2025નો પ્રારંભઃ 1લી જાન્યુઆરીથી કારના ભાવથી માંડીને UPI સુધી કયા પાંચ ફેરફાર લાગુ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને લોકોના જીવનમાં કેટલાક મહત્ત્વના ફેરફારો પણ આજથી લાગુ થવાના છે. તમારા રોજબરોજના વ્યવહાર, કારની ખરીદી કે વેચાણ, પેન્શનના નિયમો, ખેડૂતોને મળતા ઋણ અને વિદેશ પ્રવાસને લઈને નિયમોમાં ફેરફાર થવાના છે.
આ નવા ફેરફારો દરેક વર્ગના લોકોના જીવન પર સીધી અસર કરવાના છે.
ચાલો જાણીએ કે નવા વર્ષની શરૂઆતમાં કયા પાંચ મોટા પરિવર્તન આવ્યા છે અને તે લોકોના જીવનને કેવી રીતે અસર કરશે.
ફીચર ફોન યુઝર્સ માટે યુપીઆઈની લિમિટ વધી

ઇમેજ સ્રોત, Getty Images
સ્માર્ટ ફોનના બદલે ફીચર ફોનનો ઉપયોગ કરીને યુપીઆઈ દ્વારા લેવડદેવડ કરતા યૂઝર્સ માટે પહેલી જાન્યુઆરી, 2025થી સગવડમાં વધારો થશે.
હવેથી યુપીઆઈ 123 પે મારફત એકસાથે 10 હજાર રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકાશે.
અગાઉ પાંચ હજાર રૂપિયા સુધીની મર્યાદા હતી. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ઑક્ટોબર 2024માં આના માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
જે લોકો પાસે ઇન્ટરનેટની મર્યાદિત સુવિધા છે અને જેઓ ફીચર ફોન વાપરવા માંગે છે એવા લોકોને આનાથી ફાયદો થશે.
પેન્શનધારકો માટે નિયમો બદલાયા

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી 2025થી ઈપીએફઓના (એમ્પ્લૉયી પ્રોવિડન્ડ ફન્ડ ઑફ ઇન્ડિયા ) પેન્શનધારકો માટે પણ નવા નિયમો લાગુ થયા છે. તેના હેઠળ તેઓ હવેથી કોઈ પણ બૅન્કના એટીએમમાંથી પેન્શન ઉપાડી શકશે. તેના માટે તેમણે કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકારે ચોથી સપ્ટેમ્બર, 2024ના રોજ કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ કેન્દ્રિય પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ને મંજૂરી આપી હતી.
આ નવી સિસ્ટમનો હેતુ પેન્શનને લગતા નિયમોને સરળ બનાવવાનો છે.
સીપીપીએસના કારણે ઈપીએફ પેન્શનધારકનું સરનામું, બૅન્ક અથવા શાખા બદલાય તો પેન્શનની ઓફિસે જઈને અરજી કરવાની જરૂર નહીં પડે.
આ સિસ્ટમ એવા પેન્શનધારકો માટે મોટી રાહત સમાન સાબિત થશે જેઓ નિવૃત્તિ પછી પોતાના વતનમાં રહેવા જાય છે.
આ નિર્ણયના કારણે 78 લાખ પેન્શનધારકોને ફાયદો થશે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
કારના ભાવમાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી 2025થી ઘણી કાર અને બીજા વાહનોના ભાવમાં વધારો લાગુ થઈ ગયો છે. તેમાં નાની હેચબેક કારથી લઈને લક્ઝરી મોડેલ પણ સામેલ છે.
કાર ઉત્પાદકોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને ઓપરેશનલ ખર્ચમાં પણ વધારો થયો હોવાથી કારના ભાવ વધારવા જરૂરી છે.
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને એમજી જેવી મોટી ઓટો કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની કારના ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કરશે.
ખેડૂતોના ઋણને લગતા નવા નિયમો

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરીથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ખેડૂતો માટે એક મોટો ફેરફાર કર્યો છે. હવે ખેડૂતો ગૅરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લૉન લઈ શકશે, અગાઉ 1.60 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી.
હવેથી બે લાખ રૂપિયા સુધીની લોન લેવી હોય તો જામીન કે માર્જિન આપવું નહીં પડે.
આ ફેરફારના કારણે ખેડૂતો માટે ઋણ લેવું સરળ બનશે અને ખેતીના વધતા ખર્ચને પહોંચી વળવામાં મદદ મળશે.
અમેરિકા, થાઇલૅન્ડના વિઝા નિયમોમાં પણ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી જાન્યુઆરી 2025થી ભારતમાં અમેરિકન દૂતાવાસે નિયમો બદલ્યા છે. હવેથી નૉનઇમિગ્રન્ટ વિઝા અરજકર્તાઓ તેમની ઍપૉઇન્ટમેન્ટને માત્ર એક વખત વધારાના ચાર્જ વગર રિશિડ્યૂલ કરાવી શકશે.
અગાઉ અરજકર્તાઓ કોઈ પણ વધારાની ફી ભર્યા વગર ત્રણ વખત પોતાની ઍપૉઇન્ટમેન્ટને રિશિડ્યૂલ કરી શકતા હતા.
હવેથી કોઈએ બીજી વખત ઍપૉઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવી હોય તો તેમણે નવેસરથી અરજી કરવી પડશે અને વિઝા ફી પણ ફરીથી ભરવી પડશે.
વિઝાને લગતા એક મહત્ત્વના ફેરફારમાં પહેલી જાન્યુઆરી 2025થી થાઇલૅન્ડે પોતાને ત્યાં આવતા પર્યટકો માટે નવી ઈ-વિઝાની સુવિધા શરૂ કરી છે.
હવે ભારતીય સહિત તમામ દેશના અરજકર્તાઓ પોતાની વિઝાપ્રક્રિયાને સંપૂર્ણપણે ઑનલાઇન પૂરી કરી શકે છે.
તેના માટે થાઇલૅન્ડની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












