અમદાવાદમાં બનનારું દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ ઍન્કલેવ કેવું હશે?

સ્પૉર્ટ્સ સંકુલના પ્લાનની તસવીર

ઇમેજ સ્રોત, PRESIDEN OF INDIA YOUTUBE CHANNEL SCREEN GRAB

ઇમેજ કૅપ્શન, સ્પૉર્ટ્સ સંકુલના પ્લાનની તસવીર
    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે અમદાવાદમાં દેશના સૌથી મોટા સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું.

ગૃહ મંત્રી અમિત શાહ પણ ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, “233 એકરમાં ફેલાયેલું આ સ્પૉર્ટ્સ સંકુલ દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ સંકુલ હશે અને કૉમનવેલ્થ ગૅમ્સ હોય કે ઑલિમ્પિક હોય, અમદાવાદ તેના આયોજન માટે 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે.”

વિશ્વના સૌથી મોટા સ્પૉર્ટ્સ સંકુલમાં વિવિધ રમતોના કુલ 20 સ્ટેડિયમ બનવાના છે. આ તમામ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાના હશે. જેથી તેમાં આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ શકે.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદ હવે દેશનું સ્પૉર્ટ્સ સિટી બનશે. ખેલના અનેક કુંભ સાબરમતીની આ જમીન પર રમાશે.

line

શું ખાસ છે સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલમાં?

સ્પૉર્ટ્સ સંકુલની તસવીર

ઇમેજ સ્રોત, PRESIDEN OF INDIA YOUTUBE CHANNEL SCREEN GRAB

ઇમેજ કૅપ્શન, સ્પૉર્ટ્સ સંકુલની તસવીર

બુધવારે મોટેરા ખાતે બનેલા ક્રિકેટ સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. 63 એકરમાં ફેલાયેલું આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલનો એક ભાગ બનવાનું છે.

સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલ એ મોટેરા ખાતે 215 એકરમાં બનશે. જ્યારે અંદાજે 18 એકરથી વધુનું સ્ટેડિયમ અમદાવાદના નારણપુરામાં બનશે.

આ સ્પૉર્ટ્સ સંકુલ અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરમાં બની રહ્યું છે. અમિત શાહે આ સ્પૉર્ટ્સ સંકુલ વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ સ્પૉર્ટ્સ સંકુલ 4600 કરોડના ખર્ચે બનશે. જેમાં 3200 કરોડ રૂપિયા સરકાર ખર્ચશે, જ્યારે 1400 કરોડનો ખર્ચ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી કરાશે.

આ સ્પૉર્ટ્સ સંકુલમાં 50 હજાર લોકો બેસી શકે તેવું ફૂટબૉલ અને ઍથ્લેટિક્સનું સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત 15 હજાર અને 12 હજાર લોકોની ક્ષમતાવાળાં બે ઇન્ડોર સ્ટેડિયમ બનશે.

હૉકી માટે 15 હજાર લોકોની ક્ષમતા વાળું સ્ટેડિયમ બનાવવામાં આવશે.

line

કંઈ કંઈ રમતના મેદાનો બનશે?

તસવીર

ઇમેજ સ્રોત, PRESIDEN OF INDIA YOUTUBE CHANNEL SCREEN GRAB

ઇમેજ કૅપ્શન, તસવીર

સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલમાં ઑલિમ્પિકની 20 રમતોના સ્ટેડિયમ બનશે. જેમાં ઍથ્લેટિક્સ, ફૂટબૉલ, ઍક્વેટિક્સ (સ્વિમિંગ અને તેની સાથે જોડાયેલી સ્પર્ધાઓ), બાસ્કેટ બૉલ, ટેનિસ, હૉકી, બૅડમિન્ટન અને સાયક્લિંગની સ્પર્ધા માટે સ્ટેડિયમ બનશે.

હૉકી, રગ્બી અને ફૂટબોલ વિવિધ જગ્યાએ રમી શકાય તે માટે અલગ અલગ મેદાનો મુખ્ય સ્ટેડિયમની બાજુમાં બનશે.

હૉકી સ્ટેડિયમની પાછળ ઇન્ડૉર સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્ષ બનશે. ફૂટબૉલ માટે બીજી એક ફિલ્ડ અલગથી ફાળવવામાં આવી છે. જ્યારે સ્કૅટિંગ ટ્રેક, ટેનિસ કૉર્ટ, મલ્ટિપલ સ્પૉર્ટ્સ એરેના બનશે.

સાયક્લિંગ માટે વેલોડ્રૉમ પણ બનશે. આ સાયક્લિંગ માટેના વેલોડ્રૉમની પાસે વૉલિબોલનું સ્ટેડિયમ બનશે.

line

રમતવીરોને રહેવા બનશે 3000 ઍપાર્ટમૅન્ટ્સ

સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલમાં 12 હજાર પાંચસો બાળકો એક સાથે રહી શકે માટે 3 હજાર ઍપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. ખેલાડીઓને સારી સુવિધા મળી શકે તે માટે 250 જેટલાં કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

સ્પૉર્ટ્સ સંકુલમાં 12 હજાર કાર અને 25 હજાર ટૂ વ્હીલર પાર્ક થઈ શકે તે માટે પાર્કિંગ બનાવવામાં આવશે.

રિવરફ્રન્ટને પણ લાંબો કરીને તેના રસ્તાઓ સાથે આ સ્પૉર્ટ્સ સંકુલમાં જોડાશે. આ ઉપરાંત સ્પૉર્ટ્સ સંકુલને જોડતા બે નવા બ્રીજ બનશે. એક બ્રીજ મોટો હશે જ્યારે બીજો પૅડેસ્ટ્રિયન બ્રીજ બનશે.

સ્પૉર્ટ્સ સંકુલને જોડતા પૅડેસ્ટ્રિયન બ્રીજની બીજી બાજુ હૉટલ, કૉમર્શિયલ એકમો, મીડિયા આઉટલૅટ્સ વેગેરે બનાવવામાં આવશે.

આ સ્પૉર્ટ્સ સંકુલને મેટ્રો દ્વારા જોડવાની યોજના બનાવવામાં આવી છે.

મોટેરા ખાતે 213 એકરમાં સ્પૉર્ટ્સ સંકુલ બનશે. જ્યારે બીજું 18 ઍકરમાં અમદાવાદના નારણપુરામાં 458 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. જેમાં એથલેટિક્સ, મલ્ટી સ્પોર્ટ્સ સ્ટેડિયમ તૈયાર થશે.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો