એ દેશ જે રંગભેદને લીધે ભારત સાથે ક્રિકેટ નહોતો રમતો

ઇમેજ સ્રોત, Ishant.sharma/instagram
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, ખેલપત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ડૅરેન સૅમીએ તાજેતરમાં જ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમી રહ્યા હતા ત્યારે તેમની ચામડીના રંગને લઈને કૉમેન્ટ થતી રહેતી હતી.
પાછળથી તેને ખ્યાલ આવ્યો કે આ કૉમેન્ટનો મતલબ શું થતો હતો.
અમેરિકામાં તાજેતરમાં પોલીસદમનમાં કાળા રંગના જ્યૉર્જ ફલૉયડનું મૃત્યુ થયા પછી સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. એમ લાગે છે કે સમગ્ર વિશ્વમાં ફરીથી ગોરા-કાળાના રંગભેદને લઈને મોટો વિવાદ સર્જાનારો છે.
બાસ્કેટ-બૉલ અને બૉક્સિંગના મહાન અમેરિકન ખેલાડીઓ પણ હવે ફલૉયડને લઈને કાળા નાગરિકોનું સમર્થન કરી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે આ વાતને ઘણી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
આપણે ફક્ત રમતજગતની વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં સદીઓથી રંગભેદ નીતિ ચાલી રહી હતી.
મહાત્મા ગાંધીને માત્ર તેમની ચામડીના રંગને કારણે જ ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને પછી જે કાંઈ બન્યું તે ઇતિહાસ છે.
ક્રિકેટની વાત કરીએ તો ડૅરેન સૅમીએ તાજેતરમાં જે આક્ષેપ કર્યો છે તે એ છે કે આઈપીએલ દરમિયાન તેમની ટીમના સાથી ખેલાડીઓ સૅમી અને બ્રાવોને કે શ્રીલંકાના એક ખેલાડીને 'કાલુ' કહીને બોલાવતા હતા.
1970 અને 1980ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવે ત્યારે સામાન્ય બોલચાલમાં પણ તેમના વિરુદ્ધ આવા જ શબ્દોનો પ્રયોગ કરાતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
એટલે સુધી કે 1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો થવાનો હતો ત્યારે પણ ભારતમાં કેરેબિયન ખેલાડીઓ વિશે આવી જ રીતે ચર્ચા થતી હતી.
કેટલાંક અખબારોમાં પણ પબ્લિક ઑપિનિયન (એ વખતે ટીવી ચેનલો ન હતી) કે મૅચની હાઇલાઇટના લેખમાં ક્રિકેટપ્રેમીઓ આવા શબ્દનો ઉપયોગ કરતા હતા.
ખેલાડી જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિને આ રીતે સંબોધવી તે અયોગ્ય બાબત છે.
સાઉથ આફ્રિકા રંગભેદની નીતિને કારણે ભારત સાથે ક્રિકેટ નહોતું રમતું.

બૅસિલ ડી'ઓલિવિયેરાને કારણે મોટો વિવાદ સર્જાયો હતો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટમાં રંગભેદને સાંકળતો સૌથી મોટો વિવાદ 1968-69માં સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડવા જઈ રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સાથે થયો હતો.
સાઉથ આફ્રિકા વર્ષોથી રંગભેગની નીતિને કારણે ભારત, વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન જેવા દેશો (એ વખતે શ્રીલંકા રમતું ન હતું) સાથે ક્રિકેટ રમતું ન હતું. તેઓ માત્ર ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે જ સિરીઝ યોજતા હતા.
બૅસિલ ડી'ઓલિવિયેરાનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો પરંતુ તેઓ અશ્વેત હોવાને કારણે એ દેશની ટીમમાં તેમને સ્થાન મળતું નહોતું.
એક પ્રતિભાશાળી ક્રિકેટર હોવાને કારણે તેમણે ઇંગ્લૅન્ડ આવી જવાનો નિર્ણય લીધો અને બ્રિટનમાં આવ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમમાં રમવા માટે ઍલિજિબલ થવા સુધી રાહ પણ જોઈ.
આ પ્રતિભાશાળી ઑલરાઉન્ડરે અંતે અંગ્રેજ ટીમમાં સ્થાન હાંસલ કરી જ લીધું.
હવે 1968-69માં સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી ટીમમાં તેમનું સ્થાન નક્કી જ હતું.
30 વર્ષની વયે 1960માં ઇંગ્લૅન્ડ આવી ગયા બાદ તેમને છેક 1966માં રમવાની તક મળી હતી.
અંતે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે તેની પસંદગી થઈ અને વિવાદનો પ્રારંભ થયો.
મૂળ ટીમમાં તો બૅસિલ ડી'ઓલિવિયેરાની પસંદગી કરાઈ ન હતી અને તે વિશે એમ કહેવાય છે કે સાઉથ આફ્રિકન સરકારે જાહેરમાં અને ખાનગીમાં તેમને પસંદ નહીં કરવા માટે ઝુંબેશ ચલાવી હતી.
બૅસિલ ડી'ઓલિવિયેરાની પસંદગી નહીં થતાં સાઉથ આફ્રિકાએ આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ ઇંગ્લૅન્ડમાં વિરોધ થયો. અંતે ટોમ કાર્ટરાઇટ ઘાયલ થતાં તેમને સ્થાને બૅસિલ ડી'ઓલિવિયેરાને ટીમમાં સામેલ કરાયા.
સાઉથ આફ્રિકાના તત્કાલીન વડા પ્રધાન જહૉન વૉર્સટરે આ પસંદગીને રાજકીય ગણાવી અને જાહેર કર્યું કે બૅસિલ ડી'ઓલિવિયેરાના સમાવેશ ધરાવતી ટીમને સાઉથ આફ્રિકામાં આવકારીશું નહીં.
અંતે આઈસીસીએ સાઉથ આફ્રિકા પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાદી દીધો.
આમ રંગભેદની નીતિને કારણે સાઉથ આફ્રિકાને માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તમામ રમતોમાંથી હાથ ધોવા પડ્યા હતા.
છેક 1991માં નેલ્સન માંડેલાના પ્રયાસોથી સાઉથ આફ્રિકા રમતગમતમાં પરત ફર્યું હતું.
આ બેથી અઢી દાયકાના સમયમાં એવા ઘણા તબક્કા આવ્યા જ્યારે સાઉથ આફ્રિકાએ અન્ય દેશના ખેલાડીઓને પોતાને ત્યાં રમવા બોલાવ્યા હોય પરંતુ ત્યાં જનારા ખેલાડીને તેમના દેશમાં બળવાખોર માનવામાં આવ્યા અને ઘણાની કારકિર્દી પૂરી થઈ ગઈ હતી.
સાઉથ આફ્રિકા જેવો દેશ તો તેની રંગભેદ નીતિને કારણે પંકાઈ ગયો હતો અને તેની ઉપર પ્રતિબંધ પણ લાગી ગયો હતો પરંતુ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે ક્યારેય જાહેરમાં રંગભેદ નીતિને સમર્થન કર્યું ન હતું. આમ છતાં તેના કેટલાક ખેલાડીઓની વર્તણૂંક શંકાસ્પદ હતી.
જ્યૉફ બૉયકોટ અને ટૉની ગ્રૅગ જેવા ખેલાડી આ મામલે ઘણી વખત વિવાદમાં સપડાયા હતા.
જ્યૉફ બૉયકોટે તો 1980ની આસપાસ સાઉથ આફ્રિકામાં રમવા જનારા બળવાખોરોને ટેકો પણ આપ્યો હતો.

રંગભેદની ટીકા કરતા વિન્ડિઝ ટીમ આક્રમક બની

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિસ ગેઇલ અને ડૅરેન સૅમીએ ક્રિકેટમાં પણ જાતિવાદ, રંગભેદ છે તેવું નિવેદન કર્યું છે. જોકે ક્રિકેટજગતમાં પહેલી વાર આમ બન્યું નથી.
1976માં પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમના ખેલાડીઓને આ રીતે રંગભેદ અંગેની કૉમેન્ટનો સામનો કરવો પડ્યો હતો.
જોકે એ એક કૉમેન્ટ બાકીના ક્રિકેટ રમતા દેશોને ભારે પડી ગઈ હતી કેમ કે ત્યારથી જ કેરેબિયન ક્રિકેટરોએ દુનિયાભરનાં મેદાનો પર પોતાની રમત અને ખાસ કરીને બૉલિંગથી આતંક મચાવ્યો હતો.
વાત 1976ના જૂન મહિનાની છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી અને તે પાંચ ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટ રમવાની તૈયારી કરી રહી હતી.
એ વખતે ઇંગ્લૅન્ડના ક્રિકેટર ટૉની ગ્રૅગની એક કૉમેન્ટે વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટરના સ્વાભિમાન પર પ્રહાર કર્યો અને તેનું પરિણામ વિશ્વભરની ટીમોએ ભોગવ્યું.
પહેલી જૂને કેરેબિયન ટીમ હોટલમાં આરામ કરી રહી હતી અને ટીવી ચાલું હતું. કોઈનું ધ્યાન ટીવીમાં ન હતું. એવામાં એક ખેલાડી ટીવી બંધ કરવા ગયો પણ ત્યાં તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા જેમાં ટૉની ગ્રૅગનો ચહેરો દેખાડવામાં આવ્યો અને બધાનું ધ્યાન ટીવી પર ગયું.
વિવિયન રિચાર્ડ્સે તાજેતરમાં જ આ વાત યાદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે "અમે ટીમ-મિટિંગમાં જવાની તૈયારી કરતા હતા. અમારે મૅચ માટેની રણનીતિ ઘડવાની હતી."
"એવામાં ટૉની ગ્રૅગનો ચહેરો ટીવી પર દેખાયો. અમે અટકી ગયા. ગ્રૅગે કહ્યું કે તે પોતાની ટીમના સાથીઓની મદદથી વેસ્ટ ઇન્ડિઝની ટીમને પરાસ્ત કરી દેશે."
ટૉની ગ્રૅગે 'ગ્રૉવલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. એ વખતે તે સાઉથ આફ્રિકન સ્ટાઇલથી બોલ્યો હતો. થોડા સમય અગાઉ ટૉની ગ્રૅગ સાઉથ આફ્રિકાથી પરત ફર્યો હતો.
રિચાર્ડ્સે કહ્યું કે તે આ શબ્દ સમજી શક્યા નહોતા. તેમણે ડિક્શનરીમાં જોયું પણ ત્યાં પણ એ શબ્દ ન હતો.
"સાથી ખેલાડીઓને આ વાત કરી તો તેઓ ગંભીર બની ગયા ત્યારે મને ખ્યાલ આવી ગયો કે કંઈક સમસ્યા છે. મને ખ્યાલ આવી ગયો કે એ શબ્દ રમત સંબંધિત તો ન હતો. પણ તે શબ્દ અપમાનજનક હતો."
ત્યાર બાદ ના તો ટીમ-મિટિંગ થઈ કે ના તો કોઈ રણનીતિ ઘડાઈ. બધા સાથે મેદાનમાં ઊતર્યા અને ત્યાર બાદ મેદાન પર તેમણે આતંક મચાવ્યો.
ટૉની ગ્રૅગ રમવા આવે ત્યારે બૉલર ફુલ લૅન્થ બૉલ ફેંકતાં અને ગ્રૅગના શરીરને નુકસાન પહોંચાડતા હતા.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












