'ક્રેડિટ કાર્ડથી કરેલી ખરીદી પર બમણો ચાર્જ ચૂકવવો પડી શકે,' દેવાની આ જાળમાંથી બચવાના ઉપાયો

- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી
અમદાવાદસ્થિત એક ફાઇનાન્સિયલ ઍડ્વાઇઝર મિથુન જાથલ પાસે એક કૉલેજિયન યુવતી પોતાની સમસ્યા લઈને આવ્યાં. તેમને ક્રેડિટ કાર્ડ પર મોંઘો ફોન ખરીદવા માટે આકર્ષક ઑફર મળી હતી, તેથી તેમણે મોબાઇલ તો ખરીદી લીધો.
પરંતુ પછી તેમની પાસે ક્રેડિટ કાર્ડનું આખેઆખું બિલ ભરવાના રૂપિયા ન હતા. તેથી તેમણે ક્રેડિટ કાર્ડની બાકી રકમને ઇએમઆઇ (સમાન માસિક હપ્તા)માં રૂપાંતરિત કરાવી. સરવાળે તેના પર એટલું બધું વ્યાજ ભરવાનું આવ્યું કે તેઓ દેવાની જાળમાં ફસાઈ ગયાં.
ક્રેડિટ કાર્ડથી મોંઘા ફોન, લૅપટૉપ અથવા વિદેશપ્રવાસનો ખર્ચ કરનારા લોકો દેવાની જાળમાં અટવાઈ જાય અને પછી મોડી ચુકવણી પર દંડ ભરવો પડે તેવા કેસ જોવા મળે છે. જૂન 2024માં ક્રેડિટ કાર્ડ પર બાકી નીકળતી રકમ 3.30 લાખ કરોડે પહોંચી ગઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમમાં વર્ષે 24 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે ક્રેડિટ કાર્ડધારકોની ચિંતા વધારી શકે છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડના બિલની સંપૂર્ણ ચુકવણી કરવામાં નિષ્ફળ જનારા અથવા મોડી ચુકવણી કરનારા પર 50 ટકા સુધી વ્યાજ લાગી શકે છે.
અગાઉ વર્ષ 2008માં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એનસીડીઆરસી)એ કહ્યું હતું કે કૉમર્શિયલ બૅંકો મોડી ચુકવણીના કિસ્સામાં પર વાર્ષિક 30 ટકાના દરથી વધુ વ્યાજ વસૂલી ન શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો રદ કર્યો તેથી હવે તગડું વ્યાજ લાગશે.


ક્રેડિટ કાર્ડના યૂઝર્સ જ્યારે સમયસર બિલ ભરી ન શકે ત્યારે બૅંકો સામાન્ય રીતે અત્યંત ઊંચા વ્યાજ દરે દંડ વસૂલતી હોય છે. કાર્ડધારકોને આવા તગડા દંડથી બચાવવા માટે એનસીડીઆરસીએ 2008માં જણાવ્યું હતું કે વિલંબિત ચુકવણી પર વધુમાં વધુ વાર્ષિક 30 ટકાના દરે વસૂલાત કરી શકાશે. ભારતમાં ઉદારીકરણ પછી પણ વ્યાજના દર દસ ટકાથી માંડીને 15.50 ટકા વચ્ચે છે. આવી સ્થિતિમાં બૅંકો 36 ટકાથી 49 ટકાના દરે વ્યાજ વસૂલે તે યોગ્ય કહી શકાય નહીં.
આ નિર્ણય સામે બૅંકો કોર્ટમાં ગઈ હતી. બૅંકોની દલીલ હતી કે બૅંકિંગ વ્યવસ્થા પર નિયમનનું કામ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાનું છે, અને વ્યાજના દર કેટલા હોવા જોઈએ તે આરબીઆઇ જ નક્કી કરી શકે. તેમણે દલીલ કરી કે એનસીડીઆરસીના ચુકાદામાં એ વાત ભૂલી જવાઈ છે કે ઊંચા વ્યાજ દર માત્ર એવા ગ્રાહકોને લાગુ થાય છે જેઓ ચુકવણી કરવાનું ચૂકી જાય છે. જે લોકો નિયમિત બિલ ચૂકવી દે છે, તેઓ 45 દિવસ સુધી વ્યાજ વગર ક્રેડિટ મેળવી શકે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે ક્રેડિટ કાર્ડની કામગીરીમાં ઘણા બધા ખર્ચ આવે છે અને તેને કવર કરવા માટે મોડી ચુકવણી પર ઊંચો વ્યાજ દર રાખવો જરૂરી છે.
બૅંકોની દલીલ હતી કે ઊંચા વ્યાજ દર માત્ર ચુકવણીમાં કસૂર કરતા ગ્રાહકો માટે છે, નિયમિત ચુકવણી કરનારા ગ્રાહકો માટે નથી. આ વાતને એનસીડીઆરસીએ ધ્યાનમાં નથી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એનસીડીઆરસીનો ચુકાદો આવ્યા પછી બૅંકો સુપ્રીમ કોર્ટમાં ગઈ જેણે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ આ હુકમ પર સ્ટે આપી દીધો હતો. ત્યાર પછી 20 ડિસેમ્બર 2024ના રોજ જસ્ટિસ બેલા ત્રિવેદી અને સતીશચંદ્ર શર્માની બેન્ચે આ કેસમાં સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંક, સિટીબૅંક,અમેરિકન એક્સપ્રેસ અને એચએસબીસી સહિતની બૅંકોએ અરજી કરી હતી. તેમની દલીલ હતી કે મોડી ચુકવણીના કિસ્સામાં મહત્તમ કેટલું વ્યાજ વસૂલી શકાય તે નક્કી કરવાની સત્તા એનસીડીઆરસી પાસે નથી.
અસલમાં આ કેસની શરૂઆત 'અવાઝ ફાઉન્ડેશન' નામની સંસ્થાએ કરેલી એક અરજીના કારણે થઈ હતી. અવાઝ ફાઉન્ડેશન એક બિનસરકારી સંગઠન છે અને તેણે મોડી ચુકવણી પર વસૂલવામાં આવતા 36 ટકાથી 49 ટકા સુધીના વ્યાજ દર સામે સવાલ ઉઠાવ્યા હતા. એનસીડીઆરસીએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ભારતની તુલનામાં વિકાસશીલ દેશોમાં મોડી ચુકવણી પર ઓછો વ્યાજ ચાર્જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમેરિકા અને યુકે જેવા દેશોમાં ક્રેડિટ કાર્ડ પર વ્યાજનો દર 9.99 ટકાથી માંડીને 17.99 ટકા સુધી હોય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફાઇનાન્સની બાબતોના નિષ્ણાત કહે છે કે ક્રેડિટનો વપરાશ કરવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ, કારણ કે તે તમને બિનજરૂરી ખર્ચ કરવા માટે પ્રેરી શકે છે.
અમદાવાદસ્થિત સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર મિથુન જાથલે બીબીસીને કહ્યું કે, "સૌથી પહેલાં તો હું ક્રેડિટ કાર્ડ ન રાખવાની સલાહ આપીશ. તેના બદલે ડેબિટ કાર્ડ જ વાપરો. ઘણા યુવાનો લેટેસ્ટ મોબાઇલ ખરીદવા અથવા વિદેશમાં વૅકેશન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને પછી દેવાની જાળમાં ફસાઈ જાય છે. ઘણા લોકો પેટ્રોલ માટે એક કાર્ડ રાખે છે, શૉપિંગ માટે બીજું કાર્ડ રાખે છે, ઍરપૉર્ટની લાઉન્જનો ઉપયોગ કરવા ત્રીજું કાર્ડ રાખે છે અને પછી ખર્ચને કંટ્રોલ કરી શકતા નથી."
મિથુન જાથલે એમ પણ કહ્યું કે, "આજે દરેક બૅંક ક્રેડિટ કાર્ડના વિલંબિત ચુકવણી પર 30 ટકાથી વધારે જ વ્યાજ વસૂલે છે. વિલંબિત ચુકવણી પર મહિને ત્રણથી ચાર ટકા વ્યાજ લાગે એટલે વાર્ષિક 36થી 48 ટકા વ્યાજ થયું. ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરી શકાય પછી તેને ઇએમઆઇમાં કન્વર્ટ કરાવવું એ બહુ મોટી ભૂલ હશે, કારણ કે તેમાં વ્યાજનો દર ઘણો વધી જશે. આજે પર્સનલ લોન માટે 14થી 15 ટકા વ્યાજ લાગે છે, જ્યારે ક્રેડિટ કાર્ડની વિલંબિત ચુકવણી પર વ્યાજનો દર અત્યંત ઊંચો હોય છે."
તેમના કહેવા મુજબ, "સુપ્રીમે જે ચુકાદો આપ્યો તે આવકાર્ય છે, કારણ કે લોકો ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ કરતાં પહેલાં સાવધાન રહેશે અને તે તેમના માટે ફાયદાકારક છે."

ભારતમાં સ્માર્ટ ફોન અને સસ્તા ઇન્ટરનેટના આગમન સાથે ડિજિટલ પેમેન્ટ સામાન્ય બની ગયું છે. પરંતુ ક્રેડિટ કાર્ડનો વપરાશ વ્યાપકપણે થાય છે, કારણ કે તેમાં 45 દિવસ સુધી વ્યાજ વગર નાણાં વાપરવા મળે છે અને ક્રેડિટ કાર્ડ સાથે કંપનીઓ ઘણી પ્રમોશનલ ઑફર્સ પણ કરતી હોય છે. તેથી ઘણા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ વાપરવામાં ફાયદો થાય છે, શરત એટલી કે સમયસર આખા બિલની ચુકવણી થવી જોઈએ.
હાલમાં ક્રેડિટ કાર્ડ ઉદ્યોગ પણ સંકટમાં છે. નવાં કાર્ડ ઓછી સંખ્યામાં ઇશ્યૂ થાય છે. તેની સાથે સાથે મોડી ચુકવણીના કેસ પણ વધ્યા છે.
ઇકૉનૉમિક ટાઇમ્સમાં પ્રકાશિત ક્રેડિટ કાર્ડ પરના એક અભ્યાસ મુજબ જૂન 2024માં ક્રેડિટ કાર્ડ પર બાકી નીકળતી રકમ 3.30 લાખ કરોડે પહોંચી ગઈ હતી અને છેલ્લા એક વર્ષમાં તેમાં 26.5 ટકાનો વધારો થયો છે. ભારતમાં એક વર્ષમાં કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 13.5 ટકા વધીને 10.1 કરોડે પહોંચી હતી. અગાઉના વર્ષમાં નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાનો વૃદ્ધિ દર 18.7 ટકા હતો જે હવે ઘટ્યો છે. દરેક કાર્ડદીઠ સરેરાશ ચુકવણીપાત્ર રકમ 11.6 ટકા વધીને 32,233 રૂપિયા થઈ હતી.
ભારતમાં રિઝર્વ બૅંક દ્વારા માન્ય ક્રેડિટ બ્યૂરો સીઆરઆઇએફ હાઇમાર્કનો રિપોર્ટ કહે છે કે દરેક કૅટગરીમાં ક્રેડિટ કાર્ડ પર વિલંબિત ચુકવણીમાં વધારો થયો છે. 91 દિવસથી માંડીને 180 દિવસની ચુકવણી બાકી હોય તેવા કાર્ડનું પ્રમાણ 2.3 ટકા થયું છે. 50,000 રૂપિયાથી ઓછી લિમિટના કાર્ડમાં સૌથી વધારે જોખમ જોવા મળે છે. 360 દિવસ કરતાં વધુ સમયથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવાઈ ન હોય તેનું પ્રમાણ 3.8 ટકા સુધી પહોંચી ગયું છે.
એપ્રિલથી જૂન 2024 દરમિયાન ભારતમાં 44 લાખ નવાં કાર્ડ ઇશ્યૂ થયાં હતાં, જ્યારે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 67 લાખ નવાં કાર્ડ ઇશ્યૂ થયાં હતાં. તેથી નવાં ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે.


ઇમેજ સ્રોત, Getty Images
એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાથી અને ક્રેડિટનો બેફામ ઉપયોગ કરવાથી નાણાકીય સંકટમાં ફસાવાની શક્યતા રહે છે. તેથી નિષ્ણાતો અનુસાર ક્રેડિટ કાર્ડ યૂઝર્સે આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.
- ક્રેડિટ કાર્ડ બિલની ઓછામાં ઓછી રકમ ચૂકવવાના બદલે આખેઆખું બિલ ચૂકવો. ઓછામાં ઓછું બિલ ચૂકવશો તો બાકીની રકમ પર તગડું વ્યાજ ભરવું પડશે.
- ક્રેડિટ કાર્ડના ખર્ચ પર નજર રાખો અને એક લિમિટની અંદર જ કાર્ડનો ઉપયોગ કરો.
- ક્રેડિટ કાર્ડના બૅલેન્સને સતત ધ્યાનમાં રાખો, તેનાથી વધુ ખર્ચ કરવાની કોશિશ ન કરો.
- ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના બદલે શક્ય હોય ત્યાં સુધી ડેબિટ કાર્ડ અથવા રોકડ રકમનો ઉપયોગ કરો.
- અનિવાર્ય સંજોગો સિવાય ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમમાંથી રોકડ ન ઉપાડો. નહીંતર તમારે તગડી ફી ભરવી પડશે અને ઊંચું વ્યાજ પણ લાગશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















