2026માં સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે? નિષ્ણાતોનું અનુમાન શું છે?

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
- લેેખક, પીટર હાસ્કિન્સ
2025માં સોના તથા ચાંદીના ભાવ 1979 પછીના સૌથી વધુ વાર્ષિક વધારો નોંધાવવા માટે તૈયાર હતા, પરંતુ વર્ષના અંત સુધીમાં તેમણે ભારે અસ્થિરતાનો સામનો કરવો પડ્યો.
સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. એક સમયે તેનો ભાવ પ્રતિ ઔંસ 4,549 ડૉલર (લગભગ રૂ. ચાર લાખ)ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયો હતો, પરંતુ ક્રિસમસ પછી તેમાં થોડો ઘટાડો થયો હતો અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ તે લગભગ 4,330 ડૉલર પર સ્થિર થયો હતો.
દરમિયાન ચાંદી, જેના ભાવ સોમવારે પ્રતિ ઔંસ 83.62 ડૉલરના સર્વકાલીન રેકૉર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયો હતો, તે લગભગ 71 ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહી છે.
2025માં સોના અને ચાંદીના ભાવમાં વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા સહિતનાં અનેક પરિબળોને કારણે વધારો થયો હતો.
જોકે, નિષ્ણાતો કહે છે કે આ વર્ષે થયેલી મોટી ભાવવૃદ્ધિને કારણે 2026માં ભાવ ઘટવાની શક્યતા છે.
ભાવ શા માટે વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા, વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કો દ્વારા સોનાની મોટા પાયે ખરીદી, વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોની "સલામત આશ્રયસ્થાન" તરફની દોટ 2025માં ભાવ વધારાનું મુખ્ય કારણ હતી.
ટ્રેડિંગ પ્લૅટફૉર્મ XS.comના રાનિયા ગુલાયે કહ્યું હતું, "આર્થિક, રોકાણ અને ભૂ-રાજકીય પરિબળોને કારણે સોના તથા ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે."
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની ફેડરલ રિઝર્વ 2026માં વ્યાજદરોમાં ફરીથી ઘટાડો કરશે, એવી અપેક્ષા પણ આ ધાતુઓના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત, વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કો દ્વારા સોનાની ખરીદી અને વૈશ્વિક તણાવ તેમજ નાણાકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારો "સલામત રોકાણ" ભણી વળ્યા હોવાથી સોના તથા ચાંદીના ભાવમાં વધારો થયો છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્વેસન્ટમેન્ટ પ્લૅટફૉર્મ એજે બેલ માર્કેટ્સના વડા ડેન કોટ્સવર્થે જણાવ્યું હતું કે શેરબજારમાં ફુગાવા તથા અસ્થિરતાની ચિંતા વચ્ચે રોકાણકારો આ ધાતુઓ તરફ વળ્યા છે. તેથી સોના-ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
કોટ્સવર્થે ઉમેર્યું હતું કે બ્રિટન તથા અમેરિકામાં સરકારી દેવાનું વધતું પ્રમાણ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના (એઆઈ) પરપોટાના ભયને કારણે રોકાણકારો સોના-ચાંદીના ભાવમાં વધારા બાબતે આશાવાદી છે.
જોકે, તેમણે ચેતવણી આપી હતી કે સોના-ચાંદીના ભાવમાં 2025માં તીવ્ર વધારો થયો છે. એ કારણે 2026માં તેમાં અચાનક તથા નોંધપાત્ર ઘટાડો થવાનું જોખમ છે.
તેમણે કહ્યું હતું, "નાણાબજારમાં મંદી આવે તો પોતાના રોકાણને રોકડું કરવા ઇચ્છતા રોકાણકારો એવી અસ્કાઅમત તરફ વળશે, જેણે ગયા વર્ષે સારું પરફૉર્મ કર્યું હોય અથવા જેને વેચવી સરળ હોય. સોનામાં આ બન્ને ગુણ છે."
ગુલાઈના કહેવા મુજબ, 2026માં સોનામાં ભાવ વધારો ચાલુ રહેવાની તેમને આશા છે. આ વખતનો વધારો, 2025માં નોંધાયેલા રેકૉર્ડ ઉચ્ચ સ્તરની તુલનામાં સ્થિત ગતિએ થવાની શક્યતા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, વિશ્વભરની મધ્યસ્થ બૅન્કોએ તેમના ભંડારમાં આ વર્ષે સેંકડો ટન સોનું ઉમેર્યું છે.
ચાંદીના ભાવ શા માટે વધ્યા?
ઇન્વેસ્ટમેન્ટ કંપની સ્કાય લિંક્સ કેપિટલ ગ્રૂપના સહ-સ્થાપક ડેનિયલ તાકિદ્દીને જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાંનો વધારો "પુરવઠાની અછત અને ઔદ્યોગિક માંગ"ને આભારી છે.
ચાંદીના વિશ્વના બીજા ક્રમના સૌથી ઉત્પાદક ચીને આ ધાતુની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે સંસાધનો તથા પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ચાંદી સિવાયની ટંગસ્ટન અને એન્ટિમોની જેવી અન્ય ધાતુઓની નિકાસ પર નવા પ્રતિબંધોની જાહેરાત ઑક્ટોબર-2025માં કરી હતી.
ટેસ્લાના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) એલોન મસ્કે કહ્યું હતું, "આ સારી બાબત નથી. ચાંદી ઘણી ઔદ્યોગિક પ્રક્રિયા માટે જરૂરી છે."
ડેનિયલ તાકિદ્દીને જણાવ્યું હતું કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જેવા રોકાણના માધ્યમથી આ માર્કેટમાં મોટા પ્રમાણમાં નાણાં ઠલવાયાં છે.
આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ મારફત, શેરબજારની માફક, તમે સોનાને ભૌતિક રીતે તમારી પાસે રાખ્યા વિના ટ્રેડિંગ કરી શકો છો.
રાનિયા ગુલાયનું અનુમાન છે કે સોનામાં 2026માં પણ ભાવવધારો ચાલુ રહેશે, પરંતુ તે 2025માં જોવા મળેલા રેકૉર્ડ સ્તરની તુલનામાં કંઈક અંશે "સ્થિર ગતિ" પર હશે.
ચાંદીના ભાવમાં પણ વધારાની ધારણા છે ત્યારે તકિદ્દીને ચેતવણી આપી હતી કે તીવ્ર ઉછાળા પછી તીવ્ર ઘટાડાનું જોખમ પણ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













