ગુજરાતનો એવો છોડ જે ગીરના સિંહો અને વનવિભાગને પરેશાન કરી રહ્યો છે

ઇમેજ સ્રોત, Bhushan Pandya
દુનિયામાં આફ્રિકા ખંડના દેશો ઉપરાંત જો કોઈ અન્ય જગ્યાએ સિંહો જોવા મળતા હોય તો તે ગુજરાતનો ગીર પ્રદેશ છે.
આ એશિયાઈ સિંહ ગીરનાં ઘાસનાં મેદાનો અને જંગલમાં રહેનારાં તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને ભોજન મેળવે છે.
આ આહાર શ્રૃંખલામાં સિંહ સૌથી ઉપર છે. હવે આ આહાર શ્રૃંખલામાં કોઈ વિક્ષેપ પડે તો તેની અસર સિંહ પર પણ પડે છે.
હાલમાં ગીર ખાતેના વનવિભાગના અધિકારીઓને આ જ પ્રકારની ચિંતા સતાવી રહી છે અને તેનું કારણ છે અહીં ઊગતી એક વનસ્પતિ.
વનવિભાગના અધિકારીઓ કહે છે કે ખાસ કરીને ગીરના પશ્ચિમ ભાગમાં અને ગીરના જંગલના સીમાડાના વિસ્તારોમાં પરદેશી કુંવાડિયા (વાનસ્પતિક નામ Senna uniflora—સેન્ના યુનિફ્લૉરા) અને દેશી કુંવાડિયા (વાનસ્પતિક નામ Senna tora) નામના છોડે પગપેસારો કર્યો છે. તેને કુવાડિયો પણ કહે છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ બંને છોડ અને સ્થાનિક ઘાસની જાતને ઊગતા દબાવે છે. પરંતુ હવે આ સમસ્યા એટલી વકરી ગઈ છે કે વનવિભાગે કુંવાડિયાને રોકવા માટે ખાસ પ્રયત્નો કરવા પડી રહ્યા છે.
મોટા પાયે કરવા માટે વિચારણા ચાલતી હોવાનું વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.
વિદેશી કુંવાડિયાનો છોડ સિંહોને કઈ રીતે અસર કરે છે?

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બૉટની (વનસ્પતિશાસ્ત્ર) ડિપાર્ટમેન્ટમાં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર પદમનાભી નાગર જણાવે છે કે વિદેશી કુંવાડિયાનો છોડ ભારતમાં આવેલી નવી પ્રજાતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ગુજરાતી સાથે ઑગસ્ટ, 2025માં વાત કરતાં પ્રો. નાગરે જણાવ્યું હતું, "દેશી કુંવાડિયો અમુક સૈકાઓથી ભારતમાં છે અને તે સ્થાનિક વાતાવરણ અને જીવસૃષ્ટિમાં ભળી ગયો છે. તેથી તેને હવે વિદેશી જાત કહેવું કદાચ યોગ્ય ન ગણાય. પરંતુ વિદેશી કુંવાડિયાનો છોડ ભારતમાં આવ્યો તેને અમુક દાયકા જ થયા હોય તેમ મારું માનવું છે અને તે અર્થમાં તે વિદેશથી આવેલી નવી પ્રજાતિ છે."
તેઓ ઉમેરે છે કે "વળી, વિદેશી કુંવાડિયાનો છોડ ઘાસની સ્થાનિક પ્રજાતિઓને ડામી રહ્યો છે અને તેથી જાણકારો તેને એક વિદેશી આક્રમણકારી પ્રજાતિનો છોડ હોવાનું જણાવે છે. આ છોડની પ્રજાતિ અહીં ઊગી રહેલા ઘાસનું ઉત્પાદન ઘટાડી રહી છે, તેથી એક ચિંતાનો વિષય છે."
સિંહ માંસાહારી પ્રાણી હોવાથી તેમને ઘાસ, છોડ, ક્ષુપ કે વૃક્ષો સાથે સીધી રીતે કશી લેવાદેવા નથી. પરંતુ સંશોધનો અનુસાર જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લોમાં 1412 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા એશિયાઇ સિંહોનો મુખ્ય ખોરાક સાબર, ચિત્તલ, નીલગાય, ચિંકારા, જંગલી ભૂંડ, સસલાં, શાહુડી જેવાં તૃણભક્ષી એટલે કે ઘાસ-પાંદ ખાનારાં પ્રાણીઓ છે.
જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા 1980ના દાયકાથી ગીરની વન્યજીવ સૃષ્ટિ અને તેનાં રહેઠાણોનું દસ્તાવેજીકરણ અને અભ્યાસ કરતા આવ્યા છે.
ઑગસ્ટ, 2025માં બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભૂષણ પંડ્યાએ કહ્યું હતું, "કુંવાડિયાનો છોડ 1980ના દાયકાથી ગીરના જંગલમાં વધારે દેખાવા લાગ્યો. ખાસ કરીને માલધારીના નેસની આજુબાજુ તે ખૂબ ઊગી નીકળે છે."

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ફૉરેસ્ટ ફોર્સના હેડ ડૉ. એ. પી. સિંહે ઑગસ્ટ 2025માં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે ગીરનાં જંગલમાં વિદેશી કુંવાડિયો છેલ્લા દોઢેક દાયકાથી સમસ્યા બની ગયો છે.
તેમણે કહ્યું હતું, "ગીરનું જંગલ દુનિયામાં એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર છે, પરંતુ સિંહો તો જ ટકી શકે જો તેનો ખોરાક એવાં તૃણાહારી પ્રાણીઓ ત્યાં હોય. તૃણાહારી પ્રાણીઓ તો જ ટકી શકશે જો તેઓ ખાઈ શકે તેવાં ઘાસ-પાન ત્યાં હોય. પરંતુ વિદેશી કુંવાડિયો ઘાસની ઉપલબ્ધતાને ઘટાડી રહ્યો છે. તેથી, ગીરની આખી ઇકૉસિસ્ટમ અંસતુલિત થઈ જવાની ચિંતા છે. પરિણામે, વનવિભાગ હેબિટાટ મૅનેજમેન્ટ (રહેઠાણ વ્યવસ્થાપન) અંતર્ગત કુંવાડિયાને નાબૂદ કરવા પ્રયત્ન કરી રહ્યું છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગીર પશ્ચિમ વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમર કહે છે કે વિદેશી કુંવાડિયો ગીરનાં તૃણભક્ષીઓ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.
તેઓ કહે છે, "વિદેશી કુંવાડિયો ખુબ ઝડપથી વધે છે અને ઘાસની સ્થાનિક પ્રજાતિને ઊગવા દેતો નથી. પરિણામે તૃણભક્ષીઓ માટે ઉપલબ્ધ ઘાસનું પ્રમાણ ઘટે છે. તેથી, તૃણભક્ષીઓ આવા વિસ્તારોમાં રહેવાનું ટાળે છે. પરિણામે સિંહો માટે પણ આવા વિસ્તારો સારાં રહેઠાણો રહેતાં નથી."
ગીર પશ્ચિમ વન્યપ્રાણી વિભાગના દેવળિયા રૅન્જના કેટલાક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.
કુંવાડિયાનો નાશ કરવા વનવિભાગે શું કર્યું?

પ્રશાંત તોમરે સ્વીકાર્યું હતું કે વિદેશી કુંવાડિયા પર નિયંત્રણ મેળવવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમનો દાવો છે કે વનવિભાગે આ નિષ્ફળતા બાદ નવો પ્રયોગ હાથ ધર્યો છે.
આ પ્રયોગ વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, "ભૂતકાળમાં કુંવાડિયાના છોડને મૂળ સહિત ખોદી નાખવાના અને તેનાં પાંદ પર સાબુનું પાણી છાંટીને તેનો નાશ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઝાઝી સફળતા મળી નહોતી. કુંવાડિયાને હાથેથી ખોદવા માટે પ્રતિ હેક્ટર એકાદ લાખનો ખર્ચો થાય છે. પરિણામે અમે નવી પદ્ધતિ અપનાવી."
તેમણે કહ્યું કે હવે કુંવાડિયાનો નાશ કરવા માટે હવે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું, "અમે કુંવાડિયાને કાપીને તેનો નાશ કરવા માટે એક પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અમે હવે વીડ કટર એટલે કે નિંદામણ કાપવા માટેનાં મશીનોની મદદથી કુંવાડિયાને થડમાંથી કાપવાનું કામ શરૂ કર્યું છે."
"જુલાઈ, 2025થી દેવળિયા રૅન્જમાં આવેલા દેવળિયા સફારી પાર્કની આસપાસના વિસ્તારોમાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે."
તેમણે કહ્યું કે કુંવાડિયાને દૂર કરવા માટે અમે ચોમાસાનો સમય પસંદ કર્યો, જ્યારે તેમાં ફૂલ આવવાનું શરૂ થાય છે.
"ફૂલ આવવાની અવસ્થાએ કુંવાડિયાને કાપવામાં આવે તો બીજ બનતાં અટકે છે અને કાપી નાખેલો છોડ અને થડ ઝડપથી નાશ પામે છે," પ્રશાંત તોમર ઉમેરે છે.
તોમર કહે છે, "કુંવાડિયો સ્થાનિક પ્રજાતિના ઘાસ સાથે જગ્યા, પોષકતત્ત્વો અને સૂર્યપ્રકાશ માટે હરીફાઈ કરે છે. કુંવાડિયાને કોઈ ખાતું નથી. તે વિદેશી આક્રમણકારી પ્રજાતિ હોવાથી ઘાસની સરખામણીએ ઝડપથી વધે છે અને ઘાસને દબાવે છે."
"આ સ્થિતિ બદલવા માટે અમે કુંવાડિયાને કાપીને દૂર કર્યો અને જ્યારે વરસાદ પડવાની આગાહી થઈ ત્યારે અમે વરસાદ પહેલાં શણિયાર અને ઝીંઝવા વગેરે જેવી ઘાસની સ્થાનિક જાતોના થુમડાં વાવ્યાં અને બીજ પણ વેર્યાં. કુંવાડિયાને કાપીને ઘાસને ઊગવા માટેની તક મળતા ઘાસ ઊગી ગયું અને પછી તેણે કુંવાડિયાને ઊગવા જ ન દીધો," પ્રશાંત તોમરે કહ્યું.
કેટલા વિસ્તારમાંથી કુંવાડિયો કઢાયો?

ઇમેજ સ્રોત, Getty Images
નાયબ વન સંરક્ષકે કહ્યું કે આ વર્ષે વનવિભાગે 400 હેક્ટર એટલે કે ચાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કુંવાડિયાના નિયંત્રણ માટે જુલાઈથી ઑક્ટોબર સુધી કામ કર્યું અને હેક્ટરદીઠ આશરે 16,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
તોમરે કહ્યું, "કુંવાડિયો માલધારીઓના નેસની આજુબાજુ અને જ્યાં માલધારીઓ તેમના પશુને ચરાવતા હોય તે વિસ્તારોમાં વધારે દેખાય છે. અમે જે 400 હેક્ટરમાં કુંવાડિયાનું નિયંત્રણ કર્યું તેમાં જલંધર, દેવગામ વગેરે જેવાં ગીર કાંઠાનાં ગામો... અબુડી નેસ વગેરેના પશુઓનો ચરિયાણ વિસ્તારનો સમાવેશ થાય છે. પરંતુ કુંવાડિયાને દૂર કરવા માટે આ ચોમાસા દરમિયાન અમે 400 હેક્ટરના વિસ્તારમાં પશુઓ માટે ચરવા પર નિયંત્રણો મૂક્યાં અને છેવટે પાઇલટ પ્રોજેક્ટ સફળ રહ્યો."
તોમરે એમ પણ જણાવ્યું કે આ પાઇલટ પ્રોજેક્ટ વિષે એક અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












