આઠમા પગારપંચથી કેન્દ્રીય કર્મચારીઓનાં પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
આઠમા પગારપંચની રચનાને કેન્દ્રીય કૅબિનેટે ગુરુવારે મંજૂરી આપી દીધી છે જેના કારણે કેન્દ્ર સરકારના લગભગ 1.15 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ થવાનો છે.
આઠમું પગારપંચ 2026 સુધીમાં પોતાનો અહેવાલ આપશે. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીને લગભગ બે અઠવાડિયાંનો સમય છે ત્યારે કેન્દ્ર સરકારે પગારપંચની રચનાની જાહેરાત કરી છે. આ પંચની ભલામણો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ લાગુ પડશે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર નવા પગારપંચની રચનાથી કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓના વેતન અને 65 લાખ પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે જાણકારી આપી હતી.
આ નિર્ણય બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે "સરકારી કર્મચારીઓ વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરે છે. તેમનાં વેતન અને પેન્શન વધવાથી વપરાશને વેગ મળશે."
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને સાતમા પગારપંચ પ્રમાણે પગાર અને પેન્શન મળે છે જેની ભલામણો પહેલી જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી. 2026માં સાતમા પગારપંચની મુદત પૂરી થશે.
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે

ઇમેજ સ્રોત, Getty Images
પગારપંચની રચનાની જાહેરાત પછી હવે એક પેનલની નિમણૂક કરાશે જે લગભગ 11 મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સોંપશે. તેમાં તે ફિટમેન્ટ ફેકટરની ભલામણ કરશે જેના આધારે પગાર અને પેન્શનમાં સુધારો અથવા રિવિઝન થશે.
અહીં ફિટમેન્ટ ફૅક્ટર શું છે તે જાણવું પણ જરૂરી છે. સુધારેલા બેઝિક વેતન અને પેન્શનની ગણતરી માટે ફિટમેન્ટ ફૅક્ટર તરીકે ઓળખાતા ગુણાંક (મલ્ટિપ્લાયર)નો ઉપયોગ થાય છે. હાલનું બેઝિક પેન્શન 30,000 રૂપિયા હોય અને 2.5નું ફિટમેન્ટ ફૅક્ટર નક્કી થાય તો સુધારેલું બેઝિક પેન્શન અઢી ગણું વધીને 75,000 રૂપિયા થઈ જશે.
સાતમા પગારપંચ વખતે કામદાર યુનિયનોએ પગાર માટે 3.68ના ફિટમેન્ટ ફૅક્ટરની માંગણી કરી હતી પરંતુ સરકારે 2.57નું ફિટમેન્ટ ફૅક્ટર નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇનાન્શિયલ ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે 2.57ના ફિટમેન્ટ ફૅક્ટરના કારણે સાતમા પગારપંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ બેઝિક પગાર 7000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. જ્યારે લઘુતમ પેન્શન 3500થી વધીને 9000 રૂપિયા થયું હતું. નોકરી ચાલુ હોય તેવા કર્મચારીઓનો મહત્તમ પગાર 2.50 લાખ રૂપિયા નક્કી થયો હતો અને મહત્તમ પેન્શન 1.25 લાખ રૂપિયા પ્રતિ માસ નક્કી થયું હતું.
આઠમા પગારપંચમાં 1.92નું ફિટમેન્ટ ફૅક્ટર નક્કી કરવામાં આવે તો લઘુતમ વેતન 18,000 રૂપિયાથી વધીને 34,560 થશે અને લઘુતમ પેન્શન 9000થી વધીને 17,280 થશે.
પરંતુ નૅશનલ કાઉન્સિલ ઑફ જૉઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ થોડા સમય અગાઉ કહ્યું હતું કે તે ઓછામાં ઓછા 2.86ના ફિટમૅન્ટ ફેક્ટરની અપેક્ષા રાખે છે. જો એવું થાય તો સરકારી કર્મચારીનો લઘુતમ બેઝિક પગાર વધીને 51,480 રૂપિયા થઈ જાય જ્યારે લધુતમ પેન્શન 9000 રૂપિયાથી વધીને ઓછામાં ઓછા 25,740 રૂપિયા થઈ જાય.
પેન્શનધારકોને કેટલો ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઠમા પગારપંચથી કેન્દ્રીય પેન્શનધારકોને સારો એવો ફાયદો થાય તેવી ધારણા છે. ટીમલીઝના વાઇસ પ્રેસિડન્ટ ક્રિષ્નેંદુ ચેટરજીએ ઇકોનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે "પગારમાં જેવો વધારો થશે તે જ પ્રમાણમાં પેન્શન પણ વધશે. આ વધારો 2.5થી 2.8ના ફિટેમેન્ટમાં રહેવાની શક્યતા છે. હાલમાં લઘુતમ પેન્શન 9000 રૂપિયા છે તે વધીને 22,500થી 25,200 થઈ શકે છે."
ફોક્સ મંડલ ઍન્ડ ઍસોસિયેટ્સના પાર્ટનર સુમિત ધારે જણાવ્યું હતું કે "આઠમા પગારપંચ દ્વારા 2.86નું ફિટમેન્ટ ફૅક્ટર મંજૂર કરવામાં આવે તો લઘુતમ પગાર અને લઘુતમ પેન્શનમાં 186 ટકા સુધી વધારો થવાની શક્યતા છે."
અત્યારથી કોઈ પગારવધારાની કે પેન્શનવધારાની અટકળો કરવી શક્ય નથી તેથી આ માત્ર અંદાજ છે. પરંતુ અત્યાર સુધીની સરેરાશ જોવામાં આવે તો પેન્શનનો વધારો 20થી 30 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. છેલ્લે છઠ્ઠા અને સાતમા પગારપંચ વખતે જેટલો પગાર વધ્યો હતો તેટલા જ પ્રમાણમાં પેન્શનમાં વધારો થયો હતો. સાતમા પગારપંચમાં 2.57 નું ફિટમેન્ટ ફૅક્ટર મંજૂર થયું હતું જેથી પેન્શનમાં 23થી 25 ટકાનો વધારો થયો હતો.
નવું પેન્શન સ્ટ્રક્ચર લાગુ થાય ત્યારે ડીઆર એટલે કે ડિયરનેસ રિલિફને શૂન્ય પર રિસેટ કરવામાં આવે છે. ત્યાર પછી ફુગાવાને ધ્યાનમાં રાખીને સમયાંતરે પેન્શનધારકોના ડીઆરમાં વધારો થાય છે જેથી નિયમિત રીતે પેન્શન વધે છે.
સાતમા પગારપંચ હેઠળ અત્યાર સુધીમાં મોંઘવારી ભથ્થું (ડીઆર) બેઝિક વેતન /પેન્શનના 50 ટકા કરતા ઉપર પહોંચી ગયું હતું જેથી હવે વેતનમાં રિવિઝન કરવું જરૂરી હતું. ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના બેઝિક પગાર માળખામાં દર 10 વર્ષના ગાળે ફેરફાર કરવાની પ્રથા રહી છે જેના માટે નવા પગારપંચ રચવામાં આવે છે. સામાન્ય રીતે 10 વર્ષના ગાળામાં મોંઘવારી ભથ્થું 50 ટકા કરતા વધી જાય છે તેથી બેઝિક વેતનમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.
છઠ્ઠા પગારપંચ હેઠળ લઘુતમ પેન્શન 3500 રૂપિયા હતું જે સાતમા પગારપંચ હેઠળ વધીને ઓછામાં ઓછા 9000 રૂપિયા થયું હતું જે હજુ સુધી ચાલુ હતું.
કામદાર સંઘોએ કેવો પ્રતિભાવ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
આઠમા પગારપંચની રચનાના નિર્ણયથી કામદાર સંગઠનો દેખીતી રીતે જ ખુશ છે. ઑલ ઇન્ડિયા એનપીએસ ઍમ્પ્લોયીઝ ફેડરેશનના નૅશનલ પ્રેસિડન્ટ મનજીતસિંહ પટેલે કહ્યું કે આ નિર્ણય સરકારી કર્મચારીઓના વેલફેરની દિશામાં એક પ્રગતિશીલ પગલું છે.
આરએસએસ સાથે સંકળાયેલ ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)એ પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને એક નિવેદનમાં કહ્યું કે આનાથી કર્મચારીઓના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
સેન્ટ્રલ સેક્રેટરિયેટ સર્વિસ (સીએસએસ) ઑફિસર્સનું પ્રતિનિધિત્વ કરતા સંગઠને આ નિર્ણયને પ્રગતિશીલ ગણાવ્યો હતો.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર નૅશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન રેલવેમેન ગુમાનસિંહે કેન્દ્ર સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.
તેમણે પીટીઆઈને કહ્યું છે કે, "કેન્દ્રીય કર્મચારીઓ સરકારના આઠમું પગારપંચ સ્થાપિત કરવાના નિર્ણયથી ખુશ છે. દર 10 વર્ષે પગારમાં સુધારાની પરંપરા છે અને આ નિર્ણયથી આ પરંપરા જળવાઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












