લોનમાં વન ટાઇમ સેટલમેન્ટ એટલે શું અને એ કર્યા બાદ ફરી બૅન્કો લોન આપશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નાગેન્દ્ર સાંઈ કુંદાવરમ
- પદ, બિઝનેસ એનાલિસ્ટ, બીબીસી માટે
વિશાખાપટ્ટનમમાં રહેતા 35 વર્ષીય સૂર્યતેજા મધ્યમ વર્ગીય માણસ છે. તેઓ ખાનગી કંપનીમાં 35 હજાર રૂપિયાના માસિક પગારે કામ કરે છે. ત્રણ વર્ષ પહેલાં એમનાં લગ્ન થયાં ત્યારથી એમની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે. એમની પાસે કોઈ વારસાગત સંપત્તિ નથી, પણ લગ્ન થયાં હોવાથી ખર્ચમાં વધારો થયો હતો.
એક જ વર્ષમાં સૂર્યતેજાએ તેમનાં પત્નીને નવો આઈફોન આપ્યો, તેમના દીકરાની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી અને એક મોંઘી મોટરસાયકલ પણ ખરીદી.
આમાંનો મોટા ભાગનો ખર્ચો ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ એક વર્ષ બાદ સ્થિતિ બદલાવા લાગી અને આર્થિક દબાણ વધવાનું શરૂ થયું.
છેલ્લા 10 મહિનાથી તેઓ ઓછામાં ઓછી ચૂકવણી કરી રહ્યા છે અથવા તો ભાડું અને ઘરના ખર્ચા બાદ કરતાં જો હાથમાં નાણાં બચે તો જ તેઓ ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી રહ્યા છે.
તેમણે લીધેલી દોઢ લાખ રૂપિયાની લોન નાણાં ન ચૂકવી શકવાથી હવે ચાર લાખ રૂપિયાની થઈ ગઈ છે. જોકે તેમણે દોઢ લાખથી વધારે રૂપિયા ચૂકવી દીધા છે.
એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં થતું બૅલેન્સ ટ્રાન્સફર પણ હવે અટકી ગયું છે. નાદારીની સ્થિતિ હોવાને કારણે ક્રેડિટ કાર્ડ પણ બૅન્કો દ્વારા બ્લૉક કરી દેવામાં આવ્યાં છે. બૅન્કવાળા તરફથી ફોન કૉલ વધી ગયા છે. પરિસ્થિતિ તદ્દન વિપરીત બની રહી છે.
સૂર્યતેજાને લાગે છે કે હવે એકમાત્ર વિકલ્પ વન ટાઇમ સેટલમેન્ટ એટલે કે એકવારની પતાવટનો બાકી રહ્યો છે. જો તેઓ આ વિકલ્પ પસંદ કરશે તો આવનારાં ચાર-પાંચ વર્ષ સુધી બૅન્ક પાસેથી લોન મેળવવું અઘરું બની જશે.
એકવારની ચૂકવણી કે વન ટાઇમ સેટલમેન્ટ શું છે? જો તમે એ પસંદ કરો છો, તો શું બૅન્કો પાસેથી થોડાં વર્ષો લોન નહીં મળે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમે ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવામાં સાવચેતી નહીં રાખો તો તમે દેવાના બોજ નીચે દબાઈ જશો. ક્રેડિટ કાર્ડ કંપનીઓ ચારથી પાંચ રૂપિયા જેટલું વ્યાજ વસૂલે છે. જો તમે આના પર પેનલ્ટી એટલે કે દંડને ઉમેરો, તો આ બોજો ઘણો વધી જાય છે.
હૈદરાબાદના 52 વર્ષીય લક્ષ્મીનારાયણનું ઉદાહરણ જોઈએ. તેમની આર્થિક સ્થિતિ કંઈ એટલી ખરાબ નથી. પરંતુ માંદગી અને નોકરી છૂટી જવાથી દેવાનો બોજ વધી ગયો. તેમની પાસે જ્યારે કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. હવે તેના બિલની ચૂકવણી માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. એક તરફ આ દેવાનો પહાડ વધી રહ્યો છે, ત્યારે શું કરવું તે અંગેના વિકલ્પો પણ તેમને મળી નથી રહ્યા.
સૂર્યતેજા અને લક્ષ્મીનારાયણની સ્થિતિને જોઈએ તો સમજાય છે કે બન્ને ક્રેડિટ કાર્ડના દેવામાં ડૂબી ગયા છે. બન્ને વ્યક્તિઓ એક વારની ચૂકવણી કે વન ટાઇમ સેટલમેન્ટ કરીને આ સમસ્યામાંથી બહાર આવવા માગે છે.
વન ટાઇમ સેટલમેન્ટ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નામ પ્રમાણે જ આમાં એકવાર ચૂકવણી કરીને પતાવટ કરવાની હોય છે. જે લોકો દેવુ પાછું નથી ચૂકવી શકતાં, કે પછી જેમનો વ્યાજનો બોજો મૂળ મુદ્દલ કરતા વધી ગયો હોય, કે પછી જેઓ, "હવે અમે કંઈ આપી શકીએ એમ નથી" એમ કહીને હાથ ઊંચા કરી લે તેમના માટે એક વારની પતાવટ કે વન ટાઇમ સેટલમેન્ટ હોય છે.
પરંતુ ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે આ પતાવટથી તાત્કાલિક ધોરણે રાહત મળી જશે પણ એનાથી તમારા નાણાંકીય સ્રોતો કે ભવિષ્યનાં આયોજનો પર અસર આવી શકે છે. આનાથી ન માત્ર તમારો ક્રેડિટ સ્કોર 50થી 100 પૉઇન્ટ ઘટી જશે, પરંતુ આ પતાવટ વર્ષો સુધી તમારો પીછો નહીં છોડે.
બૅન્ક અને નાણાંકીય સંસ્થાઓ એવી ધારણા સાથે કામ કરે છે કે કંઈ ન મળવા કરતા એક વારની પતાવટમાં જે પણ રકમ મળે તે સારું કહેવાય.
માનો કે ક્રેડિટ કાર્ડ હોલ્ડરે મુદ્દલના રૂ. 1.5 લાખ અને વ્યાજના રૂ. 3 લાખ ચૂકવવાના થાય છે. હવે લોન લેનાર હાથ ઊંચા કરી દે તો પછી બૅન્કો આ સ્થિતિમાં થોડી પણ રકમ મળી જાય એ માટેનું કામ કરશે. અંતે તેઓ રૂ. એક લાખ કે દોઢ લાખ જે રકમ નક્કી થાય તેમાં પતાવટ કરી લેતા હોય છે.
RBIના નિયમો મુજબ જો લોન 90 દિવસની અંદર ચૂકવવામાં ન આવે તો તે નૉન પરફૉર્મિંગ અસેટ એટલે કે NPA બની જાય છે. જો તે 180 દિવસથી પણ વધી જાય તો તેને રાઇટ ઑફ કરવી પડે છે. એટલા માટે બૅન્ક રાઇટ ઑફ કરવા કરતાં પતાવટ કરી દે છે. આ લોનની પતાવટ થઈ હોવાની માહિતી તેઓ ક્રેડિટ બ્યૂરોને મોકલી આપે છે. તેઓ બધી જ માહિતી મોકલી આપે છે જેથી એ વ્યક્તિને ભવિષ્યમાં સરળતાથી લોન નહીં મળે.
મોટેભાગે બૅન્ક કે નાણાંકીય સંસ્થા જ્યારે લોન ઍકાઉન્ટ બંધ કરે ત્યારે તેની સામે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે. પરંતુ જો તેઓ પતાવટ કરે છે તો CIBIL રેકૉર્ડમાં પતાવટ તરીકે કે 'પાર્શિયલી સેટલ્ડ' એટલે કે આંશિક પતાવટ તરીકે બતાવે છે.
એકવારની પતાવટના ગેરફાયદા

ઇમેજ સ્રોત, Getty Images
એકવારની પતાવટની મોટી અસર તમારા CIBIL સ્કોર પર આવી શકે છે. તમારા સ્થિતિને અનુરૂપ તમારો CIBIL સ્કોર ઓછામાં ઓછો 20 પૉઇન્ટ અને વધુમાં વધુ 100 પૉઇન્ટ જેટલો ઘટી શકે છે. તમે જેટલી વાર લોન ચૂકવી નથી શક્યા તેના આધારે CIBIL સ્કોરમાં ઘટાડો આવે છે.
CIBIL રિપોર્ટમાં પતાવટનો ઉલ્લેખ થોડાં વર્ષો સુધી રહે છે. એવું નહીં બને કે તમને આ દરમિયાન કોઈ લોન નહીં જ આપે, આપશે પણ સરળતાથી નહીં આપે. કારણ નાણાંકીય સંસ્થાને જાણ થશે કે તમે આર્થિક રીતે સ્થિર નથી. એટલે તેઓ તમને નવી લોન આપવાનું સાહસ નહીં કરે.
એટલે નાની ઉંમરે લોનની પતાવટ કરવાની અસર ભવિષ્યમાં વધુ આવી શકે છે. જો આપણને યોગ્ય સમયે હોમ લોન કે ઑટો લોન નહીં મળે તો ઘણી વાર મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. નવો ક્રેડિટ કાર્ડ મળવાની શક્યતાઓ પણ ઘટી જાય છે.
તત્કાળ રાહત
જોકે એક વારની પતાવટથી તમને મુદ્દલ અને વ્યાજના આર્થિક બોજામાંથી થોડા સમય માટે તો રાહત મળી શકે છે. બાકી નીકળતી રકમમાંથી તમે અમુક રકમ ચૂકવીને તમારો બોજો ઘટાડી શકો છો.
પતાવટ કર્યાના બેથી ત્રણ વર્ષ સુધી એની અસર તમને જોવા મળશે. ત્યાર બાદ આ અસર થોડી ઓછી થશે. જોકે તમારે એ વાતની સાવચેતી રાખવી પડશે કે આ સમય દરમિયાન અન્ય કોઈ કંપનીની લોનમાં તમે નાદારી ન નોંધાવી હોય. ક્રેડિટ કાર્ડની ચૂકવણી અને EMI સમય પર ભરાયા હોય. ક્રેડિટ મર્યાદાના 30 ટકા જેટલો જ વપરાશ તમે કર્યો હોય. તમે અનસિક્યૉર્ડ લોનથી જેટલા દૂર રહેશો એટલું તમારા માટે સારું રહેશે. તમારી ક્રેડિટનો ઇતિહાસ સુધરતો જશે, એમ તમારો CIBIL પણ વધતો જશે. ત્યાર બાદ તમને લોન ફરી મળી શકશે.
આ પતાવટ હંમેશાં તમારી નાણાંકીય શિસ્તતા પર ધબ્બો બની રહી જાય છે. પતાવટ કરતા પહેલાં ત્રણ પ્રક્રિયાને અનુસરવી પડે છે.
પતાવટ પહેલાં
પતાવટનો રસ્તો પસંદ કરતા પહેલાં એક વાર તપાસી લો કે અન્ય કોઈ વિકલ્પ તમારા માટે બચ્યો છે કે નહીં. તમારી પાસે કોઈ બચત કે FD છે તો એને તોડીને તમે લોનની ચૂકવણી કરો. પતાવટ માટેના તમામ રસ્તાને ટાળો.
જો શક્ય હોય તો બૅન્કર કે કંપની સાથે ચર્ચા કરો. વ્યાજદરમાં ઘટાડો કરવા માટે દબાણ કરો. ચુકવણીના સમયમાં વધારો કરવા માટે વિનંતી કરો. નહીં તો ક્રેડિટ કાઉન્સલિંગમાં જાઓ અને અન્ય વિકલ્પો શોધો. જો તમારા બધાં જ રસ્તા બંધ થઈ જાય ત્યાર બાદ જ આ રસ્તો અપનાવો.
પતાવટ સમયે
તમે નક્કી કરી લીધું હોય કે હવે પતાવટ જરૂરી છે તો ખાતરી કરો કે તમને મહત્તમ ફાયદો મળે. શક્ય હોય એટલો ભાવ-તાલ કરો. વ્યાજ અને દેવાનું દબાણ જેટલું ઓછું રહેશે એટલું સારું રહેશે. બૅન્ક પાસેથી જેટલો સમય મળી શકે તેટલો સમય લો.
આ તમામ માહિતી સાથેનો એક પત્ર તેમની પાસેથી મેળવો. નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ, ડિક્લેરેશન વગેરે સાથે રાખો. કાલ ઊઠીને કોઈ કાયદાકીય કેસ ચાલે કે તમારે ક્રેડિટ બ્યુરોમાં જવું પડે તેના માટે આ પ્રક્રિયામાં તમારી સાથે હંમેશા એક સાક્ષીને રાખો.
પતાવટ બાદ
આ તમારા માટે પરિવર્તનનો સમય હશે. ફરી પાછી નવી લોન લેવી તમારા માટે સરળ નહીં હોય. તમારે થોડું પરિવર્તન લાવવું પડશે. તમારે નાણાંકીય શિસ્તતા કેળવવી પડશે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હવેથી માત્ર છેલ્લાં વિકલ્પ તરીકે જ કરવો. આપાતકાળની સ્થિતિમાં પર્સનલ લોન, સોના વિરુદ્ધની લોન કે માર્ગેજ લોન પર આધાર રાખવો. ક્રેડિટનો વપરાશ શક્ય હોય એટલો ઘટાડો. કોઈપણ લોન લીધી હોય તો EMI નિયમિત ભરો.
એક વારની લોનની પતાવટની સુવિધા માત્ર ક્રેડિટ કાર્ડ માટે નહીં પણ દરેક લોન માટે હોય છે.
જોકે અનસિક્યોર્ડ લોનમાં લોન લેનારાના હાથમાં થોડી છૂટછાટ હોય છે. ગોલ્ડ લોન, હાઉસિંગ લોન કે વહાનોની લોનમાં બેન્ક જે-તે મિલકતને જપ્ત કરી લે છે અને પોતાના પૈસા કાઢી લે છે. એટલે એ કેસમાં સ્થિતિ અલગ હોય છે.
જો તમે લોન લીધી હોય અને તેના પર નાદારી નોધાવી હોય અને પતાવટ કરો છો તો સમજી જવું કે તમે છેતરાઈ ગયા છો. જો સ્થિતિ ખરેખર ખરાબ હશે અને અન્ય કોઈપણ વિકલ્પ નહીં હોય એવી સ્થિતિમાં બેન્કના કર્મચારીઓ પણ થોડી સહાનુભુતિ દર્શાવશે અને તમને મદદ કરવાનો પ્રયત્ન કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















