સાબરમતી આશ્રમ : બારસો કરોડના નવીનીકરણ પ્રોજેક્ટ વિરુદ્ધ ગાંધીવિચારનો જંગ શું છે?

સાબરમતી આશ્રમ

ઇમેજ સ્રોત, Pallava Bagla

ઇમેજ કૅપ્શન, રૂ. 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમના કાયાકલ્પનો પ્રોજેક્ટ સરકારે હાથ ધર્યો છે
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 11 મિનિટ

અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ગાંધી આશ્રમનું 1200 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. આ મુદ્દે દેશભરમાં ઊહાપોહ ઊભો થયો છે. કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. 130 જેટલા કર્મશીલો અને ગાંધીવાદીઓએ પત્ર લખીને તેની સામે વિરોધ નોંધાવ્યો છે.

તેમણે કહ્યું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ આયોજન ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે. એવું તેમનું માનવું છે.

ઈલાબહેન ભટ્ટ
ઇમેજ કૅપ્શન, ઈલાબહેન ભટ્ટનું કહેવું છે કે ગાંધીમૂલ્યો સાથે કોઈ સમજૂતી નહીં થાય.

બીબીસી સાથે વાત કરતા અમદાવાદના ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વૅશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટનાં ચૅરપર્સન ઈલાબહેન ભટ્ટે કહ્યું, "ગાંધીમૂલ્યોના જોખમે કશું નહીં કરીએ. સરકાર તરફથી એવું લેખિતમાં આપવામાં આવ્યું છે કે એનું સરકારીકરણ નહીં થાય. જે સાચવવાનું છે તે ગાંધી આશ્રમની શુચિતા, સાદાઈ, ગાંધીવિચારનાં તત્વો છે."

"તેમને જાળવીને જ આશ્રમમાં સૌની સહમતીથી અને નિસબતથી ફેરફાર થાય એ બાબતે સરકાર સાથે થયેલી મસલતમાં સમજૂતી થયેલી છે. આ બાબતો મિનિટ્સ - નોંધમાં પણ લખાયેલી છે. સરકારનો જે પત્ર આશ્રમ પર આવ્યો તેમાં આ બાબતો નોંધાયેલી છે."

સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતી ગાંધીજીની સાદગી કરોડોના ખર્ચે મરી પરવારશે એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ઈલાબહેને કહ્યું, "એવું આપણે નહીં કહી શકીએ. સરકાર પણ લોકો દ્વારા ચૂંટાયેલી છે, આપણામાંથી જ આવી છે. તેથી મુલાકાતીઓ સહિત પ્રજા અને સરકારની એટલે કે બધાંની ફરજ છે કે જે છે તેને આપણે જાળવી રાખીએ."

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર અરુણ ગાંધીએ બીબીસીને કહ્યું, " લોકોએ તો લોકશાહી પદ્ધતિથી હિટલરને પણ ચૂંટ્યો હતો. તેથી તેણે જે કર્યું એમાં બધા લોકો સહમત એવું માનવાનું? લોકશાહીમાં અસહમતીનું ખૂબ મહત્વ છે. મેં એક વખત સહમતી આપી દીધી એટલે જીવનભર સહમત જ રહેવાનું એવું ન હોય?"

તુષાર ગાંધીએ આક્ષેપ કરતાં એમ પણ કહ્યું, "ગાંધી સ્મારકનિધિ જ્યારે બની એમાં જે બંધારણીય સિદ્ધાંતો હતા એમાં સ્પષ્ટપણે એવું લખેલું છે કે કોઈ દિવસ આશ્રમ કે સ્મારકના કોઈ પણ કામમાં સરકાર સીધી સામેલ નહીં થાય. પહેલાં તો એમાં એવું પણ લખ્યું હતું કે સરકાર પાસેથી પૈસા પણ ન લેવા."

"સાથે એમ પણ લખ્યું છે કે જો જરૂર પડે તો પૈસા સરકાર પાસેથી લેવા પણ સરકારની ભૂમિકા ફક્ત પૈસા આપનાર તરીકેની જ એમાં હોવી જોઈએ. એમાં કોઈ પણ જાતનું કામ કરવાનું હોય તો એ ટ્રસ્ટની ધારણા મુજબ થવું જોઈએ."

"સરકારે ભંડોળ આપીને અલગ થઈ જવાનું રહે."

line

'સરકારની માનસિકતા મૅગલોમૅનિક'

પ્રકાશ ન. શાહ
ઇમેજ કૅપ્શન, પ્રકાશ ન. શાહ

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને વિચારપત્ર નિરીક્ષકના તંત્રી પ્રકાશ ન. શાહ સાથે બીબીસીએ વાત કરતા કહ્યું, "હાલની સરકારનું વલણ મૅગલોમૅનિયક પ્રકારનું એટલે કે ભવ્ય-અતિભવ્ય તરફ આકર્ણણ ધરાવતું છે."

"આશ્રમના સંદર્ભમાં કહીએ તો સહેજ પણ મૅગલોમૅનિયક રીતે પ્રગટ થાય એટલે ગાંધીની વિચારસરણી કરતા વિરુદ્ધ છે. સરદાર પટેલની પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોઈએ તો એ એવો ખર્ચ અને એવી પ્રતિમા હતા જે વલ્લભભાઈ પટેલને પોતાને ગ્રાહ્ય લાગે નહીં. આશ્રમને પણ વર્લ્ડ ક્લાસ ઢબે રજૂ કરવાની વાત છે."

"મૂળભૂત રીતે આ ચર્ચાને હું એક નાગરિક તરીકે જોઉં છું તો મને લાગે છે કે ગાંધી અને ગાંધી આશ્રમની વિશેષતા એના બિનસરકારી હોવામાં હોવામાં છે. સ્વરાજ પછી સરકારો ગાંધી સંસ્થાઓ જોડે એક સાનુકૂળ વલણ રાખતી અને એને ઉપયોગી થતી."

"પરંતુ સરકારથી એક 'ક્રિટિકલ ડિસ્ટન્સ' રાખવું એ ગાંધીજીનો એક સ્વાભાવિક આગ્રહ હતો. આજે જે તબક્કો છે તે આગલી સરકાર કરતાં જુદો છે. આજની સરકાર છે તે આ સમગ્ર બાબત આંચકી લેવા માગે છે. ખંડી લેવા માગે છે."

line

સરકાર સેન્ટ્રલ વિસ્ટા બનાવી શકે, આશ્રમનું નવીનીકરણ ન કરી શકે

ગાંધી આશ્રમ

ઇમેજ સ્રોત, Pallava Bagla/Getty

ઇમેજ કૅપ્શન, સાબરમતી આશ્રમના નવીનીકરણ સામે 125થી વધુ સામાજિક કાર્યકરો અને કર્મશીલોએ ખુલ્લો પત્ર લખ્યો છે

આશ્રમ નવીનીકરણ માટે સરકારે એક ગવર્નિંગ કાઉન્સિલ રચી છે. રાજ્યસભા સાંસદ નરહરિ અમીન એ કાઉન્સિલનાં સભ્ય છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "એવી કોઈ વાત જ નથી. ગાંધીમૂલ્યોને સાથે રાખીને જ એને સહેજ પણ ઝાંખપ ન લાગે એ રીતે જ આ પ્રોજેક્ટનું કામ થવાનું છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે વિશ્વના લોકો અહીં આવે અને શાંતિનો સંદેશ લઈને જાય. અહીં કોઈ મોટી ઇમારતો કે ફાઇવસ્ટાર હોટલો નથી બનવાની. ગાંધીમૂલ્યોને લગતી તમામ પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે."

પરંતુ વિશ્વના લોકો તો અત્યારે પણ આવે જ છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે વિશ્વના અનેક મોટા નેતા હોય તેઓ આશ્રમમાં વર્ષોથી આવે જ છે. આ મુદ્દે નરહરિ અમીન કહે છે કે, "હા આવે જ છે. મુદ્દો એ છે કે કોઈ સારી પ્રવૃત્તિ થઈ રહી હોય તો એનો વિરોધ કરવાની શું જરૂર છે? ગાંધી વિચારધારા વિશ્વમાં વધુ ફેલાય એ જ ઉદ્દેશ છે. અત્યારે ગાંધી આશ્રમ આસપાસ ઘણાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. હોટલો છે, નાનીમોટી દુકાનો પણ છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રકાશ ન. શાહ કહે છે, "આશ્રમના નવીનીકરણ કે ગૌરવ જે કહો તે એ પ્રોજેક્ટની વિગતો જનતા પાસે આવી હોય અને એ અંગે કોઈ જાહેર સૂચનો કે ચર્ચા થયા હોય એ જનતા જાણતી નથી. સરકાર દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બનાવે તો એ ચાલે પણ ગાંધી આશ્રમ એ વસ્તુતઃ પ્રજાની પોતાની જગ્યા છે."

"આશ્રમના ટ્રસ્ટીઓને એ મુદ્દો પકડાવો જોઈએ કે આ આશ્રમના ટ્રસ્ટીઓ અને સરકાર પૂરતો સીમિત સવાલ નથી. એ ભારતના જનવિરાટની સીધી નિસબત છે. તેથી સાદગી અને શુચીતા જળવાશે એવું ટ્રસ્ટી કે સરકાર કહે તો એનો આખો નકશો નિખાલસઢબે પ્રજા સમક્ષ મૂકવો જોઈએ."

તુષાર ગાંધી હોય કે પ્રકાશ ન. શાહ બંને એ વાત પર સહમત છે કે સરકાર જે કામ કરવા માગતી હોય તે તેમણે જાહેર કરવું જોઈએ. તેમણે રહસ્યમય ન રહેવું જોઈએ.

આ બાબતે નરહરી અમિને કહ્યું, "આમાં કોઈ રહસ્યમય રાખવાની વાત જ નથી. પ્રોજેક્ટ હજી આયોજન સ્તરે છે. પ્રોજેક્ટ ફાઇનલ થયો નથી. એ પ્રોસેસમાં છે. 55 એકરની જમીનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાં મકાનો છે. ત્યાં વિવિધ છ ટ્રસ્ટ છે. તેમની સાથે વાત ચાલે છે."

વીડિયો કૅપ્શન, ગાંધીજીનું ઘર ગણાતા સાબરમતી આશ્રમના શતાબ્દી વર્ષમાં બીબીસીની સર્જનાત્મક રજુઆત
line

'ટ્રસ્ટીઓએ કાંડા કાપીને સરકારને આપી દીધા છે'

ગાંધી આશ્રમ

ઇમેજ સ્રોત, Pallava Bagla

ઇમેજ કૅપ્શન, સરકારનું કહેવું છે કે આશ્રમના નવીનીકરણમાં ગાંધીમૂલ્યોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે

'ગાંધી સંસ્થાનો પર થતો સરકારી કબજો અટકાવો' એવા મથાળા સાથે 130 જેટલા કર્મશીલોએ પત્ર લખીને એક ઝુંબેશ આદરી છે.

જેમાં રામચંદ્ર ગુહા, રાજમોહન ગાંધી, નયનતારા સહગલ, આનંદ પટવર્ધન, ગણેશ દેવી, પ્રકાશ ન.શાહ પણ સામેલ છે. એ પત્રમાં લખવામાં આવ્યું છે કે,

"હાલની સરકાર '1949ના દેખીતા સ્વસ્થતા, સુલેહ-શાંતિ અને સુવ્યવસ્થિત વાતાવરણને 'ફરી' મેળવવા અને તેને 54 એકરમાં ફેલાયેલું 'વર્લ્ડ ક્લાસ' પ્રવાસન-સ્થળ બનાવવા માટે તૈયાર છે. તેણે 'ગાંધી આશ્રમ મૅમોરિયલ ઍન્ડ પ્રિસિંક્ટ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ' માટે રૂ. 1200 કરોડના બજેટની જાહેરાત કરી છે. અખબારના અહેવાલો અનુસાર નવા બનાવેલા 'વર્લ્ડ ક્લાસ' મૅમોરિયલમાં નવા સંગ્રહાલયો, એક એમ્ફી થિયેટર, વીઆઈપી લાઉન્જ, દુકાનો, ફૂડ કોર્ટ વગેરે હશે."

"અહેવાલો કહે છે કે આ પ્રોજેક્ટ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની સીધી દેખરેખ હેઠળ થશે. દેશની તમામ ગાંધીવાદી સંસ્થાઓને સરખી કરવી અને તેનું વ્યાપારીકરણ કરવાની હાલની સરકારની વ્યૂહરચનાને અનુરૂપ આ પગલું છે."

"આનું સૌથી ખરાબ ઉદાહરણ સેવાગ્રામમાં જોઈ શકાય છે, પરંતુ તમામ ગાંધીવાદી આર્કાઇવ્સ પર સરકારી નિયંત્રણ એ સૌથી ભયાનક પાસું છે. જયારે મહાત્મા ગાંધીની જે તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમની વિચારધારા હજુ પણ ભારતમાં સત્તામાં રહેલા કેટલાક લોકોને પ્રેરણા આપે છે, ત્યારે આ જોખમને નજરઅંદાજ ન કરી શકાય."

ગાંધી આશ્રમમાં આવેલા મુલાકાતીઓ

ઇમેજ સ્રોત, Pallava Bagla/Getty

ઇમેજ કૅપ્શન, દર વર્ષે ગાંધી આશ્રમમાં દેશ અને દુનિયાના લોકો મુલાકાત લેવા આવતા હોય છે.

"ગાંધી આશ્રમના નવીનીકરણને લીધે આશ્રમ જે સાદગી અને ગાંધીમૂલ્યોનો સંદેશ આપે છે એ નામશેષ થશે એવો તેમનો આરોપ છે. પત્રમાં તેઓ લખે છે કે, "1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આશ્રમની સાદગી સંપૂર્ણપણે ખોવાઈ જશે. દર વર્ષે લાખો ભારતીયો, ખાસ કરીને શાળાનાં બાળકો, તેમ જ વિદેશી મુલાકાતીઓ સાબરમતી આશ્રમમાં આવે છે."

"પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્થળને ક્યારેય 'વર્લ્ડ ક્લાસ' નવનિર્માણની જરૂર નથી. ગાંધીની આભા અને આ સ્થળની અધિકૃતતા અને સરળતા એ માટે પૂરતી છે."

"આશ્રમમાં આવેલ હૃદય કુંજ, અન્ય ઐતિહાસિક ઇમારતો, અને વર્તમાન સંગ્રહાલયો, જો અડવામાં ન આવે તો પણ તે કેન્દ્રમાં રહેશે નહીં, પરંતુ નવા મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, દુકાનો વગેરે દ્વારા ખૂણામાં ધકેલી દેવામાં આવશે."

"સૂચિત યોજના શ્રેષ્ઠ રીતે 'ગાંધી થીમ પાર્ક' અને સૌથી ખરાબ રીતે ગાંધીની 'બીજી હત્યા'ની કલ્પના કરે છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે."

line

'મોદી પણ ગુજરાતી અને ગાંધીજી પણ ગુજરાતી'

ગાંધી આશ્રમની મુલાકાતે મોદી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, ગાંધી આશ્રમની મુલાકાતે મોદી ( ફાઇલ ફોટો)

નરહરી અમીને કહ્યું, "ગાંધીજીની પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. 1200 કરોડ રૂપિયા જે છે એમાં રસ્તા, લાઇટ્સ, પાર્કિંગની સુવિધા વગેરે કરવાની છે. બગીચો બનાવવાનો છે. હોટેલો, રેસ્ટોરાં કે વૈભવી ઇમારતોની વાત જ નથી. સાદગી અકબંધ જ રહેશે."

"જે લોકો આશ્રમ પરિસર આસપાસ રહે છે. તેમને નવા મકાનો તેમજ વળતર વગેરે આપવાનું છે. એ બધું મળીને રૂ. 1200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે."

"ગાંધીજી પણ ગુજરાતી હતા. ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદીને મન ગાંધીજીનું ખૂબ મહત્વ છે. તેથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગાંધી આશ્રમને જેમ છે તેમ જાળવી રાખવા માટે 130 લોકોએ લખેલા સહ્યારા પત્ર પછી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટે એક પ્રેસનિવેદન બહાર પાડ્યું હતું.

જેમાં લખ્યું હતું કે, "ટ્રસ્ટીઓ એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે આ જગ્યાએ આટલા વર્ષોથી વિશ્વ માટે જે નૈતિકતા અને મૂલ્યોની પ્રતિષ્ઠા કરી છે તેને સુરક્ષિત રાખવામાં આવે અને ગુણવત્તા વધારવામાં આવે. આનો અર્થ એ છે કે આશ્રમ હમેશા વિશ્વ માટે ગાંધીજીની છેલ્લી વ્યક્તિ તરફ ધ્યાન આપવાની હાકલ, તમામ બાબતોમાં સાદાઈ, કરકસર, મિતવ્યવસ્થા, શુચિતા અને કુદરત સાથે માનવી પ્રત્યેનો આધરનો સંદેશ આપતો રહેશે. અમારી સમજણ છે કે આ પરિસર સાથે સંકળાયેલા તમામ હિતધારકો અને અધિકારીઓ જેની સાથે આશ્રમના ટ્રસ્ટીઓ સંપર્કમાં છે તેમની વચ્ચે આ મૂલ્યો વિશે સમજ પ્રવર્તે છે."

તુષાર ગાંધીએ કહ્યું કે ટ્રસ્ટીઓએ આ નિવેદન કરીને પોતાના કાંડા કાપીને આપી દીધા છે.

તુષાર ગાંધી

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી

જે 130 લોકોએ પત્ર લખ્યો છે તેમાં પ્રકાશ ન. શાહ પણ છે. તેમણે બીબીસીને કહ્યું, "હું જરૂર એમ ઇચ્છું કે આ પત્ર લખીને સહી કરનારાઓ તેમજ સરકાર વચ્ચે વાત થાય."

"એમાં સહેજ પણ મોડું થયું નથી. સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચે જે સમજૂતી થઈ હોય એની વિગતો પણ મૂકવી જોઈએ. એમાં સુધારાવધારાને અવકાશ છે એમ વાત કરવી જોઈએ. જેમણે પત્ર લખ્યા છે એ કોઈ આશ્રમના વિરોધીઓનો મોરચો નથી."

"આ ગાંધીપ્રેમી અને આશ્રમના પ્રેમીઓની સહ્યારી નિસબત છે. અને એ વાઇડર કન્સલ્ટેશન મારફતે નિવારવી જોઈએ."

પરંતુ ઈલાબહેને તેમજ આશ્રમના ટ્રસ્ટીઓએ લેટરમાં પણ કહ્યું છે કે, આશ્રમની સાદગી અકબંધ રહેશે. આનો જવાબ આપતાં પ્રકાશ ન. શાહે કહ્યું કે, "ઈલાબહેને કહ્યું હોય તો એમનાં મોંમાં સાકર, પણ આ બાબત સમગ્ર પ્રજાકીય પ્રક્રિયામાં થઈને જવી જોઈએ."

તુષાર ગાંધી ટ્રસ્ટી તેમજ સરકારને કહે છે કે, "તમે આશ્રમનું હિત જ જોવા માગતા હોય તો એક બ્લૂપ્રિન્ટ લઈને લોકોની વચ્ચે કેમ નથી આવતા? લોકોની સહમતીથી કામ થશે."

વીડિયો કૅપ્શન, એ આશ્રમ જ્યાં સ્વરાજની લલક લઈને સરદારની આંગળી પકડીને ચાલતા લોકો માટે
line

'ગોડસેના મંદિર બનાવતા લોકો ગાંધી આશ્રમની ચિંતા કરવા માંડે તો શંકા જાય જ'

ઈલાબહેન ભટ્ટ
ઇમેજ કૅપ્શન, 130 કર્મશીલોએ પત્ર લખીને આશ્રમના નવીનીકરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે

એક વાત એવી પણ થઈ રહી છે કે ગાંધી આશ્રમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એનાંથી એક એવી છાપ પણ ભવિષ્યમાં ઊભી થશે કે નવીનીકરણ પછી ગાંધી આશ્રમ જો કોઈને દિવ્ય કે ભવ્ય કે આકર્ષક લાગતો હોય તો એ ભાજપનાં શાસનમાં થયું છે. મોદી સરકારે કર્યું છે. આવા એક અભિપ્રાયની આશંકા વ્યક્ત થઈ રહી છે.

આ વિશે ઈલાબહેને કહ્યું હતું, "આશંકા તો અનેક પ્રકારની હોઈ શકે. અમે તો શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ છીએ. સરકાર એટલે તો ચૂંટાયેલી સરકાર. એમાં તો પક્ષાપક્ષી હોય જ પણ હજુ સુધી આમાં કોઈ પાર્ટી પૉલિટિક્સ કે દબાણ આવ્યું નથી."

અમદાવાદનાં કર્મશીલ તેમજ ગાંધીપ્રેમી મનીષી જાનીએ કહ્યું કે, "જે લોકો ગોડસેના મંદિર બનાવતા હોય એ લોકો ગાંધી આશ્રમની ચિન્તા કરવા માંડે તો શંકા તો જાય જ. આ ફાસીવાદી સરકાર છે. દરેક સંસ્થાઓને ખતમ કરી રહી છે."

"સ્વાયત્તતાને ખતમ કરી રહી છે. ઇતિહાસ એવું કહે છે કે એ હંમેશા પોતાનાથી જુદા પ્રકારના ઇતિહાસને ભૂંસવા પ્રયત્ન કરતા હોય છે. આશ્રમનું નવીનીકરણ એ ઇતિહાસ ભૂંસવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે. એટલા માટે પણ અમે વિરોધ કરીએ છીએ."

મનીષી જાની
ઇમેજ કૅપ્શન, મનીષી જાની

મનીષી જાનીએ પણ ટ્રસ્ટીઓને હાકલ કરી કે, "સરકાર આવી એક સંસ્થાને હાથમાં લઈ લેવા માગતી હોય ત્યારે ટ્રસ્ટીઓએ બોલવું જોઈએ. ટ્રસ્ટી એટલે શું? અંતે તો રખેવાળ જ છેને, એ માલિકો નથી.

તેઓ ઉમેરે છે, " સાચવણી કરવાની તેમની ફરજ છે. ગાંધીજી હોત તો પોતે પણ અત્યારે આશ્રમનાં નવિનીકરણ સામે લડવા નીકળી પડ્યા હોત. ગાંધીજી હોત તો શું એ ટ્રસ્ટીઓની જેમ મૌન રાખીને બેઠા હોત?"

" આ સવાલ ટ્રસ્ટીઓએ જાતને પૂછવાની જરૂર છે. આવો વિચાર, સત્યાગ્રહનો વિચાર ટ્રસ્ટીઓને આવવો જ જોઈએ."

ટ્રસ્ટીઓની ટીકા થઈ રહી છે એ મુદ્દે ઈલાબહેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,

"ટીકા તો કરી શકે. જાહેર જીવનમાં આ કોઈ નવો અનુભવ નથી. આશ્રમમાં જે કોઈ કામમાં જ્યારે પણ મૂલ્યોનો ભંગ થશે તો એ બાબતનો સત્યાગ્રહ કરવામાં અમે ડરતા નથી. મને તો એકંદરે અમદાવાદનાં લોકોનો અને બીજા લોકોનો ટેકો જ દેખાય છે. કોઈની નિસબત કે અભિપ્રાય જુદા હોય તો એ કહેવાની લોકશાહીમાં છૂટ છે, અને આપણે બધું નૅગેટિવ જ શા માટે લઈએ?

line

'સરકાર જે પરિવારોને આશ્રમ પરિસરમાંથી હટાવશે એ જમીનની માલિકી કોની રહેશે?'

સાબરમતી આશ્રમમાં કસ્તુરબાનો ઓરડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાબરમતી આશ્રમમાં કસ્તુરબાનો ઓરડો

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટમાં છ ટ્રસ્ટીઓ છે. કાર્તિકેય સારાભાઈ, સુદર્શન આયંગર, નિતિન શુક્લ, અશોક ચેટરજી, અમૃત મોદી તેમજ ઈલાબહેન ભટ્ટ.

આશ્રમનાં ટ્રસ્ટીઓનાં વલણ પર ગાંધીપ્રેમીઓ તેમજ ગાંધીજીના વંશજો સવાલ ઉઠાવી રહ્યા છે.

તુષાર ગાંધીએ કહ્યું હતું કે, "જે કાંઈ નિવેદનો ટ્રસ્ટીઓ તરફથી આવી રહ્યા છે તેમાં તો કાયરતા દેખાય છે. જો ટ્રસ્ટીઓ કાંઈ કરી ન શકતાં હોય તો બહેતર છે કે તેઓ રાજીનામું આપી દે."

"તેઓ કહી દે કે તેમને જે જવાબદારી આપી હતી તે નથી નિભાવી શકતા. આ બાબતે પણ કોઈ ખુલાસો નથી કે આશ્રમ પરિસરમાં જે પરિવારો પેઢીઓથી રહે છે."

"નવીનીકરણનાં ભાગરૂપે તેમને પૈસા વગેરે આપીને અન્ય સ્થળે મોકલવાનું ચાલી રહ્યું છે."

"મુદ્દો એ છે કે જે લોકોનું સ્થાનફેર થશે એ જે મીલકતનું હસ્તાંતરણ છે એ પછી કોની રહેશે? હાલમાં તો એ હરિજન સેવક સંઘના ઇજારામાં છે."

"સરકાર જો પૈસા આપીને તેમને છૂટા કરશે તો એ ટુકડાની માલિકી કોની રહેશે? એના વિશે ન તો કોઈ ખુલાસો થયો છે કે ન તો ટ્રસ્ટીઓ કોઈ જવાબ માગી રહ્યા."

line

'ગાંધીઆશ્રમનું ઝૂંપડું ગૂંચવાઈ જાય'

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો પરિવાર સહિત

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો પરિવાર સહિત 2018માં સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા ત્યારે

મનીષી જાની માને છે કે ગાંધી આશ્રમનું નવીનીકરણ એ તેને છેવાડાના માનવીથી દૂર થઈ જવાની પ્રક્રિયા છે. તેઓ કહે છે :

"ગાંધી આશ્રમ જાવ તો તમને સાદગીની ભાવના આવે. હવે એની આસપાસ તમે મહેલો ચણો એ કેવું લાગે. મહેલોની આસપાસ ઝૂંપડું. આ પરિસ્થિતિ ન ચલાવી લેવાય. ગાંધી આશ્રમ પાસેથી પસાર થતા હો અને અંદર લટાર મારવી હોય તો તે એકદમ સરળ છે."

"કોઈ ટિકિટ નહીં, કોઈ સિક્યૉરિટી નહીં. તરત તમે અંદર જઈ શકો છો. કોઈ બંધન નથી, સહજ છે. જ્યારે ટિકિટો આવે, બંધન થઈ જાય, ખાદીના બ્યૂટિક થઈ જાય."

"ચકચકિત દુકાનોમાં ખાદી વેચાય. આ બધું ચલાવવા માટે ટિકિટ તો રાખવી જ પડે તમે એક પ્રકારની ચારણી કરીને સામાન્ય માણસને ત્યાંથી દૂર કરી રહ્યા છો.

માર્ચ 2021માં જ્યારે નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માર્ચ 2021માં જ્યારે નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા

બીજો મુદ્દો એ છે કે માનવજાતના ઇતિહાસમાં જે દશ સૌથી અગત્યની કૂચ ગણાય છે એ દાંડીકૂચ ગાંધી આશ્રમમાંથી નીકળી હતી. તમે ચારે તરફ વર્લ્ડ ક્લાસ ટુરિઝમની વાત કરો એટલે સત્યાગ્રહ શબ્દની ગરિમા ઝાંખી પડે છે. સત્યાગ્રહની વિભાવના મરી પરવારે છે. એની સામે વાંધો છે. સરકાર અને ટ્રસ્ટીઓ ભલે કહે પણ આજુબાજુમાં આડંબર ઊભા થાય તો સાદગી અને શુચિતા કેવી રીતે સચવાય? ગુમ થઈ જાય. આ તો ચારેબાજુ મહેલોની વચ્ચે ઝૂંપડું મૂકી દો એવી વાત છે. ઝૂંપડું અટવાઈ જાય, ગૂંચવાઈ જાય.

અખબાર ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને ટાંકીએ તો નવીનીકરણ થયા બાદ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટ પાંચ એકરમાંથી 53 એકરમાં વિસ્તરશે. આસપાસમાં જે 177 બિલ્ડિંગ્સ છે, એમાંથી 65 આ નવતર કૅમ્પસમાં રહેશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ પ્રકારનું ટ્વીટ કરીને એક પત્ર સાથે જોડ્યો હતો.

ટ્વીટમાં તેમણે કહ્યું હતું 'ગાંધી આશ્રમની પવિત્રતા અને ગૌરવને નષ્ટ કરવા એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રત્યેનો અનાદર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ફેરવિચારણા તેમજ હસ્તક્ષેપ કરીને ઐતિહાસિક આશ્રમને જેમ છે તેમ અકબંધ રાખવો જાઈએ.'

સાબરમતી આશ્રમ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ત્યારે તેમણે પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું હતું કે, "સાબરમતી આશ્રમને નષ્ટ કરીને તેને સંગ્રહાલયમાં ફેરવી નાખવાનો ગુજરાત સરકારનો જે નિર્ણય છે તે આંચકાજનક છે. ગાંધીજીએ તેમના જીવનનાં મૂલ્યવાન 13 વર્ષ તે આશ્રમમાં ગાળ્યા હતા. લોકો એ પવિત્ર જગ્યા પર આવીને નિહાળે છે કે ગાંધીજી કેવી સાદગીભરી રીતે ત્યાં જીવ્યા હતા. આજે જ્યારે સમાજ વિભાજીત ભાસે છે ત્યારે સમાજના દરેક વર્ગને સાથે લઈને ગાંધીજીએ સ્વાતંત્ર્ય માટેના નિર્ણયો લીધા હતા."

"સાબરમતી આશ્રમ તેની સંવાદિતા અને બંધુતાના ખ્યાલ માટે જાણીતો છે. "

"દેશ તેમજ દેશાવરમાંથી લોકો ગાંધી આશ્રમ જોવા આવે છે ત્યારે કોઈ વર્લ્ડ ક્લાસ ઇમારતને નિહાળવા નથી આવતા. લોકો તે સ્થળની સાદગી અને આદર્શને બિરદાવે છે. તેથી એ સ્થળ આશ્રમ કહેવાય છે, નહીં કે મ્યુઝિયમ."

"આ નિર્ણય રાજકીય રીતે લેવાયો છે જેનો ઇરાદો ગાંધીજી સાથે જોડાયેલી બાબતોને બદલવાનો છે. એવું કહીને ગેહલોતે એમ પણ લખ્યું છે કે, આ પ્રકારનું કાર્ય ઇતિહાસમાં નીચું લેખાશે. આવનારી પેઢી વારસાને નુકસાન કરનારાને માફ નહીં કરે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.