ગુજરાતમાં આ તારીખથી ફરી બદલાશે હવામાન, કયા વિસ્તારો ઠરશે, અહીં વધશે પવનની ગતિ

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કેટલાક વિસ્તારમાં થયેલા માવઠા બાદ ફરી રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કેટલાક વિસ્તારમાં થયેલા માવઠા બાદ ફરી રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કેટલાક વિસ્તારમાં થયેલા માવઠા બાદ ફરી રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. હાલ ઉત્તર ભારત પર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એ સિસ્ટમ આગળ વધી ગયા બાદ તેની અસર રાજ્યના હવામાન પર થશે.

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે અને સામાન્ય રીતે આ બે મહિનામાં કેટલીક વખત કમોસમી વરસાદ પણ થતો હોય છે.

જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં ઘટાડો થતો હોય છે અને માર્ચ મહિનો આવતા સુધીમાં તો રાજ્યમાં લગભગ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે.

શિયાળામાં મોટા ભાગે જે માવઠાં થાય છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થતાં હોય છે, એટલે કે ભૂમધ્ય સાગરમાંથી જે લૉ-પ્રેશર એરિયા બને છે તે ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પર થઈને ભારત પર પહોંચે છે. જેની કેટલીક વખત ગુજરાત પર અસર થતી હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં એક બાદ એક એમ બે સિસ્ટમો ભારત પર આવશે અને ઉત્તર ભારતમાં તેના લીધે વરસાદ થશે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બરફ પડવાની સંભાવના પણ છે.

ગુજરાતના હવામાનમાં હવે શું ફેરફારો થશે?

હાલ ગુજરાતમાં ઉત્તર તરફથી પવનો આવી રહ્યા છે અને તેના કારણે રાજ્યમાં ન્યૂનતમ એટલે કે રાત્રી દરમિયાનનું તાપમાન નીચું જઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, હાલ ગુજરાતમાં ઉત્તર તરફથી પવનો આવી રહ્યા છે અને તેના કારણે રાજ્યમાં ન્યૂનતમ એટલે કે રાત્રી દરમિયાનનું તાપમાન નીચું જઈ રહ્યું છે.
વીડિયો કૅપ્શન, ગુજરાતના હવામાનમાં ફરી થશે ફેરફાર, આ તારીખથી હજી વધશે ઠંડી, પવન બદલાશે

હાલ ગુજરાતમાં ઉત્તર તરફથી પવનો આવી રહ્યા છે અને તેના કારણે રાજ્યમાં ન્યૂનતમ એટલે કે રાત્રી દરમિયાનનું તાપમાન નીચું જઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસો સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી એટલે કે જે સ્થિતિ હાલ છે તેવી જ સ્થિતિ રહેશે.

4 જાન્યુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર આવશે અને ત્યાં અસર કરશે, એટલે કે ત્યાં વરસાદ પડશે અને પહા઼ડો પર બરફવર્ષા થશે.

આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ગુજરાતમાં ફરીથી સૂકા અને ઠંડા પવનો પાકિસ્તાન અને ઉત્તર ભારત પરથી આવશે, જેના કારણે ફરીથી ઠંડીમાં વધારો થશે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે ગુજરાતાં 5 જાન્યુઆરીથી ફરીથી ઠંડી વધશે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યમાં ફરીથી ઠંડી વધવાની શરૂઆત થશે અને ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં તાપમાન થોડું વધારે નીચે જાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં પવનમાં ફેરફાર થાય છે?

હાલ જે ઍન્ટિ-સાયક્લૉન બનેલું છે તે થોડું આગળ વધી ગુજરાત પાસેથી મધ્ય ભારત પર જશે અને મજબૂત બનશે.

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, હાલ જે ઍન્ટિ-સાયક્લૉન બનેલું છે તે થોડું આગળ વધી ગુજરાત પાસેથી મધ્ય ભારત પર જશે અને મજબૂત બનશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે અને પવનની દિશામાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

હાલ જે ઍન્ટિ-સાયક્લૉન બનેલું છે તે થોડું આગળ વધી ગુજરાત પાસેથી મધ્ય ભારત પર જશે અને મજબૂત બનશે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પાકિસ્તાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે.

આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં પવનની દિશા અને પવનની ગતિ બંનેમાં ફેરફાર થશે. લગભગ 3 જાન્યુઆરીની આસપાસથી જ ગુજરાતમાં પવનની દિશો અરબી સમુદ્ર તરફથી થઈ જશે.

જે બાદ 5 જાન્યુઆરીથી પવનની ગતિમાં પણ થોડો વધારો થશે અને દરિયા પરથી પવનો આવશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ દેખાઈ શકે છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે.

જોકે, પવનની ગતિમાં ખૂબ વધારે વધારો થાય તેવી શક્યતા નથી. ઉપરાંત બે-ત્રણ દિવસ બાદ ફરીથી રાજ્યમાં ઉત્તર તરફથી પવનો આવતા થઈ જશે.

ગુજરાતમાં શિયાળામાં પવનની દિશા પર ઠંડીનો આધાર રહેલો છે. જ્યારે ઉત્તર તરફના સૂકા પવનો ગુજરાત પર આવે છે ત્યારે ઠંડી વધી જાય છે અને ભેજનું પ્રમાણ તેમાં ઓછું હોવાને લીધે ધુમ્મસ આવતી નથી.

જોકે, આગામી દિવસોમાં આ ફેરફારો છતાં રાજ્યમાં વરસાદની શક્યતા નથી. એટલે કે આગામી પાંચથી છ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ નહીં પડે.

ગુજરાતમાં શિયાળામાં વરસાદ કેમ પડે છે?

સામાન્ય રીતે રાજ્યમાં શિયાળામાં થતો વરસાદ મોટા ભાગે પાકોને નુકસાન કરે છે, જેના કારણે આપણે તેને કમોસમી વરસાદ કહીએ છીએ.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે રાજ્યમાં શિયાળામાં થતો વરસાદ મોટા ભાગે પાકોને નુકસાન કરે છે, જેના કારણે આપણે તેને કમોસમી વરસાદ કહીએ છીએ

ગુજરાતમાં દર વર્ષે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં બેથી ત્રણ વખત વરસાદ થતો હોય છે, જેને સ્થાનિક સ્તરે કમોસમી વરસાદ કે માવઠું કહેવામાં આવે છે.

રાજ્યમાં શિયાળા દરમિયાન વરસાદ પશ્ચિમ તરફથી એટલે કે ભૂમધ્ય સાગરમાં બનતી અને ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન પરથી આવતી સિસ્ટમોના કારણે થાય છે. આ સિસ્ટમો એક પ્રકારના લૉ-પ્રેશર એરિયા હોય છે

જ્યારે પશ્ચિમ તરફથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય અને ભારત પર એ પહોંચે ત્યારે તેની અસરને કારણે રાજસ્થાન પર સાયકલૉનિક સર્ક્યુલેશન બને ત્યારે ગુજરાતમાં હવામાન બદલાતું હોય છે.

રાજસ્થાન પર બનેલા સાયકલૉનિક સર્ક્યુલેશનને અરબી સમુદ્રમાંથી મદદ મળે છે એટલે કે દરિયા પરથી આવતા પવનો આ સિસ્ટમને ભેજ પૂરો પાડે છે.

આ ભેજવાળા પવનો ગુજરાત પરથી પસાર થાય છે અને રાજસ્થાન પર જાય છે, સાયકલૉનિક સર્ક્યુલેશનમાં હવા ઉપર તરફ જાય છે અને ઠંડી થઈને વાદળો બંધાય છે. આ પ્રક્રિયા ગુજરાતની નજીક થતી હોવાને કારણે વરસાદ પડે છે.

સામાન્ય રીતે રાજ્યમાં શિયાળામાં થતો વરસાદ મોટા ભાગે પાકોને નુકસાન કરે છે, જેના કારણે આપણે તેને કમોસમી વરસાદ કહીએ છીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.