તાલિબાનના નેતૃત્વમાં પડેલી તિરાડઃ કાબુલ વિરુદ્ધ કંદહાર અને અખુંદઝાદાના આંતરિક વર્તુળની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Avid Ashna / Middle East Images / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાનના ટોચના નેતાઓમાંથી હિબતુલ્લાહ અખુંદઝાદા (વચ્ચે) પાસે નિરંકુશ સત્તા છે. જોકે, તાલિબાન સરકારના મંત્રીઓ સિરાજુદ્દીન હક્કાની (ડાબે) અને મોહમ્મદ યાકૂબ (જમણે)એ અખુંદઝાદાના નિર્ણયો સામે વાંધો ઊઠાવ્યો છે.
    • લેેખક, બીબીસી અફઘાન

બીબીસીએ એક ઑડિયો ક્લિપ મેળવી હતી. આ ક્લિપ પરથી એ સ્પષ્ટ છે કે, તાલિબાનના અગ્રિમ નેતાઓ કઈ બાબતને લઈને સૌથી વધુ ચિંતિત છે.

વળી, તે કોઈ બાહ્ય જોખમ નથી. તે અફઘાનિસ્તાનની અંદરથી જ ઊભું થનારું જોખમ છે. આ એ જ અફઘાનિસ્તાન છે, જેના પર 2021માં સરકાર પડી ભાંગ્યા બાદ અને અમેરિકાએ ઊચાળા ભર્યા બાદ તાલિબાને કબ્જો જમાવ્યો હતો.

ઑડિયોમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા એવી ચેતવણી આપે છે કે, ઇસ્લામિક અમીરાત (તાલિબાન)ની સરકારની અંદર જ લોકોએ એકમેક સામે બાંયો ચઢાવી છે. એ જ સરકાર, જે તાલિબાને દેશ ચલાવવા માટે રચી છે.

લીક થયેલા રેકૉર્ડિંગમાં સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાને એમ કહેતા સાંભળી શકાય છે કે, પરસ્પર વચ્ચેના આ મતભેદો આખરે વિનાશ નોતરશે.

તેમણે કહ્યું હતું, "આ વિભાજનથી અમીરાત વેરવિખેર થઈ જશે, ખતમ થઈ જશે."

આ ભાષણ દક્ષિણના શહેર કંદહારની એક મદરેસામાં જાન્યુઆરી, 2025માં તાલિબાન સભ્યોને ઉદ્દેશીને અપાયું હતું.

તાલિબાનની ટોચની નેતાગીરી વચ્ચે ખટરાગ વ્યાપ્યો હોવાની મહિનાઓથી વહેતી થયેલી અફવાને ઉપરોક્ત ભાષણને પગલે વેગ મળ્યો હતો.

જોકે, તાલિબાનના નેતૃત્વએ આવા કોઈ મતભેદ કે વિભાજનને હંમેશા રદિયો આપ્યો છે.

ત્યાં સુધી કે, બીબીસીએ આ મુદ્દે સવાલ કરતાં, તેમણે ટોચની આગેવાનીમાં કોઈ કડવાશ હોવાનો ઇનકાર કરી દીધો હતો.

પરંતુ, આ અફવાને પગલે બીબીસીની અફઘાન સેવાએ આ અત્યંત ગોપનીય સંગઠનની એક વર્ષ લાંબી તપાસ આદરી.

આ ગાળા દરમિયાન, તાલિબાનના વર્તમાન તથા ભૂતપૂર્વ સભ્યો, સ્થાનિક સ્રોતો, નિષ્ણાતો તેમજ ભૂતપૂર્વ રાજદ્વારીઓને આવરી લઈને 100 કરતાં વધુ ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યા હતા.

આ રિપોર્ટિંગની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બીબીસીએ તેમની સલામતી માટે ઓળખ પ્રગટ ન કરવા માટે સંમતી દર્શાવી હતી.

કાબુલ વિરુદ્ધ કંદહાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં સત્તાનાં બે કેન્દ્રો ઊભરતાં જણાઈ રહ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે, પ્રથમ વખત એ સ્પષ્ટ થયું છે કે, તાલિબાનના ટોચના સ્તર પર બે અલગ-અલગ જૂથો મોજૂદ છે. આ બંને જૂથ અફઘાનિસ્તાન માટે અલગ-અલગ વિચારો ધરાવે છે.

પ્રથમ જૂથ અખુંદઝાદા પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવે છે. અખુંદઝાદા તેમના ગઢ કંદહારથી દેશને ચુસ્ત ઇસ્લામિક અમીરાત તરફ લઈ જઈ રહ્યા છે.

એક એવું અમીરાત, જે આધુનિક વિશ્વ સાથે સંપર્કમાં ન હોય અને જ્યાં તેમના વફાદાર ધર્મગુરુઓ સમાજના પ્રત્યેક પાસાંને નિયંત્રિત કરતા હોય.

બીજું જૂથ મોટાભાગે કાબુલમાં મોજૂદ શક્તિશાળી તાલિબાન નેતાઓનું છે, જેમાં તાલિબાન કૅબિનેટના મંત્રીઓ, પ્રભાવશાળી લડવૈયા તથા વગદાર ધાર્મિક વિદ્વાનોનો સમાવેશ થાય છે.

આ જૂથ એવા અફઘાનિસ્તાનની રચનાની હિમાયત કરે છે, જે ચુસ્ત ઇસ્લામિક માળખાંની સીમામાં રહીને બાહ્ય વિશ્વ સાથે જોડાયેલું રહે, દેશનું અર્થતંત્ર મજબૂત બનાવે તથા કન્યાઓ તેમજ મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર આપે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં અફઘાનિસ્તાનમાં કન્યાઓને પ્રાથમિક શાળાથી આગળ અભ્યાસ કરવાની છૂટ નથી.

એક આંતરિક વર્તુળે આ વિભાજનને 'કંદહાર વિરુદ્ધ કાબુલ' ગણાવ્યું હતું.

પણ સવાલ એ હતો કે, શું હજ્જારો તાલિબાન સમર્થકો ધરાવતું કાબુલ જૂથ કદી અખુંદઝાદા સામે મક્કમપણે ખુલ્લો પડકાર ફેંકી શકશે?

અને એ પણ એવા સમયે, જ્યારે - તાલિબાનના મત પ્રમાણે, અખુંદઝાદા સર્વોચ્ચ શાસક છે અને માત્ર અલ્લાહને જ જવાબ આપવા બંધાયેલા છે અને તેમને કોઈ પડકારી નથી શકતું.

પરંતુ, એક નિર્ણય લેવાયો, જેણે દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિઓ વચ્ચે ઝરતી નાની-મોટી ચકમકને જાહેર ઘર્ષણની સ્થિતિમાં લાવી મૂકી.

સપ્ટેમ્બરના અંતમાં, અખુંદઝાદાએ ઇન્ટરનેટ તથા ફોન સેવાઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો, જેનાથી અફઘાનિસ્તાનનો સમગ્ર વિશ્વ સાથેનો સંપર્ક કપાઈ ગયો.

ત્રણ દિવસ પછી ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી, પણ તે પાછળનું કારણ જાહેર કરાયું નહીં.

જોકે, આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પડદા પાછળ મોટો ખેલ ખેલાયો હતો.

કાબુલ જૂથે અખુંદઝાદાના આદેશ વિરુદ્ધ જઈને ઇન્ટરનેટ ફરી શરૂ કરી દીધું.

તાલિબાનની સ્થાપના થઈ, ત્યારથી તેનો અભ્યાસ કરી રહેલા એક નિષ્ણાત કહે છે, "તાલિબાન અન્ય તમામ અફઘાન રાજકીય પક્ષો કે જૂથો કરતાં નોખું છે. તેમાં કદી કોઈ વિભાજન થયું નથી કે ખુલ્લો વિરોધ નોંધાયો નથી.

આ આંદોલનના પાયામાં પોતાના વરિષ્ઠ અને અમીર, અર્થાત્ અખુંદઝાદાની આજ્ઞા માનવાનો સિદ્ધાંત સામેલ છે.

આથી જ, અખુંદઝાદાના સ્પષ્ટ આદેશ વિરુદ્ધ જઈને ઇન્ટરનેટ શરૂ કરવાનો નિર્ણય અનપેક્ષિત અને અત્યંત મહત્ત્વનો હતો."

તાલિબાનના આંતરિક સૂત્રના જણાવ્યા પ્રમાણે, "તે પગલું કોઈ બળવાથી કમ નહોતું".

તાલિબાનના સર્વોચ્ચ નેતા અને મતભેદો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન
ઇમેજ કૅપ્શન, અખુંદઝાદાની માત્ર બે જ તસવીરો ઉપલબ્ધ છે, જેમની પુષ્ટિ થઈ છે. આ તસવીરમાં તેઓ ડાબી બાજુ દેખાઈ રહ્યા હોવાની બીબીસી અફઘાને પુષ્ટિ કરી હતી

હિબતુલ્લાહ અખુંદઝાદાએ તેમના નેતૃત્વની શરૂઆત આ રીતે નહોતી કરી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સર્વાનુમતે સ્વીકૃતિ ધરાવનારા નેતા ગણાતા હોવાથી 2016માં તાલિબાનના સર્વોચ્ચ નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.

તેઓ સ્વયં યુદ્ધનો કોઈ અનુભવ ધરાવતા ન હતા. આથી, તેમણે સિરાજુદ્દીન હક્કાનીને પોતાના ઉપનેતા બનાવ્યા.

હક્કાની માથાભારે લશ્કરી કમાન્ડર હતા અને તે સમયે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં તેમનું નામ સામેલ હતું.

તેમના માથે દસ લાખ ડોલરનું ઈનામ હતું.

યાકૂબ મુજાહિત બીજા ઉપનેતા હતા. તેઓ તાલિબાનના સ્થાપક મુલ્લાહ ઉમરના પુત્ર છે.

તેમની વય ભલે નાની હોય, પણ તેઓ તાલિબાનની ધરોહર અને સંગઠનને એકજૂટ રાખવાની ક્ષમતા ધરાવતા હતા.

આ વ્યવસ્થા દોહામાં અમેરિકા સાથેની વાટાઘાટ દરમિયાન પણ અકબંધ રહી.

આ મંત્રણા તાલિબાન યોદ્ધાઓ તથા અમેરિકાની આગેવાની ધરાવતાં દળો વચ્ચે 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધનો અંત આણવા માટે હાથ ધરાઈ હતી.

2020ની સમજૂતી આખરે 2021માં તાલિબાને સમગ્ર દેશ પર અચાનક અને નાટ્યાત્મક રીતે ફરીથી કરેલા કબ્જા તથા ઓગસ્ટ, 2021માં અમેરિકન સૈન્યની અવ્યવસ્થિત પીછેહઠનું નિમિત્ત બની.

બહારના વિશ્વને તાલિબાન એકજૂટ જણાતું હતું.

પરંતુ, બીબીસી સાથે વાત કરનારાં આંતરિક વર્તુળોની વાત કરીએ તો, ઓગસ્ટ, 2021માં સત્તાનું સુકાન પુનઃ હાથમાં લીધા બાદ, બંને ઉપનેતાઓને ચૂપચાપ હાંસિયામાં ધકેલી દેવાયા અને તેમને કેવળ મંત્રીપદે ગોઠવી દેવાયા.

તે પછી અખુંદઝાદા સત્તાનું એકમાત્ર કેન્દ્ર બન્યા.

એટલું જ નહીં, તાલિબાનના શક્તિશાળી સહ-સ્થાપક અને અમેરિકા સાથે વાટાઘાટોનું નેતૃત્વ કરનારા અબ્દુલ ગની બરાદરને પણ વડાપ્રધાન બનાવવાને બદલે નાયબ વડાપ્રધાન બનાવી દેવાયા.

ઘણા લોકોને અપેક્ષા હતી કે, તેમને વડાપ્રધાન બનાવવામાં આવશે.

તેનાથી ઊલટું, અખુંદઝાદાએ રાજધાની કાબુલમાં રહેવાને બદલે તાલિબાન સત્તાના પરંપરાગત કેન્દ્ર રહેલા કંદહારમાં રહેવાનું પસંદ કર્યું.

તેમણે પોતાની આસપાસ વિશ્વાસપાત્ર, કટ્ટર વિચારધારા અને સખ્ત વિચારો ધરાવનારા લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું.

અન્ય નિષ્ઠાવાનોને દેશની સુરક્ષા એજન્સીઓ, ધાર્મિક નીતિઓ તથા અર્થતંત્રના અમુક ભાગો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી.

અમેરિકાનું પીઠબળ ધરાવતી અફઘાન સરકાર સાથે કામ કરી ચૂકેલા એક ભૂતપૂર્વ તાલિબાન સભ્યએ બીબીસીને જણાવ્યું હતું, "અખુંદઝાદાએ શરૂઆતથી જ તેમનું પોતાનું મજબૂત જૂથ ઊભું કરવાના પ્રયાસો કર્યા હતા. શરૂઆતમાં તેમને એ તક ન મળી, પણ એક વખત સત્તાની બાગડોર સંભાળ્યા પછી તેમણે અત્યંત કાર્યક્ષમ રીતે આ કામ કર્યું અને પોતાનો પ્રભાવ વિસ્તારવા માટે તેમના અધિકાર અને હોદ્દાનો ઉપયોગ કર્યો."

હવે, કાબુલમાં બેસતા તાલિબાન મંત્રીઓ સાથે સલાહ-મસલત કર્યા વિના જ આદેશો જારી થવા માંડ્યા.

સત્તા પર આવ્યા પહેલાં પ્રજાને અપાયેલાં વચનો (જેમકે, છોકરીઓને શિક્ષણ આપવું, વગેરે)ની ઉપેક્ષા કરવામાં આવી.

ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની એક દેખરેખકર્તા સંસ્થાએ સિક્યોરિટી કાઉન્સિલને મોકલેલા પત્રમાં જણાવ્યું કે, કન્યા શિક્ષણ પર નિયંત્રણો તથા મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ એ બંને જૂથો વચ્ચે પ્રવર્તતા "તણાવનું મુખ્ય કારણ" છે.

આ દરમિયાન, અન્ય એક આંતરિક સૂત્રએ બીબીસીને જણાવ્યું હતું કે, 1990ના દાયકામાં તાલિબાનની શરિયા અદાલતોમાં ન્યાયાધીશ તરીકે કારકિર્દી શરૂ કરનારા અખુંદઝાદાના ધાર્મિક વિચારો "વધુને વધુ સખ્ત" બની રહ્યા છે.

અખુંદઝાદાના વિચારો એ હદે કટ્ટરવાદી હતા કે, 2017માં તેમના પુત્રના મોત બાદ બે તાલિબાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, અખુંદઝાદા જાણતા હતા કે, તેમનો પુત્ર આત્મઘાતી હુમલાખોર બનવા માગતો હતો અને તેમણે તે માટે સંમતિ પણ આપી હતી.

સાથે જ બીબીસીને એમ પણ કહેવામાં આવ્યું કે, અખુંદઝાદાનું માનવું છે કે, કોઈપણ ખોટા નિર્ણયની તેમના મોત બાદ પણ અસર ઉપજી શકે છે.

એક વર્તમાન તાલિબાની અધિકારીના જણાવ્યા પ્રમાણે, "દરેક નિર્ણય વિશે તેઓ કહે છે કે, હું અલ્લાહને જવાબ આપવા બંધાયેલો છું. કયામતના દિવસે મને પૂછવામાં આવશે કે, મેં આ પગલું કેમ ન ભર્યું?"

અખુંદઝાદા સાથેની બેઠકમાં ભાગ લેનારી બે વ્યક્તિઓએ બીબીસીને કહ્યું હતું કે, તેઓ મિતભાષી છે અને મોટાભાગે ઈશારાથી જ વાત કરે છે.

રૂમમાં હાજર પાકટ મૌલવી તે ઈશારાઓનું અર્થઘટન કરે છે.

અખુંદઝાદા જાહેર કાર્યક્રમોમાં પણ તેમનો ચહેરો છૂપાવી રાખે છે.

પાઘડી પર વીંટેલા વસ્ત્રથી તેઓ તેમની આંખો ઢાંકે છે અને ઘણી વખત હાજર લોકો તરફ ત્રાંસા ઊભા રહે છે.

અખુંદઝાદાની તસવીરો કે વીડિયો લેવા પર પ્રતિબંધ છે. કહેવાય છે કે, દુનિયામાં તેમના માત્ર બે ફોટા જ ઉપલબ્ધ છે.

તેમને મળવું હવે ઘણું મુશ્કેલ થઈ ગયું છે.

એક તાલિબાની સભ્યએ બીબીસીને જાણકારી આપી હતી કે, અખુંદઝાદા અગાઉ "સલાહ-મસલત માટે નિયમિત બેઠકો" બોલાવતા હતા, પણ હવે "મોટાભાગના તાલિબાન મંત્રીઓએ તેમને મળવા માટે દિવસો કે સપ્તાહો સુધી રાહ જોવી પડે છે".

અન્ય એક સૂત્રના જણાવ્યા અનુસાર, કાબુલમાં રહેતા મંત્રીઓને "માત્ર સત્તાવાર આમંત્રણ મળ્યે જ કંદહાર આવવું", એવું કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન, અખુંદઝાદા શસ્ત્રોના વિતરણ માટેના વિભાગ સહિતના ઘણા ચાવીરૂપ વિભાગો કંદહાર ખસેડવા માંડ્યા છે, જે અગાઉ હક્કાની અને યાકૂબ જેવા તેમના ભૂતપૂર્વ ઉપનેતાઓના અંકુશ હેઠળ હતા.

ડિસેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખકર્તા ટીમે એક પત્રમાં લખ્યું હતું કે, "અખુંદઝાદા દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કંદહારના સીધા નિયંત્રણ હેઠળ સુરક્ષા દળોના સ્થિર વિતરણ સાથે જોડાયેલું છે."

અહેવાલો અનુસાર, અખુંદઝાદા સ્થાનિક પોલીસ એકમોને સીધા જ આદેશો આપે છે અને કાબુલના મંત્રીઓને અળગા રાખે છે.

એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, આનું પરિણામ એ આવ્યું છે કે, "વાસ્તવિક સત્તા કંદહાર સ્થળાંતરિત થઈ ગઈ છે".

જોકે, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે બીબીસી સાથેના સંવાદમાં ઉપરોક્ત અહેવાલને રદિયો આપ્યો હતો.

તેમણે કહ્યું હતું, "તમામ મંત્રીઓ તેમનાં સંબધિત મંત્રાલયોમાં પૂર્ણ સત્તા ભોગવે છે. તેઓ રોજિંદાં કાર્યો હાથ ધરે છે અને નિર્ણયો લે છે. તેમને સંપૂર્ણ સત્તા અપાઈ છે."

પરંતુ, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું, "શરિયા દ્રષ્ટિકોણથી જોતાં, અખુંદઝાદા સંપૂર્ણ સત્તા ધરાવે છે. અલ્લાહે જે વિભાજનની મનાઈ ફરમાવી છે, તેને ટાળવા માટે અખુંદઝાદાનો નિર્ણય આખરી રહે છે."

"આ એ લોકો છે, જેમણે દુનિયા જોઈ છે"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન
ઇમેજ કૅપ્શન, સિરાજુદ્દીન હક્કાનીના માથે રાખેલું દસ લાખ ડોલરનું ઈનામ અમેરિકન સરકારે પાછું ખેંચી લીધું છે

કાબુલ જૂથમાં અસંતોષ વધી રહ્યો હતો અને પારસ્પરિક ગઠબંધન મજબૂત બની રહ્યાં હતાં.

એક વિશ્લેષકે બીબીસીને જણાવ્યા મુજબ, "આ એવા લોકો છે, જેમણે દુનિયા જોઈ છે. આથી જ તેમનું માનવું છે કે, વર્તમાન સ્વરૂપમાં તેમની સરકાર ટકી નહીં શકે."

કાબુલ જૂથ એવું અફઘાનિસ્તાન બનાવવા માગે છે, જે ખાડીના દેશોના મોડલને અનુસરે.

કંદહારમાં સત્તાના અતિશય કેન્દ્રીકરણ, નૈતિકતાના કાયદાઓના સ્વરૂપ અને ચુસ્ત પાલન તથા આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથેના સંબંધોને લઈને તેઓ ચિંતિત છે.

સાથે જ તેમને મહિલાઓના શિક્ષણ તેમજ રોજગારીની પણ ચિંતા છે.

જોકે, મહિલાઓ માટે વધુ હક્કો વિશે વાત કરવા છતાં કાબુલ જૂથ ઉદાર ગણાતું નથી.

આંતરિક વર્તુળો તેમને "વ્યવહારુ" ગણાવે છે.

આ જૂથનું અનૌપચારિક નેતૃત્વ અબ્દુલ ગની બરાદર કરી રહ્યા હોવાનું મનાય છે. તાલિબાનના સભ્યોમાં હજુયે તેમના પ્રત્યે ભારોભાર નિષ્ઠા છે.

2024ની અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના કેમ્પેન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે તેમને "તાલિબાનના વડા અબ્દુલ" કહ્યા હતા.

વાસ્તવમાં, અમેરિકા સાથે તાલિબાનની મંત્રણામાં તેઓ મુખ્ય વાટાઘાટકર્તા હતા.

કાબુલ જૂથના બદલાઈ રહેલા વલણ પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

એક વિશ્લેષકે જણાવ્યું હતું, "અમને યાદ છે કે, એક સમયે આ જ લોકો ટીવી તોડી નાખતા હતા, પણ હવે તેઓ સ્વયં ટીવી પર દેખાઈ રહ્યા છે."

સાથે જ તેઓ સોશિયલ મીડિયાની તાકાતથી પણ વાકેફ છે.

ભૂતપૂર્વ ઉપનેતા યાકૂબના પિતાએ અગાઉ તાલિબાન શાસનની ધુરા સંભાળી હતી, જેમાં સંગીત અને ટીવી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

આજે, યુવા તાલિબાન સભ્યો તથા કેટલાક સામાન્ય અફઘાન નાગરિકોમાં યાકૂબની લોકપ્રિયતા વધી રહી છે.

તેમની તસવીર ધરાવતી ચીજો અને ટિકટૉક વીડિયો પરથી તે જાણી શકાય છે.

પરંતુ, સ્વયંને એકદમ નવા સ્વરૂપે રજૂ કરવામાં તેમના સાથી અને ભૂતપૂર્વ ઉપનેતા સિરાજુદ્દીન હક્કાની મોખરે છે.

અફઘાન યુદ્ધ દરમિયાન અમેરિકાની આગેવાની હેઠળનાં દળો સામેના અત્યંત ગંભીર અને ઘાતકી હુમલા પાછળ તેમના નેટવર્કનો હાથ હતો.

તેમાં 2017માં કાબુલ સ્થિત જર્મન દૂતાવાસ નજીક ટ્રકમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો પણ સમાવેશ થાય છે, જેમાં 90 કરતાં વધારે નાગરિકોએ જાન ગુમાવ્યા હતા.

આ તમામ બાબતોના કારણે તેઓ તેમના ટેકેદારોમાં દંતકથાસમાન હસ્તી બની ગયા.

આ ગાળા દરમિયાન, તેમની કેવળ એક જ તસવીર ઉપલબ્ધ હતી, જે બીબીસીના એક અફઘાન પત્રકાર દ્વારા લેવામાં આવી હતી.

પરંતુ, અમેરિકન સૈન્ય પરત ફર્યાના છ સપ્તાહ બાદ હક્કાની કાબુલમાં પોલીસ અધિકારીઓના દિક્ષાંત સમારોહમાં વિશ્વભરના કેમેરા સામે આવ્યા અને આ વખતે તેમનો ચહેરો ખુલ્લો હતો.

આ તેમની નવી છબિની પહેલી ઝાંખી હતીઃ હવે તેઓ કેવળ એક યોદ્ધા ન રહેતાં રાજનેતા તરીકે ઊભરી રહ્યા હતા.

2024માં ન્યૂયોર્ક ટાઈમ્સે તેમનો વિસ્તારપૂર્વક ઇન્ટરવ્યૂ લીધો હતો અને તેમને સવાલ કર્યો હતો કે, તેમની પાસેથી અફઘાનિસ્તાનમાં પરિવર્તનની મોટી આશા રાખવામાં આવી રહી છે કે કેમ.

થોડા જ મહિનાઓમાં, એફબીઆઈએ તેમના માથે રાખેલું દસ લાખ ડોલરનું ઈનામ ચૂપચાપ હટાવી દીધું હતું.

તેમ છતાં વિશ્લેષકો અને આંતરિક વર્તુળોએ બીબીસીને જણાવ્યું હતું કે, તેઓ સર્વોચ્ચ નેતા અખુંદઝાદાની વિરુદ્ધમાં જાય, તે લગભગ અશક્ય છે.

અત્યાર સુધી, તેમના આદેશો સામે જે પણ વાંધા રહ્યા હતા, તે નાના અને સીમિત હતા.

જેમકે, કાબુલ જૂથ સાથે સંકળાયેલા અધિકારીઓના વિસ્તારમાં દાઢી શેવ ન કરવી, વગેરે જેવા નિયમોને સખ્તાઈથી લાગુ ન કરવા.

પરંતુ, વ્યાપક સ્તરના બળવાની કલ્પના સુદ્ધાં ન હતી.

"અખુંદઝાદાની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત ગણાય છે," એમ તાલિબાનના એક ભૂતપૂર્વ સભ્યએ બીબીસીને જણાવ્યું હતું.

સ્વયં હક્કાનીએ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં કોઈ ખુલ્લા સંઘર્ષની સંભવિતતાને રદિયો આપ્યો હતો.

તેમણે કહ્યું હતું, "આ સમયે અફઘાનિસ્તાન માટે એક્તા જરૂરી છે, જેથી દેશમાં શાંતિ પ્રવર્તી શકે."

એક વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે, કાબુલ જૂથ વાસ્તવમાં "આંતરરાષ્ટ્રીય સમુદાય અને અફઘાન નાગરિકો, બંનેને સંદેશો પાઠવવા માગતું હતું".

તે સંદેશો હતો, "અમે તમારી ફરિયાદો અને ચિંતાઓ જાણીએ છીએ, પણ અમે શું કરી શકીએ?"

ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ, ત્યાં સુધી તો આ જ સ્થિતિ પ્રવર્તતી હતી.

ઘર્ષણ ક્યાં છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરવાની શરૂઆત કાળજીપૂર્વક પસંદ કરાયેલા પ્રાંતોમાં થઈ હતી, પણ પછી સપ્ટેમ્બર, 2025ના અંતમાં સમગ્ર દેશમાં આ સેવા બંધ કરી દેવાઈ

તાલિબાનોના સર્વોચ્ચ નેતા અખુંદઝાદાને ઇન્ટરનેટ પર લેશમાત્ર વિશ્વાસ નથી.

તેમનું માનવું છે કે, ઇન્ટરનેટ પરની સામગ્રી ઇસ્લામિક સિદ્ધાંતો વિરુદ્ધ છે.

તેમની વિચારધારા એટલી જડ થઈ ગયેલી છે કે, તેઓ સ્વયં પણ સમાચાર કે સોશિયલ મીડિયા જોતા નથી.

એક સહાયક રોજ સવારે તેમને તાજા સમાચાર અને સોશિયલ મીડિયાની પોસ્ટ્સ વાંચી સંભળાવે છે, એમ તેમના પ્રવક્તાએ અગાઉ બીબીસીને માહિતી આપી હતી.

તેનાથી ઊલટું, કાબુલ જૂથનું મનાવું છે કે, ઇન્ટરનેટ વિના કોઈ આધુનિક દેશ ટકી શકે નહીં.

ઇન્ટરનેટ બંધ કરવાનો અખુંદઝાદાનો આદેશ સૌપ્રથમ તેમના ચુસ્ત સમર્થકો દ્વારા નિયંત્રિત હોય, તેવા પ્રાંતોમાં લાગુ કરાયો હતો.

તે પછી આખા દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો.

તાલિબાન સરકારની અંદરના તેમજ કાબુલ જૂથના નિકટવર્તી સૂત્રોએ જણાવ્યું હતું કે, તે પછી જે થયું, તે તાલિબાનના ઈતિહાસમાં લગભગ અભૂતપૂર્વ હતું.

એક સૂત્રએ જણાવ્યું હતું, "તેનાથી આંદોલનના ઘણા સભ્યો ચોંકી ઊઠ્યા હતા."

ટૂંકમાં, કાબુલ જૂથના સૌથી શક્તિશાળી મંત્રીઓ એક થઈ ગયા અને તેમણે કાબુલમાં મોજૂદ વડાપ્રધાન મુલ્લાહ હસન અખુંદને ઇન્ટરનેટ સેવા ફરી ચાલુ કરવા માટે મનાવી લીધા.

વાસ્તવમાં, આ જૂથે દેશભરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાય, તે પહેલાં જ પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી હતી.

જૂથના નેતા બરાદર કંદહાર ગયા હતા અને અખુંદઝાદાના અત્યંત વિશ્વાસુ ગવર્નરને ચેતવણી આપી હતી કે, તેમણે 'જાગી જવું પડશે' અને સર્વોચ્ચ નેતાના 'જીહજૂરિયા' બનવાનું બંધ કરવું પડશે.

કંદહારના આંતરિક સૂત્રોના મતે, બરાદરે કહ્યું, "તમે તેમને નિડરપણે સાચી વાત નથી કહેતા. તમે બસ તેઓ જે કહે, તેનું પાલન કરો છો."

સૂત્રના જણાવ્યા પ્રમાણે, તેમની વાતને ટાળી દેવાઈ હતી.

સોમવાર, 29મી સપ્ટેમ્બરના રોજ ટેલિકમ્યુનિકેશન્સ મંત્રાલયને સીધો જ સર્વોચ્ચ નેતા તરફથી બધી સેવાઓ બંધ દેવાનો આદેશ મળ્યો.

મંત્રાલયના સૂત્રે બીબીસીને જણાવ્યું હતું કે, "મંજૂરી મળશે નહીં".

બુધવારે સવારે, કાબુલ જૂથના મંત્રીઓ - બરાદર, હક્કાની અને યાકૂબ વડાપ્રધાનની ઓફિસે એકઠા થયા હતા.

ટેલિકોમ મંત્રી પણ તેમની સાથે હતા.

તેમણે કંદહાર તરફી વડાપ્રધાનને જવાબદારી લઈને આદેશ ઊલટાવવાનો અનુરોધ કર્યો હતો.

સૂત્રના જણાવ્યા મુજબ, તેમણે કહ્યું કે, તેઓ આ માટેની પૂરી જવાબદારી ઊઠાવશે.

પ્રયત્ન સફળ રહ્યો. ઇન્ટરનેટ સેવા ફરી ચાલુ થઈ ગઈ.

પણ મહત્ત્વની વાત એ છે કે, તે ગણ્યા-ગાંઠ્યા દિવસો દરમિયાન - અખુંદઝાદાએ મહિનાઓ પહેલાં તેમના ભાષણમાં જે સંકેત આપ્યો હતો, તે સાચો ઠરી રહેલો જણાતો હતો.

અંદરના લોકો તાલિબાનની એક્તાને પડકારવા માંડ્યા હતા.

પણ સવાલ એ છે કે, આ આદેશ આટલો નિર્ણાયક કેમ પુરવાર થયો?

એક નિષ્ણાત કહે છે કે, તાલિબાનના સભ્યો કન્યા શિક્ષણ જેવા મામલે અસંમત હોવા છતાં તેમણે અખુંદઝાદાના આદેશોને અનુસરવાનું ચાલુ રાખ્યું હતું.

અગાઉ પણ ખુલ્લેઆમ અખુંદઝાદાનો વિરોધ કરી ચૂકેલા લોકોએ આકરી કિંમત ચૂકવવી પડી હતી.

ભૂતપૂર્વ નાયબ વિદેશ મંત્રીએ જાહેર સ્તર પર ચેતવણી આપી હતી કે, નેતૃત્વ અલ્લાહના માર્ગ પરથી ભટકી રહ્યું છે અને બે કરોડ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. તે પછી ફેબ્રુઆરી, 2025માં તેમને દેશ છોડીને ભાગવાની ફરજ પડી હતી.

તેમણે કન્યા શિક્ષણ પરના પ્રતિબંધના સંદર્ભમાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રના દેખરેખકર્તાઓના જણાવ્યા પ્રમાણે, કન્યા શિક્ષણ પરના અખુંદઝાદાના આદેશો સામે વાંધો ઊઠાવ્યા પછી ઓછામાં ઓછી વધુ બે વ્યક્તિઓની જુલાઈ અને સપ્ટેમ્બર, 2025માં ધરપકડ કરાઈ હતી.

તેમ છતાં, અખુંદઝાદા અને તેમના સાથીઓ હક્કાની જેવા નેતાઓને પોતાની નિકટ રાખવાની કોશીશ કરી રહ્યા હોવાના સંકેતો મળ્યા છે. અને તે પણ એવા સમયે, જ્યારે હક્કાની જાહેર સ્તરે સત્તાના કેન્દ્રીકરણની આલોચના કરી રહ્યા છે.

જોકે, માત્ર બોલવા સુધી સીમિત ન રહીને આદેશની અવગણના કરવી, એ અલગ જ સ્તરની વાત છે.

એક નિષ્ણાતના મતે, તે સમયે જોખમ ઊઠાવવું તેમના માટે લાભદાયી જણાઈ રહ્યું હતું.

તેમણે કહ્યું હતું, "તેમના હોદ્દાઓ સાથે સત્તા અને નાણાં રળવાની ક્ષમતા જોડાયેલી છે. પણ બંને હવે ઇન્ટરનેટ પર નિર્ભર છે. ઇન્ટરનેટ હવે વહીવટ અને વ્યવસાય માટે આવશ્યક બની ગયું છે."

"ઇન્ટરનેટ બંધ થઈ જવાથી તેમના વિશેષાધિકારો જોખમાયા હતા, જ્યારે સગીર વયની કન્યાઓને શિક્ષણથી દૂર રાખવાથી કદી આવું જોખમ ઊભું થયું નહોતું," એમ તેમણે કહ્યું હતું.

"કદાચ, તેના લીધે જ આ વખતે તેઓ આટલા 'નિડર' બની ગયા," એમ નિષ્ણાતે કહ્યું હતું. ઇન્ટરનેટ સેવા ફરી શરૂ થયા પછી - આગળ શું થશે? - એ અટકળો વેગવાન બની હતી.

કાબુલ જૂથના નિકટના સૂત્રએ મંત્રીઓને ક્રમશઃ હટાવી દેવાય કે પછી તેમનું કદ સીમિત કરી દેવામાં આવે, એવી શક્યતા તરફ ઈશારો કર્યો હતો.

આ દરમિયાન, કંદહારના એક આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર, કદાચ સર્વોચ્ચ નેતાએ સ્વયં જ પીછેહઠ કરી લીધી હતી, "કારણ કે, તેમને આ પ્રકારના વિરોધનો ડર હતો".

વર્ષના અંત સુધીમાં જાહેર સ્તર પર એવું લાગ્યું કે, કશું બદલાયું નહોતું.

સંયુક્ત રાષ્ટ્રની સિક્યૉરિટી કાઉન્સિલને પાઠવાયેલા પત્રમાં લખ્યું હતું કે, કેટલાક સભ્ય દેશોએ કંદહાર તથા કાબુલના નેતાઓ વચ્ચેના મતભેદોને - મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય, તેવા "પારિવારિક વિખવાદ" જેવા ગણાવ્યા હતા.

પત્ર અનુસાર, તમામ વરિષ્ઠ નેતાઓ તાલિબાન શાસનની સફળતા સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે.

આ તરફ, તાલિબાન સરકારના વરિષ્ઠ પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કોઈપણ પ્રકારના વિભાજનને રદિયો આપ્યો હતો.

જાન્યુઆરી, 2026ના પ્રારંભમાં તેમણે બીબીસીને કહ્યું હતું, "અમે કદી સ્વયંને વિભાજિત નહીં થવા દઈએ. તમામ અધિકારીઓ તથા નેતાઓ જાણે છે કે, વિભાજન અફઘાનિસ્તાન સહિત હરકોઈ માટે હાનિકારક રહેશે. ધર્મમાં તેની મનાઈ છે અને અલ્લાહે પણ તેની મનાઈ ફરમાવી છે."

સાથે જ, તેમણે તાલિબાન શાસનમાં "મતમતાંતરો" પ્રવર્તતા હોવાનું કબૂલ્યું હતું, પણ તેને "પરિવારની અંદરના મતભેદો ગણાવ્યા હતા".

આ "મતભેદો" ડિસેમ્બર, 2025ના વચ્ચેના ભાગમાં ફરી સપાટી પર આવ્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Los Angeles Times via Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ મહિલાઓની સામાજીક સ્થિતિ કથળી છે

હક્કાની તેમના વતન ખોસ્ત પ્રાંતમાં શુક્રવારની નમાઝ દરમિયાન હાજર લોકોને સંબોધતા હતા, તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.

તેમણે ચેતવણી ઉચ્ચારી હતી, "કોઈ વ્યક્તિ પ્રજાના વિશ્વાસ અને પ્રેમ થકી સત્તા પર આવ્યા પછી તે જ પ્રજાને ભૂલી જાય કે તરછોડી દે, તો તે સરકાર નથી."

તે જ દિવસે, અખુંદઝાદાના વફાદાર અને ઉચ્ચતર શિક્ષણ મંત્રી નિદા મહમ્મદ નદીમે નજીકના પ્રાંતની મદરેસામાં સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

તેમણે કહ્યું, "સાચી ઇસ્લામિક સરકાર એ છે, જેમાં એક વ્યક્તિ નેતૃત્વ કરે અને બાકીના તમામ તેનો આદેશ માને. જો ઘણા નેતા હશે, તો સમસ્યાઓ ઉદ્ભવશે અને આપણે જે સરકાર હાંસલ કરી છે, તે ખતમ થઈ જશે."

ઇન્ટરનેટને લઈને સર્જાયેલા વિવાદ બાદ આ નિવેદનોને 2025ના પ્રારંભમાં સપાટી પર આવેલા લીક ઑડિયો કરતાં તદ્દન અલગ સંદર્ભમાં જ જોવામાં આવી રહ્યાં છે.

તેમ છતાં, 2026માં કાબુલ જૂથ અફઘાનિસ્તાનનાં મહિલા-પુરુષો માટે કોઈ નક્કર પરિવર્તન લાવવા સમર્થ રહેશે કે કેમ, તે જોવાનું રહેશે.

એક નિષ્ણાત કહે છે, "હંમેશાંની માફક, એ જ સવાલ છે કે, અમીરાતના ટોચના સ્તરે પ્રવર્તી રહેલા મતભેદો શું કદી કાર્યવાહીમાં પરિણમશે ખરા?"

"હજી સુધી તો આવું થયું નથી."

(સંપાદન અને પ્રોડ્યૂસિંગઃ ઝિયા શહરયાર, ફ્લોરા ડ્રૂરી અને બીબીસી અફઘાન ફોરેન્સિક ટીમ.

મુખ્ય તસવીરમાં જાન્યુઆરી, 2022માં કાબુલને જોઈ રહેલા તાલિબાનના બે સભ્ય બતાવાયા છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન