નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બે દાયકાથી આટલું વેર કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવા સંદર્ભે કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેના નિવેદન બાદ મંગળવારે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને એ પછી એમને કલાકમાં એમને જામીન મળી ગયા હતા. આ ઘટનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તાજેતરમાં રાણેએ કહ્યું હતું, "એ શરમજનક છે કે મુખ્ય મંત્રીને દેશનું આઝાદીવર્ષ ખબર નથી. મુખ્ય મંત્રી સ્વતંત્રતાદિવસના ભાષણમાં વર્ષ પૂછવા માટે પાછળ વળ્યા હતા. જો હું ત્યાં હોત તો એમને થપ્પડ મારી દેત."
આ પછી મહાડ, નાશિક અને પુણે ઉપરાંત અનેક શહેરોમાં શિવસેનાના નેતાઓ દ્વારા રાણે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
શિવસેનાએ કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે પર હુમલો કરતા કહ્યું કે તેમના કારણે કેન્દ્ર સરકારનું માથું શરમથી ઝૂકી ગયું છે.
તેમણે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કરવામાં આવેલી ટિપ્પણીને ગંભીરતાથી લેવી જોઈએ.
સામનામાં લખવામાં આવ્યું કે કેન્દ્રીયમંત્રી બન્યા પછી પણ રાણેનું વર્તન રસ્તે ચાલતા ગુંડા જેવું છે.
સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે જો કોઈએ આવી વાત વડા પ્રધાન વિશે કહી હોત તો, તેને દેશદ્રોહના આરોપમાં જેલ મોકલી દેવામાં આવ્યા હોત. રાણેનો ગુનો એવો જ છે. ભાજપે આની મોટી કિંમત ચૂકવવી પડશે.
જોકે ઠાકરે અને રાણે પરિવાર વચ્ચેની અદાવત બે દાયકા કરતાં પણ વધુ જૂની છે અને એ અદાવત હજુ પણ ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

22 વર્ષ પહેલાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઉદ્ધવ ઠાકરે તથા નારાયણ રાણે વચ્ચેના વેરની વાત 22 વર્ષ જૂની છે. એ સમયે રાણે શિવસેનામાં હતા અને તેમની ગણતરી ટોચના નેતાઓમાં થતી હતી. તેઓ ભાજપ-શિવસેના યુતિ સરકારમાં મુખ્ય મંત્રી પણ બન્યા હતા.
શિવસેનાના સુપ્રીમોએ રાજ્ય સરકારમાં મંત્રી એવા નારાયણ રાણેને પાર્ટીના મુખ્ય મંત્રી મનોહર જોશીના સ્થાને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારે ઉદ્ધવે તેમની પાર્ટીના નેતા રાણેને બઢતી આપવા સામે સિનિયર ઠાકરે સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
આમ છતાં બાલ ઠાકરે તેમના નિર્ણય પર યથાવત્ રહ્યા હતા અને નારાયણ રાણેને મુખ્ય મંત્રી તરીકે પ્રમોશન મળ્યું હતું.
એ સમયે બાલાસાહેબના પુત્ર ઉદ્ધવ તથા ભત્રીજા રાજ ઠાકરે વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. રાણે ફાયરબ્રાન્ડ રાજની નજીક હોવાનું માનવામાં આવતું હતું, જ્યારે જોશીને ઉદ્ધવનું સમર્થન હાંસલ હતું.

ઉદ્ધવ ઠાકરેએ નારાયણ રાણેની હકાલપટ્ટી કરી

ઇમેજ સ્રોત, Getty Images
1999માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાનો પરાજય થયો ત્યારે પરાજય માટે રાણેએ જાહેરમાં ઉદ્ધવને જવાબદાર ઠેરવ્યા હતા.
વર્ષ 2002માં રાણેએ કૉંગ્રેસ-એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)ની યુતિ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સમયે ઉદ્ધવ નિષ્ક્રિય રહ્યા હતા અને રાણેના પ્રયાસોને સમર્થન આપ્યું ન હતું.
વર્ષ 2003માં એનસીપી કાર્યકર્તાઓએ નારાયણ રાણેનું ઘર સળગાવી નાખ્યું હતું, એટલું જ નહીં શિવસેનાના કોઈ નેતાએ તેમની મુલાકાત લીધી ન હતી. આ બધું ફાયરબ્રાન્ડ ગણાતી પાર્ટીના રાજકારણથી વિપરીત હતું.
2003માં બાલાસાહેબ ઠાકરે દ્વારા તેમના પુત્ર ઉદ્ધવને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જેના કારણે પાર્ટીમાં ઊભી ફાટ પડી.
શ્રમિક પાંખ તથા વિદ્યાર્થી પાંખના નેતાઓ મોટા પાયે રાજ ઠાકરે સાથે પાર્ટી છોડી ગયા. આગળ જતાં રાણેએ પણ શિવસેના છોડી દીધી, બાદમાં ઉદ્ધવ દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી.

ઠાકરે વિ. રાણે 2.0

ઇમેજ સ્રોત, SHAHID SHEIKH/BBC
રાણેએ પહેલાં કૉંગ્રેસ અને પછી ભાજપ દ્વારા પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવી. કૉંગ્રેસમાંથી તેઓ કેન્દ્રીયમંત્રી બન્યા અને અત્યારે ભાજપમાં છે ત્યારે પણ કેન્દ્રીય કૅબિનેટમંત્રી બનાવવામાં આવ્યા છે.
છેલ્લા બે દાયકાથી રાણેના રાજકીય ઍજન્ડાનું મોટું નિશાન ઉદ્ધવ રહ્યા છે. એટલે જ કેન્દ્રીયમંત્રી બન્યા બાદની 'જનઆશીર્વાદયાત્રા' દરમિયાન તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઉપર નિશાન તાક્યું હતું.
નારાયણના દીકરા નીતેશ ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ પણ વારંવાર ઉદ્ધવના પુત્ર તથા રાજ્યની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના મંત્રી આદિત્ય ઠાકરે પર નિશાન સાધતા રહે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જ્યારે બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો કેસ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો ત્યારે રાણેના પુત્ર વારંવાર ન્યૂઝ ચેનલ્સના સ્ટુડિયોમાં આરોપ લગાવતા.
નીતેશ રાણેએ એક લાઇવ ટીવી ચર્ચા દરમિયાન આદિત્ય ઠાકરે પર ડ્રગ્સના વ્યસની હોવાનો, મૉડલો સાથે અફેયર્સ હોવાના તથા એક પર કુકર્મ આચરવાના આરોપ પણ મૂક્યો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે, રાણે તથા ઠાકરે પરિવાર વચ્ચેની દુશ્મનાવટ રાજકીય હોવા ઉપરાંત વ્યક્તિગત પણ છે. જે મહારાષ્ટ્રના રાજકારણ પર નજર રાખનારાઓથી અજાણી નથી. એટલે જ ભાજપ દ્વારા રાણેને બઢતી આપવામાં આવી હતી, જેથી કરીને તેઓ ઉદ્ધવ પર નિશાન સાધી રહ્યા છે.
મહારાષ્ટ્રનું ગૃહ મંત્રાલય એનસીપી પાસે છે, જે આ મુદ્દે મૌન છે અને માત્ર શિવસેનાએ જ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.

ભાજપ વિ. શિવસેના

ઇમેજ સ્રોત, NARAYAN RANE/TWITTER
તા. 19મી ઑગસ્ટથી રાણેએ મુંબઈમાંથી તેમની જનઆશીર્વાદયાત્રાની શરૂઆત કરી હતી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર છેલ્લા ત્રણ દાયકાથી શિવસેનાનો કબજો રહ્યો છે.
રાણેએ કહ્યું હતું કે બીએમસીમાં બદલાવની જરૂર છે, છેલ્લાં 32 વર્ષથી મુંબઈનો વિકાસ નથી થયો, પરંતુ 'માતોશ્રી'નો (ઠાકરે પરિવારનું નિવાસસ્થાન) વિકાસ થયો છે.
રાણેએ બાલાસાહેબ ઠાકરેના સ્મારકની પણ મુલાકાત લીધી હતી એટલે શિવસેના તથા નારાયણ રાણે વચ્ચેનો રાજકીય તણાવ વધી ગયો હતો.
શિવસેનાના નેતાઓએ રાણે વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે તથા અલગ-અલગ શહેરોમાં રાણે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

નારાયણ રાણેની ધરપકડ બાદ ભાજપ નેતા શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બની છે અને ઉદ્ધવ મુખ્ય મંત્રી બન્યા છે ત્યારથી શિવસૈનિકોની આક્રમતા ઓછી થઈ ગઈ હતી અને તેઓ જ્વલ્લેજ રસ્તા ઉપર ઊતરતા હતા, પરંતુ રાણેના નિવેદન બાદ તેમણે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.
બીજી બાજુ, ભાજપના કાર્યકરો પણ રસ્તા ઉપર ઊતરી આવ્યા છે અને તેમણે મુંબઈ-ગોવા હાઈવેને જામ કરી દીધો હતો.
રાણેની ધરપકડને ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બંધારણવિરોધી ગણાવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું: "મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેજીની ધરપકડ એ બંધારણીય મૂલ્યોના ભંગ સમાન છે. જનઆશીર્વાદયાત્રા દરમિયાન લોકોનું અપાર સમર્થન મળી રહ્યું છે, જેના કારણે આ લોકો પરેશાન થઈ ગયા છે. અમે લોકતાંત્રિક ઢબે લડતા રહીશું, યાત્રા યથાવત્ રહેશે."
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે "કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ અયોગ્ય નિવેદન કર્યું હોય શકે છે, પરંતુ પોલીસ કાર્યવાહી યોગ્ય નથી. તે લોકશાહી પર પ્રહાર સમાન છે."
બીજી બાજુ, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે રાણેએ કશું ખોટું નથી કહ્યું અને પાર્ટી તેમની સાથે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીજી બાજુ, શિવસેનાના સંસદસભ્ય વિનાયક રાઉતે કહ્યું છે કે ધરપકડ બાદ નારાયણ રાણેએ કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે બંધારણ પ્રત્યે થોડું સન્માન દેખાડવું જોઈએ.
રાઉતે કહ્યું, "તેમણે જે કંઈ કહ્યું તે ઘૃણાસ્પદ હતું અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની અવગણના કરી હતી. પરંતુ તેમણે જે કંઈ કહ્યું, તેનું પરિણામ ભોગવવું પડશે."
રાણેને મંત્રીપદેથી હઠાવવા માટે રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે. રાણે પોતાની જનઆશીર્વાદયાત્રા દરમિયાન રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ગોલવાલીમાં હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી તેમને મહાડ લઈ જવામાં આવ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કેટલાક અહેવાલો અનુસાર ધરપકડ બાદ રાણેએ હાઈ બ્લડપ્રેશર તથા ડાયાબિટીસની ફરિયાદ કરી હતી, જેના કારણે તપાસ માટે એક તબીબને બોલાવવામાં આવ્યા હતા.
ટેકનિકલ કારણસર રત્નાગિરિ સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી.
બીજી બાજુ, મુંબઈ હાઈકોર્ટે પણ તેમની જામીન અરજી ઉપર તાત્કાલિક સુનાવણી હાથ ધરવાનો ઇન્કાર કરી દીધો હતો અને રાણેના વકીલોને પૂછ્યું હતું કે શા માટે તેમની જામીન અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવી જોઈએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












