ચાંદીના ભાવ અઢી લાખ રૂપિયાની પાસે કેવી રીતે પહોંચી ગયા, વર્ષ 2026માં ચાંદીની ખરીદી કરાય કે નહીં?

બીબીસી ગુજરાતી ચાંદી ભાવ ગોલ્ડ સોનું બુલિયન ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે સોનાના ભાવ હંમેશા ચર્ચાનું કારણ રહેતા હોય છે, પરંતુ વર્ષ 2025ના અંતમાં ચાંદીએ સૌથી વધારે ચર્ચા જગાવી છે.

તેનું કારણ છે કે ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. મજબૂત ઔદ્યોગિક માંગ અને ઓછી સપ્લાયના કારણે ચાલુ વર્ષમાં ચાંદીના ભાવમાં લગભગ 180 ટકા વધારો થયો છે. તેના કારણે રોકાણકારોમાં આ ધાતુ માટે રસ વધ્યો છે.

વર્ષના છેલ્લા દિવસે ચાંદીમાં કિલો દીઠ 15 હજાર રૂપિયાનો કડાકો આવ્યો છે, છતાં ચાંદીનો ભાવ લગભગ અઢી લાખ રૂપિયાની નજીક છે અને એક સમયે ત્રણ લાખ રૂપિયાના ભાવનો અંદાજ પણ દર્શાવાતો હતો.

ચાંદીના ભાવ શા માટે વધે છે?

બીબીસી ગુજરાતી ચાંદી ભાવ ગોલ્ડ સોનું બુલિયન ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ ચાંદીને ઔદ્યોગિક રીતે આવશ્યક ધાતુઓની યાદીમાં સ્થાન આપ્યું છે

કૉમોડિટી માર્કેટના જાણકારો મુજબ ચાંદીના ભાવમાં તીવ્ર વધારા માટે કોઈ એક કારણ જવાબદાર નથી, પરંતુ ઘણાં કારણો કામ કરી રહ્યાં છે.

તેમાંથી એક મોટું કારણ ઔદ્યોગિક ડિમાન્ડ છે. સોનાની સરખામણીમાં ચાંદી એ બેવડી ઉપયોગિતા ધરાવતી ધાતુ છે. એટલે કે તે કિંમતી ધાતુ હોવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ભારે ડિમાન્ડ જોવા મળે છે.

સોલર પૅનલ, ઇલેક્ટ્રૉનિક આઇટમો, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ અને બૅટરીમાં ચાંદીનો ઉપયોગ વધ્યો છે, જ્યારે ચાંદીનો પૂરવઠો ઓછો છે.

આ ઉપરાંત અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સની યાદીમાં ચાંદીનો સમાવેશ કર્યો તેના કારણે તેમાં ભારે ડિમાન્ડ પેદા થવાનો અંદાજ છે.

ચાંદીના ભાવની દિશા નક્કી કરવામાં અમેરિકન ડૉલર પણ ભૂમિકા ભજવે છે. હાલમાં યુએસ ડૉલરની નબળાઈ તથા આગામી વર્ષમાં અમેરિકામાં વ્યાજના દર ઘટશે તેવી અપેક્ષાએ ચાંદી વધી રહી છે.

ભારતમાં ચાંદીના ભાવની કેવી સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી ચાંદી ભાવ ગોલ્ડ સોનું બુલિયન ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2025માં સોના કરતાં પણ ચાંદીએ વધારે વળતર આપ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વૈશ્વિક બજારની સાથે સાથે ભારતમાં પણ ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે.

હૈદરાબાદ અને ચેન્નાઈ જેવાં શહેરોમાં 29 ડિસેમ્બરે એક કિલો ચાંદીનો ભાવ 2.73 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

જ્યારે કે કોલકાતા, બૅંગ્લુરુ અને મુંબઈ જેવાં શહેરોમાં ચાંદીનો ભાવ 2.50 લાખ આસપાસ ચાલતો હતો. ભારતમાં અલગ-અલગ શહેરોમાં સ્થાનિક ટૅક્સ, ટ્રાન્સપૉર્ટના ખર્ચ અને બીજાં કારણોથી ભાવમાં તફાવત આવે છે.

વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે એમસીઍક્સ પર ચાંદીમાં 5.5 ટકા કરતાં મોટો કડાકો આવ્યો હતો અને ભાવ 2.36 લાખ રૂપિયાથી ઉપર ચાલતો હતો.

સમાચાર સંસ્થા રૉયટર્સનો અહેવાલ જણાવે છે કે ચાંદી માટે વર્ષ 2025 બ્લૉકબસ્ટર સાબિત થયું છે. ચાંદી એવી ધાતુ છે જેનો ભાવ બમણાં કરતાં પણ વધારે વધ્યો છે. જ્યારે સોનાના ભાવમાં ચાલુ વર્ષે 65 ટકાનો વધારો થયો છે અને 1979 પછી સોનાના ભાવે એક વર્ષમાં સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો છે.

ચાંદીએ વિક્રમ સપાટી બનાવ્યા પછી તેમાં પ્રૉફિટ બુકિંગ થયું હતું જેના કારણે 31 ડિસેમ્બરે ભાવ ઘટ્યા છે. સોમવારે ચાંદીએ ઔંસ (28.34 ગ્રામ) દીઠ 83.62 ડૉલરની હાઈ સપાટી બનાવ્યા પછી બુધવારે ભાવ ઘટીને 72 ડૉલર પર આવી ગયો હતો. એટલે કે 29મીએ વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 2.65 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી ચાલતો હતો.

ચાંદીની ડિમાન્ડ હજુ વધશે?

બીબીસી ગુજરાતી ચાંદી ભાવ ગોલ્ડ સોનું બુલિયન ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ચાંદીએ એક લાખ રૂપિયાની સપાટી વટાવ્યા પછી બહુ ઝડપથી તેનો ભાવ અઢી લાખ સુધી ભાવ પહોંચી ગયો

અમેરિકાએ તાજેતરમાં 10 ધાતુઓને અમેરિકાના અર્થતંત્ર માટે મહત્ત્વની ગણાવી હતી જેમાં ચાંદીની સાથે કૉપરનો પણ સમાવેશ કર્યો છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, પાવર ગ્રિડ અને સ્ટીલ ઉત્પાદન માટે આ ધાતુઓની ખાસ જરૂર રહેશે.

ચાંદી અને તાંબા ઉપરાંત પૉટાશ, સિલિકૉન, લેડ જેવી ધાતુને પણ લિસ્ટમાં સામેલ કરવાની દરખાસ્ત છે.

વર્ષ 2025માં આખી દુનિયામાં ચાંદીનો કુલ પુરવઠો 1.05 અબજ ઔંસ જેટલો રહેવાનો અંદાજ છે જ્યારે ચાંદીની ડિમાન્ડ વધીને 1.20 અબજ ઔંસ રહેશે. તેના કારણે સળંગ પાંચમા વર્ષે ચાંદીના ભાવ વધશે.

ભારતમાં જુલાઈ મહિનામાં ચાંદીએ સૌથી પહેલી વખત એક કિલો દીઠ એક લાખ રૂપિયાની સપાટી વટાવી હતી.

આ ઉપરાંત ચાંદીના ભાવ નક્કી કરવામાં ચીનની પણ મહત્ત્વની ભૂમિકા રહેશે. કારણ કે દુનિયામાં દર વર્ષે પ્રોસેસ કરવામાં આવતી ચાંદીમાં એકલા ચીનના સપ્લાયનો હિસ્સો 60થી 70 ટકા હોય છે. જાન્યુઆરીમાં ચીન સિલ્વરના સપ્લાય માટે લાઇસન્સની ચુસ્ત સિસ્ટમ લાગુ કરવાનું છે જેના કારણે સપ્લાય પર દબાણ આવી શકે છે.

જાન્યુઆરી મહિનાથી ચીનમાં ઓછામાં ઓછા 80 ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપનીઓ જ નિકાસનાં લાઇસન્સ મેળવી શકશે.

2026માં ચાંદીનો ભાવ વધશે કે ઘટશે?

બીબીસી ગુજરાતી ચાંદી ભાવ ગોલ્ડ સોનું બુલિયન ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ સતત વધતી જાય તેવો અંદાજ છે

ભારતીય બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રમુખ અને રિદ્ધિસિદ્ધિ બુલિયન્સના મૅનેજિંગ ડાયરેક્ટર પૃથ્વીરાજ કોઠારીએ તાજેતરમાં કહ્યું હતું કે સોલર પૅનલ, ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને ડિફેન્સ ક્ષેત્રે ભારે માંગના કારણે ચાંદીના ભાવ વધી રહ્યા છે.

પૃથ્વીરાજ કોઠારીને ટાંકીને ઇકૉનૉમિક ટાઇમ્સનો અહેવાલ જણાવે છે કે "ડૉલર સામે રૂપિયો સ્થિર રહેશે એવું ધારી લેવામાં આવે તો વર્ષ 2026ના અંત સુધીમાં ચાંદીનો ભાવ 2.80 લાખ રૂપિયાથી 3.20 લાખ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહી શકે છે."

પૃથ્વીરાજ કોઠારીએ એમ પણ કહ્યું હતું કે "લાંબા ગાળા માટે ચાંદીમાં રોકાણ કરવું હોય તો ચાંદીના બાર કે સિક્કા ખરીદી શકાય, જેમાં સ્ટોરેજ તથા ઘડામણ ચાર્જિસનો ખર્ચ આવશે. પરંતુ તેના બદલે સિલ્વર ઈટીએફ (ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) અથવા બીજા ડિજિટલ પ્લૅટફૉર્મ વધારે યોગ્ય રહેશે કારણ કે તેમાં સુરક્ષા અને શુદ્ધતાની ચિંતા નહીં રહે."

અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે ચાંદીમાં ભારે તેજી પછી અત્યંત મોટા કડાકાનો ઇતિહાસ પણ જોવા મળ્યો છે. ડિસેમ્બર 1979માં ચાંદીમાં એક મહિના સુધી જોરદાર ઉછાળો આવ્યો હતો પરંતુ ત્યાર પછીના વર્ષે એપ્રિલ 1980માં ચાંદીનો ભાવ 62 ટકા જેટલો ઘટી ગયો હતો.

(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન