મલાલા યુસુફઝઈના જ શબ્દોમાં જાણો કે તાલિબાનોએ તેમની સાથે શું કર્યું હતું?

ઇમેજ સ્રોત, MALALA
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ તાલિબાને ભૂતકાળમાં તેમની સાથે જે ભયાનક વર્તન કર્યું હતું તેને યાદ કરીને મંગળવારે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી.
એક બ્લૉગ પોસ્ટમાં મલાલાએ લખ્યું છે કે તેઓ અમેરિકાના બૉસ્ટનથી અફઘાનિસ્તાનની ઘટનાઓ પર નજર રાખી રહ્યાં છે.
મલાલા હાલમાં ચહેરાના લકવાની એક સર્જરી માટે બૉસ્ટનમાં છે. પાકિસ્તાની તાલિબાને મલાલાને ગોળી મારી હતી તેના કારણે આ સર્જરી કરવી પડી રહી છે.
ઑક્ટોબર 2012માં પાકિસ્તાની તાલિબાને શાળાએ જઈ રહેલી મલાલા પર ગોળીબાર કર્યો હતો.
મલાલાએ લખ્યું છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના કારણે સ્ત્રીઓએ સહન કરવું પડી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મલાલાએ કહ્યું કે, "મને એક ગોળી વાગી હતી અને આજે નવ વર્ષ પછી પણ તેમાંથી બહાર આવી શકી નથી. અફઘાનિસ્તાનના લોકોએ છેલ્લા ચાર દાયકામાં લાખો ગોળી ખાધી છે."
"મદદ માગી રહેલા લોકોને કોઈ સહાય મળી નથી તેનાથી મારું હૃદય દ્રવી રહ્યું છે. આ લોકોનાં નામ પણ આપણને ક્યારેય ખબર નહીં પડે કે પછી આપણે તેને ભૂલી જઈશું."
"હું વિશ્વભરના દેશોના વડાઓને પત્રો લખી રહી છું, તેમની સાથે ફોન પર વાત કરી રહી છું. અફઘાનિસ્તાનમાં નારી અધિકારો માટે લડી રહેલા કાર્યકરોના સંપર્કમાં પણ છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"છેલ્લાં બે અઠવાડિયાં દરમિયાન ઘણાને અમે સલામત સ્થળે પહોંચવામાં મદદ કરી છે, પરંતુ હું જાણું છું કે દરેકને અમે મદદ કરી શકતા નથી."
તાલિબાન ઉદ્દામવાદીઓએ તેમને ગોળી મારી ત્યારે તેમની સાથે બે સખી હતી તેમની સાથે પણ વાતચીત કરી હોવાનું મલાલાએ લખ્યું છે.
આ બહેનપણીઓએ કહ્યું કે એ ઘટના હજીય તેમના માટે દુ:સ્વપ્ન જેવી છે.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી સ્ત્રીઓ માટે ચિંતા પેઠી છે.
1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું ત્યારે મહિલાઓની સ્થિતિ બહુ ખરાબ હતી.

મલાલાની ચિંતા શું છે?

ઇમેજ સ્રોત, AFP
મલાલાએ લખ્યું છે, "હું બોસ્ટનની હૉસ્પિટલમાં પથારી પર છું. આ મારી છઠ્ઠી સર્જરી છે. તાલિબાનીઓએ મારા શરીરને જે નુકસાન પહોંચાડ્યું છે તેમાંથી મને મુક્તિ અપાવવા માટે ડૉકટરો હજુ પણ કામ કરી રહ્યા છે."
"ઑક્ટોબર 2012માં હું શાળાએ જતી હતી ત્યારે એક પાકિસ્તાની તાલિબાને માથાની ડાબી બાજુએ મને ગોળી મારી હતી."
"આ ગોળીથી મારી ડાબી આંખ, ખોપરી અને મગજને ઈજા થઈ હતી. મારા ફેસિયલ નર્વને ભારે નુકસાન થયું હતું. મારો જડબાનો જૉઈન્ટ તૂટી ગયો હતો અને મારો કાનનો પડદો પણ ફાટી ગયો હતો."
"પાકિસ્તાનના પેશાવરમાં મારી તાત્કાલિક સર્જરી થઈ તેમાં કાનપટી પરનું સ્કલ બોન કાઢી નખાયું હતું, જેથી ઈજા પછી સોજો મગજની અંદર ફેલાઈ શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"એ તત્કાલ સર્જરીથી હું બચી ગઈ હતી, પણ મારાં અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે પછી મને ઍરલિફ્ટ કરીને ઇસ્લામબાદ લઈ જવાઈ હતી. ડૉક્ટરોને લાગ્યું કે મને વધારે સારવારની જરૂર છે એટલે મને વિદેશ મોકલવામાં આવી હતી."
મલાલાએ લખ્યું, "તે સમયે હું કૉમામાં હતી. બ્રિટનના બર્મિંગહમની ક્વીન ઍલિઝાબેથ હૉસ્પિટલમાં મેં આંખો ખોલી, ત્યારે મને સમજાયું કે હું જીવિત છું. તે પહેલાંનું મને કશું યાદ નહોતું, હું ક્યાં છું તેની પણ મને ખબર નહોતી."
"મારી આસપાસ અજાણ્યા લોકો કેમ હતા અને અંગ્રેજીમાં કેમ વાતો કરે છે તે મને સમજાયું નહીં. મને માથામાં બહુ દુખાવો થતો હતો અને ધૂંધળું દેખાતું હતું."
"મારા ગળામાં ટ્યૂબ હોવાથી વાત કરી શકતી નહોતી. તે પછીય ઘણા દિવસો હું બોલી શકી નહોતી, પણ મેં નોટબુકમાં લખવાનું શરૂ કર્યું."
"હું મારા રૂમમાં જે આવે તેને લખેલું બતાવતી. હું લખીને પૂછતી મને શું થયું છે? મારા પિતા ક્યાં છે? સારવારના પૈસા કોણ ચૂકવી રહ્યું છે? અમારી પાસે તો પૈસા નથી."

અરીસામાં જોવાનું બંધ કર્યું

ઇમેજ સ્રોત, MALALA
મલાલા લખે છે, "મેં 'મિરર' લખીને નર્સોને બતાવ્યું. હું મારી જાતને જોવા માગતી હતી, પણ મારો અડધો ચહેરો જ ઓળખી શકી."
"ચહેરાનો બીજો અડધો ભાગ અજાણી વ્યક્તિનો હોય એવું લાગ્યું. કાળી આંખો, ગન પાઉડર, સ્મિત નથી, હાવભાવ નથી, હલનચલન નહીં."
"મારા માથાના અડધા વાળ કાપી દેવાયા હતા. મને લાગ્યું કે તાલિબાનીઓએ મારા વાળ કાપ્યા હશે, પરંતુ નર્સે કહ્યું કે ડૉક્ટરોએ સર્જરી માટે શેવિંગ કર્યું હતું."
"હું ખુદને શાંત રાખવા પ્રયત્ન કરતી રહી. મેં મારી જાતને કહ્યું કે અહીંથી ડિસ્ચાર્જ લઈને પછી નોકરી શોધીશ. પૈસા કમાઈશ અને ફોન ખરીદીશ. પરિવારના લોકોને ફોન કરીશ અને હૉસ્પિટલનું બિલ ભરવા માટે કમાણી કરતી રહીશ."
મલાલાએ લખ્યું છે, "મને મારી તાકાતમાં વિશ્વાસ છે. હું વિચારતી કે હૉસ્પિટલમાંથી બહાર નીકળીને બાજની જેમ ઊડીશ અને ઝડપથી દોડીશ."
"જોકે મને ઝડપથી ભાન થવા લાગ્યું હતું કે મારું શરીર બહુ હલનચલન કરી શકતું નથી. ડૉક્ટરોએ કહ્યું કે આવું થોડા સમય માટે જ છે."
"મેં મારા પેટને સ્પર્શ કર્યો તે બહુ કડક લાગ્યું. મેં નર્સને પૂછ્યું કે પેટમાં કોઈ તકલીફ છે. નર્સે કહ્યું કે પાકિસ્તાની સર્જને સ્કલ બોન હઠાવ્યું તે પેટમાં જતું રહ્યું હતું એટલે પેટ બહુ કડક છે."

અનેક સર્જરી

ઇમેજ સ્રોત, MALALA
"સ્કલ બોન ફરીથી માથામાં ખસેડી શકાય તે માટે બીજી સર્જરી કરવી પડે તેમ હતી. જોકે બ્રિટિશ ડૉકટરોએ સ્કલ બોનની જગ્યાએ ટાઇટેનિયમ પ્લેટ લગાવવાનું નક્કી કર્યું."
"ઇન્ફેક્શનનું જોખમ ટાળવા એવું કરાયું હતું, જેને ક્રીનિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે. ડૉક્ટરોએ મારા પેટમાંથી સ્કલ બોન કાઢ્યું તે હું હવે મારા બુકશેલ્ફ પર રાખું છું."
"ટાઇટેનિયમ ક્રીમિયોપ્લાસ્ટી વખતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પણ થયું, કેમ કે ગોળીથી મારા કાનના પડદા પણ ફાટી ગયા હતા."
"મારો પરિવાર યુકે આવ્યો તે પછી ફિઝિયૉથૅરપી શરૂ થઈ હતી. મેં ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કર્યો. બાળકની જેમ સંભાળીને પગ મૂકતી હતી. હું વાતો પણ બાળકની જેમ કરતી હતી. મને લાગ્યું કે મારું બીજું જીવન શરૂ થયું છે.''
"યુકે પહોંચ્યાનાં છ અઠવાડિયાં પછી, ડૉકટરોએ ફેસિયલ પૅરાલિસિસ માટે સારવાર શરૂ કરી ત્યારે મારા ચહેરોને ફરીથી કાપવામાં આવ્યો."
"છુટ્ટા પડી ગયેલા મારા ફેસિયલ નર્વ્ઝને સ્ટિચ કરવાની કોશિશ થઈ. તેનાથી હલચલ થઈ શકશે એવી આશા ડૉક્ટરોને હતી."
"આ સર્જરી પછી ફેસિયલ મસાજ થતો રહ્યો હતો અને થોડા મહિના પછી ચહેરામાં થોડો સુધારો દેખાયો. હોઠ બંધ રાખીને હસું તો મારો જૂનો ચહેરો દેખાતો હતો."
"હું હસતી ત્યારે મારા ચહેરાને હાથથી ઢાંકી દેતી હતી, જેથી લોકોને ખ્યાલ ના આવે કે મારો ચહેરો બંને બાજુથી એક સરખો નથી. હું પોતે પણ મારા ચહેરાને જોતી નહોતી."
"અરીસાનો સામનો કરી શકતી નહોતી, પણ ધીમેધીમે મેં સ્થિતિને સ્વીકારવાનું શીખ્યું, કેમ કે લાંબો સમય વાસ્તવિકતાથી મોઢું ફેરવીને રાખી શકો નહીં."
"માતાપિતા ઇચ્છતા હતાં કે સારવારથી પહેલાં જેવું થઈ જાય, એટલે અમે બોસ્ટનમાં માસ આઈ ઍન્ડ ઇયરના સર્જનોની મુલાકાત કરી હતી. ફેસિયલ પૅરાલિસિસનો ઇલાજ બહુ મુશ્કેલ હોય છે."

મહિલાઓની ચિંતા

ઇમેજ સ્રોત, MALALA
મલાલાએ લખ્યું છે, "મારે બે ગંભીર સર્જરી કરાવવી પડે તેમ હતી. 2018માં મારા કાફની નર્વ લઈને ચહેરા પર લગાવાઈ. જાન્યુઆરી 2019માં મારી જાંઘમાંથી ટિશ્યૂ લઈને ચહેરાની ડાબી બાજુ ઇમ્પ્લાન્ટ કરાયા."
"ડૉક્ટરોની અપેક્ષા હતી કે નર્વ ટિશ્યૂ સાથે જોડાઈ જશે અને માંસપેશી સાથે પણ જોડાણ થશે. એવું થયું પણ ખરું અને મારા ચહેરા પર મૂવમૅન્ટ શક્ય બની છે."
"મારા ગાલ અને જડબાં પર વધારે ફેટ જમા થઈ ગઈ હતી. ડૉક્ટરોએ કહ્યું કે આના માટે વધુ એક સર્જરી કરવી પડશે."
"9 ઑગસ્ટે સવારે પાંચ વાગ્યે બૉસ્ટનમાં હૉસ્પિટલ જવા જાગી ત્યારે ખબર મળ્યા કે તાલિબાને કુન્દુઝ શહેર કબજે કર્યું છે. અફઘાનિસ્તાનનું આ પ્રથમ મોટું શહેર હતું જે તાલિબાનના હાથમાં આવી ગયું."
"તે પછીના થોડા દિવસો સુધી મારા ચહેરા ફરતે આઈસ પૅક અને બેન્ડૅજ રાખેલા હતા. હું જોતી રહી કે બંદૂકના જોરે અફઘાનિસ્તાનનો એકએક પ્રાંત તાલિબાન કબજામાં આવતો રહ્યો."
"મને ગોળી મારી હતી તેના જેવી જ આ સ્થિતિ હતી. મને ગોળી મારવામાં આવી ત્યારે હું ઉગ્રવાદ અને છોકરીઓ પર પ્રતિબંધોની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી હતી. આજે ફરી આ જ બાબતની ચિંતા મને પરેશાન કરી રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













