તમારા પૉર્ટફોલિયોમાં આટલાં મ્યુચ્યુઅલ ફંડ હોવા ઘટે, ઢગલાબંધ ફંડ હોય તો આટલું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ દ્વારા અંદાજે 80 લાખ કરોડ રૂપિયાની અસ્કયામતોનું (AUM) સંચાલન કરવામાં આવે છે.
અત્યારે દેશમાં 40થી વધુ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ કાર્યરત છે. રેટિંગ એજન્સી ICRAના અંદાજ મુજબ, 2035 સુધીમાં ભારતીય ફંડ હાઉસિસ 300 લાખ કરોડ રૂપિયાથી વધુની મૂડીનું સંચાલન કરતા હશે.
આજકાલ ઓનલાઇન સુવિધાઓ અને વિવિધ મોબાઈલ ઍપ્સના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બન્યું છે. આ સરળતાને લીધે ઘણા રોકાણકારો પોતાના પૉર્ટફોલિયોમાં મોટી સંખ્યામાં ફંડ એકઠા કરી લેતા હોય છે.
પરંતુ પ્રશ્ન એ થાય કે આદર્શ પૉર્ટફોલિયોમાં કેટલાં ફંડ હોવાં જોઈએ? વધુ પડતા ફંડ રાખવાથી શું ગેરફાયદા થાય? અને નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે ખરેખર કેટલાં ફંડ પૂરતાં છે? આ અંગે અમે નાણાકીય નિષ્ણાતો સાથે વાત કરીને તેમનો મત જાણ્યો છે.
પૉર્ટફોલિયોમાં કેટલાં ફંડ હોવા જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા રોકાણકારો એક કે બે મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અથવા લમ્પસમ (એકસાથે) રોકાણથી શરૂઆત કરે છે. ધીમે-ધીમે મોબાઈલ ઍપ્સની સરળતાને કારણે તેઓ નવા-નવા ફંડ ઉમેરતા જાય છે અને ફંડની સંખ્યા વધતી રહે છે.
આ બાબતે નિષ્ણાતોનાં મંતવ્યો અલગ-અલગ છે. મ્યુચ્યુઅલ ફંડ પર સંશોધન કરતી સંસ્થા 'વેલ્યુ રિસર્ચ'ના CEO (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) ધીરેન્દ્ર કુમાર કહે છે કે આદર્શ રીતે પૉર્ટફોલિયોમાં 5થી 8 ફંડ હોવા જોઈએ, તેનાથી વધુ ફંડની જરૂર રહેતી નથી.
તેઓ ઉમેરે છે કે, "કેટલાક લોકોના પૉર્ટફોલિયોમાં 20 જેટલાં ફંડ હોય છે, પરંતુ તેના પર દેખરેખ રાખવી મુશ્કેલ બને છે. તમારાં 10 કે 20 વર્ષ દૂરના નાણાકીય લક્ષ્યો પણ 5થી 8 યોગ્ય ફંડ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે."
બીજી તરફ, અમદાવાદસ્થિત ફાઇનાન્સિયલ ઍડવાઇઝર મિથુન જાથલ માને છે કે ફંડની સંખ્યા કરતાં તમારાં નાણાકીય લક્ષ્યો (Goals) વધુ મહત્ત્વનાં છે. તેમના મતે, વધુમાં વધુ કેટલાં ફંડ હોવા જોઈએ તેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિથુન જાથલ કહે છે, "દરેક રોકાણકાર માટે 5-8 ફંડનો નિયમ અસરકારક ન પણ હોય. તમારાં દરેક લક્ષ્ય—જેમ કે 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 25 વર્ષ પછીનાં હોય—તે મુજબ અલગ-અલગ ફંડની પસંદગી કરવી પડે છે."
તેઓ ઉદાહરણ આપે છે કે, "બાળકોનું શિક્ષણ, ઘરની ખરીદી, લગ્ન, વૅકેશન, કારની ખરીદી અને નિવૃત્તિ જેવાં વિવિધ લક્ષ્યો માટેના સમયગાળા અને જોખમ લેવાની ક્ષમતા મુજબ રોકાણ કરવું જોઈએ."
ફંડની સંખ્યા કરતાં ડાઇવર્સિફિકેશન જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
વધારે પડતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી પૉર્ટફોલિયોમાં એક જ પ્રકારના શેરો અથવા ફંડ આવી જવાનું જોખમ રહે છે. નિષ્ણાતોના મતે રોકાણમાં સંખ્યા કરતાં 'ડાઇવર્સિફિકેશન' હોવું વધુ જરૂરી છે.
'મનીપ્લાન્ટ ફિનમાર્ટ'ના ડાયરેક્ટર મેહુલ શાહે જણાવ્યું કે, "શરૂઆતના રોકાણકારો માટે 2-3 ફંડ પૂરતાં છે, જેમાં પૂરતું વૈવિધ્ય મળી રહે. જ્યારે પૉર્ટફોલિયો મોટો થાય, ત્યારે 8થી 10 ફંડ રાખવાં પૂરતાં છે. લોકો વારંવાર નવાં ફંડ ઉમેરવાનો આગ્રહ રાખે છે, પરંતુ તેના બદલે જૂના અને સારું પ્રદર્શન કરનારા ફંડમાં જ રોકાણ વધારવું વધુ હિતાવહ છે."
નાણાકીય સલાહકાર મિથુન જાથલ ઉમેરે છે કે, "રોકાણ કરતી વખતે તમારી રિસ્ક પ્રોફાઇલ જોવી અનિવાર્ય છે, જે તમારી આવક, ઉંમર અને જવાબદારીઓના આધારે નક્કી થાય છે. આ જોખમ લેવાની ક્ષમતા મુજબ 'ઍસેટ ઍલોકેશન' કરવું જોઈએ. જેમાં ગોલ્ડ ETF, સિલ્વર ETF, બોન્ડ્સ, લાર્જ-કેપ અને મિડ-કેપ ફંડ્સનું મિશ્રણ હોવું જોઈએ. આ માટે અલગ-અલગ ફંડ લેવા પડે તે સ્વાભાવિક છે, જેનાથી ફંડની કુલ સંખ્યા વધી શકે છે."
અલગ-અલગ ફંડ હાઉસ પસંદ કરો

ઇમેજ સ્રોત, Getty Images
મેહુલ શાહ સલાહ આપે છે કે તમામ ફંડ એક જ ફંડ હાઉસના ખરીદવાને બદલે અલગ-અલગ ફંડ હાઉસના ફંડમાં રોકાણ કરવું જોઈએ. તેઓ કહે છે, "જો તમારા પૉર્ટફોલિયોમાં 70થી 80 ટકા સ્ટોક્સ એકસરખા હશે, તો તે 'ઑવરલેપિંગ' ગણાશે. જોકે, 30થી 40 ટકા ઑવરલેપિંગ બજારની સ્થિતિ મુજબ સામાન્ય છે. અંતે તો બજાર કરતાં વધુ વળતર મેળવવું એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે."
તેઓ ચેતવણી આપતા કહે છે કે, "મોબાઈલ ઍપ્સના કારણે લોકોના પૉર્ટફોલિયોમાં 80 જેટલાં ફંડ જોવા મળે છે, જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે."
રોકાણકારો કેવી ભૂલ કરે છે?
મિથુન જાથલના નિરીક્ષણ મુજબ, "રોકાણકારો ઘણીવાર જે ક્ષેત્રમાં તેજી હોય તેની પાછળ દોડે છે. અત્યારે સોના-ચાંદીમાં તેજી હોવાથી લોકો ગોલ્ડ અને સિલ્વર ETF ખરીદવા પ્રેરાય છે, પરંતુ યાદ રાખવું જોઈએ કે તેમાં તીવ્ર વધારા સાથે મોટા ઘટાડાનું જોખમ પણ રહેલું છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "તમારાં લક્ષ્યો અને રિસ્ક પ્રોફાઇલને આધારે જ ફંડ પસંદ કરો. દાખલા તરીકે, મોટી ઉંમરે સ્મોલ-કેપ ફંડમાં લમ્પસમ રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. જો તમે ભારે જોખમ ધરાવતા ઇક્વિટી ફંડમાં રોકાણ કર્યું હોય અને લક્ષ્ય પૂરું થવાના સમયે બજારમાં કડાકો આવે, તો તમારી મૂડી ધોવાઈ શકે છે."
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













