અફઘાન જેહાદીઓને અમેરિકાએ જ્યારે ડૉલર તથા હથિયાર આપ્યાં અને તાલિબાનનો ઉદય થયો

મુજાહિદ્દીન નેતાઓ સાથે યજમાન તરીકે વાત કરી રહેલા અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુજાહિદ્દીન નેતાઓ સાથે યજમાન તરીકે વાત કરી રહેલા અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન
    • લેેખક, ગુઈલ્લેર્મો ડી ઓલ્મો
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

અમેરિકામાં એ લોકોને 'જંગ-એ-આઝાદી કે સિપાહી' કહેવામાં આવતા હતા, પરંતુ તેમને ઇસ્લામી કટ્ટરતાપંથી ગેરીલા લડવૈયાઓ કહેવાનું વધારે યોગ્ય ગણાશે.

અફઘાનિસ્તાનમાં સ્થાનિક ગેરીલા લડવૈયાઓનાં જૂથોએ અમેરિકાના ટેકાના સહારે વર્ષો સુધી સોવિયેટ સંઘ વિરુદ્ધ ઝંડા ઉઠાવી રાખ્યા હતા.

એ લોકોને અમેરિકાએ હથિયારો તથા નાણાં ઉપલબ્ધ કરાવ્યાં હતાં, જેથી તેના દુશ્મન સોવિયેટ સંઘના ઇરાદા નિષ્ફળ બનાવી શકાય.

ગુપ્ત દસ્તાવેજો, પત્રકારોએ કરેલી તપાસનાં તારણ અને એ સમયગાળા સાથે સંકળાયેલા ખાસ લોકોનાં નિવેદનો તથા ઇન્ટરવ્યૂ પર નજર કરીએ તો સમજાય છે કે અમેરિકા સોવિયેટ સંઘને એવી રીતે ફસાવવા ઇચ્છતું હતું કે જેમાં સોવિયેટ સંઘને જાનમાલનું એટલું નુકસાન થાય, જેટલું અમેરિકાને વિયેતનામમાં થયું હતું.

એ અમેરિકાનું 'ઑપરેશન સાયક્લોન' હતું અને તત્કાલીન મીડિયાએ તે ઑપરેશનને અમેરિકન ગુપ્તચર એજન્સી 'સીઆઈએના ઇતિહાસમાંનું સૌથી મોટું ગુપ્તચર અભિયાન' ગણાવ્યું હતું.

સોવિયેટ સંઘના સૈનિકોની વતનવાપસી શરૂ થયાનાં માત્ર આઠ વર્ષ પછી 1996માં તાલિબાને કાબુલ પર વિજય મેળવ્યો હતો અને અફઘાનિસ્તાન પર એવું ઇસ્લામી કટ્ટરતાવાદી શાસન ઠોકી બેસાડવામાં આવ્યું હતું, જેની માનવાધિકારના ઉલ્લંઘન બાબતે સમગ્ર વિશ્વમાં ટીકા થતી રહી છે.

તેથી એવો સવાલ થાય કે તાલિબાનના એ વિજયમાં અમેરિકાની કોઈ ભૂમિકા હતી કે કેમ?

line

બધું કઈ રીતે શરૂ થયું?

અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકારનો વિરોધ કરતાં હતા મુજહિદ્દીનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકારનો વિરોધ કરતા હતા મુજહિદ્દીનો

આ 1979ની વસંત ઋતુના સમયની વાત છે. તત્કાલીન સોવિયેટ સંઘના 30,000થી વધારે સૈનિકોએ લડાયક વિમાનો તથા ટૅન્કો સાથે અફઘાનિસ્તાન ભણી કૂચ કરી હતી. તેઓ કાબુલની 'ક્રાંતિકારી સરકાર'ને મદદ કરવા આગળ વધી રહ્યા હતા.

તેના એક વર્ષ પહેલાં કથિત 'સૌર ક્રાંતિ' પછી અફઘાનિસ્તાનમાં એક સામ્યવાદી સરકારની રચના થઈ હતી, પરંતુ એ સરકાર ઇસ્લામી મિલિશિયા જૂથોના વિરોધનો સામનો કરી રહી હતી.

વિરોધ કરનારા ખુદને મુજાહિદ્દીન કહેતા હતા અને તેઓ માનતા હતા કે ઇસ્લામી પરંપરા અનુસાર એ તેમની જેહાદ છે.

સોવિયેટ સંઘની ઇચ્છા હતી કે અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકાર ટકી રહે, પરંતુ રાષ્ટ્રપતિ બબરક કરમાલના શાસન વિરુદ્ધનો મુજાહિદ્દીનોનો બળવો વધુને વધુ આક્રમક થઈ રહ્યો હતો.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત્ અફઘાન ઇતિહાસના નિષ્ણાત રૉબર્ટ ક્રૂઝ જણાવે છે કે અમેરિકા 1950ના દાયકાથી અફઘાનિસ્તાનમાં માળખાકીય વિકાસની યોજનાઓમાં સોવિયેટ સંઘની સ્પર્ધા કરતું હતું અને તે સોવિયેટ સંઘના વલણથી હતપ્રભ થઈ ગયું હતું.

એ સંજોગોમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જિમી કાર્ટરને તેમના રાષ્ટ્રીય સલામતી સલાહકાર ઝબિગન્યૂ બ્રેઝેઝિસ્કી તથા અન્ય સલાહકારોએ અફઘાનિસ્તાનમાં ગુપ્તચર અભિયાન શરૂ કરવાની સલાહ આપી હતી.

એ અભિયાન હેઠળ અફઘાનિસ્તાનમાંના બળવાખોરોને હથિયારો પૂરાં પાડવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

એ સાથે જ શીતયુદ્ધનાના સંઘર્ષમાં વધુ એક અધ્યાયની શરૂઆત થઈ હતી. તેમાં અમેરિકા તથા સોવિયેટ સંઘ વિશ્વમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે એકમેક સાથે સ્પર્ધા તો કરતાં હતાં, પરંતુ યુદ્ધના મેદાનમાં તેમની સીધી ટક્કર ક્યારેય થતી નહોતી.

જોકે, ત્રીજા વિશ્વના દેશોમાં ચાલતી લડાઈઓમાં તેઓ એકમેકના વિરોધીઓને મદદ કરતા હતા. અંગ્રેજી ભાષામાં તેને 'પ્રોક્સી વોર' કહેવામાં આવે છે.

બીબીસીમાં જેહાદી મિલિશિયા વિષયના નિષ્ણાત મુરાદ શિશાની કહે છે, "અફઘાનિસ્તાનમાં પોતાના સોવિયેટ દુશ્મનોને હરાવવા માટે અમેરિકાએ જેહાદીઓને મદદ કરી હતી."

line

'ઑપરેશન સાયક્લોન' કેવી રીતે પાર પાડ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘના વિરોધીઓના હાથમાં પકડાવી દીધી સ્ટિંગ મિસાઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને અફઘાનિસ્તાનમાં સોવિયેટ સંઘના વિરોધીઓને સ્ટિંગ મિસાઇલો આપી હતી

'ઑપરેશન સાયક્લોન' હેઠળ શરૂઆતમાં બળવાખોરોને સોવિયેટ વખતની એકે-47 રાઇફલો જેવાં જૂનાં હથિયાર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં અને અલગ-અલગ આરબ દેશો મારફત તેમને નાણાકીય મદદ કરવામાં આવી હતી.

રૉબર્ટ ક્રૂઝ જણાવે છે કે અમેરિકા પોતાની સામેલગીરીનો ઇનકાર કરી શકે એ હેતુસર આવું કરવામાં આવ્યું હતું.

આ મામલે સૌથી વધુ સક્રિય દેશોમાં સાઉદી અરેબિયાનો સમાવેશ થતો હતો. અલબત્ત, ઇજિપ્તના અનવર અલ-સાદાત અને અન્ય નેતાઓએ પણ મુજાહિદ્દીનોને મદદ કરવામાં પોતપોતાની ભૂમિકા ભજવી હતી.

એ કામગીરીમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને પણ સામેલ કરવાની જરૂર હતી, કારણ કે મોટા ભાગનાં જેહાદી જૂથો પાકિસ્તાનમાંથી જ ઑપરેટ કરતાં હતાં.

અમેરિકાના ભૂતપૂર્વ સંસદસભ્ય હબ આર રીઝે 1988માં એવું જણાવ્યું હતું કે તેમણે ટૅનેસીના કૅન્ટુકી મિલિટરી થાણાં પર 700 ગધેડાં પૂરાં પાડ્યાં હતાં. એ ગધેડાં પાકિસ્તાન મોકલવાનાં હતાં.

વ્હાઇટ હાઉસમાં પ્રમુખ રોનલ્ડ રીગનના આગમન પછી અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી સ્પષ્ટ તથા સાર્વજનિક થવા લાગી હતી.

અમેરિકામાં વધુને વધુ શક્તિશાળી બની રહેલી એક લોબી મુજાહિદ્દીનોને મદદનું પ્રમાણ વધારવાની હિમાયત કરી રહી હતી. એ લોબીના નેતાઓનું કહેવું હતું કે સોવિયેટ સંઘને રોકવા માટે માત્ર હથિયારો ઉપલબ્ધ કરાવવાથી કામ ચાલશે નહીં.

અમેરિકાની સંસદને 1984માં એક દરખાસ્તને મંજૂરી આપી હતી. એ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે "અફઘાનિસ્તાનમાં આઝાદીનો જંગ લડી રહેલા સિપાહીઓને માત્ર લડવા તથા મરવા માટે મદદ કરવાથી આઝાદીનું લક્ષ્ય હાંસલ કરી શકાશે નહીં."

રોનલ્ડ રીગન તો એટલી હદે આગળ વધ્યા હતા કે તેમણે તેમની ઓવલ ઑફિસમાં મુજાહિદ્દીન નેતાઓના પ્રતિનિધિમંડળના યજમાનગીરી કરી હતી.

1986માં રાષ્ટ્રને કરેલા સંબોધનમાં અફઘાન લડવૈયાઓને સંદેશો આપતાં તેમણે કહ્યું હતું કે "આઝાદીની જંગના સિપાહીઓ, તમે એકલા નથી. અમેરિકા પણ તમને સાથ આપશે."

રોનલ્ડ રીગને કંઈક એવું કર્યું હતું, જે તેમના નિવેદન કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. તેમણે અફઘાન ગેરીલા લડવૈયાઓને સ્ટિંગર મિસાઇલ ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો કર્યો હતો. તે એક એવો નિર્ણય હતો, જે આગામી સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો હતો.

અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારમાં છૂપાયેલા મુજાહિદ્દીનો, અમેરિકાની એ મદદને લીધે સોવિયેટ હેલિકૉપ્ટરોને તોડી પાડવા લાગ્યા હતા અને જમીન પર સમીકરણ ઝડપથી બદલાવા લાગ્યાં હતાં.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની સક્રિયતાના મોટા તરફદારો પૈકીના એક, ડેમૉક્રેટિક પાર્ટીના સેનેટર ચાર્લ્સ વિલ્સને જાહેરાત કરી હતી કે "સ્ટિંગર મિસાઇલની સફળતાથી કૉંગ્રેસના સભ્યો આશ્ચર્યચકિત હતા."

અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલવાના ફેંસલાનાં નવ વર્ષ પછી સપ્ટેમ્બર-1988માં સોવિયેટ સંઘના તત્કાલીન નેતા મિખાઈલ ગોર્બાચોવે તેમના દેશના સૈન્યને પરત બોલાવી લેવાનો આદેશ આપ્યો હતો.

અફઘાન સરકાર અને વિવિધ જૂથો વચ્ચે ચાલી રહેલા આંતરવિગ્રહમાં પોતે ફસાઈ ગયું હોવાનું સોવિયેટ સંઘને લાગવા માંડ્યું હતું. તેની મદદ વિના અફઘાન સરકાર લાંબો સમય ટકવાની ન હતી.

line

તાલિબાનને અમેરિકન મદદથી લાભ થયો?

મુરાદ શિશાની કહે છે, "પરિસ્થિતિનો લાભ લઈ શકાય એ હેતુસર અમેરિકાએ તાલિબાનની ઝુંબેશને ટેકો આપ્યો હોવાની એક કૉન્સ્પિરેસી થિયરી છે, પરંતુ એ હકીકત નથી."

સત્ય એ છે કે અફઘાનિસ્તાનમાં દક્ષિણે આવેલા કંદહાર શહેરમાં બહુ ઓછા લોકોએ 1994 સુધી તાલિબાનનું નામ સાંભળ્યું હતું. એ લોકો મદરેસામાં તાલીમ પામ્યા હતા. તેઓ પખ્તૂન મૂળના યુવાનો હતા અને ખુદને તાલિબ એટલે કે વિદ્યાર્થી કહેતા હતા. એ પછી કંદધારમાં તેમની લોકપ્રિયતા ધીમેધીમે વધવા લાગી હતી.

મુરાદ શિશાની કહે છે, "તાલિબાનનો ઉદય થયો ત્યાં સુધીમાં સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું હતું, પરંતુ સચ્ચાઈ એ છે કે તાલિબાનની સ્થાપનામાં સામેલ કેટલાક સેનાપતિઓને સોવિયેટ સંઘ સામેની લડાઈ વખતે અમેરિકા તરફથી મદદ મળી હતી."

મુરાદ શિશાની ઉમેરે છે, "અમેરિકાનું સૌથી મોટું લક્ષ્ય સોવિયેટ સંઘને હરાવવાનું હતું અને એ સમયે જેહાદી હોવું નકારાત્મક ગણવામાં આવતું ન હતું. જેહાદી શબ્દનો બદનામી સાથેનો સંબંધ અલ-કાયદા તથા ઇસ્લામિક સ્ટેટ જેવાં સંગઠનોના ખૂનખરાબાને કારણે બંધાયો હતો."

મુરાદ શિશાની ભારપૂર્વક કહે છે, "અમેરિકાએ ભલે અફઘાનિસ્તાનમાં હથિયારો ઉપલબ્ધ કરાવ્યાં હોય, પરંતુ હકીકત એ છે કે અન્ય દેશોએ પણ એવું કર્યું હતું."

બીજી તરફ રૉબર્ટ ક્રૂઝ કહે છે, "કંદહારમાં તાલિબાન આવ્યા ત્યારે તેમણે ખુદને પવિત્ર અને નવી શક્તિ સ્વરૂપે રજૂ કર્યા હતા."

રૉબર્ટ ક્રૂઝ માને છે કે તાલિબાનના વાસ્તવિક નેતાઓ અમેરિકા પાસેથી મદદ મેળવનારાઓમાં સમાવિષ્ટ ન હતા અને તાલિબાનની સફળતામાં એ વાત પણ સામેલ હતી કે તેમણે ઇસ્લામના પારંપરિક શિક્ષણ મુજબની શાસનવ્યવસ્થા સ્થાપવાનું વચન આપ્યું હતું.

ક્રૂઝ કહે છે, "સોવિયેટ સંઘ સામે વિજય અને અમેરિકાની મદદે તાલિબાનની જેહાદને ગૌરવાન્વિત કરી હતી અને એ માહોલથી તાલિબાનને ફાયદો થયો હતો."

line

અમેરિકાને શું મળ્યું?

અફઘાનિસ્તાનથી પાછા ફરી રહેલા સોવિયેત સંઘના સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનથી પાછા ફરી રહેલા સોવિયેટ સંઘના સૈનિકો

અફઘાનિસ્તાનમાંથી સોવિયેટ સંઘની ઘરવાપસી સાથે જ તેનાં પતન અને શીતયુદ્ધના અંતની પટકથા તૈયાર થઈ ગઈ હતી.

1990ના દાયકામાં અમેરિકાને સમજાયું હતું કે વૈશ્વિક સ્તરે હવે તેને પડકારવાવાળું કોઈ નથી અને ચીને પડકાર સર્જ્યો નહોતો ત્યાં સુધી જ એવી પરિસ્થિતિ હતી.

રૉબર્ટ ક્રૂઝ કહે છે, "અફઘાનિસ્તાનમાં આંતરવિગ્રહ દરમિયાન અમેરિકાએ જે મુજાહિદ્દીન જૂથોને ટેકો આપ્યો હતો એ જૂથો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘન બાબતે અમેરિકાએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું."

રૉબર્ટ ક્રૂઝ અફઘાનિસ્તાનની હાલતની સરખામણી એ દેશો સાથે કરે છે, જ્યાં સામ્યવાદી સરકારો હતી અને સશસ્ત્ર વિદ્રોહી આંદોલન ચાલી રહ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર, અમેરિકાનો ભદ્રવર્ગ બીજા દેશોની તુલના માત્ર પોતાની સફળતાના માપદંડ મુજબ જ કરે છે.

જે લોકોએ 'ઑપરેશન સાયક્લોન'ને ટેકો આપ્યો હતો, તેમને એ બાબતે ક્યારેય અફસોસ થયો નહીં.

રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના રાષ્ટ્રીય સલામતી સલાહકાર ઝબિગન્યૂ બ્રેઝેઝિસ્કીએ ફ્રાન્સના એક સામયિકને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે "વિશ્વના ઇતિહાસમાં વધુ મહત્ત્વની વાત કઈ છે-તાલિબાન કે સોવિયેટ સંઘનું પતન?"

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો