અફઘાનિસ્તાન : 'સામ્રાજ્યોનું કબ્રસ્તાન' જ્યાં બ્રિટન, સોવિયત સંઘ અને અમેરિકાએ હાર માનવી પડી

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિયેતનામમાં અમેરિકાની જે હાલત થઈ તેવી જ સ્થિતિ અફઘાનિસ્તાનમાં પણ થઈ હતી
    • લેેખક, નૉર્બેર્ટો પ્રેડેસ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

તાજેતરમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ થયો હતો. કતારની મધ્યસ્થીમાં બંને દેશોએ વાતચીત કરી હતી.

તો અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી ભારતની લાંબી યાત્રાએ આવ્યા અને તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર એક ચેતવણી આપી હતી.

દિલ્હીમાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ કહ્યું હતું કે "અફઘાનોના સાહસની પરીક્ષા ન લો. તેમને વધુ તંગ ન કરો. આવું કરતા પહેલાં તમે બ્રિટનને પૂછી લો, સોવિયેત સંઘને પૂછો, અમેરિકા અને નાટોને પૂછો. તેઓ તમને સમજાવશે કે અફઘાનિસ્તાન સાથે આ રમત રમવી ઠીક નથી."

તાજેતરમાં અફઘાન તાલિબાનના પ્રવક્તાએ પણ આવો જ દાવો કર્યો હતો.

ઘણા લોકોને સવાલ થાય છે કે વિશ્વની મહાસત્તાઓ એવા દેશ સામે કેમ હારી ગઈ જેની કોઈ રેગ્યુલર આર્મી નથી કે સંસાધનો પણ નથી. આ દેશને "સામ્રાજ્યોના કબ્રસ્તાન" તરીકે કેમ ઓળખવામાં આવે છે?

અફઘાનિસ્તાન 'સામ્રાજ્યોનું કબ્રસ્તાન'

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં સામ્યવાદી શાસનને ટેકો આપવા સોવિયેત સેના પહોંચી, પરંતુ 10 વર્ષ પછી દેશ છોડવો પડ્યો

આ સવાલનો જવાબ અફઘાનિસ્તાનના ઇતિહાસ અને ભૂગોળમાં રહેલો છે.

19મી સદીમાં સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યે અફઘાનિસ્તાનને કબજે કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

પરંતુ 1919માં બ્રિટને અંતે અફઘાનિસ્તાન છોડવું પડ્યું અને અફઘાનોને આઝાદી આપવી પડી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ત્યાર પછી 1979માં સોવિયેત સંઘે કૉમ્યુનિસ્ટ સરકારના પતનને રોકવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, પરંતુ 10 વર્ષ પછી તેમને પણ લાગ્યું કે તેઓ યુદ્ધ જીતી નહીં શકે.

બ્રિટન અને સોવિયેત સંઘ વચ્ચે સમાનતા છે કે તેમણે પોતાની શક્તિની ચરમસીમાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલા પછી બંને સામ્રાજ્ય ધીમે ધીમે નબળા પડવા લાગ્યા.

2001માં અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાન પર આક્રમણ કરવામાં આવ્યું જેમાં લાખો લોકો માર્યા ગયા.

આક્રમણના 20 વર્ષ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની સેનાને અફઘાનિસ્તાનથી પરત લાવવાનો નિર્ણય લીધો. તેના કારણે તાલિબાન માટે ફરી સત્તા પર આવવાનો રસ્તો ખૂલી ગયો.

આ એક વિવાદાસ્પદ નિર્ણય હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે પણ આ નિર્ણય બદલ અમેરિકન વહીવટીતંત્રની ટીકા કરે છે. આ નિર્ણયના કારણે તાલિબાને બહુ ઝડપથી કાબુલ પર કબજો જમાવી દીધો.

બાઇડને પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું કે, "અમેરિકાના નાગરિકોએ એવા યુદ્ધમાં મરવું ન જોઈએ, જેના માટે અફઘાનો સ્વયં તૈયાર ન હોય."

અફઘાનિસ્તાન "સામ્રાજ્યોના કબ્રસ્તાન" તરીકે ઓળખાય છે એ વાતને યાદ કરતા બાઇડને કહ્યું કે "ગમે તેવી શક્તિશાળી સેના ઉતારવામાં આવે તો પણ એક સ્થિર, સંગઠિત અને સુરક્ષિત અફઘાનિસ્તાન શક્ય નથી."

અફઘાનિસ્તાન વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓ માટે કબ્રસ્તાન સાબિત થયું છે, જેમણે તાજેતરની સદીઓમાં આ દેશને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.

શરૂઆતમાં આક્રમણકારી સેનાઓને થોડી સફળતા મળી, પરંતુ અંતમાં તેમણે અફઘાનિસ્તાન છોડીને ભાગવું પડ્યું.

અફઘાનિસ્તાન સામે મોટી મોટી મહાસત્તાઓનો કેમ પરાજય થયો?

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સેના મોકલી જેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પરત બોલાવી લેવી પડી

વિશ્લેષક ડેવિડ એસ્બીએ અફઘાનિસ્તાનના ઇતિહાસ પર 'અફઘાનિસ્તાનઃ ગ્રેવયાર્ડ ઑફ એમ્પાયર્સ' નામે પુસ્તક લખ્યું છે.

તેઓ કહે છે, "અફઘાનો બહુ શક્તિશાળી છે એવું નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં જે થયું તે આક્રમણકારીઓની નબળાઈના કારણે થયું છે."

વિશ્લેષક એસ્બી કહે છે કે "તમે તટસ્થ રીતે જુઓ તો અફઘાનિસ્તાન એક મુશ્કેલ પ્રદેશ છે. આ એક જટિલ દેશ છે, જેનું માળખું ખરાબ છે અને બહુ ઓછો વિકાસ થયો છે."

"કોઈ પણ સામ્રાજ્ય, પછી તે સોવિયેત સંઘ હોય, બ્રિટન હોય કે અમેરિકા હોય, અફઘાનિસ્તાન સાથે લવચિકતા દેખાડી નથી. તેઓ પોતાના માર્ગે ચાલવા માગતા હતા અને એવું જ કર્યું. જોકે તેઓ અફઘાનિસ્તાનની જટિલતાઓને સમજી શક્યા નહીં."

અફઘાનિસ્તાનને હરાવવું મુશ્કેલ છે એવું ઘણી વાર કહેવાય છે.

પરંતુ આ ખોટું છે. ભૂતકાળમાં ઈરાન, મોંગોલ અને સિંકદરે અફઘાનિસ્તાન પર વિજય મેળવ્યો હતો. જોકે, કાબુલ પર આક્રમણ કરનાર ત્રણ મહાસત્તાઓને નિષ્ફળતા મળી હતી.

બ્રિટિશ સામ્રાજ્ય અને તેનાં ત્રણ આક્રમણ

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1878માં દ્વિતીય અફઘાન-બ્રિટિશ યુદ્ધનું પૅઇન્ટિંગ

19મી સદીમાં મધ્ય એશિયા પર નિયંત્રણ માટે બ્રિટન અને રશિયન સામ્રાજ્ય વચ્ચે લડાઈઓ થઈ જેમાં અફઘાનિસ્તાન મહત્ત્વની જગ્યા હતી.

તેના કારણે રશિયા અને બ્રિટન વચ્ચે કેટલાય દાયકા સુધી રાજનીતિક સંઘર્ષ થયો. અંતે બ્રિટન વિજયી થયું, પરંતુ બ્રિટને તેની ભારે કિંમત ચૂકવવી પડી.

બ્રિટને 1839થી 1919 સુધી ત્રણ વખત અફઘાનિસ્તાન પર હુમલા કર્યા અને બ્રિટન ત્રણેય વખત નિષ્ફળ રહ્યું એમ કહી શકાય.

1839ના પ્રથમ એંગ્લો-અફઘાન યુદ્ધમાં બ્રિટને કાબુલ પર કબજો કર્યો, કારણ કે તેને બીક હતી કે રશિયા અફઘાનિસ્તાન પર કબજો કરી લેશે.

પરંતુ થોડા જ સમયમાં બ્રિટનની ઐતિહાસિક હાર થઈ. કેટલાક કબીલાઓએ દુનિયાની સૌથી શક્તિશાળી સેનાને સાધારણ હથિયારોની મદદથી હરાવી અને ત્રણ વર્ષમાં જ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સેનાએ ભાગવું પડ્યું.

6 જાન્યુઆરી, 1842ના રોજ જલાલાબાદ રવાના થયેલા 16 હજાર બ્રિટિશ સૈનિકોમાંથી માત્ર એક સૈનિક જીવિત પાછો આવ્યો હતો.

એસ્બી કહે છે કે, "આ યુદ્ધના કારણે બ્રિટનની વિસ્તારવાદી નીતિ નબળી પડી ગઈ અને બ્રિટનને હરાવી ન શકાય એવી ધારણાને પણ નુકસાન થયું."

ચાર દાયકા પછી બ્રિટને ફરી પ્રયાસ કર્યો. આ વખતે થોડી સફળતા મળી.

1878 અને 1880 વચ્ચે બીજું એંગ્લો-અફઘાન યુદ્ધ થયું અને ત્યાર પછી અફઘાનિસ્તાન એ બ્રિટન સંરક્ષિત રાજ્ય બન્યું.

પરંતુ 1919માં બ્રિટને ગોઠવેલા અમીરે જ પોતાને બ્રિટનથી સ્વતંત્ર જાહેર કરી દીધા અને ત્રીજું એંગ્લો-અફઘાન યુદ્ધ થયું.

આ દરમિયાન રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ચાલતી હતી તેથી રશિયાનું જોખમ ઘટી ગયું હતું. બીજી તરફ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સૈન્યનો ખર્ચ ઘણો વધી ગયો હતો. આવામાં અફઘાનિસ્તાનમાં બ્રિટનનો રસ ઘટી ગયો.

આ કારણે ચાર મહિનાના યુદ્ધ પછી બ્રિટને અફઘાનિસ્તાનને સ્વતંત્ર જાહેર કરી દીધું. બ્રિટન સત્તાવાર રીતે અફઘાનિસ્તાનમાં હાજર ન હતું, પરંતુ વર્ષો સુધી તેનો પ્રભાવ ટકી રહ્યો એવું માનવામાં આવે છે.

સોવિયેત સંઘનું આક્રમણ

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સંઘે 1988માં પોતાની સેનાને પાછી ખસેડી લીધી

1920ના દાયકામાં અફઘાનિસ્તાનના અમીર અમાનુલ્લાહ ખાને દેશમાં સુધારા લાવવાનો પ્રયાસ કર્યો.

તેમાં બુરખાપ્રથા નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. તેનાથી કેટલીક જનજાતિઓ અને ધાર્મિક નેતાઓ ગુસ્સે થયા અને ગૃહયુદ્ધ શરૂ થયું.

ગૃહયુદ્ધને કારણે દાયકાઓ સુધી અફઘાનિસ્તાન અશાંત રહ્યું. 1979માં સોવિયેત સંઘે અવ્યવસ્થિત સામ્યવાદી સરકારને સત્તામાં રાખવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું.

અનેક મુજાહિદ્દીન સંગઠનોએ સોવિયેત સંઘનો વિરોધ કર્યો અને તેની સામે યુદ્ધ છેડ્યું. તેમને અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઈરાન અને સાઉદી અરેબિયા તરફથી ભંડોળ અને શસ્ત્રો મળતાં હતાં.

રશિયનોએ એવા વિસ્તારો અને ગામડાં પર જમીન અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા, જેને તેઓ સમસ્યાનું મૂળ માનતા હતા. તેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘર છોડીને ભાગી જવા અથવા મરવા મજબૂર થયા.

આ હુમલામાં ભારે રક્તપાત થયો. આશરે 15 લાખ લોકો માર્યા ગયા અને 50 લાખ શરણાર્થીઓ બન્યા.

થોડા સમય માટે સોવિયેત દળોએ મુખ્ય શહેરો અને નગરો પર નિયંત્રણ મેળવ્યું, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મુજાહિદ્દીન સક્રિય રહ્યા.

સોવિયેત સેનાએ અલગ-અલગ યુક્તિઓ અજમાવી, પરંતુ ગેરીલા ફાઇટરો આ હુમલાઓથી બચી જતા હતા. આ યુદ્ધે સમગ્ર દેશને તબાહ કરી દીધો.

દરમિયાન, તત્કાલીન સોવિયેત નેતા મિખાઇલ ગોર્બાચેવને સમજાયું કે રશિયન અર્થતંત્રમાં સુધારો કરવાની સાથે તેઓ આ યુદ્ધ ચાલુ રાખી શકે તેમ નથી. તેથી 1988માં તેમના સૈનિકો પાછા ખેંચવાનો નિર્ણય લીધો.

આ યુદ્ધ સોવિયેત સંઘ માટે ખૂબ જ ખર્ચાળ અને અપમાનજનક હતું. એસ્બી કહે છે કે તે સોવિયેત સંઘની સૌથી મોટી ભૂલોમાંની એક હતી.

ત્યાર પછી સોવિયેત સંઘ તૂટવા અને વિભાજિત થવા લાગ્યો.

અમેરિકાનું આક્રમણ અને વિનાશકારક પીછેહઠ

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ 2009માં પોતાના સૈનિકોની સંખ્યા વધારી, પરંતુ લાંબા સમય સુધી ફાયદો ન થયો

બ્રિટન અને સોવિયેત સંઘના નિષ્ફળ પ્રયાસો બાદ હવે અમેરિકાનો વારો હતો. 9/11ના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લોકશાહીને ટેકો આપવા અને અલ-કાયદાને ખતમ કરવા માટે આક્રમણ કર્યું.

અગાઉનાં બે સામ્રાજ્યોની જેમ અમેરિકા પણ કાબુલ પર ઝડપથી વિજય મેળવવામાં અને તાલિબાનને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરવામાં સક્ષમ રહ્યું.

ત્રણ વર્ષ પછી અફઘાન સરકારની રચના થઈ, પરંતુ તાલિબાનોના હુમલા ચાલુ રહ્યા. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2009માં સૈનિકોની હાજરી વધારીને તાલિબાનને ફરી પાછળ ધકેલી દીધા, પરંતુ તે લાંબો સમય ટકી શક્યું નહીં.

2001માં યુદ્ધ શરૂ થયા પછી 2014માં સૌથી વધુ લોકો માર્યા ગયા. બાદમાં નાટોએ તેનું મિશન પૂર્ણ થયાનું જાહેર કર્યું અને અફઘાન સેનાને જવાબદારી સોંપી.

ત્યાર બાદ તાલિબાને વધુ પ્રદેશ કબજે કર્યો. 2015માં કાબુલમાં સંસદ અને ઍરપૉર્ટ નજીક અનેક આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ થયા.

એસ્બીના મતે અમેરિકન આક્રમણ દરમિયાન ઘણી બાબતો ખોટી થઈ.

તેઓ કહે છે, "લશ્કરી અને રાજદ્વારી પ્રયાસો કરવા છતાં સમસ્યા એ હતી કે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને છદ્મયુદ્ધ કરતા રોકી શક્યા નહીં. અને આ અન્ય શસ્ત્રો કરતાં વધુ સફળ સાબિત થયું છે."

ભારે ખર્ચાળ યુદ્ધ

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન રશિયા અમેરિકા સોવિયેત સંઘ તાલિબાન સામ્રાજ્ય કબ્રસ્તાન મુજાહિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં બ્રિટિશ, સોવિયેત અને અમેરિકન સેનાઓને નિષ્ફળતા મળી

સોવિયેત સંઘનું યુદ્ધ ભારે લોહિયાળ હતું, પરંતુ અમેરિકાનું આક્રમણ વધુ ખર્ચાળ સાબિત થયું. સોવિયેત સંઘે અફઘાનિસ્તાનના યુદ્ધ પર વાર્ષિક બે અબજ ડૉલર ખર્ચ્યા હતા, જ્યારે અમેરિકાએ 2010 અને 2012 વચ્ચે વાર્ષિક આશરે 100 અબજ ડૉલર ખર્ચ્યા હતા.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની હારની તુલના દક્ષિણ વિયેતનામમાં થયેલી ઘટનાઓ સાથે પણ કરવામાં આવી છે. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ સ્ટેફનિકે ટ્વિટ કરી કે, "આ જો બાઇડનનું સાઇગૉન છે."

"આ આંતરરાષ્ટ્રીય મંચ પર એક વિનાશક નિષ્ફળતા છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં."

અમેરિકાએ સૈનિકો પાછા ખેંચી લીધા પછી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવતા માનવીય કટોકટી સર્જાઈ, તેમાં લાખો લોકો વિસ્થાપિત થયા.

એસ્બી કહે છે, "આગામી દિવસોમાં એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે કે તાલિબાન સરકારને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા મળે છે કે નહીં. મને તેના વિશે સખત શંકા છે."

આંતરરાષ્ટ્રીય સમુદાય માટે તાલિબાનનો સામનો કરવો અશક્ય બની જાય, તો એ જોવાનું રસપ્રદ રહેશે કે શું કોઈ અન્ય દેશ 'સામ્રાજ્યોના કબ્રસ્તાન' તરીકે ઓળખાતા અફઘાનિસ્તાન પર હુમલો કરવાનું જોખમ લે છે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન