મોરારિબાપુ વિવાદ : શા માટે કથાવાચકનું નામ વારંવાર વિવાદમાં સપડાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વીડિયો એક : કથાકાર મોરારિબાપુ વ્યાસપીઠ ઉપર બેઠા છે અને 'યા હુસેન, યા હુસેન' બોલીને છાતી પીટે છે. .
વીડિયો બે : જેમાં તેઓ ઇસ્લામિક મતાવલંબીઓના નારા 'અલ્લા હુ અકબર' (અલ્લાહ મહાન છે) કે 'બિસ્મિલ્લાહ અર-રહમાન અર-રહીમ' (અલ્લાહના નામથી શરૂ કરું છું.) સ્ક્રિન ઉપર સવાલ હોય 'રામકથા ચાલે છે, પણ કાંડ કયો?'
વીડિયો ત્રણ : રામકથા દરમિયાન કવ્વાલી કે શેર-શાયરી બોલે અને શ્રોતા તેને વધાવે.
ગુજરાતના કથાવાચક મોરારિબાપુ ઉપર આ પ્રકારના વીડિયો કે પોસ્ટ સ્વરૂપે સોશિયલ મીડિયા ઉપર તમારા ધ્યાને આવ્યા હશે, જેમાં તેમની ઉપર કથાનું ઇસ્લામિકરણ કરી રહ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય.
જોકે, કથાકારના નામ સાથે વિવાદ જોડાયો હોય તેવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં તેઓ કૃષ્ણ અને યદુવંશીઓ ઉપર, કોઈ રાજકીય ટિપ્પણી કે નીલકંઠવર્ણી વિશે નિવેદન કરીને ચર્ચામાં આવી ગયા છે.
અન્ય કોઈ કથાકાર કે ધાર્મિક નેતાની સરખામણીમાં તેમનાં નિવેદનોને બારિકાઈથી ચકાસવામાં આવે છે અને તેની આસપાસ ચર્ચા પણ છેડાઈ જાય છે.

જેટલું મોટું નામ, એટલો મોટો વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંતને જણાવ્યું :
"કથાકાર તરીકે મોરારિબાપુનું કદ બહુ મોટું છે. તેમણે લોકોમાં પૂજનીયનું સ્થાન મેળવી લીધું છે. ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં તેમની લોકપ્રિયતાની તોલે કદાચ જૂજ કથાકાચર આવી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એટલે સ્વાભાવિક રીતે દિગ્ગજ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો તેના ઉપર મોટો વિવાદ થાય. ઉપરાંત તેમના આચારવિચારને બારીકાઈથી જોવામાં આવ છે."
પાંત્રિસેક વર્ષ દરમિયાન કથાવાચક મોરારિબાપુની રામકથામાં આવેલાં પરિવર્તનને આચાર્યે નિહાળ્યું છે.
મોરારિબાપુની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 1960માં પોતાના વતન તલગાજરડા ખાતે તેમણે પહેલી રામકથા કરી હતી. ત્યારથી જાન્યુઆરી-2020 સુધીમાં તેઓ 841 રામકથા કરી ચૂક્યા છે.
કૃષ્ણ અને યાદવકૂળ વિશેના પ્રવચનથી વિવાદ થશે તેનો કથાવાચક તરીકે કદાચ તેમને અંદાજ હતો, એટલે જ વ્યાસપીઠ પરથી મોરારિદાસ કહે છે કે 'મારો ગુરુ મને રોકે છે, તે કહે છે કે ન બોલ દુનિયા પચાવી નહીં શકે, પરંતુ હું ખુદને રોકી નથી શકતો.'
કથામાં ઇસ્લામિકરણનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
1980ના દાયકાના અંતભાગ સુધીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની અન્ય પાંખો વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપે રામજન્મભૂમિ આંદોલનને હાથ ધર્યું. એ સમયે મોરારિબાપુએ હિંદુ યુવાનોને મંદિર માટે 'કેસરિયા કરવા'નું આહ્વાન કર્યું.
જોકે, વિહિપ પણ મોરારિબાપુના વર્તમાન સ્વરૂપથી નારાજ છે. વસંત સાથે વાત કરતા સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું:
"મોરારિબાપુ મંચ ઉપરથી 'અલ્લા હુ અકબર' કે 'અલી મૌલા' એવું બોલે, તો તેને સમાજ યોગ્ય નથી માનતો. તેમણે મુસ્લિમ દેશોનો પ્રવાસ ખેડ્યો છે, જ્યાં તેમણે મંચ ઉપરથી આવી વાત કહી હોય તો ઠીક છે. પરંતુ જ્યારે કોઈ સંત 'વ્યાસપીઠ' ઉપર બેસીને આવી વાત કહે તો તે યોગ્ય નથી."
કથાવાચકની વેબસાઇટ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઉપરાંત ફ્રૅન્ચ, સ્પેનિશ જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં વાચી શકાય છે. આ સિવાય અરબી અને ઉર્દૂ જેવી મુસ્લિમ રાષ્ટ્રોમાં બોલાતી ભાષાના વર્ઝન સહિત કુલ સાત ભાષામાં ઉપલબ્ધ છે.
મોરારિબાપુએ વારાણસી, અલાહાબાદ અને હરિદ્વાર જેવાં હિંદુઓનાં ધાર્મિકસ્થળોમાં કથા કરી છે, તો તેમણે કચ્છમાં હાજી પીરની દરગાહ પાસે પણ રામકથા યોજી છે. આ સિવાય તેમણે ખ્રિસ્તીઓ માટે મહત્ત્વપૂર્ણ શહેર રોમ (ઇટાલી) ઉપરાંત ખ્રિસ્તી-યહુદી અને મુસ્લિમો માટે પવિત્ર ધાર્મિક શહેર જેરુસલેમ (ઇઝરાયલ)માં પણ રામકથા કરી છે.

સૂર, તાલ અને તાન

ઇમેજ સ્રોત, Getty Images
મોરારિબાપુની કથાનું સ્વરૂપ સમયની સાથે સતત બદલાતું રહ્યું છે. આચાર્ય કહે છે:
"શરૂઆતમાં મોરારિબાપુ માત્ર રામકથા કરતા, સમયાંતરે તેમાં ટૂચકા, શેર-શાયરી, ગીત-સંગીત, ફિલ્મગીતની કડી, ગઝલ અને કવ્વાલી પણ ઉમેરાતાં ગયાં. સામાન્ય મંડપ અને મંચ ભવ્ય થતાં ગયાં."
"મંચ પરથી બાપુ ભાવવિભોર સ્વરે 'અલ્લા હુ...' કે 'અલી મૌલા...' શરૂ કરે એટલે લાગણીના પ્રવાહમાં તણાય ગયેલો શ્રોતા તેને ઝીલવા માંડે. એક તો 'વ્યાસપીઠ' પરથી રામકથા અને તેમની પાછળ હનુમાનની મોટી તસવીર હોય છે, એટલે કટ્ટર હિંદુઓના એક વર્ગની લાગણી દુભાય છે."
"છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન આવા કટ્ટરવાદીઓની સંખ્યા વધી છે."
મનોવિજ્ઞાનીઓના મતે કોઈ ધાર્મિક, રાજકીય કે સૈન્ય કાર્યક્રમમાં નારેબાજી કે સમૂહગાન કરાવવામાં આવે એટલે જૂથના ઉત્સાહ અને જોમ વધે છે અને તે પરસ્પર એકરૂપતા અનુભવે છે, જેમ ફૉલોઅર્સની સંખ્યા વધુ હોય, તેમ આ લાગણીનો સંચાર પણ વધુ થાય છે.
આ સિવાય આવી સામૂહિક પ્રવૃત્તિથી મુખ્ય વ્યક્તિની સ્વીકાર્યતા વધે છે. ભારતીય સેનામાં 'નારા-એ-તકબીર'ના ઘોષ ઉપર 'અલ્લા-હુ-અકબર'નો અને 'જો બોલે સો નિહાલ'નો પ્રતિઘોષ 'સત્ શ્રી અકાલ'થી થાય છે.
ઉત્સાહસંચાર માટે રેજિમૅન્ટની પરંપરા અનુસાર. 'રાજા રામચંદ્ર કી જય', 'જય બજરંગબલી', 'જય મહાકાલી, આયો ગુરખા લી', 'ભારત માતા કી જય' અને 'છત્રપતિ શિવાજી મહારાજ કી જય' જેવા યુદ્ધઘોષ પણ થાય છે.
વિવાદ, સંવાદ, માફી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કથા દરમિયાન ઇસ્લામના સંદર્ભ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પૂજનીય નીલકંઠવર્ણી સંદર્ભે વિવાદ થયો હોય, કટારલેખકો અને ડાયરાના કલાકારોનો એક સમૂહ વાચાળ રીતે મોરારિબાપુની તરફેણમાં રહ્યો છે.
આચાર્ય માને છે કે સાહિત્યકાર, કટારલેખક, પત્રકારો અને લોકકલારોના સમૂહે મોરારિબાપુની લોકપ્રિયતા વધારવામાં ઉદ્દીપક તરીકે ભૂમિકા ભજવી છે, જે મહદંશે પરસ્પર સહજીવનના સિદ્ધાંત ઉપર આધારિત છે.
તેઓ કહે છે, "કોઈ વ્યક્તિ મોરારિબાપુના વિચારોના પક્ષમાં હોય કે વિપક્ષમાં તમામને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ જ્યારે બાપુના સમર્થકો ટીકાકરનારને 'વેંતિયા' કહીને ઉતારી પાડે, ત્યારે ચર્ચાનું સ્તર કથળે છે."
તાજેતરમાં યદુકૂળ સંબંધિત વિવાદ બાદ મોરારિબાપુએ વીડિયો સંદેશ દ્વારા, માફી માગીને સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડવાની અપીલ કરી હતી, સાથે કે 'મારી વ્યાસપીઠ હંમેશા સંવાદ ઇચ્છે અને હું સંવાદનો માણસ છું.'

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરમાં લાખો અનુયાયી ધરાવનારા મોરારિબાપુના આશ્રમ ખાતે 'અસ્મિતાપર્વ'ના નામથી યોજાતા વાર્ષિક કાર્યક્રમમાં વિરોધાભાસી વિચારસરણી ધરાવનારા પણ એક જ મંચ ઉપર જોવા મળે છે, જે તેમની સ્વીકાર્યતાની દ્યોતક છે.
વિહિપના બંસલનું કહેવું છે, "મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી એવી કોઈ વાત ન કહેવી જોઇએ, જેથી કરીને કૃષ્ણભક્તો કે યદુવંશીઓની લાગણી દુભાય."
"કેટલાક કથાકાર છે, જે સામે બેઠેલ દર્શકને જોઈને પોતાનો રંગ બદલે છે, જે યોગ્ય નથી."
"વાદ-વિવાદ અને સુધાર એ હિંદુ ધર્મની પરંપરાના ભાગરૂપ રહ્યા છે. તેમાં જે ખોટું હોય, તેને ખોટું કહેવામાં આવે છે."
તેમણે મોરારિબાપુ ઉપર વ્યાસપીઠની મર્યાદાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો.

વ્યાસપીઠની મર્યાદા કેમ?

ઇમેજ સ્રોત, chitrakutdhamtalgajarda.org
હિંદુઓમાં 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ', 'રામચરિત માનસ' કે અન્ય કેટલાક ધર્મગ્રંથની કથા કહેવાની પરંપરા છે. આ કથા કહેનનાર મંચ ઉપર એક આસન ઉપર બેસે છે, જેને 'વ્યાસપીઠ' તરીકે ઓળખવામાં આવે છે.
કથાકાર સામે જે-તે ધર્મગ્રંથ હોય છે, જેને 'પોથીજી' તરીકે સંબોધવામાં આવે છે, જેની પ્રદક્ષિણા કરવામાં આવે છે.
હિંદુઓની પૌરાણિક માન્યતા પ્રમાણે, અર્જુનના પૌત્ર પરિક્ષીત (અને 'ચક્રવ્યૂહ'માં મૃત્યુ પામનાર અભિમન્યુના પુત્ર) રાજા વનમાં શિકાર કરવા નીકળ્યા ત્યારે તેમને પાણીની તરસ લાગી.
એ સમયે તેમણે શમિક નામના વૃદ્ધ ઋષિ પાસે પાણી માગ્યું, જોકે તપમાં બેઠેલા હોવાને કારણે તેમણે પરિક્ષીતની વાત ઉપર ધ્યાન ન આપ્યું, આથી ઉશ્કેરાયેલા પરિક્ષીતે તેમના ગળામાં સાંપ નાખી દીધો.
આ ઘટનાક્રમ અંગે ઋષિપુત્ર શ્રૃંગીને જાણ થઈ, એટલે તેમણે આ કૃત્ય કરનારનું સાત દિવસમાં સર્પદંશથી મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો. આ શ્રાપ અંગે જાણ થતાં શમિક પરિક્ષીત રાજાની પાસે ગયા અને સાત દિવસમાં પોતાના મોક્ષનો માર્ગ નિશ્ચિત કરવા કહ્યું.
આ માટે તેમણે અન્ય શુકદેવ પાસે જઈને 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'નું શ્રવણ કરવાનું સૂચન કર્યું.
હિંદુધર્મમાં પુનર્જન્મની વિભાવનાને સ્વીકૃતિ મળેલી છે. તેઓ માને છે કે મનુષ્યદેહ ધારણ કરતાં પહેલાં વ્યક્તિનો 'આત્મા' 84 લાખ યોનિઓ (અલગ-અલગ જીવસ્વરૂપના સંદર્ભમાં) ચક્રમાંથી પસાર થાય છે, પરંતુ જો વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી લે, તો તે જીવનચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આ વિભાવનાને બૌદ્ધ માન્યતામાં 'નિર્વાણ' તરીકે ઓળખવામાં આવે છે.
મોક્ષ મેળવવાના આશયથી પરિક્ષીત શુકદેવ પાસે જાય છે અને સાત દિવસ સુધી કથાનું શ્રવણ કરે છે. તેમના નામ પરથી કથાનું આસન 'વ્યાસપીઠ' તરીકે ઓળખાય છે. કથાના સાતમા દિવસે 'તક્ષક' નાગના ડંખથી પરિક્ષીત મૃત્યુ પામે છે, પરંતુ કથા સાંભળી હોવાથી મોક્ષ મેળવ્યો હોવાનું હિંદુઓ માને છે.
આ વિશે હિંદુઓના પૌરાણિક ગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ના પ્રથમ સ્કંધ (પેટાખંડ)ના18મા તથા 19મા અધ્યાય તથા 12મા સ્કંધમાં ઉલ્લેખ મળે છે.
આ આસનને એટલી હદે પવિત્ર માનવામાં આવે છે કે જો કથાવાચકનાં માતા-પિતા કે વડીલો શ્રોતા તરીકે હાજર હોય, તો તેઓ પણ પ્રણામ કરે છે.
ઇર્ષા, વિવાદ અને ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં કોવિડ-19નો પ્રસાર અટકાવવાના હેતુસર માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી દેશમાં ધાર્મિક પ્રવચનો, કથા, નમાઝ અને પૂજા-આરતી ઉપર નિયંત્રણ લાદી દેવાયાં હતાં.
સ્વાભાવિક રીતે લૉકડાઉન દરમિયાન આટલા મોટાપાયે કથાનું આયોજન ન થઈ શકે. છતાં કૃષ્ણ અને યદુકૂળ અંગેની ટિપ્પણી કે કથાના ઇસ્લામિકરણના જૂના વીડિયો વાઇરલ થયા છે અને વિવાદ ઊભા થયા છે.
મોરારિબાપુ સામે એફ.આઈ.આર. થઈ હોવાના પણ અહેવાલ છે, ત્યારે સમગ્ર ઘટનાક્રમ આશ્ચર્ય પમાડે તેવો છે.
આ વિશે આચાર્ય કહે છે, "હિંદુ ધર્મ અનેક સંપ્રદાય, પેટાસંપ્રદાય અને પંથમાં વહેંચાયેલો છે. ત્યારે ઇર્ષા, વ્યાપ વધારવા કે સત્તારૂઢોની કૃપાદૃષ્ટિ મેળવવા માટે હેતુપૂર્વક અમુક હિસ્સા વાઇરલ કરવામાં આવ્યા હોવાની શક્યતાને નકારી શકાય નહીં."
સપ્ટેમ્બર-2017માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર (વિંધ્યાચલ ધામ) ખાતેની રામકથામાં મોરારિબાપુએ યાદવો તથા કૃષ્ણના મોટાભાઈ બલરામને મદ્યપાન કરનાર, છેડતી કરનાર તથા ચોરી કરનાર જણાવ્યા હતા.
હિંદુઓ માને છે કે બ્રહ્યા એ 'સૃષ્ટિના સર્જનહાર', વિષ્ણુ એ 'સૃષ્ટિના પાલનહાર' અને શિવ એ 'સૃષ્ટિના સંહારક' દેવ છે. રામ એ વિષ્ણુનો સાતમો અને કૃષ્ણએ આઠમો 'અવતાર' છે. તાજેતરમાં જૂની ક્લિપ વાઇરલ થતાં વિવાદ ઊભો થયો.
યદુકૂળના વિનાશની કથા વર્ણવ્યા બાદ એ જ વીડિયોમાં આગળ તેઓ શ્રોતાજનોને નશાનું વ્યસન છોડી દેવા આહ્વાન કરે છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં શરાબબંધી નથી.
આ પ્રકારના વિવાદોથી હિંદુધર્મ આંતરિક રીતે નબળો પડતો હોવાની વાતને વિહિપના બંસલ નકારે છે.

બાપુનો કથાવૈભવ
પહેલા એક દાયકા દરમિયાન મોરારિબાપુની મોટાભાગની કથાઓ ગુજરાતમાં જ યોજાઈ હતી, ધીમે-ધીમે તેમની લોકપ્રિયતા દેશ અને પછી વિદેશ સુધી પહોંચી.
1976માં મોરારિબાપુ પોતાની રામકથાને પ્રથમ વખત વિદેશ લઈ ગયા, એ કાર્યક્રમ કેન્યાની રાજધાની નાઇરોબીમાં યોજાયો હતો. ત્યાર પછીના લગભગ સાડા ચાર દાયકા દરમિયાન 35થી વધુ દેશોમાં રામકથા કરી છે.
રામકથા માટે તેમણે અમેરિકા, ઑસ્ટ્રેલિયા બ્રાઝિલ, ભૂટાન, કૅનેડા, કમ્બોડિયા, ગ્રીસ, જાપાન, જૉર્ડન ઇઝરાયલ, ઇટાલી, ઇન્ડોનેશિયા, કેન્યા, મૉરિશિયસ, મ્યાનમાર, ન્યૂઝિલૅન્ડ, ઓમાન, પૉર્ટુગલ, પનામા, રશિયા, રવાન્ડા, સ્વિટ્ઝરલૅન્ડ, સાઉથ આફ્રિકા, સિંગાપોર, શ્રીલંકા, સેશલ્સ, ટાન્ઝાનિયા, થાઇલૅન્ડ, યુનાઇટેડ કિંગ્ડમ, યુગાન્ડા, યુનાઇટેડ આરબ અમિરાત અને ઝામ્બિયાની યાત્રા ખેડી છે.
આમાંથી રામકથાર્થે કેટલાક દેશોનો એક કરતાં વધુ વખત પ્રવાસ કર્યો છે. મોરારિબાપુએ જમીન ઉપરાંત સમુદ્રમાં અને હવાઇજહાજમાં પણ રામકથાઓ કરી છે.
ઑગસ્ટ-1993માં 'માનસ સેતુબંધ'ના નામથી જહાજમાં તેમણે 454મી કથા કરી, તો ઑગસ્ટ-1994માં 'માનસ પુષ્પક રામકથા'ના નામથી તેમણે હવાઇજહાજમાં 473મી કથા કરી.

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર આચાર્યના કહેવા પ્રમાણે, "મોરારિબાપુ 'આઉટ ઑફ બૉકસ' વિચારે છે. જો તેઓ માત્ર રામકથા કહેતા હોત, તો તે બીબાંઢાળ બની ગઈ હોત અને કદાચ તેમની લોકપ્રિયતા આટલી ન વધી હોત."
"શ્રોતાઓ તેમની રામકથાનો ઓડિયો સાંભળી લેત કે વીડિયો જોઈ લેત. તેઓએ સમયાંતરે કથામાં 'અન્ય તત્ત્વો' ઉમેર્યાં છે."
"આજે તેમની કથાઓનું લાઇવ-પ્રસારણ પણ થાય છે અને મૅગેઝિન પણ નીકળે છે. અગાઉ કોઈ કથાકારે ન કર્યું હોય તેવા મીડિયા મૅનેજમૅન્ટ દ્વારા અનુયાયીઓમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે."
મારોરિબાપુ તેમની માતૃભાષા ગુજરાતી કે રાષ્ટ્રભાષા હિંદીમાં રામકથા કરે છે. કથાવાચકની સંસ્થા 'શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ'ના કહેવા પ્રમાણે, ફેસબુક ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવી સોશિયલ નૅટવર્કિંગ સાઇટ્સ ઉપર તેમની હાજરી નથી અને 'વાઇબર' કે 'વૉટ્સઍપ' જેવી ચેટઍપ્સ ઉપર તેમનું કોઈ ગ્રૂપ ચાલતું નથી અને એ બધા 'ફૅક' છે.
જોકે, બાપુ યુટ્યૂબ ઉપર છે, તેમની iOS તથા ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન પણ છે.

મોરારિબાપુ અને અમુક વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
- 'કૃષ્ણના મોટાભાઈ બલરામ તથા યદુવંશીઓ દ્વારકામાં રાજમાર્ગો ઉપર શરાબ પીતા' એ નિવેદનના વિવાદ વિશે વાચવા માટે, અહીં ક્લિક કરો.
- મોરારિબાપુનો પ્રારંભિકકાળ, રામજન્મભૂમિના ઉગ્ર આંદોલનમાં ભૂમિકા, નરેન્દ્ર મોદી, ગોધરાકાંડ બાદની ભૂમિકા, સમજૌતા બ્લાસ્ટના આરોપી સ્વામી અસીમાનંદ સાથે નિકટતાની ચર્ચા જેવા વિવાદો અંગે વાચવા માટે, અહીં ક્લિક કરો.
- સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પૂજનીય એવા 'નીલકંઠવર્ણી' પ્રસાદમાં અપાતી 'લાડૂડી' અંગે નિવેદન બાદ ઊભા થયેલા વિવાદ અંગે વાચવા માટે, અહીં ક્લિક કરો.

કોણ છે મોરારિબાપુ?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ગુજરાતમાં ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી તરીકે જન્મેલા. અનુયાયીઓમાં તેઓ 'મોરારિબાપુ' તરીકે ઓળખાય છે.
તેમની વેબસાઇટમાં આપેલી જાણકારી પ્રમાણે 12 વર્ષની વયે તેમને સમગ્ર રામચરિતમાનસ કંઠસ્થ થઈ ગયું હતું, જે તેમણે પાંચ વર્ષની ઉંમરથી શીખવાનું શરૂ કર્યું હતું.
14 વર્ષની ઉંમરે થોડા લોકોને ચોપાઈઓ સંભળાવવાની શરૂઆત કરનારા બાપુએ રામકથાનો આરંભ 1960માં તલગાજરડાથી જ કર્યો હતો.
પોતાના દાદાને જ ગુરુ માનતા અને તેઓ કોઈને શિષ્ય બનાવવામાં માનતા નથી. તેમણે વારંવાર કહ્યું છે કે તેમને કોઈ શિષ્ય નથી.
તેમના દાદા ત્રિભુવનદાસ પાસેથી તેમણે રામચરિતમાનસની ચોપાઈઓ શીખી અને તેને કંઠસ્થ કરી હતી.
દેશવિદેશમાં ખ્યાતિ હોવા છતાં તેઓ તલગાજરડામાં જ રહે છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














