ણપણે લાગૂ કરવામાં આવે તો આ વધારે પ્રભાવક બનશે."

line

ચીન અને ભારતમાંથી સરહદ પર કોણ વધારે ભારે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જનરલ સિંહ કહે છે, "સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ચીન આપણાંથી ખૂબ આગળ છે. કેટલાંક વર્ષો પહેલાં ચીન બહુ ઓછા સમયમાં પોતાના સૈન્યની 22 ડિવિઝનને એકઠી કરી શકતું હતું. આજની તારીખે તે 32 ડિવિઝન એકઠી કરી શકે છે. "

"એક ડિવિઝનમાં 10 હજાર સુધી સૈનિક હોય છે. તે તત્કાલ પૉઝિશન લઈ શકે છે. આપણે હાલ તેમની બરોબરી કરવાની જરૂરિયાત છે. આપણે 75 ટકા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને બાકીનું જલદી પૂર્ણ કરવાની જરૂર છે. "

આ વિસ્તારને રસ્તા અને રેલવે દ્વારા જોડવાના સરકારના પ્રયાસોને કેવી રીતે જોઈ રહ્યા છો?

જનરલ સિંહનું કહેવું છે, "આપણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના રસ્તા અને રેલવેલાઇન બનાવવાનું કામ શરૂ કર્યું છે. આનાથી આપણને ખુદને બચાવવા અને હુમલો કરવા બંનેમાં મદદ મળશે."

"મુખ્યત્વે આપણે હવાઈમાર્ગથી આપણા સૈન્ય અવર-જવરને વધારી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલાં લૅન્ડિંગ ગ્રાઉન્ડને પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે અને આનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યું છે."

"હેલિપૅડ્સ, સમાજ અને આપણી વ્યૂહાત્મક પૉઝિશન પણ મજબૂત થયેલી છે. અમે હાલ આશ્વસ્ત છીએ પરંતુ આગામી પાંચ-છ વર્ષોમાં આપણી સ્થિતિ સારી થઈ જશે."

વર્ષ 2018-19ના વાર્ષિક રિપોર્ટમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકારે ભારત-ચીન સરહદે 3812 કિલોમીટરના રસ્તાના નિર્માણના કામને નક્કી કર્યું છે.

આમાંથી 3418 કિલોમીટરનો રસ્તો બનાવવાનું કામ બૉર્ડર રૉડ્સ ઑર્ગેનાઇઝેશન એટલે બીઆરઓને આપવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગની યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે.

જ્યારે એલઓસી પર પાકિસ્તાન યુદ્ધ વિરામને તોડે છે તો ભારતીય સૈન્ય પ્રેસને જાણકારી આપે છે પરંતુ ચીનની સાથે જ્યારે ટકરાવ થાય છે તો સૈન્ય તરફથી કોઈ પણ સૂચના મેળવવી આટલી મુશ્કેલ કેમ છે? ત્યાં સુધી કે પાંચ જૂને ભારતીય સૈન્યએ પોતાના નિવેદનમાં ચીનની સાથેના તણાવ પર મીડિયાને અનુમાન કરવા પર ચેતવણી આપી અને કહ્યું કે કોઈ સત્તાવાર માહિતી વિના અહેવાલ ન છાપે.

આના જવાબમાં જનરલ બિક્રમ સિંહ કહે છે, "આ સ્થિતિમાં આ પ્રકારની સાવચેતીની જરૂરિયાત છે. જ્યારે હું સેના પ્રમુખ હતો ત્યારે ડેપસાંગમાં એક સંઘર્ષ થયો હતો. મીડિયામાં આના કવરેજને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું."

"ટીઆરપી વધારવા માટે રિપોર્ટ કરવામાં આવ્યું. બીજી તરફ ચીનના અધિકારીઓએ સ્પષ્ટ રીતે ફરિયાદ કરી કે ભારતીય મીડિયાનું કવરેજ ઉશ્કેરણીજનક છે અને આનાથી સ્થિતિ વધારે બગડશે. તેમણે કહ્યું કે જ્યારે બંને પક્ષ વાતને ઉકેલવામાં લાગ્યો હોય ત્યારે મીડિયામાં વધારે અતિશ્યોક્તિપૂર્ણ રીતે કેમ દર્શાવવામાં આવે છે? તેમણે કહ્યું કે આવા પ્રકારના રિપોર્ટિંગમાં અનુમાનની સ્વતંત્રતા ન હોવી જોઈએ."

પરંતુ જ્યારે કોઈ માહિતી જ નહીં આવે તો શું અફવા અને અસ્પષ્ટ સૂચનોને બળ ન મળે? એ સવાલના જવાબમાં જનરલ સિંહ કહે છે, "સૂચનાઓને આપણે જરૂરિયાત મુજબ શૅર કરવી જોઈએ."

6 જૂને જ્યારે બંને દેશના કમાન્ડર સ્તરની બેઠક થઈ તો શું કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું? એ સવાલના જવાબમાં જનરલ સિંહે કહ્યું, "ના, જો અમે તમામને દરેક સૂચના આપીએ તો આનાથી લોકોનો ગુસ્સો બેકાબૂ થઈ શકે છે. આ બાબતમાં ઉચ્ચ સ્તરે કોઈ કન્ફ્યૂઝન નથી રહેતું."

ચીનના સરકારી નિયંત્રણવાળા મીડિયામાં હંમેશાં ભડકાઉ ભાષણનું કવરેજ થતું હોય છે. આ અંગે જનરલ સિંહે કહ્યું કે આપણા મીડિયા ઑર્ગેનાઇઝેશન પણ આનો જવાબ આપે છે.

line

નેપાળ પર શું બોલ્યા બિક્રમસિંહ?

સેનાધ્યક્ષ જનરલ નરવણે

ઇમેજ સ્રોત, Getty Images

નવ જૂને નેપાળની સંસદના નીચલા ગૃહમાં નવા રાજકીય નકશાને મંજૂરી આપી હતી. નેપાળના નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને સામેલ કરવામાં આવ્યું છે જે પહેલાંથી જ ભારતના નકશામાં છે.

ભારતે નેપાળના પગલાંને નકારી દીધું છે અને કહ્યું છે કે આ અંગે કોઈ વિવાદ નથી. ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધી બનેલા રસ્તા પર નેપાળની આપત્તિને લઈને વર્તમાન સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેએ કહ્યું કે નેપાળ કોઈ બીજાના ઇશારે કામ કરી રહ્યું છે.

આને લઈને બિક્રમ સિંહે કહ્યું, "હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા ઇચ્છતો નથી."

તેમણે વધુમાં કહ્યું, "ભારત અને નેપાળના સંબંધ બહુ ઊંડા અને બહુઆયામી છે. આજની તારીખે સૈન્યમાં 32 હજાર ગોરખા સૈનિક છે. આ તમામ નેપાળી નાગરિક છે. આ નકશા વિવાદ જેવા ઝઘડાંને રાજદ્વારી અને રાજકીય મોરચા પર ઉકેલી દેવો જોઈએ."

"મને એ ખબર નથી કે તેમણે ક્યા આધાર પર આવું કહ્યું છે. તે બહુ સક્ષમ અધિકારી છે. બની શકે કે તેમની પાસે આવું કહેવાનો કોઈ આધાર હોય. મને નથી ખ્યાલ માટે હું ટિપ્પણી કરીશ નહીં."

"આર્મી મેન હોવાના કારણે હું અહેસાસ કરી શકું છું કે અમારે પોતાને સૈન્યની બાબતો સુધી જ સીમિત રાખવાના હોય છે. અહીં જરૂર કાંઈ આવું રહ્યું હશે ત્યારે આર્મી પ્રમુખે આવું કહ્યું હશે"

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો